અધ્યાય - ૫૬ - ભગવાન શ્રીહરિએ કહેલો ભાદરવા માસમાં ઉજવાતા ઉત્સવનો વિધિ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:52pm

અધ્યાય - ૫૬ - ભગવાન શ્રીહરિએ કહેલો ભાદરવા માસમાં ઉજવાતા ઉત્સવનો વિધિ.

ભગવાન શ્રીહરિએ કહેલો ભાદરવા માસમાં ઉજવાતા ઉત્સવનો વિધિ. નરભગવાનનો જન્મોત્સવ. ગણપતિ જન્મોત્સવ. રાધાજી જન્મોત્સવ. દાણલીલા મહોત્સવ. વામન જન્મોત્સવ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! હવે પછી ભાદરવા માસમાં જે ઉત્સવો આવે છે, તેનો સમગ્ર વિધિ હું તમને કહું છું.૧

નરભગવાનનો જન્મોત્સવ :- હે પુત્રો ! ભાદરવા સુદ બીજના ગુરુવારે મધ્યાહ્ન સમયે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં, અભિજીત નામના મુહૂર્તમાં હિમાલયના છેવાડાના પ્રદેશમાં સાક્ષાત્ પ્રભુ નરઋષિ ઇન્દ્ર થકી કુંતીને ત્યાં અર્જુન નામથી પ્રગટ થયા. તે સમયે સર્વે દેવતાઓએ ઉત્સવ ઉજવ્યો.૨-૩

તે અર્જુનતિથિ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય અને પડવાના વેધવાળી હોય તે ગ્રહણ કરવી. જો નક્ષત્રનો યોગ હોય તો બીજ તિથિ ત્રીજના વેધવાળી ગ્રહણ કરવી. અર્થાત્ જો ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પડવાને દિવસે હોય તો બીજ કેવળ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય તે ગ્રહણ કરવી, અને જો મધ્યાહ્ન પૂર્વે પડવો હોય, ને પછીથી બીજ તિથિ બેસી જતી હોય, તે બીજ બીજે દિવસે મધ્યાહ્ન પૂર્વે પૂર્ણ થઇને તૃતીયા બેસી જતી હોય તો, આગલા પડવાના દિવસે નક્ષત્ર ન હોય છતાં તે બીજ નરભગવાનના જન્મોત્સવ માટે સ્વીકારવી. તેમજ સૂર્યોદય સમયે દ્વિતીયા હોય પછી તૃતીયા બેસી જતી હોય ને મધ્યાહ્ને નક્ષત્ર હોય તો તે ત્રીજના વેધવાળી પણ બીજ ગ્રહણ કરવી. જો બન્ને દિવસે બીજ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય તો જે દિવસે મધ્યાહ્ને નક્ષત્ર હોય તે દિવસની બીજ ગ્રહણ કરવી. વળી બન્ને બીજ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય ને નક્ષત્ર ન હોય તો પહેલા દિવસની બીજ ગ્રહણ કરવી. ૪

હે પુત્રો ! આ નરભગવાનના જન્મોત્સવમાં ભગવાનને અતિશય ઉજ્જવલ મુગટ, ધનુષ, બાણ, તલવાર તથા સુવર્ણની ઢાલ ધારણ કરાવવી.૫

વસ્ત્રો અને આભૂષણો રાજરીતિ પ્રમાણે ધારણ કરાવવાં. નૈવેદ્યમાં પૂરી, ઘેબર સહિત દૂધપાક ધરાવવો.૬

આ અર્જુનતિથિના ઉત્સવમાં આટલું વિશેષ જાણવું. બાકીનો વિધિ પૂર્વે જે મેં કહ્યો તે જ પ્રકારે જાણવો. ને પૂજા કરનારે શ્રીકૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિની સ્થાપના કરી તેમની પૂજા કરવી.૭

તેમાં નરભગવાનની પ્રતિમાનું અર્જુનના નામથી પૂજન કરવું. જો નરની પ્રતિમા ન હોય તો ભગવાન શ્રીકૃષ્ણ નારાયણની પ્રતિમામાં જ અર્જુનનું પૂજન કરવું.૮

