તરંગઃ - ૪૯ - ગુજરાતમાં ફરતા થકા ગામ આધોઇ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:30pm

પૂર્વછાયો

બોચાસણે વ્હાલો આવીયા, કાશીદાસને ઘેર । ત્યાંથી જમીને ચાલ્યા પ્રભુ, વડતાલ સુખભેર ।।૧।।

પટેલ બાપુજીને ઘેર, રહ્યા જઇ દશ રાત, વાલમ ત્યાં થકી વિચર્યા, પીજે ગયા પ્રભાત ।।૨।।

મકનદાસને ત્યાં હરિ, રહ્યા રજની એક । ત્યાંથી ચાલ્યા શ્યામ સલુણો, ગયા ડભાણ વિશેક ।।૩।।

પટેલ વિષ્ણુદાસને ઘરે, કર્યો જઇને મુકામ । ભોજન કરીને વિચર્યા, ગયા વસોએ શ્યામ ।।૪।।

 

 

ચોપાઇ

 

વળી ચાલ્યા ત્યાંથી નરવીર, ગામ ચાંગે ગયા મતિધીર । પછે ચાલ્યા ગયા વડતાલ, ત્યાંથી ઉમરેઠે તતકાળ ।।૫।।

ગયા નંદુ વિપ્રને તે ઘેર, ચાર દિન રહ્યા સુખભેર । ડુડસર થઇ સરખેજ, ગયા ગમીજ વાસણે એજ ।।૬।।

દયાળુ ત્યાંથી ચાલ્યા દેગામ, ગણેશ પટેલને ત્યાં શ્યામ । એક રાત્રિ રહ્યા છે તેઠામ, જમ્યા ભોજન ત્યાં અભિરામ ।।૭।।

બીજે દિવસે પ્રાતઃકાળ, ઉઠીને ચાલ્યા દીનદયાળ । પ્રીતે પધાર્યા પ્રાંતિજ ગામ, વિપ્ર રેવા પંડ્યા તેને ધામ ।।૮।।

તેણે કરાવ્યાં ભોજનપાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન । સાબરમતી થઈને સધાવ્યા, વાલિડો વિજાપુરમાં આવ્યા ।।૯।।

પ્રાગજી વજીબા તેને દ્વાર, થાળ જમ્યા ત્યાં જીવનસાર । ત્યાંથી ગેરીતે ગયા છે શ્યામ, હરિસિંહને ઘેર મુકામ ।।૧૦।।

ત્યાં જમીને ચાલ્યા સુખદાઈ, પધાર્યા પછે ગામ વસાઈ । પુંજાભાઈ નામે ભાવસાર, તેને ઘેર જમ્યા નિરધાર ।।૧૧।।

ત્યાંથી મેઉ ગયા અલબેલ, ભુખણભક્તને ઘેર છેલ । ત્યાંથી ગયા લાંઘણજ ગામ, રામા ભાવસારને ત્યાં શ્યામ ।।૧૨।।

ત્યાંથી ચાલ્યા અશરણશરણ, પધાર્યા ગામ કરજીસણ । કર્યો તે ગામમાં તો મુકામ, રહ્યાછે તિયાં સુંદરશ્યામ ।।૧૩।।

ધાંગધ્રે મુક્યાતા જે સંત, ત્યાં ઉપાધિ થઈછે અત્યંત । વળી અસુરોયે તેણી વાર, ગામમાંથી કાઢી મુક્યા બાર ।।૧૪।।

વાંસેથી આવીને લુંટ્યા ત્યાંય, એવા દુષ્ટમતિ મનમાંય । સંતોએ તે કર્યું છે સહન, ત્યાંથી ચાલ્યા છે નિર્મળ મન ।।૧૫।।

કરજીસણ આવ્યા સમાજ, ત્યાં બિરાજ્યા છે શ્રીમહારાજ । આવીને મળ્યા પ્રેમસહિત, કર્યાં દંડવત કરી હિત ।।૧૬।।

