અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:58pm

અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૂપણ.

ભગવાન શ્રીહરિએ કાર્તિક માસમાં આવતા અન્નકૂટાદિ ઉત્સવોનું કરેલું નિરૃપણ. અન્નકૂટ તથા ગોવર્ધન મહોત્સવ. ગોપાષ્ટમીનો ઉત્સવ. પ્રબોધનીનો ઉત્સવ. શ્રીધર્મદેવ જન્મોત્સવ. હાટડી ઉત્સવ. તુલસી વિવાહ મહોત્સવ. દેવદીવાળી ઉત્સવ.

અન્નકૂટ તથા ગોવર્ધન મહોત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! કાર્તિક માસનો સુદ પડવો સાયંકાળ સુધી વ્યાપ્ત હોય તે જ ગ્રહણ કરવો. કારણ કે ગોવર્ધન ઉત્સવમાં અમાવાસ્યાના વેધવાળો પડવો સુખકારી કહેલો છે. પરંતુ બીજના વેધવાળો સુખકારી નથી.૧

કારણ કે ગાયોના ખેલનોત્સવને દિવસે રાત્રીએ જો ચંદ્રમાનું દર્શન થાય તો એ પશુઓ તથા ગાયનું પૂજન કરનારનો વિનાશ કરે છે.૨

દીપાવલીના ત્રણ દિવસ ચૌદશ, અમાવાસ્યા અને પડવો એ સાથે ઉજવવા, પરંતુ જુદા જુદા નહિ.૩

હે પુત્રો ! આજે શ્રીકૃષ્ણ ભગવાનને લાલ છેડાવાળું પીતાંબર ધારણ કરાવવું, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવો અને કાનમાં કરેણપુષ્પના ગુચ્છ ધરાવવા.૪

પાંચ રંગના પુષ્પોથી રચેલી શોભાયમાન વૈજયંતી માલા, પુષ્પોના તોરા તથા મોરલી ધારણ કરાવવી.૫

અનંત પ્રકારનાં આભૂષણો, મંજરી યુક્ત કોમળ તુલસીપત્રની માળા તેમજ ખભા ઉપર ત્રાંસો બેવડો પટકો અને ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું.૬

પોતાની ધન સંપત્તિને અનુસારે અન્નકૂટની રચના કરવી. તેમાં અનેક પ્રકારનાં શાક અને વિવિધ ભજીયાં વગેરેનાં ભોજન ધરાવવાં.૭

ઘીથી તૈયાર કરેલાં જલેબી, ખાજા આદિ પકવાનો, ભાત આદિ ભોજ્ય પદાર્થો પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધરાવવાં.૮

છેલ્લે પાનબીડું અર્પણ કરી ભગવાનની આરતી કરવી, ને વૈષ્ણવ વિપ્રો તથા સંતોને પ્રેમથી જમાડવા.૯

આજે પડવાના દિવસે જ પ્રાતઃકાળે ગાય, વાછરડાં, બળદ, નાની નાની વાછરડીઓની પણ હળદર, કુંકુમ આદિ માંગલિક પદાર્થોથી પૂજા કરવી.૧૦

પુષ્પોના હાર કંઠમાં ધારણ કરાવવા, સિંદુર કે ગેરુ આદિ રંગોથી શીંગળાં રંગવાં ને નવીન તૃણાદિ તથા યવ આદિ ખવડાવીને તેનું પૂજન કરી ભગવાનનાં મંદિર આગળ ખેલકૂદ કરાવવી.૧૧

ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના કરી, તેનું પૂજન કરવું, ને પછી મધ્યાહ્ને ભગવાન શ્રીહરિની આગળ અન્નકૂટની રચના કરવી.૧૨

હે પુત્રો ! આ ઉત્સવમાં રુચિકર ગોવર્ધન ઉત્સવનાં પદો ગવરાવવાં ને ગાવાં ને તેમાં વાજિંત્રોનો નાદ કરાવવો.૧૩

પછી મુખ્ય યજમાને વૈષ્ણવ સંતો-ભક્તો અને બ્રાહ્મણોને ભોજન જમાડીને પછીથી જમવું, આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે. બાકીનો પૂજનાદિ વિધિ પૂર્વવત જાણવો.૧૪

ગોપાષ્ટમીનો ઉત્સવ :- હે પુત્રો ! પૂર્વે શ્રીકૃષ્ણ ભગવાન કાર્તિક માસના સુદ આઠમના દિવસે પ્રાતઃકાળે પોતાના ગ્વાલબાલ મિત્રોની સાથે વૃંદાવનમાં પ્રથમ ગાયો ચરાવવા નીકળ્યા હતા.૧૫

