તરંગઃ - ૧૨ - પર્વત ઉપર યોગીજનોયે પૂજ્યા થકા શ્રીહરિ બેઠા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 10:41pm

પૂર્વછાયો

હે રામશરણજી સુણો હવે, બાલાયોગીની વાત । વચન આપી તે પુરૂષને, ચાલ્યા ત્યાંથી જગતાત ।।૧।।

કેટલાક દિવસ વિચર્યા, ધરી છે ઘણી ધીર । આગળ જાતાં આવિયો, પર્વત મહા ગંભીર ।।૨।।

તે પર્વતની તળાટીમાં, મોટોછે વડ વૃક્ષ । દૂરથી દેખાવા લાગ્યો, ઉંચો અતિ પ્રત્યક્ષ ।।૩।।

ફરતો છે વિસ્તાર જેનો, પત્ર તણો ગરકાવ । શીતળ છાયા ઠરે કાયા, ભાળીને વધે ભાવ ।।૪।।

એ તરુવરને ઉપર રહે છે, પંખી હજારો હજાર । મિષ્ટ મધુર શબ્દ બોલે, શોભિતો છે અપાર ।।૫।।

 

 

ચોપાઈ

 

એવો સુંદર વડ છે સાર, તેને હેઠે આવ્યા બ્રહ્મચાર । મૃગચર્મ કર્યું આચ્છાદન, તે ઉપર્ય બેઠા ભગવન ।।૬।।

ત્યાં પોતાની ઇચ્છાનુસાર, આવ્યા સમીરસુત તેઠાર । કર જોડી કર્યો નમસ્કાર, બેઠા સમીપમાં તેણી વાર ।।૭।।

લાગ્યો શ્રીહરિને પરિશ્રમ, તેથી પોઢી ગયા પરબ્રહ્મ । કરે સેવા પવનકુમાર, સ્નેહ શ્રદ્ધા સહિતનિરધાર ।।૮।।

એવા સમામાં હજારો ભૂત, તે છે ત્યાંના રહીશ કપુત । ભક્ષ કરવા ગયાંતાં તેહ, સાંજે મુકામે આવ્યાં છે એહ ।।૯।।

તેમાં કાળભૈરવ વિક્રાળ, તેહ ભૂત સર્વેનો ભૂપાળ । અતિ ભુંડો ભયંકર વેષ, સાથે આવ્યા મળીને ત્યાં એશ ।।૧૦।।

વડના તરુને દીધો ઘેર, ભૂત ફરી વળ્યાં છે ચોફેર । કાળભૈરવ અતિ કઠોર, જણાવે છે પોતાનું ત્યાં જોર ।।૧૧।।

બોલે શબ્દ ભયંકર ઘોેર, દોડે પર્વતમાં ચહુકોર । ધરા ધ્રુજવા લાગી તેવાર, શબ્દ વ્યાપ્યો બ્રહ્માંડ મોઝાર ।।૧૨।।

વનવાસી પશુ પંખી જેહ, પ્રાણી કંપવા લાગ્યાં છે તેહ । એવું દેખ્યું ભૈરવનું જોર, કોપે ચડ્યા પવનકિશોર ।।૧૩।।

ઉઠ્યા ગર્જના કરી ગંભીર, સુણી ભૂત હારી ગયાં ધીર । કાળભૈરવે કર્યું વિરૂદ્ધ, મારુતિ સાથે અત્યંત યુદ્ધ ।।૧૪।।

દ્વંદ્વયુદ્ધ કર્યું ઘણી વાર । હનુમંતે ઝાલ્યો તેહ ઠાર । પુચ્છે બાંધ્યો કરી બળ પુર, મારી તેને કર્યો ચકચુર ।।૧૫।।

મહાબળવડે તેહઠાર, મસ્તકે કર્યો મુષ્ટિ પ્રહાર । ગર્દનમાં બેસી ગયું શિર, મનમાં ત્રાસ પામ્યો અધીર ।।૧૬।।