તે સંતને દેખીને રે શ્યામ, પોતે પણ કરે છે પ્રણામ । પછે મળ્યા ભીડાવીને બાથ, સર્વે સંતને શ્રીયોગીનાથ ।।૧૭।।

પટેલ ગોવિંદજીને ઘેર, સંત સાથે જમ્યા રુડી પેર । જમીને થયા સર્વે તૈયાર, ડાંગરવે પધાર્યા તેણી વાર ।।૧૮।।

ત્યાં વેણીદાસ પટેલ નામ, તેમના ઘેર જમ્યા છે શ્યામ । પછે વાલમે ધાર્યું છે ઉર, ત્યાંથી નિકળવાનું જરુર ।।૧૯।।

શુકાનંદસ્વામીને તે ઠાર, મંડળસાથે રાખ્યા તેવાર । પ્રીતે ચાલ્યા ત્યાંથી પરમેશ, અમદાવાદ આવ્યા દેવેશ ।।૨૦।।

ભટ્ટ નથુરામ જેનું નામ, તેને ઘેર જમ્યા સુખધામ । દશ દિવસ રહ્યા તે ઠામ, જેતલપુર ગયા છે શ્યામ ।।૨૧।।

મંદિરમાં ઉતર્યા મહારાજ, કરવા સેવકનાં રૂડાં કાજ । આશારામ બ્રાહ્મણને ઘેર, રસોયોજી જમ્યા રુડી પેર ।।૨૨।।

જમી ચાલ્યા પ્રાણજીવન, ગામ ચોસરમાં ભગવન । ત્યાંથી ગયાછે ગામડી ગામ, પટેલ બાપુજી કેરે ધામ ।।૨૩।।

રઘુનાથદાસ કાકુભાઈ, તેને ઘેર જમ્યા સુખદાઈ । ત્યાંથી પધાર્યા કણભેગામ, નિજભક્તના પૂરણકામ ।।૨૪।।

ગયા નાથભક્તને ભુવન, ત્યાંથી ચાલ્યા જમીને ભોજન । ગામ ભુવાલડી રહ્યા રાત, મળ્યા મુક્તમુનિને ત્યાં ખ્યાત ।।૨૫।।

પછે ગામના જે હરિજન, તેમણે જાણ્યું આવ્યા જીવન । સામૈયું લેઇ આવ્યા તેઠામ, વ્હાલાને વધાવ્યા અભિરામ ।।૨૬।।

વાગે વાજીંત્ર નાના પ્રકાર, તેડી લાવ્યા તે ગામમોઝાર । રસરોટલીનાં જે ભોજન, સંત સહિત જમ્યા જીવન ।।૨૭।।

ઢોલિયા ઉપર કરી પ્યાર, પ્રભુને પધરાવ્યા તેવાર । ત્યારે પટેલ રાયજીભાઈ, શ્રીહરિને જાણ્યા સુખદાઈ ।।૨૮ શ્રીહરિના ચરણમાં ધર્યું ચિત્ત, દેખ્યાં છે સોળે ચિહ્ન સહિત । થયો નિશ્ચય મનમાં એહ, ભક્તનો ટળી ગયો સંદેહ ।।૨૯।।

પુરૂષોત્તમજી જાણ્યા મન, ત્યાંથી ચાલ્યા વળી ભગવન । કૃપા કરીને દીનદયાળ, પોતે પધાર્યા ગામ વેલાળ ।।૩૦।।

જેસંગભાઈ અમીન જેહ, તેમને ઘેર ઉતર્યા તેહ । પછે કર્યાં છે ભોજન પાન, સંતસહિત શ્રીભગવાન ।।૩૧।।

જેસંગભાઈનું ઉપવન, ત્યાં જાવાનું ધાર્યું નિજ મન । સાથે લેઇને સંતસમાજ, તે બગીચે ગયા મહારાજ ।।૩૨।।

