તરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 4:57pm

 

પૂર્વછાયો - એક સમે મોટાભાઇયે, બતાવ્યું કૃષ્ણને કામ । મંગળ આહીરને ઘરે, જાઓ તમે ઘનશ્યામ ।।૧।।

નારાયણસરને તીરે, દક્ષિણ બાજુ જ્યાંય । નેહડામાં ગાયો છે તેને, દોવરાવો જઇ ત્યાંય ।।૨।।

એવું સુણીને ગયા સાથે, બેઠા છે નેહડા પાસ । મંગળ છીટન આહીર તે, કરે દોવાનો પ્રયાસ ।।૩।।

આહીર બન્ને જાણે નહિ, એમ કરે હરિ કામ । દોઇ દોઇને પાત્ર ભરી, મુકે છે જ્યાં ઘનશ્યામ ।।૪।।

વળી બીજામાં દોઇ લાવી, ભરે તે પાત્રનીમાંય । પ્રભુજીયે તો પીવા માંડયું, એવી રીતેથી ત્યાંય ।।૫।।

ઘટે તે કરે બરાબર, પાણી રેડી પરમેશ । એમ કરીને છાનું રાખે, જાણે નહિ કોઇ એશ ।।૬।।

આહીર પાસે ઉપડાવી, લેઇ આવે છે ઘેર । રૂડી રીતે સંભાળ રાખે, બીજા શું સમઝે પેર ।।૭।।

ચોપાઇ - પય લેવરાવી આવે ઘેર, સોંપે સુવાસિનીને તે પેર । ભાભી મેળવે દુધાતણમાં, દહીં જામે નહિ વાસણમાં ।।૮।।

ત્યારે કરે છે મન વિચાર, હવે કેમ થયો ફેરફાર । પ્રથમ જેવું નથી મળતું, નક્કી લાગે પાણી ભળતું ।।૯।।

ત્યારે ભક્તિમાતાજીને પુછે, બાઇજી આનું કારણ શું છે । પય ભળતું નથી આ કેમ, મુને તો પડયું છે મોટું વેમ ।।૧૦।।

દધી થાતું નથી પેલા જેવું, વળી ઘી પણ થાય છે એવું । આહીર સંગાથે મહારાજ, નિત્ય જાય દોહરાવા કાજ ।।૧૧।।

દૂધ પીયેતે જાણે ન કોય, રખે પાણી ન રેડતા હોય । મારે મને તો એમજ થાય, નથી બીજો તો કાંઇ ઉપાય ।।૧૨।।

ત્યારે માતાએ બોલાવ્યા પાસ, પુછયું પુત્રને કરી હુલ્લાસ । દૂધ પીવોછો તે વાત જાણી, પછે રેડો છો શું ભાઇ પાણી ।।૧૩।।

અમે કરતા નથી કે શ્યામ, પણ હશે એ ભાભીનું કામ । ત્યારે સુવાસની બાઇ આવ્યાં, દૂધાતણાં લાવીને બતાવ્યાં ।।૧૪।।

માતાજી ઓળખી લ્યો એધાંણી, એકલું દેખાય જુવો પાણી । ત્યારે શ્રીહરિજી બોલ્યા સુધ, આતો બાખડીનું નથી દૂધ ।।૧૫।।

થોડા દિનની વીયેલી ગાય, માટે પાણી જેવું એ દેખાય । એવું કૈ માતાને સમજાવ્યાં, એમ ભાભીનાં મન મનાવ્યાં ।।૧૬।।

એટલામાં તો આહિર આવ્યો, નામ મંગલજી મન ભાવ્યો । તેને પુછે છે શ્રીભક્તિમાત, ભાઇ કેમ જાણો છો આ વાત ।।૧૭।।

બોલ્યો આહીર મુખ તે વાર, નથી જાણતો હું એનો સાર । ઘનશ્યામ પીએ છે કે નહિં, તેની સરત નથી મુને સહિ ।।૧૮।।

પણ દૂધમાં પાણી દેખાય, પય પાતળું આ પરખાય । મારો વાલિડો બેઠા છે પાસ, મંદ મંદ કરે છે તે હાસ ।।૧૯।।

ભક્તિમાતાએ જાણ્યું છે ઉર, ભાઇનું કામ છે આ જરૂર । પ્રેમવતી કહે ઘનશ્યામ, તમે શું કરવા કરો આમ ।।૨૦।।

દૂધ આપીયે હમેશ અમે, આજ વિશેષ લૈ જમો તમે । વ્હાલો વિચારી બોલ્યા છે એવું, હવે આજ દૂધ નથી પીવું ।।૨૧।।

એવું કહીને આવ્યા છે બાર્ય, કહે દીદીને શ્રીકીરતાર । જે દિન દૂધ નૈ આપો તમે, તે દિવસે પય પીશું અમે ।।૨૨।।

ત્યારે બોલ્યાં સુવાસિની બાઇ, તમે સુણો ઘનશ્યામભાઇ । નિત્ય આપીશ હું નહિ ચુકું, જુવો સત્ય સંકલ્પ આ મુકું ।।૨૩।।

એવું કહીને મુક્યું છે જળ, તેને જોઇ રહ્યા છે અકળ । પણ બગાડ તો ન કરશો, દૂધમાં પાણી નહિ ભરશો ।।૨૪।।

અક્ષરધામના અધિપતિ, તેણે ધરી છે મનુષ્યાકૃતિ । પુરૂષોત્તમ પર્મ પવિત્ર, નરનાટક કરે ચરિત્ર ।।૨૫।।

માત પિતાને આનંદ આપે, નિજ સેવકનાં કષ્ટ કાપે । વળી એક સમે ઘનશ્યામ, સખા લઇ ચાલ્યા સુખધામ ।।૨૬।।

