તરંગઃ - ૨૧ - નીલકંઠ બ્રહ્મચારી ફરતા થકા ધુલિયામાં ભગવાનદાસને ઘેર પધારી તેમને વરદાન આપી બુરાનપુર તાપીગંગાને તીરે આવ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:05pm

પૂર્વછાયો

હે રામશરણસુણો તમે, બાલાયોગીની કથાય । શ્રીહરિયે બોલાવિયો, કરવાજ તેની સહાય ।।૧।।

ત્યારે તે ભક્ત આવિયો, શ્રીપુરૂષોત્તમ પાસ । હર્ષ વાધ્યો એના ઉરમાં, કરી તે વાત પ્રકાશ ।।૨।।

તે સુણીને બોલ્યા વાલમ, ભાઈ સુણો ભાગ્યવાન । ભાવ તારો સાચો હશે તો, મળશે શ્રીભગવાન ।।૩।।

અંતરયામી શ્રીહરિ છે, સર્વેના પૂરણકામ । ભક્તવત્સલ તે ભક્તની, ઇચ્છા પુરે છે શ્યામ ।।૪।।

પણ સુણો તમે પ્રેમથી, આવી બેસો અમ પાસ । નદી ઉતરતાં વાગ્યો છે, આ ચરણમાં કાંટો ખાસ ।।૫।।

 

 

ચોપાઈ

 

કાઢો કંટક આવીને આંહિ, બહુ ખટકે છે ચરણમાંહિ । વાર લાગશે તમને વારુ, ભાઈ કાંટા કાઢો થાય સારૂં ।।૬।।

એવું સુણી ભગવાનદાસ, બેઠો બાલા-યોગીની તે પાસ । લાવો કાંટો કાઢું મહારાજ, કરું હું આજ્ઞા પ્રમાણે કાજ ।।૭।।

એવું કૈને ધરી મન ટેક, લીધો જાનુપર ચરણ એક । જેવો ચરણમાં જોવા જાય, નવે ચિહ્ન તેમાં તો દેખાય ।।૮।।

ત્યારે બોલ્યો ભગવાનદાસ, સુણો નીલકંઠ સુખરાશ । કાંટો નથી આ ચરણમાં કાંઈ, લાવો બીજો ચરણ જોઉં આંઈ ।।૯।।

એમ કહીને જોવા લાગ્યો તેહ, તેના મનનો મટ્યો સંદેહ । જુવેતો તેમાં ચિહ્ન છે સાત, દેખી થયો મન રળિયાત ।।૧૦।।

બન્ને ચરણ જોયાં રંગચોળ, ચિહ્ન દેખાણાં સુંદર સોળ । વળી તે વાત મન વિચારી, માયે કહ્યા તે આ બ્રહ્મચારી ।।૧૧।।

ચરણમાં ખિંચાયું મારું ચિત્ત, માટે આ ભગવાન ખચીત । બેઉ ચરણમાં ઓળાઓળ, ચિહ્ન શોભી રહ્યાં છે આ સોળ ।।૧૨।।

એમ વિચારીને ભાવસાર, બોલી ઉઠ્યો વચન તેવાર । હે બાલાયોગી શ્રીમહારાજ, આજ મારું ભલું થયું કાજ ।।૧૩।।

તમે સાક્ષાત છો ભગવાન, બહુનામી દિસોછો નિદાન । અમપર દયા કરી આજ, આપો આપ આવ્યા મહારાજ ।।૧૪।।

માટે ચાલો મારે ઘેર આજ, શુભ કામ કરો મહારાજ । મારી માતાને છે ઘણી પ્રીત, પ્રભુવિષે અહોનિશ ચિત્ત ।।૧૫।।

તવ માટે કીધો મેં પ્રયાસ, ધન્ય ભાગ્ય મળ્યા અવિનાશ । દીનપણેથી નમ્ર સ્વભાવ, કરી પ્રાર્થના ધરી ભાવ ।।૧૬।।

બાલાયોગીને અતિઉમંગ, લેઈ ચાલ્યો ઘેર રુડે રંગ । પ્રેમભર્યો અતિ આહ્લાદ, બોલ્યો ઉંચો કરીને તે સાદ ।।૧૭।।

તમે આંહિ આવો મુજ માત, જાુવો આવ્યા આ ભૂધરભ્રાત । એવું સુણી સાસુ વધૂ બેય, આવ્યાં ઘરથી બારણે તેય ।।૧૮।।

