તરંગઃ - ૧૪ - પુલહાશ્રમમાં સૂર્યનારાયણે દર્શન દઈને પ્રાર્થના કરી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:00pm

પૂર્વછાયો

રામશરણજી સાંભળો, પ્રગટની જે કથાય । આનંદ ઉપજે ઉરમાં, સંસૃતિ દૂર પલાય ।।૧।।

પુલહાશ્રમે પ્રભુ પોંચ્યા, મનમાં હરખ અપાર । ભરતજીયે તપ કર્યું, તે ભૂમિકાછે સાર ।।૨।।

ત્યાં તપ કરવા ધારીયું, નીલકંઠ નિજ મન । ગંડકી ગંગાતીર વિષે, તે પ્રભુ પરમ પાવન ।।૩।।

એક ચરણે ત્યાં ઉભા રહ્યા, ઉંચા છે બેઉ હાથ । પ્રસન્ન કરવા સૂર્યને, તપ આરંભ્યું છે નાથ ।।૪।।

નિરાહારી તપસ્વી, વળી વાલિડો વરણિવેષ । બાલાયોગીના રૂપે શોભે, કૃપાસાગર એષ ।।૫।।

 

 

ચોપાઈ

 

ઉગ્ર તપ આરંભ્યું છે આપ, જપે ગાયત્રીમંત્રનો જાપ । અન્ન ઉદકનો કર્યો ત્યાગ, જાણે મૂરતિમાન વૈરાગ ।।૬।।

ફળ જળ નથી લેતા મુખે, વાયુભક્ષી રહે છે તે સુખે । તપે કૃશ થયું છે શરીર, નથી દેખાતું તને રૂધિર ।।૭।।

સહુ નાડીઓ અંગની જેહ, ઉઘાડી દેખાવા લાગી તેહ । ધારી છે મનથી દ્રઢ ટેક, તપશ્ચર્યા કરે છે વિશેક ।।૮।।

ભક્તિ ધર્મ દિવ્યરૂપે નિત્ય, રેછે વરણીપાસે કરી પ્રીત્ય । તેનો કોઈ નવ જાણે મરમ, મહાપ્રભુજી દેખે તે પરમ ।।૯।।

નિજપુત્રનું કૃશ શરીર, દેખીને નથી ધરતા ધીર । ખમા ખમા કરે એમ કહી, કરે પ્રાર્થના પાસે રહી ।।૧૦।।

 

 

(બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા એ રાગ)

 

બાલા બ્રહ્મચારી, ઉભા રહ્યા તપધારી । અનંત જીવનું રૂડું કરવા, શામળિયા સુખકારીરે ।। બાલા૦ ।।૧૧।।

ધ્યાન ધરે છે તે સવિતાનું, જપે ગાયત્રી માપે । પૂરણ શ્રદ્ધા રાખીને, અચલ અનુપમ આપેરે ।।બાલા૦ ।।૧૨।।

સર્વનિયંતા બહુબળવંતા, સુખકરંતા સ્વામી । ધર્મધરંતા પાપહરંતા, સકળ ધામના ધામીરે ।।બાલા૦ ।।૧૩।।

ભૂધરભ્રાતા ભવભયત્રાતા, સુખદાતા બહુનામી । અહો નિરંતર ભવબ્રહ્માદિક, સ્તવન કરે કર ભામીરે ।।બાલા૦ ।।૧૪।।

એવા પ્રભુજી તપ આરાધે, પુલહાશ્રમમાં પોતે । ધર્મતણું સ્થાપન કરવાને, ધરણીમાં જગ જોતેરે ।।બાલા૦ ।।૧૫।।

વનવાસી મન અતિ ઉદાસી, યોગાભ્યાસી સબળા । રીત અલૌકિક તપની જાણી, જોવા આવ્યા સઘળારે ।।બાલા૦ ।।૧૬।।

મહા તપસ્વી મોટા મુનિવરે, તપ જોયું છે ત્યાંય । એક એકને કેવા લાગ્યા, વિચારે મનમાંયરે ।।બાલા૦ ।।૧૭।।