અને જો શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ ન હોય તથા મૂર્તિ હોય છતાં પૂજારીને અર્જુનની જ પૂજા કરવાની ઇચ્છા રહેતી હોય તો મુગટ, ધનુષ તથા બાણધારી સુવર્ણમય અર્જુનની મૂર્તિ તૈયાર કરાવીને અભિજીત મુહૂર્તમાં મધ્યાહ્ને પૂજા કરવી.૯

હે પુત્રો ! મંદિરની આગળ શોભાયમાન મંડપ તૈયાર કરાવી મધ્યે સર્વતોભદ્ર મંડળની રચના કરી, મહાપૂજાના વિધિથી તેમનું પૂજન કરવું.૧૦

તે સમયે પાંડુ, કુંતી, માદ્રી, યુધીષ્ઠિર, ભીમ અને શતશ્રૃંગપર્વતમાં રહેતા મુનિઓ તેમજ ઇન્દ્રના અંગદેવતાઓનું પણ પૂજન કરવું.૧૧

શીરો, દૂધપાક અને પૂરીનું નૈવેદ્ય અર્જુનને અર્પણ કરવું. કપૂર અને ઘી યુક્ત દીવેટોથી આરતી કરવી.૧૨

હિમાલયના પ્રાંત પ્રદેશમાં પ્રગટ થયેલા અર્જુનની જન્મકથાનું ગાન કરાવવું. તેમજ અર્જુનને શ્રીબાલકૃષ્ણના પારણામાં પધરાવી ઝુલાવવા. એક મુહૂર્ત પછી બન્નેની આરતી કરી પારણામાંથી ઉતારવા. આ દિવસે પૂજા કરનારા સેવકોએ પૂજાના અંતે એક જ વખત હવિષ્યાન્ન જમવું.૧૪

ગણપતિ જન્મોત્સવ :- હે પુત્રો ! (હવે હું તમને ગણપતિનો જન્મેત્સવ કહું છું.) ભાદરવા માસની સુદ ચતુર્થીએ અભિજીત નક્ષત્રના મધ્યાહ્ન સમયે જ્યારે સૂર્ય અને ચંદ્ર કન્યારાશિમાં હતા, ત્યારે સિદ્ધિયોગમાં રવિવારે ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ શંકર ભગવાનના ઘેર પ્રગટ થયા. તે સમયે સર્વે દેવતાઓના ગણોએ તે તિથિના દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો.૧૫-૧૬

એથી આપણે પણ એ ચતુર્થીના દિવસે શ્રીગણપતિજીનો પૂજન અને મહોત્સવ ઉજવવો. ગણેશચતુર્થી તૃતીયાના વેધવાળી જ ગ્રહણ કરવી, એજ શ્રેષ્ઠ છે.૧૭

જો તૃતીયા અને ચોથ એ બન્ને તિથિઓમાં મધ્યાહ્ને અભિજીત મુહૂર્ત વ્યાપ્ત હોય તો અથવા ન વ્યાપ્ત હોય તો પણ પહેલી, ત્રીજના વેધવાળી જ ચતુર્થી ગ્રહણ કરવી. જો માત્ર ચોથના દિવસે જ મધ્યાહ્ને અભિજીત મુહૂર્ત હોય તો તે જ ગ્રહણ કરવી.૧૮

આ ગણપતિ જન્મોત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનને લાલવસ્ત્ર ધારણ કરાવવાં, નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવવા. બાકીનો વિધિ તો હમેશનો કરવાનો કહ્યો છે. તેજ કરવો.૧૯

ગણપતિજીની મૂર્તિ મૃતિકાની તૈયાર કરાવી તેના ચાર હસ્ત કરવા, હાથીના જેવું મુખ અને એક દાંત કરવો.૨૦

ને મધ્યાહ્ને તેનું પૂજન કરવું. સિંદૂર, દૂર્વા અને સમીપત્રથી ગણપતીજીની પૂજા કરવી. ને તેમને એકવીશ લાડુનું નૈવેદ્ય ધરવું.૨૧