નારાયણ સરે ભગવાન, કરવા ગયા સુંદર સ્નાન । વળી રમતગમત કરવા, ભાર ભૂમિતણો કાંઇ હરવા ।।૨૭।।

તે સમે એક આવ્યો અસુર, નામ બિરબલ ભૂંડો ભુર । શ્રીહરિને તે મારવા શોધે, પૂર્વના વૈર ક્રોધ વિરોધે ।।૨૮।।

કાળા નાગતણું ધર્યું રૂપ, છાંનો જળમાં રહ્યો વિરૂપ । પ્રભુ રમી ઘણીવાર ત્યાંય, પછે પેઠા છે તે જળમાંય ।।૨૯।।

સખા સહિત કરે છે સ્નાન, જળ વિષે રમે ભગવાન । જળ ઉછાળે છે સામસામી, મારે ડુબકીયો બહુનામી ।।૩૦।।

ઉંડા પાણીમાં જઇ તરે છે, એવી ઘણીક ક્રિયા કરે છે । ઓલ્યે અસુરે જોયો છે લાગ, સામો આવે થઇ કાળો નાગ ।।૩૧।।

મહાદુષ્ટ અને મંદમતિ, મુખે ફુંફવાડા મારે અતિ । ભૂંડો ભારે ભયંકર વ્યાળ, વળી નાખે છે વિખની જ્વાળ ।।૩૨।।

તેનું ભાળી ભયંકર રૂપ, સખા છાંના રહ્યા થકા ચુપ । ત્રાસ પામી ગયા તે તનમાં, ભય લાગી ગયો ત્યાં વનમાં ।।૩૩।।

સખા સર્વે કહે સુણો ભાઇ, જુવો નાગ આવે સામો ધાઇ । એવું કહી સખા નાઠા સાર, સર્વે ઉભા રહ્યા આવી બાર્ય ।।૩૪।।

અંતર્યામી રહ્યા છે જળમાં, બોલ્યા સખાસંગાથે બળમાં । આજ ભલો આવ્યો મારે લાગ, મુને શું કરશે કાળો નાગ ।।૩૫।।

તે સમે આવી છે ઘણી નારી, ભરવું જેને નિર્મળ વારી । ઉભી ઉભી કરે છે બકોર, બાર્ય આવોરે ધર્મકિશોર ।।૩૬।।

ડંસ મારીને દેવું છે દુઃખ, માટે આવે છે તવ સન્મુખ । કરડવા આવે છે તમને, એવો નિશ્ચય થયો છે અમને ।।૩૭।।

એવું સુણીને શ્રીઘનશ્યામ, વામ ચરણ ઉપાડયો છે તે ઠામ । થયો નાગના અંગે પ્રહાર, હરિચરણતણો નિરધાર ।।૩૮।।

ભય પામ્યો થયો ગતિભંગ, તેનાં ઢીલાં પડી ગયાં અંગ । સર્વે સાંધા શરીરના જેહ, થયા જર્જરીભૂત જ એહ ।।૩૯।।

લાગ્યો ચરણનો ઝપાટો જેવો, ઉરગ ઉછડીયોછેરે એવો । તે સરથી ઉગમણો જોય, સો કદમ છેટે પડયો સોય ।।૪૦।।

મટી ગયો છે ૧ચક્રીનો દેહ, રાક્ષસરૂપે પડયો છે તેહ । ઘણો ત્રાસ પામી ગયો મન, મુખે ચાલ્યું રૂધીર વમન ।।૪૧।।

મરણ પામી પડયો મતિમંદ, ફેલિનો ૨ફેડિ નાખ્યો છે ફંદ । પામ્યા વિસ્મે સહુ નરનારી, જુવે શ્રીહરિને ધારી ધારી ।।૪૨।।

નિકળ્યા જળથી પ્રભુ બાર્ય, પેર્યાં વસ્ત્ર આભૂષણ સાર । પછે ઘેર આવ્યા અલબેલો, સખા સહિત સુંદર છેલો ।।૪૩।।

ચોતરા પર આવી બિરાજ્યા, સખા સહિત શ્રીમહારાજા । શોભી રહ્યા છે સુંદર શ્યામ, કોટી કંદર્પ લાવણ્યધામ ।।૪૪।।

સમીપે આવી બેઠા જોખન, બોલ્યા શ્રીમુખે શ્રીભગવન । પ્રાણવલ્લભ હે વેણીરામ, તમારે જોતે સતે તે ઠામ ।।૪૫।।

નાગ કરડવા આવ્યો તો આજ, પણ કેવું કર્યું જુવો કાજ । હતો વિખ ભરેલો એ વ્યાળ, તેનો મૃત્યું થયો તતકાળ ।।૪૬।।

વાલિડો કરે છે એવી વાત, ત્યાં તો આવ્યાં છે શ્રીભક્તિમાત । પ્રાણજીવન મારા કુમાર, જમવા ચાલો દેવ મોરાર ।।૪૭।।

ત્યારે હરિ કહે લાવો આંહી, માતા ઘરમાં આવીશું નહી । સુણી માતાને આવ્યુંછે હેત, થાળ લાવ્યાં ત્યાં પ્રેમ સમેત ।।૪૮।।

વાસુદેવ આગે તતકાળ, ચોતરા પર મુક્યોછે થાળ । શ્રીહરિ કહે સુણો માતાય, આટલે ભોજને નહિ થાય ।।૪૯।।

આજ ક્ષુધા લાગી છે વધારે, બીજાં ભોજન જોયે અમારે । એમ કૈને સખા લઇ સાથ, જમવા લાગ્યા શ્રીદીનોનાથ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું એ નામે ચોપનમો તરંગ ।।૫૪।।