અધ્યાય - ૧૯ - ગૃહસ્થ ધર્મમાં સદાય શુદ્ધ રહેવાના વિધિનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:27pm

અધ્યાય - ૧૯ - ગૃહસ્થ ધર્મમાં સદાય શુદ્ધ રહેવાના વિધિનું કરેલું નિરૃપણ.

ગૃહસ્થ ધર્મમાં સદાય શુદ્ધ રહેવાના વિધિનું કરેલું નિરૃપણ. જન્મ-મરણનો સૂતક નિર્ણય. બે સૂતક ભેળાં થઇ જાય તેનો નિર્ણય. સૂર્ય-ચંદ્રના ગ્રહણ-સૂતકનો નિર્ણય. ગ્રહણ સમયે અપાયેલા દાનનું વિવિધ ફળકથન.

શ્રીનારાયણમુનિ કહે છે, હે શિવરામ વિપ્ર ! ખરાબ સ્વપ્ન આવે, દુર્જન વ્યક્તિનો સ્પર્શ થઇ જાય, દાઢી મુંછ અને મસ્તક પર મુંડન કરાવે, મૈથુન કર્યા પછી અને શબ આદિકનો સ્પર્શ થાય ત્યારે તત્કાળ સ્નાન કરવું. આદિ શબ્દથી ચંડાળ, રજસ્વલા, વિધવા, વગેરેનો સમાવેશ જાણવો.૧

તેમજ વેદ બાહ્યમત જેવા કે, જૈન કે બૌદ્ધાદિકોનો સ્પર્શ થાય તેમજ નાસ્તિક એના ચાર્વાકોનો સ્પર્શ થાય તો પણ સ્નાન કરવું. પછી સૂર્યદર્શન કરતાં કરતાં હરિનામનો જપ કરવો.૨

જો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ શિશુને થાય તો માત્ર જળનું પ્રોક્ષણ કરવું, બાળકને થાય તો જળપ્રોક્ષણની સાથે આચમન કરાવવું, અને કુમારને થાય તો સ્નાન જ કરવાનું કહ્યું છે.૩

હે વિપ્ર !
તેમાં અન્નપ્રાશન સંસ્કાર થયા પહેલાં શિશુ, ચૌલકર્મ કરાવ્યા પહેલાં બાળક અને યજ્ઞોપવિત સંસ્કાર પર્યંતની અવસ્થાને કુમાર અવસ્થા જાણવી.૪

ખળામાં કે ખેતરમાં રહેલું ધાન્ય અસ્પૃશ્યજને સ્પર્શ કરેલું હોય છતાં શુદ્ધ જાણીને ગ્રહણ કરવું. તેમજ વાવ તથા કૂવામાં રહેલું જળ અને ગૌશાળામાં રહેલું દૂધ અસ્પૃશ્યજને સ્પર્શ કર્યો હોય છતાં શુદ્ધપણે ગ્રહણ કરવું.૫

જળ, સાથવો, ધાણી, દહીં, છાસ, ઘી, દૂધ વિગેરે શુદ્રના હાથથી પણ દ્વિજાતિ જનોએ ગ્રહણ કરવું. તેમને શૂદ્રના સ્પર્શનો દોષ લાગતો નથી, એમ મનુએ કહેલું છે. (આ આપત્કાળના સમયે જાણવું).૬

ધોબીના હાથમાં રહેલાં ધોયેલાં વસ્ત્રો, દુકાનમાં વેચવા માટે ટોપલામાં ભરી રાખેલાં ધાન્યાદિ પદાર્થો, અને માધુકરવૃત્તિથી ભિક્ષામાં મળેલું પક્વાન્ન, જો સાક્ષાત્ ચંડાલે સ્પર્શ ન કર્યો હોય તો જળના પ્રોક્ષણ માત્રથી શુદ્ધ થાય છે. તેમાં ભિક્ષાન્ન જો સાક્ષાત્ અસ્પૃશ્યના સ્પર્શે રહિત હોય તો જ પ્રોક્ષણમાત્રથી શુદ્ધ થાય છે, પરંતુ અસ્પૃશ્યના સ્પર્શવાળું નહિ.૭

અત્યંજોના સ્પર્શવાળાં ધાન્યોની વાયુથી શુદ્ધિ થાય છે, અને તેઓએ સ્પર્શેલાં ઘી આદિકની અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે, અને હાથી દાંત તથા મૃગચર્મની ગંધલેપ દૂર થઇ જવા સુધીના દીર્ઘકાળથી શુદ્ધિ થાય છે.૮

