તરંગઃ - ૭૦ - શ્રીહરિ ગામ કરજીસણમાં જન્માષ્ટમી કરીને ગામ ડાંગરવે પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:30am

પૂર્વછાયો

બે માસ રહીને પોતે, અક્ષરપતિ અવિનાશ । પંચાળે ગયા પ્રેમ થકી, ભક્ત ઝીણાભાઇ પાસ ।।૧।। 

અગણોતેરો કાળ આવે છે, જીવન જાણ્યું જરૂર । સો કળશી જાર્ય લઇને, ભરી ખાણ્યો ભરપૂર ।।૨।। 

ત્યાંથી પાછા આવ્યા ગઢડે, શ્રીહરિ સુંદરશ્યામ । ગુજરાતમાં પત્ર લખ્યા, સંત પ્રત્યે શુભ કામ ।।૩।। 

સર્વ મુનિને આજ્ઞા કરી, વાંચી લેજ્યો વર્તમાન । ખટરસ પાળજ્યો પ્રેમે, વર્તજ્યો થઇ સાવધાન ।।૪।।

 

ચોપાઇ

 

રહ્યા ગઢપુરે હરિ જાણ, સંતને પત્ર લખ્યા પ્રમાણ । આવી છે હુતાશની ત્યાં સાર, વાલાને ગમી તે નિરધાર ।।૫।। 

સમૈયો કર્યો સુંદરશ્યામ, સર્વેને તેડાવ્યા તેહ ઠામ । સંતને આવતા જાણ્યા જ્યાંય, પ્રભુ સામા પધાર્યા છે ત્યાંય ।।૬।। 

ગામ કુંડલે ગયા છે આપ, સૌ મુનિને થયો છે મેળાપ । મળ્યા પ્રેમવડેથી મુરારી, પોતાના સાધુને સુખકારી ।।૭।। 

મામૈયા પટગરને ઘેર, ત્યાં ઉતારો કર્યો સુખભેર । ૧ગોધુમની મોળી થુલી જેહ, સર્વે સંતને પિરસાવે તેહ ।।૮।। 

મોટા મોટા કાઠી જે વિખ્યાત, જાણી ખટરસની તેણે વાત । સાધુ પાળે છે કઠણ વરત, હરિજનોયે દેખ્યું છે તરત ।।૯।। 

કર્યું મહારાજનું સ્તવન, હવે છુટી કરો ભગવન । થયાં સાધુનાં કૃશ શરીર, દુર્બળ દેખીને રહે નહી ધીર ।।૧૦।। 

એમ કહી મુકાવ્યાં વરતન, ઘણા રાજી થયા ભગવન । મોળી થુલી પિરશીતી ત્યાંય, ઘણા ઘી ગોળ આપ્યાં તેમાંય ।।૧૧।। 

જમીને તુપ્ત થયા જે વાર, પછે પ્રભુજી થયા તૈયાર । સર્વે સાધુ સંગે અલબેલ, ગઢપુરે પધાર્યાછે છેલ ।।૧૨।। 

ફુલડોલને દિવસે ત્યાંય, ઘણો હર્ષ વધ્યો મનમાંય । રંગ ગુલાલ ઉડે અબીર, મનમોદ ધરે નરવીર ।।૧૩।। 

કર્યા ઉત્સવ ત્યાં ઘણીવાર, આપ્યાં ભક્તને સુખ અપાર । પછે રંગભરેલા રંગીલો । ઘેલા નદી ગયા અલબેલો ।।૧૪।। 

કર્યું છે તેમાં જઇને સ્નાન, બહુનામી સદા બળવાન । સંત હરિજન લઇ સંગ, ઉતારે પધાર્યા છે ઉમંગ ।।૧૫।। 

દાદાખાચરના ઘરમાંય, સંતને જમાડ્યા ઘણું ત્યાંય । પછે વિચાર્યું દીનદયાળે, ત્યાંથી પધાર્યા ગામ પંચાળે ।।૧૬।। 

ગયા જાળીયે ત્યાંથી જીવન, વળી વિચાર કર્યો છે મન । મંદવાડ લીધો ભગવાન, તજી દીધાં પોતે ખાનપાન ।।૧૭।। 