આ ગોપાષ્ટમી તિથિ સૂર્યોદય વ્યાપિની હોય તેજ ગ્રહણ કરવી, જો બે અષ્ટમી તિથિ હોય તો બહુકાળ વ્યાપિની હોવાથી પૂર્વની ગ્રહણ કરવી. અને જો અષ્ટમીનો ક્ષય હોય તો સપ્તમીના વેધવાળી પણ ગ્રહણ કરવી, પરંતુ અન્ય નહિ.૧૬

હે પુત્રો ! આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ઉત્તમ ગોપવેષ ધારણ કરાવવો. તેમાં અંગ ઉપર સૂંથણી ધારણ કરાવવી, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવો, પીળું પીતાંબર ધારણ કરાવવું.૧૭

અંગ ઉપર ચંદનની અર્ચા કરવી, સુગંધીમાન પુષ્પોમાંથી તૈયાર કરેલાં અનેક પ્રકારનાં આભૂષણો ધારણ કરાવવાં. હાથમાં અનુપમ મનોહર નેત્રની છડી અને મોરલી ધારણ કરાવવી.૧૮

નૈવેદ્યમાં દહીં, ભાત અને પીસેલી સાકર અર્પણ કરવી. આ ઉત્સવમાં ગાયો ચરાવતા શ્રીકૃષ્ણ ભગવાનની લીલાના પદોનું ગાયન કરાવવું. આ રીતે પૂજન કર્યા પછી ભોજન કરવું.૧૯

પ્રબોધનીનો ઉત્સવ :- હે પુત્રો ! કાર્તિક સુદ એકાદશીએ શેષશાયી યોગેશ્વર ભગવાન યોગનિદ્રાનો ત્યાગ કર્યો છે. તેથી તે એકાદશીને પ્રબોધની એકાદશી કહેવાય છે.૨૦

આ એકાદશી દશમીતિથિના વેધ રહિતની હોય તો વ્રત ને ઉત્સવમાં ગ્રહણ કરવી. પરંતુ ક્યારેય પણ દશમના વેધવાળી ગ્રહણ કરવી નહી.૨૧

જયાં સુધી દશમી તિથિ પંચાવન ઘડી સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી દશમનો વેધ મનાતો નથી. પંચાવન ઘડીથી એક પળ પણ જો વધુ હોય તો તે એકાદશી દશમના વેધવાળી કહેવાય છે.૨૨

જો એકાદશીની વૃદ્ધિ હોય તો પૂર્વની સાઠ ઘડીના વ્યાપવાળી પણ છોડી દેવી, પરંતુ બીજી સૂર્યોદય સમયે પળમાત્રની હોય તો પણ તે વ્રતોત્સવમાં ગ્રહણ કરવી. અને જો બારસની વૃદ્ધિ હોય તો આગલી બારસ વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી ને પાછલી બારસે પારણાં કરવાં.૨૩

નવમી તિથિ એક પલ માત્રની હોય ત્યારપછી દશમી તિથિ બેસી જતી હોય ને એકાદશીનો ક્ષય હોય તો દશમીના વેધવાળી પણ બારસ ગ્રહણ કરવી ને તેરસના પારણાં કરવાં. આ વ્રતની વિશેષ વ્યાખ્યા તૃતીય પ્રકરણના તેત્રીસમા અધ્યાયમાં કરી છે. ત્યાંથી જાણી લેવી.૨૪

હે પુત્રો ! આ પ્રબોધનીના ઉત્સવમાં વૈષ્ણવ ભક્તોએ રાત્રીના અંતિમ પ્રહરમાં બ્રાહ્મમુહૂર્તમાં તત્કાળ જાગ્રત થઇ સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ થકી પરવારી પૂજાના ઉપચારો ભેળા કરવા.૨૫

ને પૂજકે યોગેશ્વર નામના શ્રીકૃષ્ણની પૂજા કરવી.તેમાં પોતાની શક્તિ અને સંપત્તિને અનુસારે યોગેશ્વર ભગવાનની મૂર્તિ સુવર્ણની તૈયાર કરાવવી.૨૬