યજ્ઞાપાત્રોની ગરમ જળથી શુદ્ધિ થાય છે, કાષ્ઠ, સુતર અને સુતરાઉ વસ્ત્રોને અપવિત્રને સ્પર્શ થતાં જળથી શુદ્ધિ થાય છે.૯

અલ્પ જળાશયને વિષે આવેલું વરસાદનું નવું જળ ત્રણ દિવસે શુદ્ધ થાય છે અને મોટા જળાશયમાં આવેલું વરસાદનું નવું જળ દશ દિવસે શુદ્ધ થાય છે. જો અન્ય વાવ, કૂવા આદિકના વિકલ્પનો અભાવ હોય તો તે વરસાદનું નવું જળ બીજા દિવસે જ શુદ્ધ થયેલું જાણી ઉપયોગમાં લઇ શકાય છે.૧૦

પૂર્વના લીંપણને ખોદીને ઉખાડવાથી, જળનું સિંચન કરવાથી અને ફરીને લીંપવાથી, ઘરની શુદ્ધિ થાય છે. અપવિત્ર પદાર્થોના સંસર્ગવાળું ઘર માટીએ યુક્ત જળવડે તેની ગંધ કાઢી નાખવાથી શુદ્ધ થાય છે.૧૧

કામળી, રેશમીવસ્ત્ર, પર્વતીય બોકડાંના રુંવાળામાંથી બનાવેલો કામળો, વલ્કલ, ક્ષૌમ- અતલસના તંતુઓમાંથી બનાવેલાં વસ્ત્રો, અને બહુમૂલ્યવાળાં વસ્ત્રો આ સર્વે પવન અને સૂર્યતાપના શોષણથી અને જળના છંટકાવથી શુદ્ધ થાય છે.૧૨

તળાઇ , ગોદડું, ઓશીકું અને કસુંબી રંગથી રંગેલાં વસ્ત્રો, તડકામાં સૂકાવવાથી અને વારંવાર હસ્તથી માર્જન કરવાથી તથા જળના છંટકાવથી શુદ્ધ થાય છે. જો અધિક મેલું હોય તો જળથી શુદ્ધ થાય છે.૧૩-૧૪

તાંબાની શુદ્ધિ આંબલી કે લીંબુથી થાય છે, કલઇ અને શીશાની શુદ્ધિ ક્ષારથી થાય છે, કાંસાની શુદ્ધિ ભસ્મથી થાય છે. જ્યારે પીતળની શુદ્ધિ માટી સાથે જળથી થાય છે.૧૫

જો કાંસાનું પાત્ર સૂરા કે મૂત્રાદિકના સ્પર્શવાળું ન હોય તો માત્ર ભસ્મથી શુદ્ધ થાય છે, પરંતુ જો સૂરાદિના સ્પર્શવાળું હોય તો અત્યંત ઘસવાથી શુદ્ધ થાય છે.૧૬

તાંબાનું પાત્ર જો માંસના સંસર્ગવાળું હોય તો અગ્નિથી શુદ્ધ થાય છે નહિતો લીંબુ કે આંબલીથી શુદ્ધ થાય છે.૧૭

જે કાંસાનું પાત્ર ગાયે સૂંઘેલું હોય, ચંડાળાદિકના સ્પર્શથી દૂષિત થયેલું હોય અને શૂદ્રનું ઉચ્છિષ્ટ હોય તો તેને દશ વખત ક્ષારના જળવડે ધોવાથી શુદ્ધ થાય છે.૧૮

મોટા ધાન્યના ઢગલાને કૂતરાં કે ભૂંડીયાં આદિક પ્રાણીએ દૂષિત કર્યાં હોય તો અગ્રભાગ કે જેટલામાં તેઓનો સ્પર્શ થયો હોય તેનો ત્યાગ કરીને બાકીનો ઢગલો જળના છંટકાવથી શુદ્ધ થાય છે.૧૯

રજ, અગ્નિ, અશ્વ, ગાય, છાયા, કિરણો, હિમજળના બિંદુઓ, પૃથ્વી, વાયુ, નદી આદિકનું જળ, માંખી, વાછરડું, બાળક આદિકના સ્પર્શથી પણ દૂષિત થતું નથી.૨૦

દર્ભો, કાળિયાર મૃગનું ચર્મ, મંત્રો, ગાયો, અગ્નિ, બ્રાહ્મણ અને તલ આ એકવાર ઉપયોગમાં લીધાં હોવા છતાં પણ નિર્માલ્યપણાના દોષને પામતાં નથી. તેથી તેનો કર્મમાં ફરી ફરી ઉપયોગ થઇ શકે છે.૨૧

