તરંગઃ - ૫૦ - શ્રીહરિ ભુજનગરથી જાુનાગઢ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:30pm

પૂર્વછાયો

લાધાજીના દરબારમાં, માવ રહ્યા એક માસ । મતવાદીથી ચર્ચા કરી, જીતી લીધા છે તાસ ।।૧।।

પ્રાણપતિ પધાર્યા ત્યાંથી, કંથકોટ જે ગામ । મૂળજી ઠક્કરને ઘેર, રહ્યા ત્રૈણ દિન તેઠામ ।।૨।।

વાલમજી વળી વિચર્યા, ગયા તે ભચૌગામ । ખોખરે થૈને ભુજનગ્રે, પધાર્યા પૂરણકામ ।।૩।।

હીરજીભાઈ સુંદરજી, પવિત્ર તે રથકાર । તેમને ઘેર ઉતર્યા, અક્ષરપતિ આધાર ।।૪।।

 

 

ચોપાઈ

 

ભુજનગ્રમાં ભૂધરભ્રાત, સુંદરજીને ઘેર વિખ્યાત । રહ્યા રાજીવનેણ રસાળ, નિજ ભક્તને ધામે કૃપાળ ।।૫।।

હવે પ્રાગજીને તેડ્યા ત્યાંય, કથા વંચાવવા ભુજમાંય । પછે સાંભળે છે કથા નિત, પુરૂષોત્તમજી કરી પ્રીત ।।૬।।

તે ફેરે ભુજમાં અવિનાશ, બહુનામી રહ્યા બાર માસ । કરી છે ત્યાં લીલાઓ અપાર, કેતાં ગ્રંથ પામે છે વિસ્તાર ।।૭।।

માટે યથામતિ અનુસાર, કહું સંક્ષેપથી આ સાર । પ્રભુના ગુણનો નથી અંત, ગાતાં થાકે છે મુનિ મહંત ।।૮।।

કોટિ કોટિ કવિજન ગાય, પ્રભુનો પાર નવ પમાય । શેષ મહેશ વાગીશ નાર, તેતો ગાતાં પામી જાય હાર ।।૯।।

પ્રભુના ગુણ બળ સામર્થ, પુરું ગાવા છે કોણ સમર્થ । શ્રોતા કોઇ ન કરશો સંદેહ, અલ્પમતિયે ગાઉં છે એહ ।।૧૦।।

હવે સ્વામિનારાયણ ત્યાંય, બોલ્યા વિચારીને મનમાંય, આનંદાનંદ સ્વામીને સોય, કે છે વચન ધારીને જોય ।।૧૧।।

સ્વામી સુણો વચન અમારૂં, જીર્ણગઢ જાઓ તમે વારૂં । ચૈત્રી પૂર્ણમાસીનો ઉત્સવ, જીર્ણગઢમાં કરવો છે ભવ્ય ।।૧૨।।

માટે જાવો તમે ત્યાં પહેલ, સામગ્રી કરાવો રંગરેલ । તે સુણી સ્વામી આનંદાનંદ, ગયા તે સ્થળે પામી આનંદ ।।૧૩।।

હવે શ્રીહરિ સહજાનંદ, પત્રીયો લખાવી છે અવિચ્છેદ । દેશોદેશ વળી ગામોગામ, નિજ આશ્રિતને ઠામોઠામ ।।૧૪।।

સૌને બોલાવ્યા જીરણગઢ, કંકોતરીયો લખી એવી દૃઢ । ભુજનગ્રના જેહ સુતાર, નામ ભગવાનજી તેસાર ।।૧૫।।

તેમણે આપ્યો રૂડો પોશાગ, શ્રીહરિવર માટે સોહાગ । કીનખાપની ડગલી લાલ, લીલા કીનખાપનો સુરવાર ।।૧૬।।

શેલું બંધાવ્યું સુંદર શિર, કટિયે શેલું ધરાવ્યું ધીર । અતિ ઉત્તમ વસ્ત્ર એ ચ્યાર, શ્રીજીને ધરાવ્યાં તેણી વાર ।।૧૭।।

એવાં વસ્ત્ર ધરીને તેવાર, ત્યાંથી પધાર્યા દેવ મુરાર । ધોરાજીયે પધાર્યા ધીર, ભાદ્રવતી નદીને તીર ।।૧૮।।

