તરંગઃ - ૫૫ - શ્રીહરિયે જેતલપુરમાં અતિરૂદ્ર નામનો મોટો યજ્ઞ કર્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:33pm

પૂર્વછાયો

હે રામશરણ સુણો કહું, ત્યારપછીની કથાય । વડતાલે સોળ દિવસ, રહ્યા છે જગરાય ।।૧।। 

પછે ત્યાં થકી ચાલ્યા પ્રભુ, ચાંગે ગયા તે વાર । મોરજ ગામે પધાર્યા છે, ગોકલભાઈને દ્વાર ।।૨।। 

અફિણ ખાતા નિત્ય એતો, ઘણા દિવસની ટેવ । મેર કરી મુકાવી દીધું, એક દિવસમાં એવ ।।૩।। 

તે ગઢવીએ ભેટ મુકી, પૂજા કરી નિરધાર । પાંચસો રૂપૈયા રોકડા, આપ્યા કરીને પ્યાર ।।૪।। 

વળી વાલમજી વિચર્યા, ગયા ચલોડે ગામ । અમીન નથુભાઈને ત્યાં, કર્યો જઇને મુકામ ।।૫।। 

 

 

ચોપાઈ

 

જીતબાયે કરાવ્યો ત્યાં થાળ, સ્નેહ વડે જમાડ્યા દયાળ । જમીને ચાલ્યા જગજીવન, જેતલપુરે શ્રીભગવન ।।૬।। 

સંત મંડળ આવ્યાં છે ત્યાંય, મળ્યા સ્નેહ કરી મનમાંય । આનંદાનંદ સ્વામી ત્યાં જેહ, મહાનુભાવાનંદ સ્વામી તેહ ।।૭।। 

એ આદિ સંતને નિરધાર, ભણવાની આજ્ઞા આપી સાર । બીજે દિવસે શ્રીભગવાન, દેવસરોવરે કર્યું સ્નાન ।।૮।। 

સભા કરી વડ હેઠે શ્યામ, બિરાજ્યા સંત સાથે તે ઠામ । પછે સભા સુણે જેમ કાન, એમ બોલ્યા પ્રભુ બળવાન ।।૯।। 

સુણો ભક્તજનો આણે ઠાર, ગામડીયે જાવું છે આવાર । ત્યારે બોલ્યા છે ગોવિંદાનંદ, સાંભળો વિનંતિ સુખકંદ ।।૧૦।। 

કર્યું તું યજ્ઞ કરવાનું કામ, સામગ્રી કરાવીતી તમામ । પછી તો પધાર્યા નહિ આપ, તેમાં મહેનત પડી અમાપ ।।૧૧।। 

નારાયણ મુનિ કે વચન, એમાં શું પડી મહેનત અન્ય । એવા યજ્ઞ કરીયે હમેશ, એમ કહેતા હતા પરમેશ ।।૧૨।। 

એમ કહીને જીવનપ્રાણ, પછે યજ્ઞનું કર્યું પ્રયાણ । દેશો દેશ કંકોત્રીયો સોય, લખી મોકલાવી દીધી જોય ।।૧૩।। 

સંતમંડળ ને હરિજન, સૌને બોલાવ્યા પુન્ય પાવન । કાશી સુધીના વિપ્ર અપાર, બોલાવ્યા જેતલપુર ઠાર ।।૧૪।। 

કર્મકાંડ વિષે હોંશીયાર, એવા આવ્યા હજારો હજાર । ખટશાસ્ત્ર વળી વેદ ચાર, એના ભણેલા જે નિરધાર ।।૧૫।। 

એવા બ્રાહ્મણ જે તે વિદ્વાન, આવ્યા જ્યાં બેઠા છે ભગવાન । કર્યો શ્રીહરિયે સત્કાર, વિપ્ર ઉપર કૃપા અપાર ।।૧૬।। 