થયો ગાભરો ને બલહીણ, ઓકે રુધિર પડ્યો છે ક્ષીણ । કરે પ્રાર્થના છે અશરણ, ધ્રુજે તન પામ્યો જાણે મરણ ।।૧૭।।

બોલ્યો નમ્ર થઈને તે વામ, હવે નહિ કરું આવું કામ । મુકી દ્યો હવે તો મુને આજ, જીવતો રાખો હે મહારાજ ।।૧૮।।

એવું સુણીને અંજની બાળે, તેને મુકી દીધો તતકાળે । એવું દેખીને ભૂતડાં સર્વ, નાઠાં ત્રાસ પામી તજી ગર્વ ।।૧૯।।

પછે બાલાયોગી તેહ વાર, એક રાત્રિ રહ્યા નિરધાર, બીજે ૧દિવાકરે પ્રાતઃકાળ, વ્હેલા ઉઠ્યા છે ધર્મના બાળ ।।૨૦।।

શૌચવિધિ કરી કર્યું સ્નાન, પાઠપૂજા કર્યું છે નિદાન । કંદમૂળ લાવ્યા કપિરાય, આપ્યાં શ્રીહરિના કરમાંય ।।૨૧।।

કર્યું વિભુને નૈવેદ્ય સાર, પછે પોતે જમ્યા બ્રહ્મચાર । રજા માગી મહા બલવાન, મારુતિ થયા અંતરધાન ।।૨૨।।

બાલાયોગી ચાલ્યા ત્યાંથી તરત, કર્યું પ્રયાણ બાંધીને સરત । કર્યું મહાવનમાં વિચરણ, ચાલ્યા જાય છે અશરણશરણ ।।૨૩।।

જાતાં જાતાં આવ્યું બીજું વન, દેખી ધૈર્ય રહે નહિ મન । નથી ફળ જળ નિરધાર, ચાલ્યા જાય છે ધર્મકુમાર ।।૨૪।।

ક્ષુધા તૃષા કરે છે સહન, નિત્ય મન રહે છે મગન । એમ ચાલ્યા પોતે અવિનાશ, વીત્યા મારગમાં અઢી માસ ।।૨૫।।

ત્યારે પામ્યા ગહ્વરનો પાર, પછે પરવર્યા વનથી બાર । કર્યું આગળ જાવા પ્રયાણ, પડી ગયા ત્યાં જીવનપ્રાણ ।।૨૬।।

ઘડીવાર બેઠા પ્રભુ ત્યાંય, ત્યારે શાંતિ વળી તનમાંય । સાવચેત થયા બ્રહ્મચારી, ત્યાંથી વિચર્યા દેવ મોરારી ।।૨૭।।

આગળ જાતાં આવ્યું બીજું વન, અતિઘોર ઘાટું તે ગહન । વનસ્પતિ જે અઢાર ભાર, ખીલી રહી ત્યાં અપરંપાર ।।૨૮।।

સામસામાં તરુવર સોય, નીચાં નમ્યાં વસુધાએ જોય । અન્યોઅન્ય તરુ અથડાય, ભયંકર ત્યાં કડાકા થાય ।।૨૯।।

સૂર્ય ઉદે અસ્ત ન દેખાય, ભૂમિ મારગ નવ લેખાય । હિંસક જંતુ ફરે છે ત્યાંય, ક્રુર શબ્દ બોેલે વનમાંય ।।૩૦।।

ઘણું છે તેમાં અંધારું ઘોર, મહાવિકટ વન કઠોર । કોય ચાલી સકે નહિ ત્યાંય, નીલકંઠ પ્રવેશ્યા તેમાંય ।।૩૧।।

નિર્ભે થકા ચાલ્યા જાય વન, ત્રાસ ધર્તા નથી કાંઇ તન । મધ્યવનમાં ગયા જે વાર, વડવૃક્ષ આવ્યાં છે તે ઠાર ।।૩૨।।

