તરંગ - ૫૦-શ્રીહરિએ સિદ્ધિઓ પાસે થાળ મંગાવીને સખાઓને જમાડયા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:14am

 

પૂર્વછાયો- મીનસાગરે મધુવૃક્ષે, સખાસંગાથે શ્યામ । રમતા થકા ભુખ્યા થયા, સુખનંદન વેણીરામ ।।૧।।

સખાનું વેણ સત્ય કરવા, ધારે છે યોગીનાથ । ક્ષુધાની ત્યાં ખબર લેવા, ફેરવ્યો પેટે હાથ ।।૨।।

પછે બોલ્યા છે પ્રીતમજી, મુને પણ લાગી છે ભુખ । માટે પુછું છું તમને, સર્વે સાચું બોલો મુખ ।।૩।।

આપણને ખાવા મળે તો, ઘરે જાવું કે નહિ । જેવો વિચાર હોય મન, તેવો બતાવો દ્યો સહી ।।૪।।

ચોપાઇ - એવું સુણી બોલ્યા વેણીરામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ । આંહી ખાવાનું જો મળે આજ, પછે ઘેર જવાનું શું કાજ ।।૫।।

ચાલો શ્રીહરિ કે હું જમાડું, મનગમતા મિત્ર રમાડું । પણ હું જેમ કહું તે કરો, તેમાં પાછા કદી નવ ફરો ।।૬।।

તે સુણી સખા કહે હા ભાઇ, તમે કેશો તે કરશું આંઇ । જેમ તેમ કરીને જમાડો, વ્હેલા વ્હેલા ભોજન પમાડો ।।૭।।

હરિ કે જો ખાવું હોય હાલ, ચારે છેડે ઝાલો આ રૂમાલ । બાંધી દ્યો મધુવૃક્ષને ડાળે, આપણ નાવા જૈયે આ કાળે ।।૮।।

એવું કહી બંધાવ્યો રુમાલ, નાવા ચાલ્યા સખા સહુ બાલ । સરોવરમાં કર્યો પ્રવેશ, સખા સહિત દેવદેવેશ ।।૯।।

નાતાં રમતાં લાગી છે વાર, જમ્યાનું ભુલી ગયા તેઠાર । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, ચાલો હવે પડી જશે સાંજ ।।૧૦।।

વઢે આપણને જ્યેષ્ઠ બંધુ, એવું સમજાવે સુખસિંધુ । પછી જળથી નીકળ્યા બાર્ય, સખાસહિત ધર્મકુમાર ।।૧૧।।

ત્યાર પછે બોલ્યા વેણીરામ, સુખદાતા સુણો ઘનશ્યામ । આશા રાખી બેઠા છૈયે અમે, ભાઇ ભલા જમાડયા છે તમે ।।૧૨।।

સખાનો દેખ્યો પૂરણ ભાવ, ચડયા મધુયે કરી ઉછાવ । સર્વે જનને સાથે બોલાવ્યા, મધુવૃક્ષ ઉપરે ચડાવ્યા ।।૧૩।।

જુવે રુમાલમાં સખા સહુ, જોઇ ભોજન હરખ્યા બહુ । ઘણાં સારાં ને મિષ્ટ અપાર, અષ્ટસિદ્ધિયો લાવી તે ઠાર ।।૧૪।।

થાળમાં ભરી લાવેલાં જેહ, મુકેલાં રુમાલમાંહી તેહ । ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોષ્ય, થાય જમતાં અતિ સંતોષ ।।૧૫।।

સખા વિસ્મે પામ્યા છે તે જોઇ, વળી વિચારે છે પ્રીત પ્રોઇ । લેઇ રુમાલમાંથી ભોજન, સખાને આપે પ્રાણજીવન ।।૧૬।।

જમાડે છે ને પોતે જમે છે, બાલમિત્રને મન ગમે છે । સિદ્ધિયોને કહે ઘનશ્યામ, તમે આપો સર્વને આઠામ ।।૧૭।।

અમે પીરસવા જૈયે છૈયે, તો જમતાં ખોટી થૈયે છૈયે । માટે પીરસો તમારે હાથે, સખાસહિત મુને સંગાથે ।।૧૮।।

ત્યારે સિદ્ધિયો થઇ પ્રકાશ, પીર્સે સર્વેને ભોજન તાસ । સોનારુપાની સુંદર ઝારી, તેવડે પાય નિર્મલ વારી ।।૧૯।।

પ્રીતે કરી લીધાં જળપાન, પ્રભુ થયા છે અંતરધાન । મધુવૃક્ષ હેઠે આવી બેઠા, સખાઓને લાવ્યા છે હેઠા ।।૨૦।।

પછે સિદ્ધિયોને આજ્ઞા કરી, થાળ લઇ બોલાવી છે ફરી । સર્વે સખા વચ્ચે મુક્યો થાળ, જમવા બેઠા ભક્તિના બાળ ।।૨૧।।

વેણીરામ કહે છે રે ભાઇ, કોણ ભોજન લાવ્યું આ આંઇ । બોલ્યા વચન શ્રીઘનશ્યામ, તમે સુણો સખા વેણીરામ ।।૨૨।।

તમો સર્વેને ક્ષુધા લાગીતિ, મારા મનની ભ્રાંતિ ભાગીતિ । અમે ઇચ્છા કરી તતકાળ, અષ્ટસિદ્ધિયો લાવીછે થાળ ।।૨૩।।

