તરંગ - ૩૮ - શ્રીહરિ થોડા દિવસમાં સમગ્ર વિદ્યા ભણ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:06am

 

પૂર્વછાયો- ધર્મ રામપ્રતાપ ગયા, લોહગંજરી ગામ । જે કાજ સારૂં તે ગયા છે, કરી લીધું સહુ કામ ।।૧।।

આચાર્ય બાવો સંધ્યાગીર, ત્યાં ગયો મળવા કાજ । સખા જાણી સત્કાર કર્યો, ભલે આવ્યા મહારાજ ।।૨।।

પછે પોતાના બાગમાંથી, કોળું આપ્યું છે એક । ધર્મ કે આવું મોટું કોળું, ક્યાંથી લાવ્યા છો વિશેક ।।૩।।

કોઇ ઠેકાંણે આવાં કોળાં, દેખ્યાં નથી મેં ક્યાંયે । હે સખા મુને સાચું કહો, ક્યાંથી લાવ્યા છો આંયે ।।૪।।

સંધ્યાગીર તવ બોલિયા, હું ગયોતો જગન્નાથ । બીજ તેનાં હું લાવ્યો હતો, વાવી દીધાં મારે હાથ ।।૫।।

ચોપાઇ- એવું કહીને ધર્મ જોખન, ગયા બાગમાં જોવાનું મન । તેમાં કોળાં દેખ્યાં છે અપાર, ધર્મદેવે જોયાં તેણીવાર ।।૬।।

ઘેર્ય જાવા તણી રજા લીધી, નિકળવાની તૈયારી કીધી । ધર્મદેવ કોળું લેવા જાય, પણ કુષ્માંડ ઉંચું ન થાય ।।૭।।

સાથે લીધો છે એક મજુર, લેવરાવી આવ્યા નિજ પુર । મોટું કુષ્માંડ છે આડે અંક, સર્વે લોક દેખી થયા ડંક ।।૮।।

ત્યાંતો આવ્યા છે પૂરણકામ, જોયું કુષ્માંડ શ્રીઘનશ્યામ । તેને ફેરવે છે જગરાય, ત્યારે બોલ્યાં છે ભક્તિમાતાય ।।૯।।

તમથી નહિ ઉપાડયું જાય, આતો કુષ્માંડ ભારે દેખાય । ચાલો રસોઇ થૈછે તૈયાર, જમવા બેસો મારા કુમાર ।।૧૦।।

એવું સુણીને શ્રીવાસુદેવ, કર્યું ચરિત્ર અવશ્યમેવ । જમણા હાથે છેલી આંગળી, તેને ધારી રહ્યા મહા બળી ।।૧૧।।

શ્રીહરિયે કર્યો ઉંચો હાથ, વિસ્મય પમાડવા યોગીનાથ । ડાબો કર કટી પર ધર્યો, બીજો ચરણ વાળી વાંકો કર્યો ।।૧૨।।

ઉભા ઉભા બોલ્યા જગરાય, તમે સુણોને માતપિતાય । બાળપણામાં કૃષ્ણે વિચારી, ગોવર્ધન લીધો કરધારી ।।૧૩।।

અમે પણ એ યોગ વિચાર્યો, કોળારૂપી આ પર્વત ધાર્યો । ધર્મભક્તિ જુવે એક ચિત્તે, બીજા જનને બોલાવ્યા પ્રીતે ।।૧૪।।

નરનારી જુવે આવી પાસ, લીલા કરે છે શ્રીઅવિનાશ । હજારો લોક ત્યાં જોતું હવું, ચરિત્ર કર્યું છે એક નવું ।।૧૫।।

જુવો ગોવિંદની ગતિ ગૂઢ, કોળાનો કર્યો પર્વત પ્રૌઢ । વનસ્પતિ જે અઢાર ભાર, દેખાડી છે તે ગિરિમોઝાર ।।૧૬।।

પશુ પંખી મનુષ્ય ને દૈત, દેવ દાનવ સર્વે સહિત । હજારો દેવનાં જે મંદિર, બતાવી દીધાં શ્યામસુંદિર ।।૧૭।।

હેઠે જુવે તો હજારો સુરભી, ઉંચા મુખ કરી કરી ઉભી । થૈછે આતુર પ્રેમને માટે, જિહ્વાયેથી શ્રીહરિને ચાટે ।।૧૮।।