રૂડો મંડપ રચાવ્યો ત્યાંય, લાખો જન બેસે જેનીમાંય । હેમના હળે ખેડાવી ધરણ, યજ્ઞ આરંભ્યો અશરણ શરણ ।।૧૭।। 

સુવર્ણ વેદિકાકુંડ સાર, યજ્ઞ મંડપમાં કરી ત્યાર । ચારે વેદના કરે ઉચ્ચાર, એવા બ્રાહ્મણ એક હજાર ।।૧૮।। 

વરૂણીમાં વરાવ્યા છે તેહ, યજ્ઞ કામમાં કુશળ જેહ । ગૌમુખી માળા ને આસન, વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યાં ધન ।।૧૯।। 

કંકણ મુદ્રિકા આપ્યાં પ્રીત, શુભ મુહૂર્તમાં રૂડી રીત । દેવતાઓનાં નિમ્યાં આસન, વેદ મંત્રે કર્યું આવાહન ।।૨૦।। 

બ્રહ્મા વિષ્ણુ ને રૂદ્ર અગિયાર, નવ ગ્રહ વળી સૂર્ય બાર । એ આદિ બીજા યજ્ઞના દેવ, આવ્યા પ્રત્યક્ષ ત્યાં તતખેવ ।।૨૧।। 

બેઠા પોતપોતાને આસન, યોગ્ય રીતે વળી ભીન્ન ભીન્ન । શ્રીહરિયે દીક્ષા લીધી સાર, બેઠા યજ્ઞમંડપ મોઝાર ।।૨૨।। 

યજ્ઞ કંકણ પેર્યું છે હાથે, સૌની પૂજા કરી દીનાનાથે । પુરૂષોત્તમજી ભગવાન, યજ્ઞ ચલાવ્યો છે બળવાન ।।૨૩।। 

કર્યું અગ્નિનું પૂજન ત્યાંય, વેદમંત્રે સ્થાપ્યો કુંડમાંય । કરી આહુતિ ચાલતી જ્યાંય, થયો પાવક પ્રદિપ્ત ત્યાંય ।।૨૪।। 

વિપ્ર કરે છે વેદ ઉચ્ચાર, આપે આહુતિ અગ્નિ મોઝાર । સ્વાહાકાર અને સ્વધાકાર, વષટ્કાર અને ઓંકાર ।।૨૫।। 

કરી ગર્જના બોલે બ્રાહ્મણ, ઘણા રીઝે છે અશરણ શરણ । જે જે દેવની આહુતિ હોય, પ્રત્યક્ષ આવીને લેછે સોય ।।૨૬।। 

યજ્ઞમંડપ ગાજે અપાર, થાય વેદતણા ત્યાં ઉચ્ચાર । દીક્ષા લઈ બેઠા છે જીવન, કરે દર્શન તે સૌ જન ।।૨૭।। 

મંત્ર ભણી કરે ઘૃત હોમ, જ્વાલા પોચે છે અગ્નિની વ્યોમ । હજારો મણ ઘૃત હોમાય, તેની શોભા કહી નવ જાય ।।૨૮।। 

જમે બ્રાહ્મણ નિત્ય મિષ્ટાન્ન, તૃપ્ત કરે છે શ્રીભગવાન । દેવ બ્રાહ્મણના પ્રતિપાળ, સહજાનંદ સ્વામી દયાળ ।।૨૯।। 

યજ્ઞ કરતા થકા તે ઠાર, વીતી ગયા દિવસ અઢાર । પૂર્ણાહુતિને દિવસે સાર, યજ્ઞદેવ પ્રગટ્યા તે વાર ।।૩૦।। 

કરસંપુટ કરી પાવન, કરે પ્રગટનું તે સ્તવન । જય અખિલ જગજીવન, અજ અજીત અપરિચ્છિન્ન ।।૩૧।। 