કયાંથી આવ્યા કોણ હશે આ, બાલાયોગી બળિયા । ગહન ગતિ અતિ છે નિર્મળ, કોઈના જાય નહિ કળિયારે ।।બાલા૦ ।।૧૮।।

અલબેલો કોઈ અચલ પુરૂષ છે, અદ્ભુત કાંતિ સારી । સરવાંતરયામીછે જાણે, ભક્તપતિ ભયહારીરે ।।બાલા૦ ।।૧૯।।

હરિહર ૧અજ શું એક થઈને, આવ્યા નિરવિકારી । કલા નથી પડતી કોઈને શું, આતપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૦।।

નથી મનુષ ને દેવ નથી આ, દિસે છે અવતારી । તીખા તપસ્વી ત્યાગી ભારે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૧।।

મનોવૃત્તિ શું સ્થિર કરી છે, નૌત્તમ રીતિછે ન્યારી । શુધ શરીરની ત્યાગ કરીછે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૨।।

મહાતપસ્વી મોટા મુનિવર, હિંમત ગયા સૌ હારી । બીજાથી તો બની શકે નહિ, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૩।।

વર્ષાઋતુની ધારાઓનું, સહન કરે છે વારી । એક ચરણથી સ્થિર રહ્યા છે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૪।।

ક્ષુધા તૃષા નથી ધરતા મનમાં, છે નૈષ્ઠિક વ્રત ધારી । અંતરમાં ઇચ્છા નથી કાંઈયે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૫।।

આતમરૂપ ધરીને ઉભા, મનમાં બ્રહ્મખુમારી । નિજ સ્વરૂપની તાળી લાગી, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૬।।

ઊર્ધ્વબાહુ શિર જટાજાુટ છે, નાસિકાગ્રવૃત્તિ ધારી । અવલોકન કરતા નથી કોઈનું, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૭।।

મૌન ગ્રહીને મંત્ર જપે છે, જપમાલા કરધારી । એક ટેકને એકજ વૃત્તિ, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૮।।

આંખતણું મટકું નથી ભરતા, છે ત્રાટક બહુ પ્યારી । નાસિકા પર નજર ઠરી છે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૨૯।।

ચિંતા નથી ધરતા આ વપુની, વાત મુકીછે વિસારી । તનડાનાં સુખ ત્યાગ કર્યાં છે, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૩૦।।

પ્રૌઢ પ્રતાપી પ્રગટ પ્રભુછે, મનમાં જાુવો વિચારી । જીવતણું તો ગજાુ નથી પણ, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૩૧।।

અદ્ભુત રીતિ તપની પ્રીતિ, નીતિ ધર્મની ધારી । અવધૂત વેષ ધર્યો લઘુ વયમાં, આ તપની બલિહારીરે ।।બાલા૦ ।।૩૨।।

ઇંદ્ર ચંદ્ર ને સરિતા આદિ, સર્વેના સુખકારી । શેષ મહેશ તણા સ્વામી છે, અવિનાશી અવતારીરે ।।બાલા૦ ।।૩૩।।

સદા સર્વદા સર્વનિયંતા, છે સરવાંતરયામી । ભાર ભૂમિનો હરવા પોતે, પ્રગટ થયા બહુનામીરે ।।બાલા૦ ।।૩૪।।

સર્વતણું શુભ કરવા માટે, દ્વિજકુળમાં તનુ ધારી । તપ કરવાનું કારણ એછે, હરિજનના હિતકારીરે ।।બાલા૦ ।।૩૫।।

આ મહાપ્રભુની કૃપાવડેથી, સઘળા મોટપ પામ્યા । ભવ બ્રહ્માદિ નારદ સારદ, સંકટ સર્વે વામ્યારે ।।બાલા૦ ।।૩૬।।

આપણને ઉપદેશક થઈને, તપની રીતિ બતાવે । સાવચેત યોગીને રેવું, માયાપાસ ન આવેરે ।।બાલા૦ ।।૩૭।।

ઋષભદેવના પુત્ર ભરતજી, બેઠા આંહિ થઈ ત્યાગી । આ સ્થળમાં ગફલત રાખી તો, મૃગની માયા લાગીરે ।। બાલા૦ ।।૩૮।।