તેના પ્રાદુર્ભાવને દિવસે જ પૂજામાં તુલસીપત્ર અર્પણનો વિધિ કહેલો છે. પરંતુ આખા વર્ષમાં ભાદરવા સુદ ચતુર્થી સિવાય બીજા કોઇ દિવસોમાં ગણપતિ પૂજનમાં તુલસીનો સ્વીકાર કહેલો નથી. વિશેષ વિસ્તાર પુરાણ થકી જાણવો.૨૨

હે પુત્રો ! ભાદરવા સુદ ચતુર્થીની રાત્રીએ કોઇએ પણ ચંદ્ર દર્શન ન કરવું. ચંદ્ર દર્શન કરવાથી મિથ્યા કલંકની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઇ સંશય નથી.૨૩

જો અજાણતાં ચંદ્રદર્શન થાય તો શ્રીમદ્ ભાગવતમાં પ્રતિપાદન કરેલા સ્યમંતક મણિના હરણની કથા સાંભળવી અથવા પાઠ કરવો.૨૪

જો એ બે ન થઇ શકે તો વિષ્ણુ પુરાણમાં કહેલા આમંત્રનો આદરપૂર્વક જપ કરવો કે, ''સિંહે પ્રસેનનો વધ કર્યો ને સિંહનો જાંબુવાને વધ કર્યો. હે સુકુમાર ! તું રુદન ન કર, હવે આ સ્યમંતકમણિ તારો છે.''૨૫-૨૬

આ પ્રમાણે આ મંત્રનો જે પુરુષ બહાર અને અંદર પવિત્ર થઇ દશ વખત પાઠ કરે છે તે પુરુષ ચંદ્ર દર્શનથી ઉત્પન્ન થયેલા દોષથી તત્કાળ મુક્ત થાય છે.૨૭

રાધા જન્મોત્સવ :- હે પુત્રો ! ભાદરવા માસની સુદ અષ્ટમીતિથિએ અનુરાધા નક્ષત્રમાં રવિવારે સાક્ષાત્ શ્રીરાધિકાજીનો વૃષભાનુ ગોપના ઘેર પ્રાદુર્ભાવ થયેલો છે.૨૮

વ્રત કરનારા જનોએ આ રાધાષ્ટમી મધ્યાહ્ને વ્યાપ્તિ ગ્રહણ કરવી, સપ્તમી કે અષ્ટમી આ બન્ને મધ્યાહ્ને વ્યાપ્તિ હોય કે ન હોય છતાં નવમી યુક્ત અષ્ટમી જ વ્રતમાં ગ્રહણ કરવી.૨૯

રાધાની જન્મતિથિ સાતમના વેધવાળી તો ક્યારેય ગ્રહણ ન કરવી. જો અષ્ટમીનો ક્ષય હોય તો સાતમના વેધવાળી આઠમ પણ ગ્રહણ કરવી. અહીં કેટલાક વિદ્વાનોનો મત છે કે આઠમ બે હોય તો બીજે દિવસે સૂર્યોદય વ્યાપિની આઠમ વ્રતમાં ગ્રહણ કરવી. પરંતુ આપણા સંપ્રદાયમાં તે નિર્ણય સ્વીકાર્ય નથી. બન્ને આઠમ સૂર્યોદય વ્યાપિની હોય છતાં પૂર્વનીજ ગ્રહણ કરવી.૩૦

હે પુત્રો ! આ રાધાજન્મોત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનને લાલવર્ણનો સુરવાળ,અને તોરાઓની પંક્તિથી શણગારેલી લાલવર્ણની પાઘ ધારણ કરાવી ને કેસરીયા રંગનું ઘડી પાડેલું સૂક્ષ્મ અંગરખું ધારણ કરાવવું. બાકીના બીજાં વસ્ત્રો અને આભૂષણો પૂર્વની પેઠે ધારણ કરાવવાં.૩૧-૩૨

પછી મધ્યાહ્ને શ્રીકૃષ્ણ ભગવાનના પડખે ઊભેલાં રાધિકાજીની પૂજા કરવી. જો મંદિરમાં રાધિકાજીની પ્રતિમા ન હોય તો પૂજા કરનારે રાધાના રૂપમાં લક્ષ્મીજીનું પૂજન કરવું. તે સમયે કેસરી રંગની સૂક્ષ્મ અને બહુજ લાંબી સાડી રાધા કે લક્ષ્મીજીને ધારણ કરાવવી.૩૩-૩૪

