તરંગ - ૧૦૨ - શ્રીહરિયે પક્ષીયોને સમાધિ કરાવી ને નારાયણસરોવરમાં પાતાળગંગા લાવ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:30pm

 

પૂર્વછાયો

એકસમે છુપૈયાવિષે, મોતીત્રવાડીને ઘેર । માધવચરણનો વિવા માંડ્યો, આનંદથી રૂડી પેર ।।૧।।

પત્ર આવ્યો અવધપુરે, ધર્મદેવને દ્વાર । વાંચીને હરિપ્રસાદજી, થયા જવાને તૈયાર ।।૨।।

અહિપતિ અક્ષરપતિ, એે બેઉને લીધા સંગ । છુપૈયાને માર્ગે ચાલ્યા, કરી મનમાં ઉમંગ ।।૩।।

 

 

ચોપાઇ

એહ ત્રણ્ય જણા ચાલ્યા જાય, છુપૈયાને માર્ગે સમુદાય । ધર્મદેવને આવે છે જ્વર, તે જાણે છે પોતે હરિવર ।।૪।।

તેથી ચાલી શક્યા નહિ ધર્મ, લાગ્યો છે પોતાને પરિશ્રમ । એમ કર્તાં આવ્યો વડ એક, તેના હેઠે ગયા છે વિશેક ।।૫।।

સર્વે બેઠા થઇ શુભ મન, ધર્મદેવે કર્યું છે શયન । બોલ્યા પિતા વિમલ વચન, તમે સુણોને ભાઇ જોખન ।।૬।।

તને થયો છું હું તૃષાતુર, જળ લાવી આપોને જરૂર । એવું સુણીને રામપ્રતાપ, અંબુ લેવા સારું ગયા આપ ।।૭।।

અકેકો ગાઉ ફરતાં ફરિયા, પણ જળ કયાંઇ ન દેખિયા । પાછા આવ્યા છે રામપ્રતાપ, પામ્યા છે મનમાં પરિતાપ ।।૮।।

દોરી લોટો છે ખાલી તે હાથ, થયા નિરાશ શ્રીઅહિનાથ । વારિ વિના પાછા આવ્યા ભ્રાત, વાલિડાએ વિચારી તે વાત ।।૯।।

પાણી વિના પાછા આવ્યા ભાઇ, લાગી તરસ દાદાને આંઇ । એમ સંકલ્પ કરે છે હરિ, દેખાડી યોગમાયા ત્યાં ખરી ।।૧૦।।

માર્ગને કિનારે ક્ષેત્રમાંય, એક કૂપ બતાવ્યો છે ત્યાંય । મોટાભાઇએ દેખ્યો તે કૂપ, એમાંથી અંબુ લાવ્યા અનૂપ ।।૧૧।।

પિતાને કરાવ્યું જળપાન, ત્યારે શાંતિ પામ્યા મૂર્તિમાન । વડવૃક્ષ ઉપર તેવાર, બોલે શુડા ને પોપટ સાર ।।૧૨।।

બીજાં પક્ષી બોલે છે હજારો, નોખા નોખા કરે છે ઉચ્ચારો । શોરબકોર તેનો જે થાય, ધર્મદેવથી ન સહેવાય ।।૧૩।।

દેહે લાગી કસર વિશેષ, વૃષદેવ કહે સુણો શેષ । પક્ષીને ઉડાડી મુકો આજ, મુને નિદ્રા આવે સુખસાજ ।।૧૪।।

ત્યારે તો શરીરે સુખ થાય, એવું વેણ કહે ધર્મરાય । એવું સુણીને પન્નગપતિ, ઉડાડ્યાં પક્ષીને મહામતિ ।।૧૫।।

ઉડાડે છે વારમવાર, પાછાં આવીને બેસે તેઠાર । તરુ મુકી જાતાં નથી દુર, ભરાયાં છે પાછાં ભરપૂર ।।૧૬।।

શ્રીહરિએ ત્યાં નજર સાધી, પક્ષીઓને કરાવી સમાધિ । જોતા થકામાં થૈ ગયાં શૂન્ય, બોલ્યા વિનાનાં રહ્યાં છે મુન્ય ।।૧૭।।