ત્યાં કેવાય છે જે વડલાલ, તેહેઠે ઉતર્યા તતકાળ । ત્યાંતો ગુજરાતી આવ્યો સંઘ, જેને છે શ્રીહરિમાં ઉમંગ ।।૧૯।।

કરી મહારાજનાં દરશન, સહુ થયાછે મન મગન । બીજા સંત આવ્યા સહુ જેહ, પ્રભુજીને ગમ્યા મન તેહ ।।૨૦।।

મળ્યા શ્રીહરિ સંતને ત્યાંય, થયા પ્રસન્ન તે મનમાંય । પછે બિરાજ્યા જઇ આસન, પુરૂષોત્તમજી ભગવન ।।૨૧।।

આત્માનંદસ્વામી ગુણગ્રામ, શ્રીપાત દેવાનંદ તેઠામ । તે બોલ્યા જોડીને બેઉ હાથ, હવે સુણો તમે કૃપાનાથ ।।૨૨।।

પામ્યો સત્સંગવૃદ્ધિ અપાર, જન આવે હજારો હજાર । ત્યારે વાલિડો બોલ્યા વચન, સ્વામી હું કહું તે ધરો મન ।।૨૩।।

હજૂ થયોછે ક્યાં સત્સંગ, આતો નવા નવીનો છે રંગ । એકાંતિક સાધુ જે પાવન, જેણે જીતી લીધેલું છે મન ।।૨૪।।

એવા એકેક સંતની સાથ, લાખો જન ફરશે સનાથ । આખા બ્રહ્માંડના જેહ જન, કરશે અખંડ મારું ભજન ।।૨૫।।

સ્વામિનારાયણ મુજ નામ, કરશે રટન સૌ ઠામો ઠામ । ત્યારે જાણજ્યો થયો સત્સંગ, હજૂ તો ચડશે ઘણો રંગ ।।૨૬।।

એમ થાશે તે જાણો જરૂર, મારૂં વચન માની લ્યો ઉર । એમ કૈને શ્રીજીમહારાજ, પધાર્યા ગામમાં શુભ કાજ ।।૨૭।।

હરિસિંહની મેડીયે શ્યામ, જૈને બિરાજ્યા પૂરણકામ । સંત હરિજન સમુદાય, ભરાણીછે ત્યાં મોટી સભાય ।।૨૮।।

જેમ નક્ષત્ર મંડલમાંય, ઇંદુ શોભેછે આકાશે જ્યાંય । સભામાં શોભે શ્રીભગવન, લોભે ભક્ત મુનિવર મન ।।૨૯।।

પછે બીજે દિવસે સવાર, બોલ્યા વાલમજી તેણી વાર । નહિ માય મનુષ્ય આ ઠાર, માટે ચાલો જૈયે ગામબહાર ।।૩૦।।

હોેય વિશાળ ભૂમિકા જ્યાંય, ચાલો ઉતારા કરીયે ત્યાંય । એવું ધારીને વિશ્વઆધાર, પછે પધાર્યા ગામથી બાર ।।૩૧।।

ત્યાંછે વડતરૂવર એક, મોટો ગંભીર છાયા વિશેક । તેહેઠે બિરાજ્યા શુભ કાજ, અક્ષરાધિપતિ મહારાજ ।।૩૨।।

પછે બોલ્યા છે પ્રાણજીવન, આજ તો છે એકાદશી દિન । માટે સત્સંગીને મહાભાગ, પૂજા કરવાનો રૂડો લાગ ।।૩૩।।

કરો પૂજા રૂડી રીતે આજ, થાશે સફળ મનનાં કાજ । એવું સુણીને હરિજન, પ્રેમે કરવા લાગ્યા છે પૂજન ।।૩૪।।

ચંદનાદિ સોળે ઉપચાર, વસ્ત્રાભૂષણ પુષ્પના હાર । તેવડેથી પૂજા કરે એહ, નેત્રે ઉત્તમ ધરેછે નેહ ।।૩૫।।

વળી સાકર લઇને ત્યાંય, આપે માધવના મુખમાંય । પ્રાણપતિ કરેછે પ્રાશન, સંત હરિજન હર્ખે મન ।।૩૬।।

જમતા થકા શ્રીઅવિનાશ, મંદ મંદ કરેછે ત્યાં હાસ । એમ કર્તાં થઈ ઘણી વાર, થોડો દિન રહ્યો છે તેઠાર ।।૩૭।।

