તરંગ - ૨૮ - શ્રીહરિયે કનકભુવનના મંદિરમાં તુલસીદાસને વૈકુંઠધામ દેખાડયું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:55am

 

પૂર્વછાયો- ધર્મ ભક્તિ તે અવધમાં, રહ્યાં છે નિજ મુકામ । જન્માષ્ટમીને દિવસે, શું કર્તાં હતાં એ કામ ।।૧।।

સુત સાથે ગયાં દર્શને, કનકભોવન જ્યાંયે । મંદિરમાં ઠાકોરજીનાં, દર્શન કરીયાં ત્યાંયે ।।૨।।

મહંત મોટા પૂજારી, નામ તુલસીદાસ । ઘનશ્યામની ઇચ્છાએથી, તે સમાધિ પામ્યા ખાસ ।।૩।।

સમાધિમાં થયાં દર્શન, રામ લક્ષ્મણનાં એજ । સિંહાસન ઉપર દેખ્યા, દિવ્યસ્વરૂપે તેજ ।।૪।।

રાજી થઇ રઘુપતિ કહે, સુણો તુલસી સાર । હરિપ્રસાદના પુત્ર છે, ઘનશ્યામ સર્વાધાર ।।૫।।

પુરૂષોત્તમ નારાયણ, અક્ષરપતિ અવિનાશ । સુખકારી અવતારી છે, કહું કરીને હુલ્લાસ ।।૬।।

ચોપાઇ- તરત સમાધિમાંથી તે જાગ્યા । મહા પ્રભુજીને પગે લાગ્યા । ચંદન પુષ્પથી પૂજન કરી, નેણાં ભરી નિરખ્યા શ્રીહરિ ।।૭।।

પુરૂષોત્તમનો નિશ્ચે થયો, એના મનનો સંશય ગયો । પ્રગટ પ્રમાણ છે જીવન, તેની ભક્તિ કરે નિશદિન ।।૮।।

અયોધ્યાવાસી મનુષ્ય સર્વ, ગયો ઉતરી તેમનો ગર્વ । નરનારી કરે નમસ્કાર, વખાણે જન વારમવાર ।।૯।।

વળી એક સમે ધર્મભક્તિ, ગયાં દર્શન કાજ આસક્તિ । બન્ને સુતને લઇ સધાવ્યાં, જન્મસ્થાનકને વિષે આવ્યાં ।।૧૦।।

રામ લક્ષ્મણ પારણે ઝુલે, કર્યાં દર્શન પ્રેમે અતુલે । રઘુનાથ હાથ વધારી, ગ્રહ્યા ઘનશ્યામને વિચારી ।।૧૧।।

બોલ્યા ઠાકોરજી મનધારી, પારણામાં પધારો વિહારી । કૃપા કરો હવે કૃપાનાથ, આવો બેસોજી અમારી સાથ ।।૧૨।।

એવું સુણીને શ્રીઘનશ્યામ, બી રૂપ ધર્યું અભિરામ । બેઠા પારણામાં સુખકારી, અવતાર પાસે અવતારી ।।૧૩।।

બોલ્યા મૂર્તિરૂપે રઘુવીર, સુણો પૂજારીજી થઇ થીર । ઘનશ્યામછે પૂરણબ્રહ્મ, અવતારના નિયંતા પર્મ ।।૧૪।।

અક્ષરાધિપતિ છે જે એહ, પુરૂષોત્તમજી પોતે તેહ । માતાપિતા છે ધર્મ ને ભક્તિ, સમજી લેજ્યો મન આ વિક્તિ ।।૧૫।।

ઘણા જીવના ક્લ્યાણ સારું, પ્રગટયા ધર્મને ઘેર વારુ । માટે એમની સેવા કરશો, મને કાંઇ સંશે ન ધરશો ।।૧૬।।

આવાં અદ્બુત ઇષ્ટ વચન, સુણી આનંદ પામ્યા છે મન । ત્યારે બોલ્યા છે પ્રેમ કરીને, કર્યા પ્રસન્ન ત્યાં શ્રીહરિને ।।૧૭।।

પૂજારી પર થયા પ્રસન્ન, હેઠે ઉતર્યા ધર્મના તન । પોતાના કંઠેથી કાઢયો હાર, પેરાવ્યો પૂજારીને તે વાર ।।૧૮।।

એેવે અંજની અર્ભક આવ્યા, વેષ વાડવનો ત્યાં લાવ્યા । કર્યો ઘનશ્યામને પ્રણામ, મોટો હાર પેરાવ્યો તે ઠામ ।।૧૯।।

ધર્મદેવ કે ચાલો ભુવન, સુખ પામ્યાં કર્યાં દર્શન । સુત સહિત આવ્યા છે ઘેર, પ્રભુએ કરી ત્યાં લીલાલેર ।।૨૦।।

ભક્તિએ કરી રસોઇ સારી, ધર્મ સાથે જમાડયા મુરારી । એવે સમે ગયાદત્ત નામ, આવ્યો અવધમાં તેહ ઠામ ।।૨૧।।

મોટો અસુર પાપી અભાગી, જેને વૈરની લગની લાગી । પ્રભુને મારવા એમ ધારી, સામી દુકાને બેઠો સુરારી ।।૨૨।।

જાણી અંતરજામીએ વાત, મારવા આવ્યો છે ભુરજાત । કરડી દૃષ્ટિ જોયું ભગવન, તેને તાપ થયો ઉતપન ।।૨૩।।

બહુનામીની બીકજ લાગી, તે સમે ગયો છે ત્યાંથી ભાગી । વાલો જમી રહ્યા છે ભોજન, મુખવાસ લીધો છે જીવન ।।૨૪।।