તે પદ્માસન વાળીને વિરાજમાન હોય, નેત્રો કાંઇક મીંચેલાં હોય, દૃષ્ટિ નાસાગ્રે સ્થિર હોય, શ્વેત કમળના આસન ઉપર બેઠેલા હોય, ડાબા હાથના તળા ઉપર જમણા હાથના પૃષ્ઠ ભાગ પધરાવી બન્ને હાથ ખોળામાં સ્થાપન કરેલા હોય એવી મૂર્તિ તૈયાર કરાવવી. તેમજ તે બન્ને હાથની પાસેના ભાગમાં પદ્મ અને ગદા સ્થાપેલી હોય તેવી મૂર્તિ તૈયાર કરાવી.૨૭-૨૮

તે યોગેશ્વર ભગવાનની મૂર્તિના ઉપરના ડાબા હાથમાં પાંચજન્ય શંખ અને જમણા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરાવવું. તેની ડાબે પડખે અડગ ઊભેલાં હોય તેવાં લક્ષ્મીજીની મૂર્તિ કરવી.૨૯

આ પ્રમાણેના યોગેશ્વર ભગવાનની ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક ષોડશોપચારથી મહાપૂજા કરવી.૩૦

તેમને નૈવેદ્યમાં સાકરે સહિત દૂધ અને ભાત અર્પણ કરવો ને લીલી દ્રાક્ષ આદિ ફળો અર્પણ કરવાં. ૩૧

શ્રીધર્મદેવ જન્મોત્સવ :- હે પુત્રો ! આ પ્રબોધની એકાદશીના દિવસે મધ્યાહ્ને ધર્મદેવના પ્રાદુર્ભાવનો જન્મોત્સવ કરવો. જો ધર્મદેવની પ્રતિમા ન હોય તો સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી.૩૨

તેમાં મંદિરની આગળ પૂર્વની માફક જ શોભાયમાન મંડપની રચના કરાવી સર્વતોભદ્રમંડળની મધ્યે ધર્મદેવનું શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજન કરવું.૩૩

તે મૂર્તિ ચતુર્ભુજ અને ચતુષ્પાદ હોવી જોઇએ. તેમને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં ને સર્વે અલંકારોથી શણગારવા ને શ્વેત ગૌરવર્ણવાળા અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા તૈયાર કરાવવા.૩૪

એ ધર્મદેવના ઉપરના જમણા હાથમાં સ્ફાટિકમણિની જપમાળા આપવી. ડાબા હાથમાં ધર્મશાસ્ત્રનું પુસ્તક ધારણ કરાવવું. તેના જમણા ભાગમાં મૂર્તિમાન વ્યવસાય(ઉદ્યોગ)ની સ્થાપના કરવી અને ડાબા ભાગમાં અતિશય રૂપવાન સાક્ષાત્ સુખની મૂર્તિ સ્થાપન કરવી, પછી તે ઉદ્યોગ અને સુખ આ બન્નેની મૂર્તિના મસ્તક ઉપર ધર્મદેવના નીચેના બન્ને હસ્તકમળ સ્થાપન કરેલા હોય તેવી રચના કરવી.૩૫-૩૬

એ ધર્મદેવની મૂર્તિ એક મુખવાળી દ્વિભુજ ને દ્વિપાદ અને સુંદર વસ્ત્ર તથા આભૂષણથી સુશોભિત મનુષ્યાકૃતિમાં હોય તેવી કરવી.૩૭

તેની ડાબી બાજુએ પરમ રૂપાળાં ભક્તિદેવીની મૂર્તિ સ્થાપન કરવી. એ ભક્તિદેવી દ્વિભુજ, બહુ પ્રકારના આભૂષણોથી સુશોભિત કરવાં અને તેને કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવાં.૩૮

તેમના ડાબા હાથમાં સુવર્ણી ઝારી ધારણ કરાવવી ને જમણા હાથમાં મોતિઓની માળાઓ તથા સુગંધીમાન પુષ્પની માળાઓ ભરેલા પાત્રને ધારણ કરી રહેલાં હોય તેવાં કરવાં.૩૯

હે પુત્રો ! પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણાદિકથી તે ધર્મ ભક્તિની મૂર્તિઓ તૈયાર કરાવી સપ્તર્ષિઓની સાથે તથા અરુન્ધતી દેવીની સાથે તેઓનું પૂજન કરવું.૪૦

કશ્યપાદિ સપ્તર્ષિઓ અને અરુન્ધતીદેવીની મૂર્તિ દર્ભમાંથી તૈયાર કરવી અથવા ચંદનાદિકમાંથી તૈયાર કરવી.૪૧