તે હેઠે કેટલા એક સંત, બ્રહ્મરૂપે બેઠા છે મહંત । તપ કરે છે એકાગ્ર ચિત્ત, રાખેછે પ્રભુનામમાં પ્રીત ।।૩૩।।

બાલાયોગી થયા છે પ્રસન્ન, અનંતરૂપે દીધાં દર્શન । અલૌકિક દેખાડ્યો પ્રતાપ, તેના હરણ કરી લીધા તાપ ।।૩૪।।

નિજ સ્વરૂપનું જ્ઞાન જેહ, યથારથ બતાવ્યું છે તેહ । પ્રભુપણાનો નિશ્ચે પ્રકાશ, ધરાવ્યો સર્વેને વિશવાસ ।।૩૫।।

પછે ચાલ્યા ત્યાંથી જગદીશ, ભક્તવત્સલ ઈશના ઈશ । એમ વિત્યા છે કેટલા દિન, વાલિડે ત્યારે ઉલંઘ્યું વન ।।૩૬।।

જાતાં વચ્ચે અદ્રિ આવ્યો એક, અતિ ઉંચો શોભિતો વિશેક । તેને ફરતો જોઈને લાગ, મોટો વિંટાણો છે એક નાગ ।।૩૭।।

ચારે બાજુ વિંટાણો છે ત્યાંય, પુચ્છ ધર્યું છે મુખની માંય । દેખી બાલાયોગી પામ્યા હર્ષ, ચરણઅંગુઠાનો કીધો સ્પર્શ ।।૩૮।।

આપ્યો મારગ ચક્રીયે એવ, ચડ્યા અદ્રિપર વાસુદેવ । શિખરબંધ મંદિર ત્યાંય, બાલાયોગી બેઠા જૈને માંય ।।૩૯।।

ઘણા યોગી રેછે તેહ ઠામ, આવ્યા જ્યાં બેઠા છે સુખધામ । કર જોડી કર્યા નમસ્કાર, વિંટીને બેઠા સૌ તેણી વાર ।।૪૦।।

તેને બાલાયોગી કે વચન, સંતો સુણો કરી શુભ મન । પર્વત છે બહુ અનુકૂળ, આહિં મળે કાંઈ ફળફૂલ ।।૪૧।।

કાંઈ પ્રસાદ મળશે આજ, સાચી વાત કહો મુનિરાજ । પછે તેહ બોલ્યા ઉતકંઠ, વર્ણિ સુણો તમે નીલકંઠ ।।૪૨।।

અમારી પાસેછે અક્ષેપાત્ર, તેમાં ભર્યાંછે ભોજન માત્ર । ચડતા મધ્યાહ્ને આણે ઠામ, જે જોયે તે મળશે તમામ ।।૪૩।।

એવું સુણી નીલકંઠ આપ, પોતે રાજી થયા છે અમાપ । વળી પુછેછે શ્રીભગવાન, નાવા ધોવાનું છે કોઈ સ્થાન ।।૪૪।।

યોગી કે સરોવર છે એક, તેમાં ભર્યું છે વારિ વિશેક । એવું કહીને યોગી બે ચાર, બતાવા સારુ થયા તૈયાર ।।૪૫।।

બાલાયોગીને લીધા છે સંગ, સ્નાન કરવા ચાલ્યા ઉમંગ । જૈને કરાવ્યું છે તેમાં સ્નાન, પાછા તેડી લાવ્યા દેઈ માન ।।૪૬।।

પ્રેમે બેસાડ્યા મંદિરમાંય, ઘણું સનમાન આપ્યું ત્યાંય । સ્નેહસહિત બેઠા તે પાસ, કરે પ્રશંસા ધરી હુલ્લાશ ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે પર્વત ઉપર યોગીજનોયે પૂજ્યા થકા શ્રીહરિ બેઠા તે નામે બારમો તરંગઃ ।।૧૨।।