દર્ભનો પિંડદાનમાં વિનિયોગ કરે પછીથી તે નિર્માલ્ય દોષને પામે છે. બ્રાહ્મણ જો પ્રેતનું ભોજન સ્વીકારે તો નિર્માલ્યના દોષને પામે છે. મંત્રો શૂદ્રોમાં અને અગ્નિ સંન્યાસીઓના વિનિયોગમાં નિર્માલ્યપણાને પામે છે. તેથી ફરીથી તેનો ઉપયોગ થતો નથી.૨૨

શરીરના અવયવો જળથી, મન સત્યથી, અહંકાર વિદ્યાભ્યાસ અને તપથી અને બુદ્ધિ આત્મજ્ઞાનથી શુદ્ધ થાય છે.૨૩

જન્મ-મરણનો સૂતક નિર્ણય :-

હે વિપ્ર !
હવે વર્ણાશ્રમને યોગ્ય અને ઋષિમુનિઓને માન્ય એવી જન્મ અને મરણરૃપ બે પ્રકારના અશૌચ સૂતકની શુદ્ધિ તમને સંક્ષેપથી કહું છું.૨૪

પુત્રનો જન્મ થાય ત્યારે પિતાએ વસ્ત્રે સહિત સ્નાન કરવું, અને તે નિમિત્તે પિતાએ દશ દિવસ સુધી સૂતક પાળવું અને ત્યાં સુધી સંધ્યાવંદનમાં અનધિકારી સિદ્ધ થાય છે.૨૫

અને પુત્રને જન્મ આપનારી માતા એકવીસ દિવસે શુદ્ધ થાય છે, ને જો કન્યાને જન્મ આપ્યો હોય તો માતા એક મહિને શુદ્ધ થાય છે. આ એકવીસ દિવસ અને મહિનાનો જે અવધી કહ્યો, તે દશ દિવસના સૂતક પછીનો જાણવો. ત્યાં સુધી માતા સ્પર્શ કરવા યોગ્ય થતી નથી.૨૬

તેમાં સાત પેઢીના જનો માટે દશ દિવસનું સૂતક છે અને આઠમી પેઢીથી લઇ ચૌદમી પેઢી સુધીના જનોને ત્રણ દિવસનું સૂતક ઋષિમુનિઓએ કહેલું છે.૨૭

જન્મના સૂતકમાં પ્રસૂતાનારી સિવાય બીજા સંબંધીઓના સ્પર્શમાં દોષ નથી. પરંતુ એક પ્રસૂતા નારીનો સ્પર્શ થાય તો સ્નાન કરવાનું કહેલું છે.૨૮

પુત્રના જન્મમાં પ્રથમ, છઠ્ઠા અને દશમા દિવસે પિતાને સૂતક લાગતું નથી, તેથી દાન આપવા આદિનો અધિકારી થાય છે.૨૯

તેમ જે જાતકર્મના સંસ્કારવિધિમાં દેવતાનું પૂજન, મંત્ર-ઉચ્ચારણ આદિકમાં કોઇ દોષ નથી. તેથી તે પિતા પાસેથી ગાય, ભૂમિ, સુવર્ણ વગેરેનું દાન ગ્રહણ કરનાર બ્રાહ્મણને પણ દોષ નથી.૩૦

હે વિપ્ર !
મરણના સૂતકમાં પણ સાત પેઢીના જનોને દશ દિવસનું અને આઠથી ચૌદ પેઢીના જનોને ત્રણ દિવસ સૂતક પાળવાનું કહેલું છે.૩૧

જન્મેલો બાળક જન્મ દિવસથી દશ દિવસની અંદર મૃત્યુ પામે તો તેના બાંધવોએ સૂતક પાળવું નહિ, પરંતુ માત્ર જન્મનિમિત્તનું જ સૂતક પાળવું.૩૨

નામકરણ સંસ્કાર પછી અને દાંત ઉગ્યા પહેલાં જો બાળકનું મૃત્યુ થાય તો સાતપેઢીના જનોને માત્ર સ્નાનથી શુદ્ધિ થાય છે. અને દાંત ઉગ્યા પછી જો મૃત્યુ થાય તો એક દિવસનું સૂતક પાળવું, ચૌલ સંસ્કાર કર્યા પછી પાંચ વર્ષથી અંદરના બાળકનું જો મૃત્યુ થાય તો ત્રણ રાત્રી-દિવસનું સૂતક પાળવું, પાંચમા વર્ષ પછી યજ્ઞોપવીત સંસ્કાર પ્રાપ્ત થયા પહેલા આઠમા વર્ષથી પહેલાં જો મૃત્યુ થાય તો પણ ત્રણ દિવસનું સૂતક સમજવું, યજ્ઞોપવીત સંસ્કાર પછી દશ દિવસનું સૂતક પાળવું.૩૩