સભા કરી બેઠા અલબેલ, સંત વેષ્ટિત સુંદર છેલ । કરી જ્ઞાનની વાતો અપાર, સર્વે સંતને બતાવ્યો સાર ।।૩૩।।

મુક્તાનંદ ગોવિંદાનંદ, બ્રહ્માનંદ આદિ સુખકંદ । તેમને વિચારી મનમાંય, પરમહંસ દીક્ષા આપી ત્યાંય ।।૩૪।।

દાસ નામ તજી નંદનામ, શ્રીહરિએ ધરાવ્યાં તે ઠામ । એમ વેલાળમાં ઘણી વાર, લીલા કરી છે લાલે અપાર ।।૩૫।।

પછે ત્યાંથી ચાલ્યા અવિનાશ, શ્રીનગરે પધાર્યા સુખરાશ । બહુનામી રહ્યા ત્યાં બે દિન, ત્યાંથી મોટેરે ગયા જીવન ।।૩૬।।

ઉવાંરસદને આદરજ ગામ, ત્યાંથી ગેરીતે પધાર્યા શ્યામ । ગેરીતામાં તે ગુણગંભીર, પંદરદિન રહ્યા નરવીર ।।૩૭।।

કેરીઓ પાકી છે ત્યાં સારી, જમવા ગયા છે સુખકારી । જમી સંતને જમાડ્યા ત્યાંય, પોતે રાજી થયા મનમાંય ।।૩૮।।

પછે ત્યાંથી પધાર્યા પ્રીતમ, વિસનગર ગયા પરબ્રહ્મ । સોમપરાનો ચોરો છે જ્યાંય, શ્રીહરિ જૈને ઉતર્યા ત્યાંય ।।૩૯।।

પાનાચંદ બેચર એ જન, જાતિ સિલાટ છે તે પાવન । તેને ઘેર્ય જમ્યા કરી ભાવ, વળી ચાલ્યા કરીને ઉચ્છાવ ।।૪૦।।

ગયા વાલમજી વડનગ્ર, નિજપાર્ષદ સાથે સમગ્ર । મોટું તળાવ છે જ્યાં વિશાળ, તેના ઉપર ગયા તત્કાળ ।।૪૧।।

ત્યાં છે બંગલો સુંદર સાર, તેમાં ઉતર્યા જગદાધાર । ભક્ત વનમાળી આશકરણ, તેને ત્યાં જમ્યા અશરણશરણ ।।૪૨।।

સાત દિન રહ્યા ધારી ઉર, ત્યાંથી પધાર્યા શ્રીસિદ્ધપુર । નામે ભગવાન છડીદાર, તેને ઘેર ગયા નિરધાર ।।૪૩।।

બીજે દિવસે દીનદયાળ, જોવા સારૂં ગયા રૂદ્રમાળ । તેને દેખી બોલ્યા મહારાજ, આપણે આંહી કરવું છે કાજ ।।૪૪।।

આ તીરથભૂમિ છે સુંદર, આંહી કરાવવું છે મંદિર । એમ કૈ ઉતારે આવ્યા શ્યામ, બેઉ દિન રહ્યા સુખધામ ।।૪૫।।

પછે પધાર્યા પાટણ શહેર, પુરૂષોત્તમ ભક્તને ઘેર । પાંચ દિન રહ્યા તેહ ઠામ, ત્યાંથી ગયા ગોતરકે ગામ ।।૪૬।।

ત્યાંથી સાંતલપર થૈ છેલ, આડેસર પોચ્યા અલબેલ । ત્યાંથી ચાલ્યા વ્હાલો પ્રીત પ્રોઇ, જૈને રહ્યા છે ગામ આધોઇ ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગુજરાતમાં ફરતા થકા ગામ આધોઇ પધાર્યા એ નામે ઓગણપચાસમો તરંગઃ ।।૪૯।।