દાદા સુણો કહું એક વાત, સોમવતી છે કાલે પ્રભાત । સર્વે વેલા ઉઠીને જાઇએ, સર્જ્યુ ગંગાને વિષે નાહીએ ।।૨૫।।

એમ બોલ્યા છે મર્મ વચન, તે તો કોણ જાણી શકે મન । બીજે દિવસે પ્રાતઃકાળ, સર્વે નાવા ગયા તતકાળ ।।૨૬।।

માતાપિતા મોટાભાઇ સાથ, આવ્યા સર્જ્યુ ગંગાપર નાથ । વસ્ત્ર મુક્યાં બ્રાહ્મણની પાસ, પેઠા જળમાં શ્રીઅવિનાશ ।।૨૭।।

ગોરને આપ્યું છે ગૌદાન, કરાવ્યો સંકલ્પ દઇ માન । ગયા જળમાં તે થોડે દૂર, ઓલ્યો આવ્યો છે પાપી અસુર ।।૨૮।।

થયો મગરરૂપે તે મૂઢ, ગયો જળવિષે ગતિગૂઢ । જ્યાં ઉભા રહ્યા છે ઘનશ્યામ, આવી ચર્ણ ઝાલ્યો તેહ ઠામ ।।૨૯।।

લેઇ ચાલ્યો ઉંડા જળમાંયે, કોઇ જાઇ શકે નહિ ત્યાંયે । ધર્માદિકે જોયું સન્મુખ, દિલમાં પ્રગટયું મહાદુઃખ ।।૩૦।।

માતાપિતાદિ સૌ પરિવાર, કરે ૧આક્રંદ શોક અપાર । અયોધ્યાપુરીના સહુ જન, જોઇ ત્રાસ પામ્યા ઘણું મન ।।૩૧।।

નરનારી કરે હાહાકાર, ઉભાં આરે હજારો હજાર । કર્યો ખલકપતિએ ખેલ, બેઠા ૨નક્ર પર અલબેલ ।।૩૨।।

આકર્ષણ કરીને લાવે છે, જળ ઉપર ચાલ્યા આવે છે । ગયાદત્ત નક્રરૂપ ભુર, પછાડયો ખાય છે તે અસુર ।।૩૩।।

ઉંચો થઇ જળમાં ઉંછળે છે, બહુનામીના તાપે બળે છે । ઝાલ્યો પ્રભુએ કરી દબાણ, પાપીના કંઠે આવ્યા છે પ્રાણ ।।૩૪।।

બળથી કળથી જળબાર, લાવ્યા પકડી ધર્મકુમાર । અઘ ઓઘને ભય પમાડયો, એક હાથે ગ્રહીને પછાડયો ।।૩૫।।

પડયો આરા ઉપર તે કાળે, જોખન સામે જોયું દયાળે । જીવને કર્યો સંકેત જોતે, રામપ્રતાપ સમજ્યા પોતે ।।૩૬।।

ત્યારે આવ્યા છે મઘર પાસ, પોતાનું બળ કર્યું પ્રકાશ । શેષનાગતણો અવતાર, બહુનામીના બાંધવસાર ।।૩૭।।

તેના મસ્તક ઉપર ધીર, ડાબો પગ દબાવ્યો ગંભીર । થયો અસુર મૂળસ્વરૂપ, સામો ઉભો નિશાચર ભૂપ ।।૩૮।।

વાધ્યો જોત જોતામાં વિરોધ, માંહો માંહે મંડાણું છે યુધ્ધ । ગયાદત્ત સાથે બલરામ, કર્યો દારુણ ઘોર સંગ્રામ ।।૩૯।।

જોવા આવ્યું ત્યાં અયોધ્યા નગ્ર, ચારે વર્ણ આદિ તે સમગ્ર । ઘણા કોપે ચડયા અહિનાથ, ભારે યુદ્ધ કર્યો તેના સાથ ।।૪૦।।

ચક્રિપતિએ ઝાલ્યો છે ચર્ણ, પછાડીને પમાડયો છે મર્ણ । પામી મર્ણ પડયો અસુરેશ, ભારે દિશે ભયંકર વેષ ।।૪૧।।

પામ્યા આશ્ચર્ય તે નર નાર્ય, વર્તાવ્યો છે જયજયકાર । પુરૂષોત્તમજી ઘનશ્યામ, અહિપતિ છે આ બલરામ ।।૪૨।।

એમ નિશ્ચે થયો છે જનને, સંશે ટળી ગયો છે મનને । ચાલી સદ્કીર્તિ દશદિશ, જશ પામ્યા ઘણો જગદીશ ।।૪૩।।

ધર્મભક્તિએ ધાર્યું છે મન, ચાલ્યાં ત્યાંથી લઇ બેઉ તન । સ્વર્ગદ્વારી રામઘાટ જેહ, લક્ષ્મણજીનું મંદિર તેહ ।।૪૪।।

નાગેશ્વર કનકભુવન, રાજમોલ રત્ન સિંહાસન । કોપ ભુવનને જન્મસ્થાન, રંગમોલ છે શોભાયમાન ।।૪૫।।

મણિરત્નગિરી વિદ્યાકુંડ, હનુમાનગઢી દિશે તુંડ । સીતાકુંડ સૂર્યકુંડ કૈયે, ભટેશ્વર મહાદેવ લૈયે ।।૪૬।।

એ આદિ સઘળાં જે તીરથ, કર્યાં દર્શન સાધ્યો છે અર્થ । તેની શોભા જોઇને સુંદિર, પછે આવ્યા પોતાને મંદિર ।।૪૭।।

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે કનકભુવનના મંદિરમાં તુલસીદાસને વૈકુંઠધામ દેખાડયું એ નામે અઠ્ઠાવિશમો તરંગઃ ।। ૨૮ ।।