તેમજ કોઇ કન્યાનું કોઇની સાથે વાગ્દાન થયું ન હોય ને મૃત્યુ પામે તો એક દિવસનું સૂતક પાળવું, ને જો વાગ્દાન થયું હોય તો ત્રણ દિવસનું સૂતક પાળવું. ત્રણે વર્ણના દ્વિજાતિ જનોએ યજ્ઞોપવીત સંસ્કાર થઇ ગયા પછી પુરુષનું અને વિવાહ થયા પછી સ્ત્રીનું સૂતક પોતપોતાના વર્ણને અનુસારે પાળવાનું જાણવું, તેમાં બ્રાહ્મણોએ દશ દિવસ, ક્ષત્રિયોએ બાર દિવસ, વૈશ્યોને પંદર દિવસ અને શૂદ્રોને એક મહિનાનું સૂતક પાળવું.૩૫

અથવા ચારે વર્ણના જનોએ દશ જ દિવસનું સૂતક પાળવું. તેમાં આપત્કાળમાં તો દશ દિવસનો પણ કોઇ નિયમ નથી.૩૬

આચાર્યનું મૃત્યુ થાય તો ત્રણ દિવસનું સૂતક પાળવું. તેવી જ રીતે નાનાબાપા, દોહિત્રા, પોતાનો યજમાન કે બહેનનો પુત્ર મૃત્યુ પામે તો પણ ત્રણ દિવસનું સૂતક પાળવું.૩૭

મામા, મામી, સાસુ, સસરા, જમાઇ અને બહેન પોતાના ઘેર મૃત્યુ પામે તો ત્રણ દિવસનું સૂતક પાળવું.૩૮

નહિ તો દોઢ દિવસનું સૂતક પાળવું. તેમજ ફઇ, માસી, સાળો તથા મિત્ર અને સદ્ગુણી શિષ્ય જો મૃત્યુ પામે તો પણ દોઢ દિવસનું સૂતક પાળવું.૩૯

પોતાના દેશના કે ગામના અધિપતિનું કે મૃત્યુ થાય તો એક દિવસનું સૂતક પાળવું. દિવસે મૃત્યુ થયું હોય તો સાંજે તારાસ્નાન પછી શુદ્ધ થાય અને રાત્રે મૃત્યુ થયું હોય તો સૂર્યદર્શન પછી શુદ્ધ થાય છે. અલ્પ સરખા સંબંધવાળાનું મૃત્યુ થાય તો વસ્ત્રે સહિત સ્નાન કરવાનું કહેલું છે.૪૦

હવે સૂતક ગ્રહણ કરવાનો સમય કહે છે, રાત્રીના ત્રણ વિભાગ કરી પહેલા બે વિભાગમાં જન્મ કે મરણ થાય તથા સ્ત્રીને રજસ્વલાપણું પ્રાપ્ત થાય તો પૂર્વનો દિવસ ગણી લેવો અને રાત્રીના ત્રીજા ભાગમાં થાય તો પછીના દિવસથી સૂતક ગ્રહણ કરવાનો દિવસ ગણવો. આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષો કહે છે. તથા કોઇ ઋષિમુનિઓ અર્ધ રાત્રી પૂર્વે આગલો પૂર્વનો દિવસ ગણે છે અથવા કોઇ ઋષિમુનિઓ સૂર્યોદયથી પૂર્વના સમયને આગલો દિવસ ગણે છેઅને સૂર્યોદય પછીથી બીજો દિવસ ગણે છે.૪૧-૪૨

અગ્નિનો સ્વીકાર કરનારા ગૃહસ્થનું મૃત્યુ થાય તો સૂતકના (સંખ્યા) દિવસની ગણના અગ્નિદાહના દિવસથી સમજવી, અને અગ્નિ રહિતના પુરુષનું મૃત્યુ થાય તો મરણના દિવસથી જ સૂતકના દિવસની ગણના સમજવી.૪૩

હે વિપ્રવર્ય !
દશ દિવસ બાદ જો પુત્ર-પ્રસૂતિના સમાચાર જાણવા મળે તો સૂતક પાળવાનું હોતું નથી. એવી રીતે મરણના સૂતકમાં કહું છું, એ વ્યવસ્થા સમજવી,૪૪