હરિપ્રસાદે તે તક લીધી, બે ઘડી વાર નિદ્રા ત્યાં કીધી । પછે ઉઠ્યા થઇ મન સ્થિર, મુખશુદ્ધિ કરે ધર્મધીર ।।૧૮।।

જળપાન કર્યું સુખકારી, ચાલવાની કરી છે તૈયારી । તે સમે હરિઇચ્છાના બળે, પક્ષી જાગી ઉઠ્યાં તેહ પળે ।।૧૯।।

સર્વે સાથે સાવચેત થયાં, સમાધિ છોડીને ઉડી ગયાં । તેસમે નાગપુરના લોકે, જોયું રુડું ચરિત્ર અશોકે ।।૨૦।।

દુનિયાસિંહ સાહેબ દીન, વળી છોટુ પાંડેછે તે ભિન્ન । એ આદિ બીજા કેટલા જન, પામ્યા આશ્ચર્ય પોતાને મન ।।૨૧।।

ક્ષેત્રમાંથી ગયા સહુ ઘેર, સર્વે લોકને કહી તેપેર । પછે ત્યાંથી ચાલ્યા શ્રીધર્મ, આવ્યા છુપૈયાપુર તે પરમ ।।૨૨।।

મોતીત્રવાડીએ તેણીવાર, કર્યો ધર્મનો બહુ સત્કાર । જમાડ્યા ઉર આનંદ આણી, પોતાને ઘેર આવ્યા તેજાણી ।।૨૩।।

મુખશુદ્ધિ માટે તેણીવાર, આપ્યાં પાન તણાં બીડાં સાર । પછે ચોત્રા પર અભિરામ, બેઠા ધર્મ જોખન શ્રીશ્યામ ।।૨૪।।

પછે બીજે દિવસે સવાર, ધર્મદેવ ને બન્ને કુમાર । નારાયણસર છે નિદાન, સ્નેહે ગયા ત્યાં કરવા સ્નાન ।।૨૫।।

સરોેવરમાં અલ્પ ૧કબંધ, તેમાં જંતુનો બહુ સંબંધ । ૨પૃથુરોમાં આદિ જળચર, અંબુવિના મરે છે મઘર ।।૨૬।।

તપી જાય સવિતાને તાપે, ઘણા જીવ મરણ પામે આપે । પ્રાણ તજતાં જોયાં તે પ્રાણી, ધર્મદેવે દયા દિલ આણી ।।૨૭।।

બોલ્યા કરુણામય વચન, જુવો આ શું થયું ભગવન । હજુ ૧વારિદની ઘણીવાર, હિંસા થાય છે આતો અપાર ।।૨૮।।

એવો સંકલ્પ થયો છે ચિત્ત, તેને જાણી ગયા છે અજીત । સત્ય કરવા પિતાનો સંકલ્પ, અંતર્યામીયે ધાર્યું છે અલ્પ ।।૨૯।।

મધ્યતળાવમાં મહારાજ, ઉભા રહ્યા છે તે શુભ કાજ । દક્ષિણચરણ અંગુઠો જેહ, ક્ષિતિમાંહિ દબાવ્યો છે તેહ ।।૩૦।।

આવી પાતાળથી જલધાર, ધારારૂપે ગંગા નિરધાર । અતિ ઉંચો ચાલેછે પ્રવાહ, એમ આવે છે અંબુ અથાહ ।।૩૧।।

થાય ગર્જના ઘોર ગંભીર, દેખીને તો રહે નહિ ધીર । થકિત થયા છે ધર્મદેવ, પામ્યા આશ્ચર્ય પોતે તો એવ ।।૩૨।।

આતે શું મોટું અદ્ભુત કાજ, કયાંથી આવે છે ભુવન આજ । ત્યારે બોલ્યાછે જીવનપ્રાણ, તમો દાદા સુણો મુજ વાણ ।।૩૩।।

મનમાં ઘાટ કર્યોતો તમે, આજે સત્ય કરી આપ્યો અમે । ગંગાજીને અમેજ બોલાવ્યાં, પાતાળથી ધરણી પર આવ્યાં ।।૩૪।।