જય અગમબોધ અગાધ, તવ નામે થયા સૌ સાધ । જય આનંદ ઘન અપાર, સર્વે અવતારના આધાર ।।૩૨।। 

એમ પ્રાર્થના કરી પ્રીત, લાખોજન જોતા રસ રીત । આપ્યું શ્રીહરિને બહુમાન, પછે તે થયા અંતર્ધાન ।।૩૩।। 

ઘણા લોકે તે નજરે નિરખ્યા, દેખી પ્રતાપને મન હરખ્યા । વરૂણીમાં છે વાડવ જેહ, સર્વે આશ્ચર્ય પામ્યા છે તેહ ।।૩૪।। 

પછે યજ્ઞ પૂર્ણ કર્યો સાર, શ્રીપ્રગટપ્રભુયે તે વાર । દેવ બ્રાહ્મણને રૂડી રીત, સૌને તૃપ્ત કર્યા પૂર્ણપ્રીત ।।૩૫।। 

કર્યા ભૂદેવને ત્યાં પ્રસન્ન, ખાનપાનવડે શુભ મન । વિષ્ણુરૂપે આપ્યાં દર્શન, થયા કૃતારથ સૌ જન ।।૩૬।। 

નિશ્ચે કરાવ્યો સર્વેને મન, પુરૂષોત્તમપણે પાવન । જાણ્યા બ્રાહ્મણે મન નિદાન, સ્વામિનારાયણ ભગવાન ।।૩૭।। 

એમ જાણીને થયા આશ્રિત, ટળ્યા સંશય થયું છે હિત । પછે યોગ્યરીતે મહારાજ, આપી દક્ષિણાઓ શુભ કાજ ।।૩૮।। 

કડાં કંઠી સોનાનાં ઉત્તમ, આપ્યાં બ્રાહ્મણને અનુક્રમ । વસ્ત્ર ઘરેણાં તેહજ વાર, ઘટે તેમ આપ્યાં છે અપાર ।।૩૯।। 

કર્યાં વિપ્રનાં દારિદ્ર દૂર, શાન્તિ પમાડ્યા છે ભરપૂર । કર્યા દેવ વિપ્રને વિદાય, અખંડ સુખ આપ્યાં સદાય ।।૪૦।। 

પછે સંત હરિજન જેહ, દેશો દેશથી આવ્યાતા તેહ । તેને કરાવ્યાં રૂડાં ભોજન, ત્યારે રાજી થયા ભગવન ।।૪૧।। 

સર્વે સંતોયે કર્યું પૂજન, ચંદન પુષ્પોથી શુભ મન । હરિજનોએ આપી છે ભેટ, શક્તિ શ્રદ્ધા અનુસારે નેટ ।।૪૨।। 

જેતલપુરના હરિજન, સેવાઓ કરે છે તે અનન્ય । વિપ્ર આશારામ દયારામ, ગંગાદાસ કહીએ જેનું નામ ।।૪૩।। 

ઠાકોરવાડા ભીખારીદાસ, આશજીભાઈ નામ પ્રકાશ । ગંગામા આદિ ભક્ત અનન્ય, નથી ઉપાસના બીજી અન્ય ।।૪૪।। 

ધન ધામ આદિ પરિવાર, સૌ અર્પણ કર્યું તે વાર । એમ જેતલપુર મોઝાર, વર્તાવ્યો છે જયજયકાર ।।૪૫।। 

મોટો યજ્ઞ કર્યો નિર્વિઘન, જેતલપુર કર્યું પાવન । પોતાની મૂર્તિને જેણે જોઈ, તેણે નિશ્ચે કર્યો મનમોઈ ।।૪૬।। 

શ્રીહરિની પ્રસાદીનું અન્ન, દેવ બ્રાહ્મણે કર્યું પ્રાશન । તેનો મોક્ષ કર્યો રૂડી રીત, નિજ આશ્રિતનો કરી પ્રીત ।।૪૭।। 

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે જેતલપુરમાં અતિરૂદ્ર નામનો મોટો યજ્ઞ કર્યો એ નામે પંચાવનમો તરંગઃ ।।૫૫।।