તરંગઃ - ૫૪ - શ્રીહરિ ગામ ઉમરેઠથી વડતાલ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:32pm

પૂર્વછાયો
સ્નેહ કરી તમે સાંભળો, રામશરણજી આજ । વાલપણેથી વર્ણવું, જે લીલા કરી મહારાજ ।।૧।।
પંચાળેથી પ્રીતમ ગયા, કાઠિયાવાડ્યમાં શ્યામ । કારિયાણી સારંગપુર, કુંડળ આદિ ગામ ।।૨।।
બે માસ એ ગામોમાં રહ્યા, સ્નેહ કરીને ઉર । પ્રગટ પ્રભુજી ચાલીયા, તે ગયા છે જેતલપુર ।।૩।।
ગામમાં થાળ કરાવ્યા, ઘેરોઘેર જગવંદ । સર્વેને ત્યાં જમીને ચાલ્યા, શ્રીનગરે સુખકંદ ।।૪।।

ચોપાઈ
શ્રીનગરે આવ્યા અલબેલ, નટવર શ્રી સુંદરછેલ । બરકતરામનું જે ભુવન, તેમાં જૈ ઉતર્યા શુભ મન ।।૫।। 

હતા પોતાના જે હરિજન, તેને ઘેર જમે છે ભોજન । નિજ ભક્તને કરવા પ્રસન્ન, કરેછે લીલાઓ ભગવન ।।૬।।
પંડિત અંધ પુષ્કરદાસ, ગયા પ્રભુજી તેને આવાસ । પ્રીતે બેસાર્યા મંદિરમાંય, વિનયથી વધાવ્યા છે ત્યાંય ।।૭।।
જ્યાં બિરાજ્યા છે શ્રીઅવિનાશ, પાસે આવ્યા છે પુષ્કરદાસ । ફેરવ્યો હરિને અંગે હાથ, મનમાં નિશ્ચે કર્યો તે સાથ ।।૮।।
આ તો સાક્ષાત પોતે શ્રીરંગ, મુને નિશ્ચે થયો જોતે અંગ । એવી રીતે શ્રીનગરની માંય, એક માસ રહ્યા પ્રભુ ત્યાંય ।।૯।।
કરે ચરિત્ર નાના પ્રકાર, આપે ભક્તને સુખ અપાર । પછે ચાલ્યા છે દેવ મુરારી, ગામ કણભે ગયા સુખકારી ।।૧૦।।
સર્વે તે ગામના હરિજન, તેણે જાણ્યું આવ્યા ભગવન । નાથ ભક્ત ને ઝવેર નામ, નથુભાઈ આદિ તેહ ગામ ।।૧૧।।
વળી બીજા ઘણા હરિજન, જાણીને તે થયા છે પ્રસન્ન । સામૈયું લેઇને આવ્યા સર્વ, વ્હાલાને વધાવ્યા છે અપૂર્વ ।।૧૨।।
વાગે વાજીંત્ર નાના પ્રકાર, તેડી ગયા ગામ મોઝાર । પટેલ નાથ ભક્તને ઘેર, ડેલામાં ઉતર્યા રુડી પેર ।।૧૩।।
નાથભક્તનું નિર્મળ મન, ભાવે કરાવ્યાં રૂડાં ભોજન । બીજે દિવસે તે પ્રાતઃકાળ, વેલા ઉઠ્યા છે દીનદયાળ ।।૧૪।।
ખારી નામે એ સરિતા જ્યાંય, સ્નાન કરવા પધાર્યા છે ત્યાંય । કુજાડને આરે તેણીવાર, સ્નાન કરી થયા તૈયાર ।।૧૫।।
ગામવચ્ચે થઈ વાસુદેવ, ગયા જ્યાં સદનાથ મહાદેવ । કર્યાં દર્શન ત્યાં રુડી રીત, બેઠા પરથાર ઉપર પ્રીત ।।૧૬।।
પછે ત્યાંથી ચાલ્યા સુખભેર, ભક્ત ઝવેરભાઈના ઘેર્ય । કરાવી છે તેમણે રસોઈ, જમાડ્યા મહારાજને જોઇ ।।૧૭।।
પ્રભુ થયા જમીને પ્રસન્ન, તે ભક્તને આપ્યું છે વચન । તમારા વંશમાં દૃઢ અંગ, ઘણા જનને થશે સત્સંગ ।।૧૮।।
એવું વચન આપ્યું તે વાર, વાલો આવ્યા ઉતારા મોઝાર । તે સમે કર્યો મન વિચાર, ચાલવા સારૂ થયા તૈયાર ।।૧૯।।
ત્યારે તે ગામના હરિજન, પ્રભુ પાસે આવ્યા શુભ મન । તુલસીને સુરભાઈ નામ, કાળીદાસ મુખી છે તે ઠામ ।।૨૦।।
જીજીભાઈ ગલાભાઈ નામ, ક્ષત્રી ઉમાભાઈ તેહ ગામ । દલાભાઈ ને અમરો ખેર, જેચંદ વખતબા તે પેર ।।૨૧।।
એ આદિ સઘળાં હરિજન, કર જોડી કરેછે સ્તવન । હે કૃપાનાથ સુંદરશ્યામ, હમણાં રહો પ્રભુ આ ઠામ ।।૨૨।। 