જુવે તો પ્રભુ ઉભા છે બાર, નિજ આંગણામાં નિરધાર । દેખી નહિ શરીરની છાય, જાણી લીધા છે આ જગરાય ।।૧૯।।

અતિ સ્નેહસહિત તે બેઉ, ચરણમાં શિર મુક્યાં છે તેઉ । કરી પ્રાર્થના શુભ મન, નીલકંઠને આપ્યું આસન ।।૨૦।।

પ્રેમે પધરાવ્યા ઘરમાંય, ત્યારે બોલ્યા બાલાયોગી ત્યાંય । સુણો ડોશીમા મુજ વચન, તમે ત્રૈણે જણાંછો પાવન ।।૨૧।।

પ્રેમ દેખ્યો તમારો અપાર, આવ્યા દર્શન દેવા આઠાર । પછે કરાવી છે ત્યાં રસોઈ, યોગીને જમાડ્યા મન પ્રોઇ ।।૨૨।।

મુક્યો દીપક ત્યાં તેણી વાર, મૂર્તિમાં દેખાણો આરપાર । નિશ્ચે થયો છે ત્રૈણેને મન, જાણ્યું જરૂર છે ભગવન ।।૨૩।।

પછે ડોશીયે કરી છે વાત, નિજ સગાં વ્હાલાંને વિખ્યાત । મારે ઘેર આવ્યા ભગવાન, કરો દર્શન મુકીને માન ।।૨૪।।

આવો સર્વ કરો મનભાવ, લ્યોને આસમે લાખેણો લાવ । એવું સુણીને સૌ નરનાર, કરવા લાગ્યાં મન વિચાર ।।૨૫।।

આ ડોશી શું બોલેછે વચન, એને ઘેર ક્યાંથી ભગવન । દર્શન માટે બોલાવે ખ્યાત, નથી સમઝાતી શું આ વાત ।।૨૬।।

એમ કેતાં છતાં સહુ જન, મળીને આવ્યાં તેને ભુવન । બાલાયોગી પાસે આવ્યા સર્વ, દેખીને ઉતરી ગયો ગર્વ ।।૨૭।।

નીલકંઠે વિચાર્યું ત્યાં મન, કૃષ્ણરૂપે દીધું દર્શન । ચતુર્ભુજ ને ચતુરાયુધ, એવા રૂપે દેખ્યા અવિરુધ ।।૨૮।।

જોવા આવેલા સઘળા લોક, પામ્યા આશ્ચર્ય મન અશોક । દેખ્યું અદ્ભુત ચરિત્ર સાર, નરનારી કરે નમસ્કાર ।।૨૯।।

હવે ડોશીને ડોસીનો તન, તેની સ્ત્રી પતિવ્રતા પાવન । ત્રૈણે જણને જાણ્યાં નિષ્કામ, ત્યારે પ્રસન્ન થયાછે શ્યામ ।।૩૦।।

બોલ્યા મૃદુલ વાણી ગંભીર, સુણો ત્રૈણે જણા મતિધીર । રુડો દંઢાવ્ય નામે જે દેશ, ત્યાં છે વડનગ્ર ગામ એશ ।।૩૧।।

ત્યાં જુમખરામ ભાવસાર, તેને ઘેર લેશો અવતાર । તમો ત્રૈણેયે થાશો પ્રકાશ, સુણો ભાઈ ભગવાનદાસ ।।૩૨।।

થાશે જોગ અમારોરે ત્યાંય, નિશ્ચે માની લેજ્યો મનમાંય । પછે પામશો અક્ષરધામ, મળશે તે અવિચળ ઠામ ।।૩૩।।

એવું વાલિડે આપ્યું વચન, ધુલિયા માલેગામ પાવન । ત્રૈણે દિવસ રહ્યા તે સ્થાન, બતાવ્યું છે ઐશ્વર્ય સમાન ।।૩૪।।

તેની સેવા કરી અંગીકાર, પછે ચાલવા થયા તૈયાર । સુણો રામશરણ સુખરાશ, હવે ચાલ્યા શ્રીઅવિનાશ ।।૩૫।।

કેટલે દિન કરી ઉમંગ, પામ્યા નીલકંઠજી શ્રીરંગ । રહ્યા બે માસ સુધી તેમાંય, ઘણા વૈષ્ણવ લોક છે ત્યાંય ।।૩૬।।