મહાઅદ્બૂત ચરિત્ર નિરખી, નરનારી પ્રણામે છે હરખી । માયા સંકેલી લીધી છે નાથે, દેખાયું એક કુષ્માંડ હાથે ।।૧૯।।

આપ્યું કુષ્માંડ પિતાને હાથ, કૃપા કરી બોલ્યા મુદસાથ । હવે અમને લાગી છે ભૂખ, બોલ્યા સુવાસિની સન્મુખ ।।૨૦।।

સુણો માતા તમે સુખકારી, ઘનશ્યામજી છે ચમત્કારી । હરિ કે ભાભી કહું તમને, તમે કેવા જાણો છો અમને ।।૨૧।।

ક્ષર અક્ષરથી અમે પર, પુરાણ પુરૂષોત્તમ વર । ત્યારે બોલ્યાં ભાભી શીરનામી, તમે છો પ્રભુ અંતરજામી ।।૨૨।।

પૂરણબ્રહ્મ તમે છો આજ, તમને જાણું છું મહારાજ । પણ દુર્ઘટ માયા તમારી, તેણે વૃત્તિ ફરી જાય મારી ।।૨૩।।

એમ કહીને પ્રેમ સમેતે, પછે જમાડયા છે ઘણે હેતે । દીનબંધુ છો દીનદયાળ, આતો લીલા કરો છો કૃપાળ ।।૨૪।।

ત્યાર પછી ગયા થોડા દિન, કરી વિચાર મન નવીન । ધર્મ ભક્તિ આદિ સહુ સાથ, ગયા અવધપુરી સનાથ ।।૨૫।।

વળી એકસમે ભક્તિમાત, રામપ્રતાપ ને જગતાત । એકાદશીને દિવસ ત્યાંય, દર્શને જાવા તૈયાર થાય ।।૨૬।।

સુંદર વસ્ત્ર ઘરેણાં સાર, હરિને પેરાવ્યા શણગાર। હરિયે માની આંગળી ઝાલી, ત્રૈણે જણ તે નિકળ્યાં ચાલી ।।૨૭।।

ઉભી બજારે થઇ સધાવ્યાં, દાતણ કુંડ ઉપર આવ્યાં । મોટા કદમના તરૂતળે, કર્યો વિસામો થોડો તે સ્થળે ।।૨૮।।

ત્યાંથી જન્મસ્થાન કે સોહાવ્યાં, આંબલીયોને બગીચે આવ્યાં । શ્રીહરિના ઘુંજામાં છે ચણા, આવ્યા મર્કટ તે નહિમણા ।।૨૯।।

ઘુંજા ઉપર ઝડપ મારી, ચટ ચેતી ગયા સુખકારી । માતાજીનો કર મુકી દીધો, ઝટ મર્કટને ઝાલી લીધો ।।૩૦।।

મર્કટે ત્યારે પાડી છે ચીશ, બીજા આવ્યા છે પાંચ પચીશ । મોટા ભાઇયે દીઠાં મર્કટ, જ્યેષ્ટિકા ઝાલીને આવ્યા ઝટ ।।૩૧।।

રખે ઘનશ્યામને તે મારે, ભુજગપતિ એમ વિચારે । લીધા પથ્થર મારવા કાજ, સાંમા થઇ ગયા અહિરાજ ।।૩૨।।

ભક્તિમાતાને દેસત લાગી, ઉભાં એક બાજુ સદભાગી । કરે સ્મરણ શ્રીહરિતણું, ભયભીત થયાં મન ઘણું ।।૩૩।।

મર્કટ જેટલાં સામાં આવ્યાં, તેટલાં રૂપ વાલે બતાવ્યાં । એકેકી જેષ્ટિકા કર ઝાલી, હાક્યાં મર્કટ તે ગયાં ચાલી ।।૩૪।।

વળી એકરૂપે થયા વાલો, ભક્તિમાતાતણો કર ઝાલ્યો । મોટાભાઇ માતાજી આનંદ્યા, યોગેશ્વરપતિ ચરણ વંદ્યા ।।૩૫।।

જન્મ સ્થાનકે આવ્યાં છે ભાવે, કર્યાં દર્શન દિલ ઉછાવે । ત્યાંથી આવ્યાં રત્નસિંહાસન, રંગમોલે ગયાં છે પાવન ।।૩૬।।