એમ પ્રશંસા કરે તપસ્વી, ભયહારીને ભાળી । ધન્ય ધન્ય બાલાયોગીને, આ તપમાં હદ વાળીરે ।।બાલા૦ ।।૩૯।।

ચાતુર્માસ જે ચોમાસાના, સ્વામીયે તપ ધરીયું । પ્રબોધની આવી એમ કરતાં, ત્યારે પૂરણ કરીયુંરે ।।બાલા૦ ।।૪૦।।

એકાદશીની ૧વિભાવરીમાં, જુક્તે જાગ્રણ કીધું । વરણિરાજનેે ૨તરણીયે ત્યાં, આવી દર્શન દીધું રે ।। બાલા૦ ।।૪૧।।

નારાયણમુનિયે નિજ નજરે, તમ હર્તાને નિરખ્યા । તેજોમય દિનકરને દેખી, હરિવર મનમાં હરખ્યા રે ।। બાલા૦ ।।૪૨।।

સવિતા સન્મુખ ઉભા થઈને, કરે સ્તવન બ્રહ્મચારી । જય જય ભાસ્કર દેવ દિવાકર, રશ્મીપતિ તમહારી રે ।। બાલા૦ ।।૪૩।।

વાલમજીનું વચન સુણીને, કર જોડી કહે ભાનુ । જય જય જય અક્ષરપતિ આપે, તપનું ધરીયું બાનું રે ।। બાલા૦ ।।૪૪।।

અગમ અગોચર અવિચળ અનુપમ, અવતારી અવિનાશી । અખંડ અલૌકિક અજિત અમિત છો, સર્વસુખતણા રાશિરે ।। બાલા૦ ।।૪૫।।

(નીલકંઠ તમે છો બ્રહ્મમોલના વાસી) તરણ તારણ અધમઉધારણ, અશરણશરણજ સ્વામી । કરૂણાસાગર અતિ ઉજાગર, નટવર નાગર નામીરે ।। નીલ૦ ।।૪૬।।

ત્રિભુવનત્રાતા ભૂધરભ્રાતા, સુખદાતા દુઃખહારી । વિષ્ણુ વિધાતા મન મુદ માતા, તવ ગુણ ગાતા ધારીરે ।। નીલ૦ ।।૪૭।।

અકળ સકળ બળ પ્રબળ તમારું, ભેદ ન જાણે કોઈ । વિમલ સુફળ અવનીતલ કીધું, પુરૂષોત્તમ પ્રીત પ્રોઈરે ।। નીલ૦ ।।૪૮।।

સાર અસારવિચાર કરી, નિરધાર ફરો છો વનમાં । સૃષ્ટિ પૃષ્ટિ તુષ્ટિ કરવા, કષ્ટિ હરવા મનમાંરે ।। નીલ૦ ।।૪૯।।

૩કિલ્બિષ હરવા પાવન કરવા, ધરવા ધર્મની નીતિ । અભંગ ઉમંગજ અંગ ધરીને, વિચર્યા રુડી રીતિરે ।। નીલ૦ ।।૫૦।।

અજર અમર પર અક્ષર પર હરિ, નૌત્તમ નરતન ધરીયું । ઝટપટ કુળ કપટ ખટપટ એ, પાપ સકળ દૂર કરીયુંરે ।। નીલ૦ ।।૫૧।।

સવિતાએ એમ સ્તવન કર્યું છે, ગદ્ગદ્ કંઠે થૈને । કર જોડીને મિષ્ટ વચનથી, સન્મુખ ઉભા રૈનેરે ।। નીલ૦ ।।૫૨।।

હે સ્વામી હવે રજા માગું છું, કૃપા કરી કહો આજ । એવું વચન સુણીને બોલ્યા, નીલકંઠજી મહારાજરે ।। નીલ૦ ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે પુલહાશ્રમમાં સૂર્યનારાયણે દર્શન દઈને પ્રાર્થના કરી એ નામે ચૌદમો તરંગઃ ।।૧૪।।