મૃત્યુ પામેલાના અગિયારમા દિવસથી ત્રીજા માસ પર્યંત સુધીમાં જો મૃત્યુના સમાચાર મળે તો ત્રણ દિવસ સૂતક પાળવું,ચોથા માસથી આરંભી છઠ્ઠા માસ પર્યંત જો મૃત્યુના ખબર મળે તો દોઢ દિવસનું સૂતક પાળવું અને સાતમા માસથી આરંભી નવમા માસ પર્યંત જો ખબર મળે તો એક દિવસ અને તેના પછી સમાચાર મળે તો સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે.૪૫

કેટલાક ઋષિમુનિઓનો મત છે કે દેશાંતરમાં મૃત્યુ થાય તો સ્નાનમાત્રથી શુદ્ધિ થાય છે. તેમજ વાનપ્રસ્થ તથા સંન્યાસીના મૃત્યુમાં પણ તેનાગોત્રીઓ માટે સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે.૪૬

તેમાં દેશાંતરનું લક્ષણ આ પ્રમાણે જાણવું કે- જેમાં કોઇ મોટી નદીનું વ્યવધાન હોય કે કોઇ પર્વત વ્યવધાન કર્તા હોય, વળી જે દેશની ભાષા પણ બદલાઇ જતી હોય તેને દેશાંતર કહેલું છે.૪૭

બીજું કે સ્વદેશ હોય કે પરદેશ હોય,તેમજ વર્ષ વ્યતીત થઇ જાય તો પણ માતા-પિતા, પતિ-પત્ની, આ ચારના મૃત્યુના સમાચાર જ્યારથી મળે ત્યારથી દશ દિવસનું સૂતક પાળવું.૪૮

જે રણસંગ્રામમાં મરાયો હોય, ગાય બ્રાહ્મણના રક્ષણ અર્થે મરાયો હોય અને જેનું ઇચ્છા પૂર્વક અગ્નિ પ્રવેશથી કે વિષભક્ષણાદિકથી અપમૃત્યુ થયું હોય તેનું સૂતક પાળવાનું હોતું નથી.૪૯

બે સૂતક ભેળાં થઇ જાય તેનો નિર્ણય :-

વળી એક જન્મનું સૂતક ચાલતું હોય ને વચ્ચે બીજું જન્મનું સૂતક આવે તો, તથા મરણના સૂતકની વચ્ચે બીજું મરણનું સૂતક આવે તો પૂર્વના સૂતકની સાથે જ બીજા સૂતકની શુદ્ધિ થઇ જાય છે. તેથી દશ દિવસ પછીના દિવસે સૂતક પાળવાનું હોતું નથી.૫૦

જો ચાલતા સૂતકના દશમા દિવસે તેવું જ સજાતિય સૂતક આવે તેમાં જો દશમા દિવસની માત્ર રાત્રી બાકી રહી હોય તો બીજા બે દિવસ લંબાવીને બન્ને સૂતકની સાથે શુદ્ધિ કરવી. પરંતુ તેથી વધુ દિવસ સૂતક પાળવું નહિ. અને જો દશમા દિવસની રાત્રીનો છેલ્લો પહોર માત્ર બાકી હોય ને બીજું સજાતીય સૂતક આવી પડે તો ત્રણ દિવસ અધિક સૂતક પાળવાથી શુદ્ધિ કહેલી છે.૫૧

જો મરણનું સૂતક ચાલતું હોય તેમાં જન્મનું સૂતક આવે તો જન્મનું સૂતક મરણના સૂતકની સાથે ઊતરી જાય છે. પરંતુ જન્મના સૂતકની વચ્ચે મરણનું સૂતક આવે તો તે ઉતરતું નથી.૫૨

જો ત્રણ દિવસ વાળું નાનું સૂતક ચાલતું હોય તેમાં દશ દિવસવાળું મોટું સૂતક આવી પડે તો તે નાના સૂતકની સાથે મોટું સૂતક ઊતરતું નથી. પરંતુ તેને દશ દિવસ પુરું પાળવું. ત્યારપછી શુદ્ધ થવાય છે.૫૩

હે વિપ્ર !
જન્મ કે મરણનું કોઇ પણ સૂતક હોય છતાં પુત્રોએ માતા-પિતાના નવશ્રાદ્ધ સમયે સમયે ક્રમ પ્રમાણે જ કરતા જવું.૫૪