તમે જમો સહુ પેટ ભરી, હવે બાકી ન રાખશો જરી । ફરી જમવા બેઠાનો મર્મ, તેનું કારણ તો એેછે પર્મ ।।૨૪।।

તેહ સમે બ્રહ્માદિક દેવ, મળી આવ્યા આકાશેથી એવ । કર્યાં શ્રીહરિનાં દરશન, પ્રસાદીની ઇચ્છા કરી મન ।।૨૫।।

ગયા તળાવમાં તેહ દેવ, થયા મીનરૂપે તતખેવ । જાણી ગયા તે અંતરજામી, બોલ્યા સખાપ્રત્યે બહુનામી ।।૨૬।।

મારા મિત્ર સુણીલ્યો સમસ્ત, સરોવરે ધોશો નહિ હસ્ત । આજ્ઞાભંગ કરીને જે જાશે, મઘરના મુખે તે ઝલાશે ।।૨૭।।

એવી બતાવી મિત્રને બીક, નવ જાવા દીધા ત્યાં નજીક । મોડું થયું છે માટે ન જાશો, જો જાશો તો હેરાન થાશો ।।૨૮।।

બ્રહ્માદિદેવે જાણ્યું અનૂપ, તેમણે ધર્યાં સાધુનાં રૂપ । પછે આવ્યા છે શ્રીહરિ આગે, માન મુકીને ભિક્ષાઓ માગે ।।૨૯।।

ઘનશ્યામ કહે સુણો સંત, તમે વસ્તીમાં જાવો મહંત । બ્રહ્માદિકે જાણ્યું છે તેહ પળે, આમ તો પ્રસાદી નહિ મળે ।।૩૦।।

મુકી દીધુંછે પોતાનું માન, થયા મૂલરૂપે નિરમાન । કરજોડી કરે છે સ્તવન, હવે ક્ષમા કરો ભગવન ।।૩૧।।

પ્રભુજી તમે અંતરજામી, બલવંતછોજી બહુનામી । નથી અજાણ્યું કાંઇ તમારું, તમ આગે શું જોર અમારું ।।૩૨।।

અમે અંત્રિક્ષમારગે આવ્યા, તોય પ્રસાદી તો નવ ફાવ્યા । જાણ્યું હાથ ધોશે જઇ જળે । મચ્છરૂપે થયા અમો છળે ।।૩૩।।

પણ પ્રસાદી તો નવ પામ્યા, ત્યારે છેવટે આવીને નમ્યા । નક્રની મોટી ભીતી લગાડી, સર્વે સખાને બીક દેખાડી ।।૩૪।।

ધોવા આવ્યા નહિ કોય હાથ, માટે સાધુ થયા છૈયે નાથ । આપ કોછો તે વસ્તીમાં જાવો, ત્યાં જઇને અલક્ષ જગાવો ।। ૩૫ ।।

પ્રભુજી તમેછો મોટા સાધ, હવે ક્ષમા કરો અપરાધ । દયા કરીને પ્રસાદી આપો, કરૂણાથી કર શિર થાપો ।।૩૬।।

ત્યારે અધુરા અમૃતવારી, આપ્યું કૃપા કરીને મોરારી । મહિમા જાણી પ્રસાદ લીધો, પ્રભુજીને નમસ્કાર કીધો ।।૩૭।।

સિદ્ધિયોયે કર્યા છે પ્રણામ, થયાં સર્વે અદર્શ તેઠામ । ત્યારકેડે શ્રીધર્મકુમાર, રમ્યા તે જગ્યાયે ઘણીવાર ।।૩૮।।

પછે દિનકર પામ્યો છે અસ્ત, ઘેર્ય આવ્યા છે સખા સમસ્ત । વેણીરામ વિવેકી જે મિત્ર, ધર્મભક્તિને કહ્યાં ચરિત્ર ।।૩૯।।

સુણો રામશરણજી સાર, આવાં ચરિત્ર કરે અપાર । સખાઓને જમાડયા તે ઠાર, દેખાડયો પ્રભુયે ચમત્કાર ।।૪૦।।

બ્રહ્માદિકે અલૌકિક રૂપ, લીધો પ્રસાદ આવી અનૂપ । ધન્ય મીનસાગરની ધરણી, ધન્ય છુપૈયાવાસીની કરણી ।।૪૧।।

મીનસરોવરે મધુવૃક્ષ, ત્યાંછે ઓટો કરેલો પ્રત્યક્ષ । મધુવૃક્ષતળે બેશી પર્મ, કરે જે કોઇ સુકૃત કર્મ ।।૪૨।।

પિત્રિયોનું કરે જે ત્યાં શ્રાદ્ધ, તેના મોક્ષમાં ન આવે બાધ । સ્થિર મનથી ધરે જે ધ્યાન, કોઇ જન બેશીને તે સ્થાન ।।૪૩।।

તેનું ફળ અપાર મળશે, તાપ ત્રિવિધ કેરા ટળશે । વળી પામશે અક્ષરધામ, તેનાં સિધ્ધ થાશે સહુ કામ ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ સિદ્ધિઓ પાસે થાળ મંગાવીને સખાઓને જમાડયા એ નામે પચાશમો તરંગઃ ।।૫૦।।