તરંગ - ૮૫ - શ્રીહરિએ આંબલીનું ડાળ રોપીને તેમાં તુલસીનો ભાવ દેખાડ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:35pm

 

પૂર્વછાયો

એક સમે અમાસ દિન, વ્હાલે કર્યું છે ચરિત્ર । વિસ્તારીને તેહ વર્ણવું, સુણો ભાઇ પવિત્ર ।।૧।।

પ્રેમવતી ને સુવાસિની, ઇંદિરાબાઇ કેવાય । એ આદિ બીજી બાયું સર્વે, સ્નાન આચરવા જાય ।।૨।।

પોતપોતાને પેરવાની, સાડીયો લીધી સંગ, વળી સુંદર વસ્ત્ર બીજાં, લીધાં કરીને ઉમંગ ।।૩।।

કેસર કુંકુમ અક્ષત, કાચું સૂત્ર લીધું હાથ । નોખા નોખા થાળ ભરીને, નાવા ચાલ્યાં સહુ સાથ ।।૪।।

નારાયણસર તીર્થ છે, ગયા સર્વે તેને તીર । એ સમે નિજ સખા લેઇ, આવ્યા છે બલવીર ।।૫।।

 

ચોપાઇ

 

ભક્તિમાતા આદિ ભાગ્યવાન, સર્વે બાઇઓયે કર્યું સ્નાન । પેર્યાં વસ્ત્ર અનુપમ સાર, જેની શોભા તણો નહિ પાર ।।૬।।

સર્વે ઉભાં સરોવર તીર, પૂજ્યા માર્તંડને મન સ્થિર । કર્યું વરુણનું ત્યાં પૂજન, ચંદન પુષ્પથી શુભ મન ।।૭।।

પછે ભરી લીધાં જળપાત્ર, આવ્યાં પિંપળે તે બાયું માત્ર । જળધારાઓ દીધી ત્યાં ફરતાં, કરે પૂજન કુંકુમ ભરતાં ।।૮।।

કેસર ચંદને પુષ્પે સાર, પ્રેમે પૂજન કર્યું તેવાર । સુતર વીટ્યું પ્લક્ષને થડે, ફરે પ્રક્રમાઓ સ્નેહવડે ।।૯।।

પરસ્પર કર્યા છે ચાંદલા, કેસર ને કુંકુમના ભલા । પ્રક્રમાઓ ફરે છે તે વામ, ત્યારે પુછે છે શ્રીઘનશ્યામ ।।૧૦।।

હે ભાભી તમે આ શું કરો છો, પિંપળા કેડે કેમ ફરો છો । ભાભી કે સુણો જગજીવન, આજ છે સોમવતીનો દિન ।।૧૧।।

પ્રક્રમા ફરીયે છૈયે અમે, ફરવી હોય તો આવો તમે । ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, અમે નહિ ફરીએ આ ઠામ ।।૧૨।।

ઘેર જઇ તે કામ કરીશું, તુલસીને પ્રક્રમા ફરીશું । પછે ભાભી કહે છે હે ભાઇ, ઘેર વૃંદા ગયાંછે સુકાઇ ।।૧૩।।

નવાં લાવીને રોપો તો સારૂં, અમે પણ ફરીયે ત્યાં વારૂં । એવું કહીને ત્યાંથી સધાવ્યાં, ઘનશ્યામ સાથે ઘેર આવ્યાં ।।૧૪।।

ઇચ્છારામ ને શ્રીઘનશ્યામ, ભુખ્યા થયા હશે સુખધામ । એવું જાણી સુવાસિનીબાઇ, જમવા બેસાર્યા ઘરમાંઇ ।।૧૫।।

બેઉ જણા બેઠા છે જુજવા, જમવા આપ્યા છે દહીંપુવા । પછે જમીને તૃપ્ત થયા છે, ચળુ કરીને બારે ગયા છે ।।૧૬।।

આંબલીનું કાપેલું છે ડાળ, પડ્યું તું તે લીધું તતકાળ । ખાડો ખોદીને રોપે દયાળ, તેના પાછળ બાંધીછે પાળ ।।૧૭।।

કુવામાંથી જળને કઢાવ્યું, આંબલીના ડાળે પવરાવ્યું । ત્યારે સતી સુવાસિનીબાઇ, બોલ્યાં શું કરો છો તમે ભાઇ ।।૧૮।।

મારો વ્હાલો બોલ્યા પછે વેણ, સુણો ભાભી કહું સુખદેણ । તુલસી માટે કહ્યું તું તમે, રોપી પાણી પૈયે છૈયે અમે ।।૧૯।।

ભાભી કે જુવો તો ખરા આજ, જુઠું શું બોલો છો મહારાજ । આતો આંબલી ડાળ રોપાયું, નથી વૃંદા અમને જણાયું ।।૨૦।।

પ્રભુ કે નથી જુઠું લગાર, તમે જુવો કરીને વિચાર । તમારા મનમાં હોય વેમ, પુછી જુવો બીજાને આ કેમ ।।૨૧।।

જેવું છે એવું કહું છું અમો, સત્ય માની લીઓ ભાભી તમે । એવું કહી માળા લીધી હાથ, પ્રક્રમા ફરવા લાગ્યા નાથ ।।૨૨।।

હસે તે દેખી વિચારે મન, આતે શું કરે છે તે જીવન । પછે માતાને બોલાવ્યાં બારે, ઓલ્યું ડાળ બતાવ્યું તેવારે ।।૨૩।।

હરિકૃષ્ણ જુવો શું કરે છે, આંબલીને પ્રક્રમા ફરે છે । એ રીતે વાત કરે છે જ્યાંયે, સુંદરીબાઇ આવ્યાં છે ત્યાંયે ।।૨૪।।