ભગુજી પાર્ષદ હીરાભાઇ, વળી વિવેકી છે રત્નબાઇ । એ આદિ ભક્ત આવ્યા છે પાસ, કરે પ્રાર્થના થઇ દાસ ।।૧૮।। 

હે કૃપાનાથ કરો ભોજન, ત્યારે બોલ્યા છે શ્રીભગવન । અમે પોતે છૈયે આત્મારામ, વળી બ્રહ્મનિષ્ઠ પૂરણકામ ।।૧૯।। 

નથી જમવાની તો જરુર, સત્ય વાત માની લેજ્યો ઉર । એમ કેતા સતા અવિનાશ, રહ્યા શ્રીહરિ ત્યાં એક માસ ।।૨૦।। 

પાછા ગઢડે પધાર્યા શ્યામ, નિજ સેવકના સુખધામ । ત્યાં મુક્તાનંદ આદિક સંત, મળ્યા શ્રીજીને સર્વે મહંત ।।૨૧।। 

પછે મુક્ત મુનિયે તે વાર, શ્રીહરિને પુછ્યા સમાચાર । હે કૃપાનાથ હે દીનબંધુ, સુણો શામળીયા ગુણસિંધુ ।।૨૨।। 

ઘણો મંદવાડ છે આ વાર, એવી ખબર મળી નિરધાર । ત્યારે બોલ્યા છે જીવનપ્રાણ, સુણો મુક્તમુનિ મુજવાણ ।।૨૩।। 

ન હતો મંદવાડ તેહ ઠાર, બીજો થયો તો મન વિચાર । તમે તપ કર્યું અભિરામ, નિશ દિન જપો મુજ નામ ।।૨૪।। 

માટે સંત સર્વેને સોહાય, કિયા ધામે રાખવા સદાય । તે સારું જોવા ગયાતા ધામ, કર્યું માસ સુધી એજ કામ ।।૨૫।। 

ગોલોક ને બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ વૈકુંઠાદિ પરમ । તેમાં તમને રાખવાનું જેહ, એકે ધામ દેખ્યું નહિ તેહ ।।૨૬।। 

અક્ષરમાં તેડી જૈશું અમે, અમારા સમીપે રેજ્યો તમે । અક્ષરધામની જુદી રીત, નથી કોઇ ધામમાં પુનિત ।।૨૭।। 

સંત હરિજન ને આશ્રિત, લાગે પ્રાણ થકી પ્યારા ચિત્ત । સર્વેને રાખીશું મુજ પાસ, દેશું બ્રહ્મમોલમાં નિવાસ ।।૨૮।। 

એવે અભયખાચર જેહ, તેમણે ત્યાગ કર્યો છે દેહ । આવ્યાં આકાશે ઘણાં વિમાન, શ્રીહરિની ઇચ્છા બળવાન ।।૨૯।। 

વાજે દુંદુભી દેવનાં ત્યાંય, નાનાવિધે તે વ્યોમની માંય । જોતામાં થયા દિવ્યસ્વરૂપ, અક્ષરધામે ગયા અનુપ ।।૩૦।। 

પછે દાદાખાચરને સાર, વાલે કહ્યો પોતાનો વિચાર । હવે ખરચ કરો રૂડી રીત, તે વિષે વાપરો ઘણું વિત્ત ।।૩૧।। 

તે સુણીને પકવાન સાર, તેની રસોઇ કરાવી ત્યાર । સંત સત્સંગીને શુભમન, ભાવે કરાવ્યાં રૂડાં ભોજન ।।૩૨।। 

નાતજાતિના સંબંધી જન, કુટુંબી મિત્ર ગામના અન્ય । તે સર્વેને કરાવ્યું પ્રાશન, પોતે રાખીને ઉદાર મન ।।૩૩।। 

દાદાખાચરની સદખ્યાત, દશ દિશાયોમાં ચાલી વાત । પછે શ્રીહરિ પરમ દયાળ, પોતે પધાર્યા છે વડતાલ ।।૩૪।। 

