તરંગ - ૮૬ - શ્રીહરિએ મખોડાઘાટે અનેક અસુરોનો નાશ કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:36pm

 

 

પૂર્વછાયો

 

એકસમે વશરામે ધાર્યું, તરગામે જવા કાજ । નિજ મામાનું તે ગામ છે, મોસાળ કુળ સમાજ ।।૧।।

હર્ષ વાધ્યો છે હૃદયમાં, વેગે થયા છે તૈૈયાર । મળવા માટે તે આવિયા, ધર્મદેવ તણે દ્વાર ।।૨।।

તે દેખી ઘનશ્યામ બોલ્યા, સુણો દીદી નિરધાર । મારે મામા સાથે જાવું છે, રજા આપો આણીવાર ।।૩।।

 

ચોપાઇ

 

એવું કહીને થયા તૈયાર, ધીર વીર શ્રીધર્મકુમાર । માતાજીએ ભલામણ કીધી, શ્રીહરિને જાવા રજા દીધી ।।૪।।

પેરાવ્યાં વસ્ત્રાભૂષણ સાર, સમજાવીને કર્યા તૈયાર । પછે બોલ્યા નટવર નાથ, દીદી જાવું છું મામાની સાથ ।।૫।।

વસન્તા માસીનું જે છે ગામ, લક્ષ્મણપુર એવું છે નામ । માણેકધર પાસે જઇશું, થોડા દિન અમે ત્યાં રહીશું ।।૬।।

એવું કહીને મામાને સંગે, પ્રાણનાથ ચડ્યા રુડે રંગે । ગાયઘાટે ગયા ઘનશ્યામ । ત્યાંથી પોકી ગયા તરગામ ।।૭।।

મામાની સાથે શ્રીઅવિનાશ, ત્યાં રહ્યા છે પોતે એક માસ, પછે ત્યાંથી ચાલ્યા વશરામ, સાથે લેઇને શ્રીઘનશ્યામ ।।૮।।

બેઉ લક્ષ્મણપુર આવીયા, વસન્તાબેનને તે મળીયા । પાંચ દિવસ રહ્યા તે ઠાર, પછી ચાલવા થયા તૈયાર ।।૯।।

માણેકધર ને ઘનશ્યામ, સંગે લેઇગયા વશરામ । રામ હરિપઢરી પધાર્યા, ત્યાંથી ગામ બરુએ વિચર્યા ।।૧૦।।

ચંદન બેનને મળ્યા ત્યાંય, ઘણો હર્ષ વધ્યો મનમાંય । ત્રૈણ દિન રહ્યા તેને ધામ, પછે શું કરેછે વશરામ ।।૧૧।।

ચંદન બસ્તી ને ઘનશ્યામ, વશરામ માણેક તેઠામ । પૂર્ણિને દિન પાંચે સધાવ્યા, મખોળા ઘાટને મેળે આવ્યા ।।૧૨।।

ચૈત્ર માસ ઋતુ શુભ સાર, પાંચે આવ્યાતે મેળા મોઝાર । મનોરમા નદીમાં કર્યું સ્નાન, થયા તૈયાર શ્રી ભગવાન ।।૧૩।।

તે સરિતાનો સુંદર આરો, ત્યાં મંદિરમાં કર્યો ઉતારો । તેવે સમે છુપૈયાના જન, આવ્યા મેળામાં નિર્મલ મન ।।૧૪।।

ધર્મભક્તિ ને રામપ્રતાપ, તે પણ આવ્યા મેળામાં આપ । પરસ્પર મળ્યા કરી હેત, પામ્યા સંતોષ પ્રેમ સમેત ।।૧૫।।

હવે મનોરમા સરિતાય, મખોડાઘાટ જ્યાં કહેવાય । પૂર્વે દશરથરાયે ત્યાંય, પુત્રની આશાથી મનમાંય ।।૧૬।।