તેની સાથે કર્યોછે સંવાદ, તજાવી દીધો સૌનો પ્રમાદ । તેને વિષે હતો દુરાચાર, વળી અધર્મરૂપી જે ભાર ।।૩૭।।

પોતાના પ્રતાપથી પ્રમાણ, તેને ત્યાગ કરાવ્યો છે જાણ । પછે ત્યાંથી કર્યું છે પ્રયાણ, ચાલ્યા જાય છે જીવનપ્રાણ ।।૩૮।।

સુંદરરાજ વિષ્ણુ છે જ્યાંય, ગયા નીલકંઠસ્વામી ત્યાંય । કર્યાં વિષ્ણુનાં ત્યાં દર્શન, વળી ચાલ્યા આગે આવ્યું વન ।।૩૯।।

આવી નગની તળાટી એક, તેમાં કૂપ દેખ્યો છે વિશેક । જળાશય દેખીને તે ઠામ, વાલિડે ત્યાં કર્યો વિશ્રામ ।।૪૦।।

સ્નેહે કર્યું છે તે સ્થળે સ્નાન, પૂજા કરે બેઠા ભગવાન । નવરાવે છે વિષ્ણુને શ્યામ, જલધારા કરે પૂરણકામ ।।૪૧।।

વિષ્ણુ પીવા લાગ્યા ઘણું વારી, બાલાયોગીએ વાત વિચારી । તૃષા લાગી છે વિષ્ણુને આજ, ત્યારે ભુખ્યા હશે મહારાજ ।।૪૨।।

એવો મનમાં કરે નિરધાર, આવ્યા શિવ ઉમા તેણી વાર । સ્નેહવડેથી કરી છે સેવ, આપ્યો સાથવો લવણ એવ ।।૪૩।।

પછે અદ્રશ્ય થયા મહાદેવ, જાણી શ્રીજીનો મહિમા અભેવ । હવે બાલાયોગીયે તેઠાર, કર્યો વિશ્રામ ત્યાં થોડીવાર ।।૪૪।।

વળી ચાલ્યા ત્યાંથી અવિનાશ, નિજ સેવકના સુખરાશ । ચાલ્યા જાય છે સંશેરહિત, પોતે અતિ ઉમંગસહિત ।।૪૫।।

આગળ ચાલ્યા પ્રાણઆધાર, ભૂતપુરીયે પોચ્યા મુરાર । રામાનુજતણું છે જે ધામ, તેમની મૂરતિ છે તે ઠામ ।।૪૬।।

કર્યું દર્શન પૂજન પ્રીતે, પછે ચાલ્યા ત્યાંથી રુડી રીતે । પદ્મનાભ જનાર્દન થૈને, ત્યાંથી ચાલ્યા પ્રભુ ધીરા રૈને ।।૪૭।।

આદિકેશવ વિષ્ણુ જે ઠામ, તેને પામ્યા છે સુંદર શ્યામ । ત્યાંથી ચાલ્યા કરી દર્શન, કુલગિરિયે ગયા જીવન ।।૪૮।।

સાક્ષી ગોપાલ વિષ્ણુ પાવન, તેમનાં કર્યાં છે ત્યાં દર્શન । પાંચ દિવસ સેવ્યું તે સ્થાન, તરત ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૪૯।।

જોતા જોતા ચાલ્યા છે જરુર, ત્યારે તો પોચ્યા બુરાનપુર । એના સમીપમાં તાપીગંગ, તેને તીરે આવ્યા શ્રીરંગ ।।૫૦।।

રાજઘાટે જઈ કર્યું સ્નાન, ભક્તવત્સલ શ્રીભગવાન । તે તાપી નદીના તીરમાંય, રુડી પથરશિલા છે ત્યાંય ।।૫૧।।

તે પર બેઠા જગદાધાર, નિત્ય વિધિ કરે છે મુરાર । પુરૂષોત્તમ છે સ્વયમેવ, મહાવિષ્ણુની કરે છે સેવ ।।૫૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નીલકંઠ બ્રહ્મચારી ફરતા થકા ધુલિયામાં ભગવાનદાસને ઘેર પધારી તેમને વરદાન આપી બુરાનપુર તાપીગંગાને તીરે આવ્યા એ નામે એકવીશમો તરંગઃ ।।૨૧।।