તેવી જ રીતે શ્રદ્ધા, મૈત્રી, દયા અને શાંતિ આદિક બાર ધર્મદેવની અન્ય પત્નીઓની પણ ધર્મ-ભક્તિની સાથે પૂજા કરવી.૪૨

તે દિવસે સવારથી સાંજ સુધી દુંદુભિઓના ધ્વનિ અને વિષ્ણુનાં નામકીર્તન તથા ગુણોનું ગાયન કરાવવું.૪૩

તે દિવસે નિત્ય પૂજાની મૂર્તિને મહાશણગાર ધરવા. તેમાં ઉત્તમ મુગટ, પીતાંબર, બહુમૂલ્યવાળાં લાલવસ્ત્રો, રત્નો જડીત આભૂષણો આદિ ધારણ કરાવવાં.૪૪

તેવીજ રીતે લક્ષ્મીજીને પણ પૂજારીએ અનેક વિધ રત્નો જડિત અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોના મહાશણગાર ધારણ કરાવવા.૪૫

અને એમની આગળ નૈવેદ્યમાં વિશેષપણે ઘેબર, અર્પણ કરવો અને આરતીમાં કપૂરના દીપથી આરતી કરવી. બાકીનો વિધિ હમેશનો સામાન્ય જાણવો.૪૬

હાટડી ઉત્સવ :- હે પુત્રો ! આ નિત્ય પૂજાની મૂર્તિ આગળ એજ દિવસે સાયંકાળે હાટડી પૂરવી. તે હાટડીની રચનામાં નવાં નવાં ધાન્યો પાત્રમાં ભરીને અલગ અલગ સ્થાપન કરવાં.૪૭

અનેક પ્રકારના શાકો તથા ફળો અને શેરડીના સાંઠા, તેમજ પેંડા વગેરે પદાર્થો વિભાગ કરીને તે હાટડીમાં જુદાં જુદાં સ્થાપન કરવાં.૪૮

આજે પ્રબોધની એકાદશીનો દિવસ હોવાથી એકાદશીના અધિકારી અને ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા સર્વે નર-નારી ભક્તજનોએ એક જળ વિના બીજું કાંઇ પણ આપત્કાળ પડયા વિના ભક્ષણ કરવું નહિ.૪૯

આ એકાદશીના અધિપતિ રાધા-દામોદર ભગવાન છે. તેથી તેમનુ પૂજન કુંભીપુષ્પ તથા કમળ પુષ્પથી કરવું.૫૦

તે રાધાદામોદર ભગવાનના નૈવેદ્યમાં મગદળના લાડુ અર્પણ કરવા. આ પ્રમાણે મેં આ પ્રબોધની એકાદશીનો વિધિ સંક્ષેપથી તમને કહ્યો.૫૧

પ્રત્યેક એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી, અને તેમનો સર્વેનો વિધિ વ્રતવિધિ ગ્રંથમાં કહેવા પ્રમાણે જાણી લેવો.૫૨

તેમજ એકાદશીને આશરી રહેલી જે જે કથાઓ છે તેનું પણ એકાદશીઓના દિવસે ભગવાનના ભક્ત પુરુષોએ પ્રેમથી ગાન કરાવવું ને સ્વયં ગાન કરવું, તથા શ્રવણ કરવું.૫૩

તુલસી વિવાહ મહોત્સવ :- હે પુત્રો ! કાર્તિકમાસની સુદ બારસના સાયંકાળે વ્યાપ્તિ હોય તેજ તુલસીવિવાહના ઉત્સવમાં ગ્રહણ કરવી.૫૪

આ બારસ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને કસુંબીરંગથી રંગેલાં વસ્ત્રથી મસ્તક ઉપર પાઘ બંધાવવી ને મનોહર અનેક પ્રકારના પુષ્પોના તોરા અને મોતીઓના તોરા ધારણ કરાવવા.૫૫

સુવર્ણના તારથી ભરેલા લાલરંગનું અંગરખુ પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધારણ કરાવવું. તેમજ લક્ષ્મીજીને તો સોનેરી રંગની સાડી ધારણ કરાવવી.૫૬

નૈવેદ્યમાં બિરંજ વિશેષપણે ધરવો. સાયંકાળે શોભાયમાન મંડપની મધ્યે શ્રીવિષ્ણુ ભગવાન અને તુલસીની પૂજા કરવી.૫૭

શાલિગ્રામ અથવા શ્રીકૃષ્ણની પ્રતિમા તથા તુલસીદેવીની, ગાયોના ધાણ ગામમાં પધારે ને ખરીથી રજ ઉડતી હોય તે સમયે ષોડશોપચારથી પૂજા કરવી.૫૮