ચણીયો અને ચોલી આ બન્ને વસ્ત્ર પણ લાલ રંગનાં ધારણ કરાવવાં અને સર્વે આભૂષણો પૂર્વની જેમ ધારણ કરાવવાં.૩૫

નૈવેદ્યમાં વિશેષપણે મોતૈયાલાડુ અર્પણ કરવા. બાકીનો વિધિ આ ઉત્સવમાં પણ પૂર્વની પેઠે જાણવો. ૩૬

જો લક્ષ્મીજીની પણ મૂર્તિ ન હોય તો સુવર્ણની દ્વિભુજ રાધિકાજીની પ્રતિમા તૈયાર કરાવી, બીજી ગોપીઓની સાથે તેમની પૂજા કરવી.૩૭

તેમના જન્મોત્સવમાં રાધિકાજન્મના પદોનું ગાયન કરાવવું ને પૂજા કર્યા પછી જ પૂજારીએ ભોજન સ્વીકારવું.૩૮

દાણલીલા મહોત્સવ :- હે પુત્રો ! ભાદરવા માસની સુદ એકાદશી પદ્મા નામે કહેલી છે. આ તિથિના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળમાં દાણલીલા કરી હતી.૩૯

તે દિવસે ગોપવેષધારી શ્રીકૃષ્ણ ભગવાને યમુના નદીમાં નૌકામાં બેસી જેમ કોઇ રાજાની આજ્ઞાથી રાજપુરુષ દાણ સ્વીકારે તેમ દહીંની મટકી લઇ મથુરા જતી ગોપીઓ પાસેથી દાણ સ્વીકાર્યું છે.૪૦

આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ગોપવેષ ધારણ કરાવવો ને તેમને શિબિકામાં બેસાડી ગીત વાજિંત્રોના ગાન સાથે નદીએ કે તળાવે લઇ જવા.૪૧

ત્યાં નૌકામાં નંદનંદનને બેસાડી પૂજન કરવું. બે ઘડી સુધી જલક્રીડા કરાવી પોતાના સ્થાને પાછા લાવવા.૪૨

શ્રીકૃષ્ણ ભગવાને રાધિકાજીની સાથે કરેલી દાણલીલાના પદોનું ગાન કરવું અને કરાવવું. તેમ જ આજે એકાદશી હોવાથી નિરાહાર ઉપવાસ કરવો.૪૩

આવી રીતે આજના દિવસે આ દાણલીલાનો ઉત્સવ કરવો. આજે નૈવેદ્યમાં ભગવાનને દહીં ભાતનું વિશેષ નિવેદન કરવું. બાકીનો વિધિ એકાદશી ઉત્સવ થકી જાણવો.૪૪

વામન જન્મોત્સવ :- હે પુત્રો ! ભાદરવા માસના સુદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં બુધવારે મધ્યાહ્ન સમયે કશ્યપમુનિ અને પત્ની અદિતિ થકી વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે.૪૫

આ વામન જન્મોત્સવમાં જે બારસ મધ્યાહ્ન વ્યાપિની હોય તો જ ગ્રહણ કરવી. તેમાં પણ જો મધ્યાહ્ન સમયે બારસ શ્રવણનક્ષત્રે યુક્ત હોય તો તે બારસ અતિશય પ્રશંસનીય છે.૪૬

એકાદશીના દિવસે બપોરના સમયે જો બારસ બેસી જતી હોય તો વળી તેજ સમયે જો શ્રવણ નક્ષત્ર હોય તો તેને વિષ્ણુશૃંખલ નામનો યોગ કહેવાય તેથી તેને પર્વનો સમય કહેવાય ને તે યોગ મુક્તિને આપનારો કહેલો છે.૪૭

કદાચ દ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્ર ન હોય અને એકાદશીના દિવસે હોય તો એકાદશીના મધ્યાહ્ને જ આ વામન જન્મોત્સવ ઉજવવો પરંતુ પારણાં તો બારસના બપોર પછી જ કરવાં.૪૮