સૂતકને લીધે શ્રાદ્ધ કર્મમાં અપવિત્રપણાને લીધે અનધિકારની શંકા ન કરવી, કારણ કે સૂતકમાં પ્રાપ્ત થયેલી અપવિત્રતા અગિયારમે દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવા સમયે શ્રાદ્ધ કરનારને સ્પર્શી શકતી નથી, તે સમયે તેની તત્કાળ શુદ્ધિ થઇ જાય છે. શ્રાદ્ધ પૂર્ણ થયા પછી ફરી સૂતકની અપવિત્રતા તેમને સ્પર્શે છે.૫૫

હે રૃડીબુદ્ધિવાળા શિવરામ વિપ્ર !
આ સૂતકના વિષયમાં ઋષિમુનિઓએ જન્મ કે મરણના સૂતકનો વિસ્તાર તે તે સ્થળે બહુપ્રકારે કર્યો છે. તેથી આનાથી વિશેષ કાંઇ જાણવું હોય તો ત્યાંથી જાણી લેવું.૫૬

હે સુંદર વ્રતવાળા વિપ્ર !
નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને ઉપકુર્વાણક બ્રહ્મચારીઓને જન્મનું કે મરણનું સૂતક પાળવાનું કહ્યું નથી.૫૭

તેથી તેઓએ માતા-પિતા અને ગુરુનું મરણ સાંભળે ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવું, આના સિવાયના સંબંધીનું મરણ સાંભળે છતાં બ્રહ્મચારી આદિકે સ્નાન પણ કરવું નહિ.૫૮

વ્રત, યજ્ઞા, વિવાહ, શ્રાદ્ધ, હોમ, પૂજન અને જપમાં તથા વ્રતાદિકના પ્રારંભમાં બન્ને પ્રકારનું સૂતક લાગતું નથી. જો તે વ્રતાદિકનો પ્રારંભ ન કરેલો હોય તેમને સૂતક લાગે છે.૫૯

યજ્ઞામાં બ્રાહ્મણની વરણીને જ પ્રારંભ કહે છે, વ્રત અને યજ્ઞાદિકમાં હાથમાં જળ લઇ તિથિ, નક્ષત્ર વાર આદિકનો નિર્દેશ કરી સંકલ્પ કરેલો હોય તેને અને વિવાહાદિકમાં નાંદીશ્રાદ્ધ કરેલું હોય તેને પ્રારંભ કહેલો છે, અને શ્રાદ્ધમાં રસોઇ પકાવવા માટે ચૂલા ઉપર રાંધવાના પાત્રને સ્થાપન કરવાના સમયને પ્રારંભ કહેલો છે.૬૦

હે વિપ્ર !
સૂતક ચાલતું હોય અને વાર્ષિક તથા મહાલયાદિ શ્રાદ્ધની તિથિ પ્રાપ્ત થાય તો વિદ્વાન ડાહ્યા પુરુષોએ તે શ્રાદ્ધ સૂતક પૂર્ણ થાય ત્યારે વિધિપૂર્વક કરવાનું કહેલું છે. અથવા અમાવાસ્યાના દિવસે કરવું.૬૧

આપત્કાળમાં સૂતક હોવા છતાં લાગતું નથી, આ સર્વે સૂતક તો સ્વસ્થ કાળમાંજ યથાર્થ પાળવાનાં કહેલાં છે.૬૨

હે વિપ્ર !
સૂતકમાં સ્નાન, સંધ્યાદિ નિત્ય કર્મો મંત્રે સહિત ન કરવાં, બાકી પ્રારંભ કરી દીધેલાં પુત્ર જન્માદિકને લગતાં નૈમિત્તિક કર્મો તો વિધિ પ્રમાણે કરવાં.૬૩

તેમાં બ્રાહ્મણે સૂતકના દશ દિવસ પર્યંત દર્ભ જળ રહિતની માનસી સંધ્યા કરવી, પરંતુ વૈશ્વદેવાદિ કર્મ કરવું નહિ.૬૪

સ્નાન કરવા માત્રથી શ્રૌતકર્મમાં પુરુષ આહુતિ આપવાના સમય સુધી શુદ્ધ રહે છે, અને આહુતિ આપ્યા પછી ફરી અશુદ્ધિ થાય છે. પરંતુ જાતકર્માદિ સંસ્કારનાં સ્માર્તકર્મો તો બીજા પાસે જ કરાવવાં.૬૫

નમક, ફળ, પુષ્પ, ઘી, તેલ અને દૂધ આ સર્વે દુકાનમાં રહેલાં હોય ત્યારે તેને મરણના સૂતકનો દોષ લાગતો નથી.૬૬