પીળું વસ્ત્ર, કંઠસૂત્ર, નથડી,હળદર અને કુંકુમાદિક તુલસીજીને અર્પણ કરવાં.૫૯

તે સમયે નવા ઉત્પન્ન થયેલા શેરડીના સાંઠાએ સહિત ફળો અર્પણ કરવાં ને નૈવેદ્યમાં પતાસાં અને ખાજાં વિશેષપણે અર્પણ કરવાં.૬૦

પછી આરતી ઉતારી તુલસી અને શ્રીકૃષ્ણને મધ્યે એક વસ્ત્ર રાખીને અર્થાત્ છેડાછેડી બાંધીને મંગળ શ્લોકોનું ઉચ્ચારણ કરી મંગળફેરા ફરાવી સંકલ્પ કરાવી તુલસીનો હાથ શ્રીકૃષ્ણ ભગવાન ના હસ્તમાં અર્પણ કરવો. તુલસીજી શ્રીવિષ્ણુ ભગવાનને અર્પણ કરી દેવાં.૬૧

આ બારસના તુલસીવિવાહમાં બ્રાહ્મણોને જમાડી પોતાની શક્તિ પ્રમાણે દાન અર્પણ કરવાં. આ ઉત્સવમાં તુલસીવિવાહનાં પદો ગવરાવવાં.૬૨

દેવદીવાળી ઉત્સવ :- હે પુત્રો ! કાર્તિક માસમાં સૂર્યોદય સમયે પ્રાપ્ત થતી સુદ પૂર્ણિમાના દિવસે રમાકાંત શ્રીકૃષ્ણ ભગવાનને શોભાયમાન મુગટ ધારણ કરાવવો.૬૩

આજે શીરો, પૂરી, ભાત, કઢી, દાળ, સુરણ અને વૃંતાકનું શાક નૈવેદ્યમાં વિશેષપણે ધરાવવું.૬૪

રાત્રે મંદિરમાં ચારેતરફ દીવાઓની પંક્તિ કરવી ને શક્તિને અનુસાર ભગવાનની આગળ ઘીનો દીવો કરવો.૬૫

આજે પૂર્ણિમાના ચંદ્રોદય સમયે સાંજે ધર્મે સહિત ભક્તિદેવીનું ગીત વાજિંત્રોના નાદ સાથે પૂજન કરવું.૬૬

જે મંદિરમાં ધર્મ અને ભક્તિની મૂર્તિ ન હોય તે મંદિરમાં સેવકોએ તે બન્ને મૂર્તિ સુવર્ણની કરાવીને પૂજન કરવું.૬૭

આ પૂર્ણિમાની રાત્રીના સમયે બલરામે સહિત શ્રીકૃષ્ણ ભગવાનનાં ગોપીજનોની સાથે કરેલી ક્રીડાના સંબંધવાળાં પદો ભક્તજને ગવરાવવાં ને સ્વયં ગાવાં. તેમજ આજે ભક્તિદેવીનો પ્રાદુર્ભાવ હોવાથી ધર્મદેવે સહિત ભક્તિના ગુણોનું વર્ણન કરતાં પદો પણ ગવરાવવાં.૬૮

આ કાર્તિકી પૂર્ણિમાથી આરંભીને પ્રતિદિન શ્રીહરિને ભરેલી ડગલી અને સુરવાળ ધારણ કરાવવો. તેમજ લક્ષ્મીજીને પણ રૂ ભરેલી સૂક્ષ્મ સાડી ધારણ કરાવવી.૬૯

તેજ રીતે રાત્રે શય્યામાં પણ પ્રતિદિન ગોદડી ઓઢાડવી. આવી રીતના શણગાર ફાગણ સુદ પૂર્ણિમા સુધી ધારણ કરાવવા.૭૦

આ તિથિના પ્રારંભથી રાત્રીએ વૈષ્ણવ ભક્તજનોએ પણ સૂવાના સમયે ટાઢની નિવૃત્તિને માટે ગોદડી ઓઢવી.૭૧

હે પુત્રો ! આ પ્રમાણે મેં કાર્તિક માસમાં શ્રીવિષ્ણુ ભગવાનના જે ઉત્સવો આવે છે તે તમને કહ્યા. હવે પછી માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનો વિધિ કહું છું.૭૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કાર્તિકમાસના ઉત્સવોનું નિરૂપણ કર્યું, એ નામે અઠ્ઠાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૮--