ઘણા યજ્ઞ કર્યા તે બલીન્દ્ર, થયા પસન્ન શ્રીરામચંદ્ર । રાજાને આપ્યું રામે વચન, નકકી થઇશ તમારો તન ।।૧૭।।

તે દિવસથી મેળો ભરાય, અદ્યાપી ચાલે છે તે સદાય । ચૈત્રી પુનમ આવીછે જ્યાંય, હજારો લોક આવે છે ત્યાંય ।।૧૮।।

આજ જમવાનું શું જાણો, મોેટો મહિમા છે તે પ્રમાણો । પૂર્ણિને દિન બાટીનો પાક, તેની જોડે રીંગણાંનું શાક ।।૧૯।।

આ બે જમવાની વસ્તુ સાજ, એવું મહિમાનું મોટું કાજ । માહાત્મ્ય સમજી ધર્મદેવે, રીંગણાં બાટી કરાવ્યું એવે ।।૨૦।।

સૌને જમાડીને જમ્યા પોતે, એવું કામ કર્યું છે ત્યાં જોતે । પછે મંદિરમાંથી તે વાર, બારે પધાર્યા ધર્મકુમાર ।।૨૧।।

પશ્ચિમ દિશામાં જે છે પ્લક્ષ, ઘનશ્યામજીએ જોયો ચક્ષ । અતિ ઉંચો ગગન ચુંબિત, એના ઉપર ચડ્યા અજીત ।।૨૨।।

ચારે દિશાઓમાં તેણીવાર, જોવા લાગ્યા છે ધર્મકુમાર । તે સમે ઘેલા ત્રવાડી નામ, નજીકમાં બેઠા છે તે ઠામ ।।૨૩।।

ભવાની માતાનો ઓટો જેહ, તે ઉપર બેઠા જુઓ એહ । જોયા વૃક્ષપર ભવહાર, બોલ્યા ઘેલાત્રવાડી તે વાર ।।૨૪।।

હે ભાઇ શું જુઓ છો ચઢીને, ક્યાંક હેરાન થાશો પડીને । હેઠે ઉતરો કહ્યું કરીને, પડશો તો શું કરશો ફરીને ।।૨૫।।

ત્યારે કહે છે જીવનપ્રાણ, હે મામા એવું શું બોલ્યા વાણ । અમે તો પડવાના જ નથી, નિશ્ચે જાણીલ્યો તમે મનથી ।।૨૬।।

આવ્યા છે લોક આંહી અપાર, આ મેળામાં હજારો હજાર । તેમાં દૈવી આસુરી જે જન, તપાસ કરીેએ છૈયે મન ।।૨૭।।

તેનું કારણ છે એક એવું, તમને કહી બતાવું તેવું । સંક્રાંતિને દાડે કરી આશ, અવની આવ્યાં ત્યાં મુજ પાસ ।।૨૮।।

ગાયરૂપ ધરીને પાવન, અમો આગે કર્યું તું રૂદન । વિસ્તારીને જે વાત કરી છે, તે દિની અમે મન ધરી છે ।।૨૯।।

પૃથ્વીેએ કહ્યું તું મહારાજ, હવે કરો અમારૂં આ કાજ । મહા અધર્મરૂપી જે ભાર, અસુરોએ કર્યો છે અપાર ।।૩૦।।

અસુર વાળે છે રસાતળ, નથી સહન થતું દયાળ । પ્રગટ્યા છો શ્રીધર્મને ઘેર, હવે દુઃખ ટાળો કરી મેર ।।૩૧।।

એવા પાપી અસુરને મારો, મુને સંકટમાંથી ઉગારો । ધરણીએ ધેનું રૂપ ધર્યું તું, મુજ પાસ પ્રકાશ કર્યું તું ।।૩૨।।

આ મેળામાં આવ્યા છે અસુર, ઘણા ભેગા થયા છે તે ભૂર । માટે અમે ઇચ્છા એમ ધારી, તેહ કરશે પાપી મારા મારી ।।૩૩।।