રોગી માણસને મરણ નિમિત્તનું સ્નાન કરવાનું આવે ત્યારે સ્વસ્થ પુરુષે સ્નાન કરી કરીને રોગીને દશવાર સ્પર્શ કરે તો શુદ્ધ થઇ જાય છે.૬૭

તેવી રીતે સ્ત્રીઓ પણ રજસ્વલા ધર્મમાં હોય ને ચોથે દિવસે સ્નાન કરીને શુદ્ધ થવાનું હોય ત્યારે જો તાવ આદિકની પીડાથી યુક્ત હોય તો તેને પણ બીજી સ્ત્રી પહેલા પુરુષની જેમ જ વારંવાર સ્નાન કરી દશવખત રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરી ફરી ફરી સ્નાન કરે તો તેમની શુદ્ધિ થાય છે.૬૮

રાજા, રાજકીય પુરુષો, અન્નસત્રમાં પ્રવૃત્ત પુરુષો, પ્રાયશ્ચિતાદિ વ્રતનો પ્રારંભ કરી દીધેલો હોય તેવા જનો, તથા વૈદ્યરાજ, શિલ્પીઓ અને સૂથાર આદિક કામ કરનારા જનો સ્નાન કર્યા પછી પોતપોતાનાં કાર્ય કરવા માટે શુદ્ધ થયેલા ગણાય છે.૬૯

હે વિપ્ર ! આ પ્રમાણે મેં તમને જન્મ અને મરણરૃપ બે પ્રકારનું સૂતક સંક્ષેપથી કહ્યું, હવે ત્રીજા પ્રકારનું રાહુનું સૂતક કહું છું.૭૦

સૂર્ય-ચંદ્રના ગ્રહણ-સૂતકનો નિર્ણય :- જો મનુષ્યને રાહુનું દર્શન થાય તો સર્વે વર્ણવાળાને સૂતક લાગે છે. તેથી ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે ઠંડા જળથી સ્નાન કરી જપ આદિક કર્મો કરવાં, ને રાંધેલાં અન્નનો ત્યાગ કરી દેવો.૭૧

કાંજી. દૂધ, છાસ, દહીં,તેમજ ઘી કે તેલમાં રાંધેલ પક્વાન્ન, માંટલામાં રહેલું પાણી, તલયુક્ત દર્ભ તેમાં મૂકી દેવાથી તે દૂષિત થતાં નથી. અહીં જળના માટલામાં જે દોષાભાવ કહ્યો તે તો આપત્કાળમાં જાણવો. કારણકે બીજી સ્મૃતિઓમાં તેનો નિષેધ કરેલો છે.૭૨

ગ્રહણમાં જમવાનું છોડી દેવાની બાબતમાં બાળક, વૃદ્ધ, રોગાતુર, તેમજ મંદબુદ્ધિવાળા મનુષ્ય સિવાયનાઓને સૂર્યગ્રહણના પ્રારંભ પૂર્વે (૧ યામ બરાબર ૩ કલાક) ૪ યામ- ૧૨ કલાક પહેલાં અને ચંદ્રગ્રહણમાં ૩ યામ- ૯ કલાક પહેલાં જમવાનું છોડી દેવું, કારણ કે ગ્રહણ પૂર્વના આ યામ સૂર્ય અને ચંદ્રના વેધકાળ કહેલા છે, તેથી ભોજન કરવું નહિ.૭૩

સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઊગે તો તે ગ્રસ્તોદયના દિવસથી પ્રથમ રાત્રીએ ભોજન કરવાનું છોડી દેવું, અને ચંદ્રમાં જો ઘેરાયેલો ઊગે તો તે પ્રથમના દિવસે ભોજન છોડી દેવું.૭૪

અને જો સૂર્ય ઘેરાયેલો આથમે તો રાત્રી દિવસ ઉપવાસ કરવો, અને બીજે દિવસે સૂર્યનાં દર્શન કરી પછીથી ભોજન સ્વીકારવું.૭૫

તેમ જ ચંદ્રમા પણ ઘેરાયેલો અસ્ત પામી જાય તો તેમની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિક કર્મ કરવાં ને સાંજે ફરી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું.૭૬

સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પ્રારંભથી પહેલાં એક યામ-૩ કલાક પહેલાં પૂર્વોક્ત બાળક, વૃદ્ધ અને રોગાતુરાદિકને ભોજન છેાડી દેવું. એ નિશ્ચિત છે.૭૭