ત્યારે બોલ્યા છે શ્રીસુખદાઈ, સુણો સાધુ રામદાસભાઈ । અમે થાક્યા છૈયે આણે ઠામ, માટે આપો તમે વિસરામ ।।૩૮।।

પછે રામદાસજી પાવન, ગયા જ્યાં છે શ્રીજીનું આસન । શ્રીજી આવ્યા છે સાધુની પાસ, સંત પામ્યા છે અતિ હુલ્લાસ ।।૩૯।।

સાધુ ભાઈ રામદાસ ત્યાંય, બેઠા શ્રીજીના આસનમાંય । થોડી પૂજાઓ થૈ સુખદાઈ, અકળાયા રામદાસભાઈ ।।૪૦।।

કહે પ્રભુજીને નામી શીર, કૃપાનાથ સુણો નરવીર । તમારૂં કામ તમથી થાય, બીજાથી તો નભી ન શકાય ।।૪૧।।

એમ કહીને નિજ આસને, આવીને બેઠા નિર્મળ મને । પછે વિચાર્યું પ્રાણજીવને, બિરાજ્યા છે આવીને આસને ।।૪૨।।

જેજે પૂજાઓ બાકી ત્યાં હતી, તે સર્વેયે કરી શુભ મતિ । તેસમે સાધુયે શુભ મન, શ્રીહરિને કરાવ્યું મજ્જન ।।૪૩।।

પ્રીતે કરાવ્યાં ભોજન પાન, જમી તૃપ્ત થયા ભગવાન, ધરાવ્યા પ્રભુને શણગાર, રૂડાં વસ્ત્ર ને જે અલંકાર ।।૪૪।।

પ્રાણપતિ થયા છે પ્રસન્ન, બિરાજ્યા વળી નિજ આસન । ત્યારે શ્રીહરિ બોલ્યા છે વારુ, વડહેઠે થયું છે અંધારુ ।।૪૫।।

કરો ઉતારા ખેતરમાંય, ચાલો સંત હરિજન ત્યાંય । એવું સુણી ગયા સહુ ત્યાંય, ઉતારા કર્યા છે ક્ષેત્રમાંય ।।૪૬।।

બાઈ ભાઈ સાધુ હરિજન, સૌવે વિગતે કર્યાં આસન । એમ કરતાં આથમ્યો સુર, આરતી ટાણું થયું જરૂર ।।૪૭।।

ત્રૈણ માળની આરતી જેહ, નિષ્કુલાનંદજીયે કરી તેહ । એક થાળ મધ્યે મુકી સ્થિર, મુક્ત મુનિને આપી તે ધીર ।।૪૮।।

સ્વામીયે લીધી છે તેણી વાર, આરતી ઉતારી નિરધાર । ત્યાં તો મોટો પ્રગટ્યો પ્રકાશ, થાળ તપ્યો ને થયો ઉજાસ ।।૪૯।।

તે દેખીને શ્રીદીનદયાળ, મુખ આડો લીધોછે રૂમાલ । હાસ્ય કરવા લાગ્યા કરી હેત, સ્વામીને કહે કરી સંકેત ।।૫૦।।

રેવાદ્યો સ્વામી મુકીદ્યો એહ, તમે દાઝશો જાુવો ને તેહ । તોય આરતી સંપૂર્ણ કરી, પછે પૃથ્વી ઉપર તે ધરી ।।૫૧।।

બીજે દિવસે દ્વાદશી દિન, કરાવ્યું પોતે બ્રહ્મભોજન । હતા ગામમાં જેટલા વિપ્ર, ચોરાશી કરી જમાડ્યા ક્ષિપ્ર ।।૫૨।।

દેસાઈ જીજીભાઈ પાવન, ગામ ઇંટોલાના તેહ જન । વળી સંત મુનિ હરિજન, તેમને કરાવ્યાંછે ભોજન ।।૫૩।।

તેની સેવા કરી અંગીકાર, એવી લીલા કરીછે અપાર । એમ ધોરાજીમાં સુખરાશ, પોતે રહ્યા છે શ્રીઅવિનાશ ।।૫૪।।

ત્યાંથી ચાલ્યા વિચારીને દૃઢ, પધાર્યા પ્રભુ જીરણગઢ । એ ગામમાં પધાર્યા છે જે વાર, સહુ રાજી થયા તેહ વાર ।।૫૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ભુજનગરથી જાુનાગઢ પધાર્યા એ નામે પચાસમો તરંગઃ ।।૫૦।।