જમો સર્વેને ઘેર્ય ભોજન, તો રીઝે હરિજનનાં મન । એવો દેખીને ત્યાં રૂડો ભાવ, જમવા રહ્યા મનોહર માવ ।।૨૩।।
સ્નાન કરવા ધારી ગયા મન, ખારાકુવા પર ભગવન । ઉપર જે છે નામ સનાથ, તે હરિજન ગયા ત્યાં સાથ ।।૨૪।।
કરી પ્રભુયે લીલા તેઠાર, થાળામાં ભરાવ્યું ઘણું વાર । તેમાં બેઠા છે જઇને ત્યાંય, પાણી ઉભરાયું કૂપમાંય ।।૨૫।।
એમ સ્નાન કર્યું ઘણી વાર, વસ્ત્ર પેરીને થયા તૈયાર । સંત હરિજન સંગે શ્યામ, પધાર્યા ગામમાં અભિરામ ।।૨૬।।
ત્યાંતો તૈયાર થયાં ભોજન, બોલાવા આવ્યા છે હરિજન । બાવીસ ઘરે કરાવ્યા થાળ, સર્વે સાથે બોલ્યા તતકાળ ।।૨૭।।
પછે વ્હાલે વિચારી છે વાત, બાવીસ રૂપ ધર્યાં સાક્ષાત । નોખા નોખા રૂપે થયા નાથ, જમ્યા સર્વેને ઘેર સંગાથ ।।૨૮।।
કર્યો જેચંદને ઘેર થાળ, તેમાં ભુલ થઈછે તેકાળ । હતું દળેલું મીઠું તૈયાર, લાડુમાં નાખ્યું છે તેણીવાર ।।૨૯।।
જોયે સાકર જેટલી એમાં, લવણ નાખ્યું તેટલું તેમાં । એવા લાડુ જમ્યા જગતાત, પણ કોઈને કરી નહિ વાત ।।૩૦।।
બન્યો ભુલથી એવો બનાવ, પછે તો ઘણો થયો પસ્તાવ । ત્યારે મહારાજે કર્યા શાંત, તેના મનની ભાંગી છે ભ્રાંત ।।૩૧।।
એવો પ્રતાપ દેખ્યો તેઠામ, પામ્યું આશ્ચર્ય સઘળું ગામ । એવી લીલા કરે અલબેલ, ગામ કણભામાં રંગરેલ ।।૩૨।।
નાથ ભક્તને ઘેર તેવારી, એમ માસ રહ્યા સુખકારી । રામાનંદ સ્વામી તેહ સ્થાન, દોઢ માસ રહ્યા છે નિદાન ।।૩૩।।
પ્રસાદીનું છે કણભા ગામ, સત્સંગી છે તેમાં તમામ । હાલ છત્રી કરેલી છે જ્યાંય, નાથજીનું ઘર હતું ત્યાંય ।।૩૪।।
એવી રીતે કણભા મોઝાર, પ્રભુ પધાર્યા છે વીસ વાર । એછે ભૂમિકા પૂન્ય પવિત્ર, શ્રીહરિયે કર્યાં છે ચરિત્ર ।।૩૫।।
હવે વાલમે કર્યો વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર । કર્યું પ્રયાણ તે તતકાળ, જેતલપુરે ગયા દયાળ ।।૩૬।।
ત્યાંથી નવેગામ ગયા નાથ, ત્યાંછે પટેલ જે રઘુનાથ । તેને ઘેર જમ્યા છે ભોજન, પછે ડભાણ ગયા જીવન ।।૩૭।।
ત્યાંથી ગયા પીજ નડીયાદ, ગયા ઉમરેઠે આહલાદ । ત્યાંના બ્રાહ્મણ આવ્યા છે સર્વ, પ્રશ્ન પૂછ્યું કરી મન ગર્વ ।।૩૮।।
સુણો મહારાજ સાચી વાત, પૂર્વે શંકર સ્વામી વિખ્યાત । પાડાને મુખે બોલાવ્યા વેદ, ત્યારે તેમના ટળ્યાતા ભેદ ।।૩૯।।
માટે તમે પણ આણી વાર, અમને બતાવો ચમત્કાર । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, સુણો ઉત્તર આપીયે આજ ।।૪૦।।
પાડાને મુખે વેદ બોલાય, એ તો અયોગ્ય રીત દેખાય । પણ વિપ્ર વિદ્યાયે રહિત, એવો છે તે માની લેજો ચિત્ત ।।૪૧।।
ત્યારે બ્રાહ્મણ કે મહારાજ, સાચી વાત કહી તમે આજ । પણ આ વિપ્ર છે વિદ્યાહીન, પશુ જેવો તે મતિમલીન ।।૪૨।।
માટે એને બોલાવોજો વેદ, અમને નિશ્ચે થાય નિર્વેદ । વળી વાલમ બોલ્યા વચન, એતો છે ભાઈ વિપ્રનો તન ।।૪૩।।
તેથી વેદ ઉચ્ચારશે ભાઈ, એમાં તો નથી કાંઇ નવાઈ । એમ કહી સામું જોયું શ્યામ, વેદ બોલવા લાગ્યો તે ઠામ ।।૪૪।।
ચારે વેદનો કરે ઉચ્ચાર, જાણે ગંગા છુટી નિરધાર । તે દેખી વિપ્ર થયા પ્રસન્ન, પણ સમજાયું નહિ મન ।।૪૫।।
જાણ્યા શંકરસ્વામી સમાન, આ છે મોટા પુરૂષ નિદાન । તેમાં હતા જે સુબુદ્ધિમાન, તેમણે તો જાણ્યા ભગવાન ।।૪૬।।
થયો અડગ નિશ્ચય એહ, એક પરચાથી ટળ્યો સંદેહ । પછે ત્યાંથી ચાલ્યા તતકાળ, વાલીડો પધાર્યા વડતાલ ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ ઉમરેઠથી વડતાલ પધાર્યા એ નામે ચોપનમો તરંગઃ ।।૫૪।।