જે પુરુષ સૂર્યના અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણતાં પણ જો ખાય છે, તો તે નરાધમ છે ને તે પ્રાજાપત્ય કૃચ્છ્રવ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે. અને જે વેધકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે તે સમયે જો અજાણતાં કોઇ ભોજન કરી લે તો ત્રણ ઉપવાસથી શુદ્ધ થાય છે. પ્રાજાપત્યવ્રતનું લક્ષણ આગળ કહેવામાં આવશે.૭૮

જો રવિવારે સૂર્ય ગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય અને તે સમયે જો ચૂડામણિ નામનો પ્રસિદ્ધ યોગ હોય તો યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો થાય છે.૭૯

બીજા વારમાં થતાં બન્ને ગ્રહણ હોય ને જે પુણ્ય કહેલું છે તેના કરતાં ચૂડામણિયોગમાં કરોડગણું પુણ્ય કહેલું છે.૮૦

ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવપૂજન, મોક્ષના પ્રારંભમાં દાન અને સદંતર મુક્તિ થઇ જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનું કહેલું છે.૮૧

ગ્રહણનું સૂતક છૂટયા પછી જે પુરુષ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે. તેને ગ્રહણથી ઘેરાયેલો જાણવો.૮૨

સ્નાન કરતી વખતે ગરમ જળ કરતાં ઠંડુ જળ પવિત્ર કહેલું છે. બીજાએ લાવેલા જળ કરતાં પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી છે. કૂવામાંથી ખેંચીને સ્નાન કરવા કરતાં તળાવાદિ ભૂમિમાં રહેલા જળમાં સ્નાન કરવાથી વધુ પુણ્ય થાય છે. અને તેથી મહાનદીના જળમાં સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી કહેલું છે.મહાનદીએાના જળ કરતાં સમુંદ્રમાં સ્નાન,તેનાથી પણ પુણ્યદાયી કહેલું છે.મુખ્ય તો પોતાની શુદ્ધિને માટે ગ્રહણ નિમિત્તનું જ્યાં મેળ પડે ત્યાં સ્નાન કરવું આવશ્યક છે. અને ગ્રહણ નિમિત્તે ગાય, ભૂમિ, સુવર્ણ અને તલાદિકનું દાન પણ પોતાની શક્તિ પ્રમાણે આપવું.૮૩-૮૫

ગ્રહણ સમયે અપાયેલા દાનનું વિવિધ ફળકથન :- ગ્રહણના સમયે પૃથ્વીનું દાન કરનારો પુરુષ મંડલાધીશ સામંતભૂપતિ થાય છે. અન્નનું દાન કરનાર જન્મજાત સુખી થાય છે, રૃપાનું દાન કરનાર પૃથ્વી પર કીર્તિમાન અને રૃપવાન થાય છે.૮૬

દીપનું દાન કરનાર નિર્મળ નેત્રોવાળો થાય છે. ગાયનું દાન કરનાર સ્વર્ગલોકનો ભોક્તા થાય છે. સુવર્ણનું દાન કરનાર દીર્ઘાયુષ્યવાળો થાય છે. તલનું દાન કરનાર સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે.૮૭

વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકનો ભોક્તા થાય છે. ઘોડાનું દાન કરનાર સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે. બળદનું દાન કરનાર ધનાઢય થાય છે.૮૮

પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારને સુંદર ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે. તેથી પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન આપવું.૮૯

જે પુરુષ શ્રદ્ધાથી દાન સ્વીકારે છે અને જે અર્પણ કરે છે તે બન્ને સ્વર્ગના ભોક્તા થાય છે. જો શ્રદ્ધા પૂર્વક ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે.૯૦

જે પુરુષ ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે પુરુષે નક્કી સમગ્ર પૃથ્વીનું દાન આપેલું ગણાય છે.૯૧

ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી. ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધાદિ ક્રિયા કરવાનું વિધાન છે.૯૨

હે વિપ્ર !
આ પ્રમાણે સર્વે ગૃહસ્થાશ્રમી જનો માટે અતિશય સુખદાયક સદાચારનો વિધિ મેં તમને કહ્યો.૯૩ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! આ લોકમાં જે પુરુષ આ મેં કહેલા સદાચારનું વિષ્ણુભક્તિની સાથે નિરંતર આચરણ કરશે, તે પુરુષ અતિશય શુદ્ધ નિષ્કલંક કીર્તને પામી દેહને અંતે ભગવાનના ધામને પામશે.૯૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિ ધર્મોપદેશ કરતાં સૂતક શુદ્ધિનું નિરૃપણ કર્યું, એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો. --૧૯--