અને જો બારસ પણ શ્રવણ નક્ષત્રે યુક્ત હોય તો શક્તિમાન પુરુષે બે ઉપવાસ કરવા. એક એકાદશી અને બીજો બારસનો ઉપવાસ કરવો. કારણ કે વૈષ્ણવોને એકાદશીનું વ્રત કરવું ફરજીયાત છે. અને જે બે ઉપવાસ કરવા અશક્ત હોય તેમણે એકાદશીના ફલાહાર કરીને બારસના નિરાહાર ઉપવાસ કરવો.૪૯

અથવા એકાદશીનો ઉપવાસ કરી બારસના રાત્રે પારણાં કરવાં. અને વધુ અશક્ત હોય તેમણે એકાદશીનું ફલાહાર કરી બારસના રાત્રે પણ ભોજન કરી લેવું. અથવા તો આ એકાદશી પરિવર્તની હોવાથી તે દિવસે ફલાહાર પણ ન કરાય તેવું શાસ્ત્રવિધાન હોવાથી તે દિવસે નિરાહાર ઉપવાસ કરી બારસના દિવસે ફલાહાર કરવું. અથવા તો પરિવર્તનનો યોગ બારસના દિવસે હોય તો એકાદશીના ફલાહાર કરી બારસનો નિરાહાર ઉપવાસ કરવો.૫૦

અને જો શ્રવણ નક્ષત્ર તેરસના દિવસે હોય તો પૂજા કરનારે વામનોત્સવ સર્વપ્રકારે બારસના જ કરવો. તેમાં એકાદશી અને બારસ આ બન્ને દિવસે શ્રવણ નક્ષત્ર ન હોવાથી એકાદશીના નિરાહાર ઉપવાસ કરી બારસના મધ્યાહ્ને ઉત્સવના અંતે પારણાં કરવાં. આ નિર્ણય સંપ્રદાય માટે ખાસ છે. એમ જાણવું.૫૧

હે પુત્રો ! હવે આ વામન જન્મોત્સવ કેમ ઉજવવો તે કહું છું. આજે શ્રીકૃષ્ણ ભગવાનને પીતાંબર ધારણ કરાવવું. અને અન્ય વસ્ત્રાભૂષણો પૂર્વની માફક જ ધારણ કરાવવાં.૫૨

જો પોતાની સમીપે શ્રીવાસુદેવ ભગવાનની ચળ મૂર્તિ હોય તો તેમાં વામનજીની પૂજા કરવી.૫૩

જો ચળમૂર્તિ ન હોય તો દ્વિભુજ અને હાથમાં છત્ર, દંડ અને કમંડલું ધારણ કરતી સુવર્ણની બાલસ્વરૂપ વામનજીની મૂર્તિ તૈયાર કરાવવી.૫૪

મંડપમાં સર્વતોભદ્ર મંડલને મધ્યે બપોરના સમયે વામનજીની પંચામૃતાદિ ઉપચારોથી ભાવ પૂર્વક પૂજા કરવી.૫૫

અદિતિ, કશ્યપ, તેમજ પત્નીઓ અને ગાંધર્વાદિ ગણોએ સહિત ઇન્દ્રાદિ દેવતાઓની તથા અંગ દેવતાઓની પણ પૂજા કરવી.૫૬

બહુ ઘી, સાકર યુક્ત ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવું ને વામન ભગવાનના અવતાર ચરિત્રોનું ગાન કરાવવું.૫૭

આ વામન દ્વાદશીના ઉત્સવમાં પૂજા વિધિનો આટલો જ વિધિ વિશેષ જાણવો બાકી સામાન્ય વિધિ તો સર્વે ઉત્સવમાં એક સરખો જ છે. હે પુત્રો ! આ પ્રમાણે મેં તમને ભાદરવા માસના ઉત્સવો કહ્યા. હવે પછી આસો માસમાં આવતા અને આપણા ઉદ્ધવસંપ્રદાયમાં જે માન્ય કરેલા છે તે મહોત્સવોનો વિધિ હું તમને કહું છું.૫૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ભાદરવા માસમાં આવતા વ્રતો અને ઉત્સવોનું નિરૂપણ કર્યું એ નામે છપ્પનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૬--