માંહોમાંહી કપાઇ મરશે, એક એકનાં શીષ સંહરશે । તેહ તમે જુઓ આણીવાર, હાલ હરૂં છું ભૂમિનો ભાર ।।૩૪।।

એમ વાત કરે છે મુરારી, ત્યાંતો ઉઠી આવ્યા છે સુરારી । ઘાટ ઉપર તે નાવા આવ્યા, સહુ સહુના મનમાં ફાવ્યા ।।૩૫।।

કેટલાક કહે છે તે અમે, પેલા નૈશું બેસો હાલ તમે । બીજા કે પેલા અમે નાહીશું, તમો અગાડી ચાલ્યા જઇશું ।।૩૬।।

કરે છે એવી ત્યાં બોલાબોલ, થવા માંડ્યું છે થોલકથોલ । સામ સામા ગાળ્યું દેવા લાગ્યા, અડબંગા ઉંઘેલા શું જાગ્યા ।।૩૭।।

કૈક ઓથમી અવડચંડા, બારે વાટ બોલે બહુ બંડા । કોઇ બુડથલ બ્રહ્મકોદાળ, ફોડે છે હાથે નિજ કપાળ ।।૩૮।।

પછે જામ્યો રંગ લડાઇનો, ફજેતો ચાલ્યો છે બડાઇનો । શસ્ત્ર વીજળીસમ ચમકે, ગુર્જગોળા ગંભીર ધમકે ।।૩૯।।

હાહાકાર કરે છે હોકારા, મારો મારો દે છે ધમકારા । સરિતા થઇ શોણિત વર્ણ, ભયંકર દિશે છે આચરણ ।।૪૦।।

નવરા નીચ નખોદા પાટી, રુધીરમાં નાખ્યા સર્વે દાટી । કોઇ કોઇનો ઠોર ન ચુકે, મુવા માર્યા વિના નવ મુકે ।।૪૧।।

ક્રોધી વિરોધી યુદ્ધ કરે છે, મોત વિનાના કૈક મરે છે । દંતે કરડે છે નાસિકા કર્ણ, આવ્યું સંગાથે સર્વેનું મરણ ।।૪૨।।

થયો દારૂણ સંગ્રામ ઘોર, ચાલ્યો અવધપુરમાં શોર । મોટા મહારથીનું એ કામ, હિમતવાળા હારે ત્યાં હામ ।।૪૩।।

કૈક સરજુમાં જઇને પડે છે, કૈક ધરણી પર રખડે છે । કૈક થઇ પડ્યા સોથરાણ, કૈકના થયા પ્રાણ મેલાણ ।।૪૪।।

એમ યુદ્ધ થયું ઘણીવાર, પાપીનો આવી ગયો છે પાર । પિપળા ઉપર અલબેલો, બેઠા બેઠા જુવે છે તે છેલો ।।૪૫।।

સોડ તાણીને સર્વે એ સુતા, જાણે દુનિયામાં આવ્યા નોતા । એમ ઉતાર્યો ભૂમિનો ભાર, હેઠે ઉતર્યા ધર્મકુમાર ।।૪૬।।

કર્યું પરબાર્યું એવું કામ, એવા છે સલુણો ઘનશ્યામ । ધર્મ રામપ્રતાપજી ભાઇ, બીજાં સર્વે હતાં બાઇ ભાઇ ।।૪૭।।

યુદ્ધ દેખીને પામ્યાં છે ત્રાસ, લાખો અસુર થયા છે લાશ । પછે સત્વર ત્યાંથી સધાવ્યા, છુપૈયાપુરમાં સહુ આવ્યા ।।૪૮।।

ગતિ શ્રીહરિની જુઓ ગૂઢ, એમાં સમઝી ન શકે મૂઢ । મુમુક્ષુ મુક્ત હોય તો જાણે, પામર વિષયી શું પ્રમાણે ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મખોડાઘાટે અનેક અસુરોનો નાશ કર્યો એ નામે છાશીમો તરંગ ।।૮૬।।