જ્યાં સુધી હોય ઇચ્છા તમારી, ત્યાં સુધી આંહિ આવશે વારિ । એવું સુણી પિતાજી દયાળ, બોલ્યા પ્રસન્ન થૈ તતકાળ ।।૩૫।।

નારાયણસરમાંહિ સાર, સારી પેઠે ભરવાદ્યો વાર । પાંચ ધનુષવા જળ થાય, પછે બંધ રાખો જગરાય ।।૩૬।।

એ પ્રમાણે ભરાણું કબંધ, બહુનામીએ કર્યું છે બંધ । પક્ષી આવ્યાં હજારો હજાર, તૃષાતુર થયેલાં તેઠાર ।।૩૭।।

મહાપ્રભુની પ્રસાદી જાણી, પક્ષીયે પીધું તેમાંથી પાણી । પોેતપોતાની જાતિના જેહ, મધુર શબ્દ બોલે છે તેહ ।।૩૮।।

શ્રીહરિને કરેછે પ્રસન્ન, કલોલ કરી રહ્યાં છે મન । કેટલાએક મેના પોપટ, ઘણાં પક્ષી કરે લટપટ ।।૩૯।।

એવાં ચતુર પક્ષીયો જોઇ, બોલ્યા મહાપ્રભુ પ્રીતપ્રોઇ । હે દાદા સુણો કહું છું વાત, આ પોપટ આવ્યા છે સાક્ષાત ।।૪૦।।

એમાં આવ્યા છે શ્રીશુકદેવ, શુકનું રૂપ લેઇને એવ । કરવા આવ્યા દર્શન કામ, એમ કહે છે શ્રીઘનશ્યામ ।।૪૧।।

ત્યાંતો શુકરૂપે શુકદેવ, પ્રભુપાસે આવ્યા તતખેવ । લીધો પોપટને નિજ હાથ, કર ફેરવે છે તેને નાથ ।।૪૨।।

બોલ્યા પ્રેમસહિત વચન, સુણો શુકદેવ ધરી મન । તમે આવજ્યો સત્સંગ જ્યાંય, રાખીશું મમ સમીપમાંય ।।૪૩।।

શુકમુનિ ધરાવીશું નામ, સદાકાળ રેજ્યો તેહ ઠામ । પછે પોપટને છોડી દીધો, એનો જન્મ કૃતારથ કીધો ।।૪૪।।

સૌને જોતે શુક ઉડી ગયો, વ્યોમમાર્ગે અદશ્ય થયો । ધર્મદેવ આદિ ઘણા જન, ત્યાં આવેલા છે પુન્ય પાવન ।।૪૫।।

જોઇ પ્રભુનું રુડું ચરિત્ર, નરનારી થયાં છે પવિત્ર । પ્રશંસા કરે વારમવાર, થયા વિસ્મિત મન અપાર ।।૪૬।।

પછે ધર્મદેવે કર્યું કામ, છુપૈયામાં મુક્યા ઘનશ્યામ । રામપ્રતાપને લેઇ જોડે, ગામ અસનેરા ગયા કોડે ।।૪૭।।

ત્યાં છે ભિક્ષુક ત્રવાડી નામ, પારાયણનું આરંભ્યું કામ । ભાગવતની સપ્તા છે જેહ, સુણવા સારું ગયા છે તેહ ।।૪૮।।

તેસમે સભાના સહુ જને, પંડિત આદિ નિર્મળ મને । આપ્યું ધર્મને બહુ સન્માન, સભામાં બેસાર્યા છે નિદાન ।।૪૯।।

કથા સાંભળી દિવસ એક, સાંજે છુપૈયે આવ્યા વિશેક । છુપૈયામાં રહ્યા થોડા દિન, પછે જાવા વિચાર્યું છે મન ।।૫૦।।

કર્યો છે વિવેક મોતીરામે, વસ્ત્ર ઘરેણાં આપ્યાં તે ઠામે । પછે પ્રેમવડેથી વળાવ્યા, સુત સહિત અયોધ્યા આવ્યા ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે પક્ષીયોને સમાધિ કરાવી ને નારાયણસરોવરમાં પાતાળગંગા લાવ્યા એ નામે એકસો ને બીજો તરંગઃ ।।૧૦૨।।