રંગસપ્તમી ઉત્સવ જેહ, વૃત્તપુરીમાં કર્યો છે તેહ । જોબનપગીની ફળી મોઝાર, રંગ ઉડાડ્યો છે ત્યાં અપાર ।।૩૫।। 

પછે સંતને ફરવા કાજે, આજ્ઞા આપી શ્રીજી મહારાજે । પુના સુરતને ધર્મપુર, ભરુચાદિમાં ફરવું જરુર ।।૩૬।। 

એમ કહીને પોતે જરુર, રસીયોજી ગયા ગઢપુર । પંચરાત્રિ રહ્યા તેહ સ્થાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૩૭।। 

જેતલપુરે આવ્યા તે દીશ, ત્યાંથી ચાલ્યા છે ઇશના ઇશ । શ્રીનગર થઇને સુંદરશ્યામ, પધાર્યા કરજીસણ ગામ ।।૩૮।।

ભક્ત ગોવિંદાદિ જન જેહ, સામૈયું લઇ આવ્યા છે તેહ । ગામમાં તેડી ગયાછે હરખે, નરનારી ત્યાં નાથને નિરખે ।।૩૯।। 

આપ્યો છે ઉતારો રુડે સ્થાન, પ્રેમવડેથી દેઇને માન । પછે કરાવ્યાં મિષ્ટ ભોજન, પ્રાણપતિને કર્યા પ્રસન્ન ।।૪૦।। 

બીજે દિવસે જીવન પ્રાણ, ભક્ત પ્રત્યે બોલ્યા વાલો વાણ । જન્માષ્ટમીનો સમૈયો આંય, કરવાનો ધાર્યો છે મનમાંય ।।૪૧।। 

ગોવિંદ ભક્ત કે મહારાજ, અતિઉત્તમ ધાર્યું એ કાજ । સમૈયો કરોને આ ઠાર, અમારા ભાગ્યનો નહિ પાર ।।૪૨।। 

કંકોત્રિયો લખાવી છે પ્રીત, સૌને તેડાવ્યા છે રુડી રીત । આવ્યા સર્વે સંત હરિજન, દેશોદેશ વિષેથી પાવન ।।૪૩।। 

જન્માષ્ટમીને દિવસે સાર, પ્રભુ પધાર્યા ગામથી બાર । પૂર્વ દિશાની ભાગોળ જ્યાંય, સર્વે સંઘ મળી ગયો ત્યાંય ।।૪૪।। 

હિંડોળો બંધાવ્યો વડવૃક્ષ, પ્રભુ બિરાજ્યા તેમાં પ્રત્યક્ષ । દેછે સૌને રુડાં દર્શન, સુખ આપે છે શ્રીભગવન ।।૪૫।। 

ગોવિંદજીયે રુડે પ્રકાર, પૂજા કરી ધરી મન પ્યાર । સંત હરિજનોએ સમાન, પ્રેમે પૂજાઓ કરી નિદાન ।।૪૬।। 

થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન, સભા સુણતાં બોલ્યા વચન । આ ગોવિંદજી તે મહાભાગ, એના ઘરમાં છે શું રુડો રાગ ।।૪૭।। 

સર્વે મનુષ્યનો સંપ એક, હેત પ્રીત વર્તે છે વિશેક । જેના ઘરમાં છે એવો સંપ, તેને સઘળી વાતે છે જંપ ।।૪૮।। 

મહાકૂપમાં પૂરણજલ, તેમ અન્ન ધન તે પાસલ । તેનું કારણ સૌ તમે જાણો, મમશરણનું બળ પ્રમાણો ।।૪૯।। 

મુજ શરણનું જાણે એ સુખ, લોકે પરલોકે ન રહે દુઃખ । એવી ઘણી ઘણી વાત કરી, નિજ સ્થાનકે પધાર્યા હરિ ।।૫૦।। 

એમ લીલા કરતા અલબેલ, પંદર દિન રહ્યા ત્યાં છેલ । પછે સંત સાથે અવિનાશ, ડાંગરવે પધાર્યા સુખરાશ ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ કરજીસણમાં જન્માષ્ટમી કરીને ગામ ડાંગરવે પધાર્યા એ નામે સિત્તેરમો તરંગઃ ।।૭૦।।