ભક્તિમાતા ને સુંદરી મામી, એ બે બોલી ઉઠ્યાં કર ભામી । સાચું છે આતો વૃંદાનું વૃક્ષ, ફરે તેને પ્રક્રમા પ્રત્યક્ષ ।।૨૫।।

આંબલીનું એ ડાળું છે કોછો, આતે સાચું કે જુઠું બોલો છો । એમ કહી કરેછે વિચાર, તુલસીતરુ નોતો આ ઠાર ।।૨૬।।

આજ સવારમાં આ જગાયે, નોતો ને ઓચિંતોે ક્યાંથી થાય । પામ્યાં આશ્ચર્ય મન અપાર, વારે વારે કરે છે વિચાર ।।૨૭।।

તેવું દેખીને થયો છે ભ્રમ, નથી સમઝી શકાતો મર્મ । નથી તુલસી એ નક્કી વાત, આંબલીનું ડાળું છે વિખ્યાત ।।૨૮।।

મારી નજરે જોતાં રોપ્યું છે, નામ તુલસી દેઇ ચોપ્યું છે । હમણાં હતું કાપેલું ડાળ, જરૂર એ રોપ્યું છે આકાળ ।।૨૯।।

વૃંદા છે એમ સર્વે કહે છે, મારા મનમાં વેમ રહે છે । પાછા શ્રીહરિ ભાભીને પુછે, તમે સાચું બોલો આતે શું છે ।।૩૦।।

માતુશ્રી અને મામી વદે છે, એતો તુલસી છે એમ કે છે । આંબલી છે એ કોછો શું તમે, ત્યારે શું કરીએ હવે અમે ।।૩૧।।

પ્રક્રમા મારે ફરવી કે નહી, તમે કો તેમ કરૂં હું સહી । એવી વાત કરે છે જ્યાં સ્વામી, ત્યાંતો આવ્યાં સુરજાબાઇ મામી ।।૩૨।।

આવ્યાં તેવાંજ બોલ્યાં વચન, ક્યાંથી લાવ્યા આ વૃંદા પાવન । કૃષ્ણવૃંદા રોપ્યાં છે ઉત્તમ, ઘણાં સારાં અને છે નૌત્તમ ।।૩૩।।

તેવું સુણી સુવાસિની સતી, મનમાં મુંઝાવા લાગ્યાં અતિ । વળી બોલ્યા વાલમ વચન, ભાભી સુંણજ્યો કહું પાવન ।।૩૪।।

રેવાદ્યો બધી વાત તનમાં, વૃંદાનો ભાવ લાવો મનમાં । ઘડી કેડે હશે તે જણાશે, તમારૂં મન તેમાં તણાશે ।।૩૫।।

એવું સુણી જ્યાં ભાવના ધારી, તુલસી દેખાણાં નિર્વિકારી । થયાં નિર્માની નમ્ર સ્વભાવ, પગે લાગ્યાં કરીને ઉચ્છાવ ।।૩૬।।

ભાભી કહે છે હે ઘનશ્યામ, ભાઇ આતો તમારૂં છે કામ । તવ માયા બહુ બલવાન, તમે મુને ભુલાવ્યું છે ભાન ।।૩૭।।

અતિ અદ્ભુત માયા દેખાડી, ઘુંચવી નાખીને જુઠી પાડી । પછે ગદગદ કંઠે થઇને, પ્રક્રમાઓ ફરવા લાગ્યાં જઇને ।।૩૮।।

ધર્મદેવ ને રામપ્રતાપ, અયોધ્યાએ ગયાતા તે આપ । તે સમે આવ્યા નિજ સદન, દેખીને પામ્યા વિસ્મય મન ।।૩૯।।

દેખ્યું તુલસીનું વૃક્ષ પોતે, રાજી રાજી થયા છે તે જોતે । આવાં પ્રગટ કેરાં ચરિત્ર, સુણતાં થાય પાપી પવિત્ર ।।૪૦।।

જે કોઇ સુણે નિર્મલ મન, એનો અવતાર સફળ જન । કથા શ્રવણ કરે જે રૂડી, એની કરણી મટી જાય કુડી ।।૪૧।।

કોટિ કોટિ જનમનાં પાપ, નાશ પામે પળમાં તે આપ । બેઉ લોકમાં તે સુખ પામે, વિઘ્ન વિકટ સંકટ તે વામે ।।૪૨।।

આતો દુર્લભ વસ્તુ છે જાણો, પ્રભુજીનાં ચરિત્ર પ્રમાણો । આ ચરિત્ર સુણે એક વાર, તેને યમનો મટશે માર ।।૪૩।।

વળી જન્મ મરણ ગર્ભવાસ, તેનું દુઃખ પામી જાય નાશ । સુધાસાગર લીલા અપાર, જે કોઇ સાંભળે નરનાર્ય ।।૪૪।।

તેને લખ ચોરાશી ન આવે, કાળ કર્મ માયાથી મુકાવે । એવો પ્રગટતણો પ્રતાપ, ટળી જાય પ્રાણીના સંતાપ ।।૪૫।।

શ્રીહરિ સ્વામી સહજાનંદ, સ્વામિનારાયણ સુખકંદ । મનુષ્યાકૃતિ પુન્ય પવિત્ર, ધરીને કર્યાં આવાં ચરિત્ર ।।૪૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ આંબલીનું ડાળ રોપીને તેમાં તુલસીનો ભાવ દેખાડ્યો એ નામે પંચાશીમો તરંગ ।।૮૫।।