રામકોટ રૂડો છે અનોપ, કર્યાં દર્શન ભુવન કોપ । હેમભોવને દર્શન થયાં, ત્યાંથી હનુમાનગઢી ગયાં ।।૩૭।।

ત્યાં દીઠાં સારાં ફળ જામ, બોલ્યા શ્રીપતિ સુંદરશ્યામ । હે દીદી મુને લઇ આપો જામ, તારે માતાયે લીધાં તે ઠામ ।।૩૮।।

ભર્યાં ઘુંજામાં જેટલાં માયાં, બાકી મોટાભાઇને બંધાવ્યાં । કર્યાં દર્શન ત્યાં રૂડી પેર, પછે આવ્યાં છે પોતાને ઘેર ।।૩૯।।

વળી વળી તે ધર્મકુમાર, કરે માનુષી લીલા અપાર । ઘુંજામાં ભર્યાં છે ઘણાં જામ, તોયે ભાઇ પાસે માગે શ્યામ ।।૪૦।।

ભાઇ કહે ઘડી તમે ખમો, આ ઘુંજામાં છે તેમાંથી જમો । લાલજીને જમાડવા રાખ્યાં, તેમાંથી તો અમે નથી ચાખ્યાં ।।૪૧।।

જ્યારે વિષ્ણુને તે ધરાવીશું, ત્યારે સર્વે મળીને જમીશું । ચક્રિપતિને કે મહારાજ, સુણો શેષ કહું શુભ કાજ ।।૪૨।।

આંહિ ઠાકોરજી છે પ્રત્યક્ષ, બોલે ચાલે ફરે છે સમક્ષ । બોલતાને જમાડો જો માજી, લાલજી થાશે તમોને રાજી ।।૪૩।।

એવું મર્મનું કહી વચન, રડવા લાગ્યા જગજીવન । કરે માનુષી ચેષ્ટા અપાર, ઢળી પડયા છે ધરણિ તે વાર ।।૪૪।।

બેઠા ચોતરા ઉપર ધર્મ, વિચારે છે એકાદશી મર્મ । ઉઠયા પુસ્તક પાનું છે હાથ, આવ્યા જ્યાં રુવે છે મારો નાથ ।।૪૫।।

તમો કેમ રુવો ઘનશ્યામ, ભાઇ શું પડયું છે એવું કામ । ઉભા થૈ જુવો મર્કટ આવ્યાં, કોણે આ સઘળાંને બોલાવ્યાં ।।૪૬।।

ચાલો નારંગી આપું ભાઇને, કર ઝાલ્યો પછે એવું કૈને । તેડી લેવાનો કર્યો વિચાર, મુક્યો પોતામાં અતુલભાર ।।૪૭।।

કર મુકી દીધો તત્કાળ, ઉભા થયા છે ભક્તિના બાળ । દોડી જાતા રહ્યા ઘરમાંયે, ધર્મ આવ્યા છે આસન જ્યાંયે ।।૪૮।।

એક દિવસ શ્રીઅવિનાશ, કરવા બેઠા વિદ્યા અભ્યાસ । પિતાજીની પાસે તે ભણે છે, દિન ઉપર દિન ગણે છે ।।૪૯।।

વેદ શાસ્ત્ર પુરાણ જ્યોતિષ, ઇતિહાસ ભણ્યા જગદીશ । ચૌદ વિદ્યા ને ચોસઠ કળા, બીજા ગ્રંથ જોયા છે સઘળા ।।૫૦।।

થોડા દિવસમાં ભણી રહ્યા, પ્રભુના ગુણ જાય ન કહ્યા । અયોધ્યાના પંડિત પુરાણી, શાસ્ત્ર વેત્તાયે વાત વખાણી ।।૫૧।।

ડાહ્યા શાંણા વિવેકી જે સર્વ, પામ્યા આશ્ચર્ય મન અપૂર્વ । નોયે મનુષ્ય ને નોય દેવ, છે આ શ્રીકૃષ્ણ કે વાસુદેવ ।।૫૨।।

દેવ મનુષ્ય ગાંધર્વ ગણે, થોડા દિવસમાં તે શું ભણે । વેદવિદ્યાને જેનો આધાર, તેને ભણતાં કેટલી વાર ।।૫૩।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ થોડા દિવસમાં સમગ્ર વિદ્યા ભણ્યા એ નામે આડત્રીશમો તરંગ ।।૩૮।।