અધ્યાય - ૩૮ - પંડિતો મુક્તાનંદ સ્વામીના શરણે અને સંપ્રદાયનો થયેલો દિગ્વિજય.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:02pm

અધ્યાય - ૩૮ - પંડિતો મુક્તાનંદ સ્વામીના શરણે અને સંપ્રદાયનો થયેલો દિગ્વિજય.

પંડિતો મુક્તાનંદ સ્વામીના શરણે અને સંપ્રદાયનો થયેલો દિગ્વિજય. સયાજીરાવ મહારાજા મુક્તાનંદસ્વામીનાં દર્શને આવ્યા. રાજાને સ્વામીનો સદુપદેશ. વિદ્વાનો સાથે મુક્તાનંદસ્વામીનું વડતાલપુરે આગમન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વાદ કરવા આવેલા તે સર્વે વિદ્વાનો બન્ને હાથ જોડીને મુક્તાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મુનિશ્રેષ્ઠ ! અમારા સર્વે સંશયો વિનાશ પામ્યા.૧

શાસ્ત્રના અર્થને યથાર્થ જાણતા તમારા જેવા અનુભવસિદ્ધ સાધુઓ અમે પૃથ્વી પર ક્યાંય જોયા નથી.૨

અહીં જે અમારા સાધુઓ રહ્યા છે, તે તો દંભથી મનુષ્યોને છેતરે છે. સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં આસક્ત છે. વિદ્વાન હોવા છતાં પણ અબુધની જેમ વર્તે છે.૩

હે મુનિશ્રેષ્ઠ ! આથી પહેલાં અમે ભગવાન શ્રીસ્વામિનારાયણ અને તેમના સંતો વિષે માત્ર સાંભળ્યું હતું, પરંતુ તમે જેવો મહિમા કહ્યો તેવો સ્પષ્ટ મહિમા અમને કોઇએ કહ્યો ન હતો.૪

અહીંના સાધુઓ તો સ્વામિનારાયણ ભગવાનને વિષે રહેલા સદ્ગુણોમાં પણ દોષોનું આરોપણ કરી તેમને સામાન્ય પુરુષ જેવા માયિક કહે છે, પરંતુ કોઇ પણ તેમને પોતાના શરણે આવનારને માયાના પાશથી મૂકાવનારા કહેતા નથી.૫

હે મુનિવર્ય ! આ નગરમાં અમારા જેવા મોટા કોઇ ધૂતારા નથી. કારણ કે વિદ્વાનની સભામાં કોઇ પણ પંડિતને એક ક્ષણવારમાં પરાસ્ત કરી શકીએ છીએ. આજ દિવસ સુધી તમારા સિવાય કોઇને અમે નમ્યા નથી.૬

આજે તમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનની તમારા ઉપર કૃપા હોવાથી તમારા દ્વારા અમારી બોલતી બંધ થઇ ગઇ. માટે જરૂર તમારા ગુરુ સાક્ષાત્ પરમેશ્વર છે. નહીં તો આજે અમને કોણ પરાજિત કરી શકે ?૭

આજ દિવસથી આરંભીને અમે એમના છીએ એમ તમે નિશ્ચય જાણો. માટે તમે મુમુક્ષુ એવા અમને તમારા ગુરુની પાસે લઇ જાઓ.૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે તે રામચંદ્રાદિક વિદ્વાનોનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા મુક્તાનંદ સ્વામી તેઓને નિર્દંભી અને મુમુક્ષુ જાણી કહેવા લાગ્યા.૯

હે વિપ્રો ! તમારી બુદ્ધિ અતિશય શુદ્ધ છે. તમે મુમુક્ષુ છો. નહીંતર તમારા મનમાં શ્રીસ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમેશ્વર છે એ વાત કેમ પ્રવેશી શકે ?૧૦

હે વિપ્રો ! પ્રતિદિન મારી સમીપે આવી તેમના ગુણોનું શ્રવણ કરો. તેના કારણે કુસંગના યોગથી ઉદ્ભવતા સમગ્ર ખોટા તર્કો નાશ પામશે.૧૧

જે પુરુષો પ્રથમ ભગવાન શ્રીહરિના સંતોનો સમાગમ કરીને ભગવાનનું બરાબર માહાત્મ્ય સમજીને પછી તેમના દર્શન કરે છે, તેઓને તેમના દર્શનનું અતિશય પરમ સુખ પ્રાપ્ત થાય છે.૧૨

હે વિપ્રો ! તમારા હૃદયમાં તેમનો સારી રીતે નિશ્ચય થયો છે. તેથી આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રીહરિની સમીપે જશું, તેમાં કોઇ સંશય નથી.૧૩

આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા તે પાંચે વિદ્વાનો આશ્ચર્ય પામ્યા ને સ્વામીને પ્રણામ કરી પોતાના નિવાસસ્થાને ગયા.૧૪

તે સભામાં સર્વે અન્ય જનો પણ તે પંડિતોનો પરાજય જોઇ મનમાં વિસ્મય પામતા કંઇ પણ બોલ્યા વગર પોતપોતાના ઘેર ચાલ્યા ગયા.૧૫

હે રાજન્ ! રામચંદ્રાદિ પંડિતોનો મુક્તાનંદ સ્વામી આગળ પરાજય થયો, તે વાત વડોદરા શહેરમાં ઘેરઘેર થવા લાગી અને શ્રીસ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમેશ્વર છે, એમ સૌ કહેવા લાગ્યા, તેથી જે જે મુમુક્ષુ જનો હતા તે મુક્તમુનિના શરણે આવવા લાગ્યા.૧૬

અને મુક્તાનંદ સ્વામી પણ પોતાના હૃદયકમળમાં બિરાજતા શ્રીહરિના પ્રતાપને કારણે વાદ કરવા આવેલા પંડિતોનો પરાજય થયો છે, એમ જાણી પોતાના મનમાં કંઇ પણ વિસ્મય પામ્યા નહિ.૧૭

હે રાજન્ ! આ રીતે મુક્તાનંદ સ્વામી જે જે પુરવાસીજનો પોતાની સમીપમાં આવે, તે સર્વેને ભગવાન શ્રીહરિના સ્વરૂપનો બોધ આપી તેમના શરણે કરતા હતા.૧૮

રામચંદ્રાદિ પંડિતો પણ પ્રતિદિન મુક્તાનંદ સ્વામીને સમીપે આવી આદરપૂર્વક ભગવાનની વાર્તા સાંભળતા હતા.૧૯

આ રીતે શ્રીહરિના માહાત્મ્યના શ્રવણથી દિવસે દિવસે તેઓને પ્રગટ ભગવાન શ્રીનારાયણ મુનિને વિષે અતિશય પ્રીતિ વધવા લાગી, ને અંતરમાં તેમનાં દર્શનની ઉત્કંઠા જાગી.૨૦

હે રાજન્ ! પછી મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને વિષે તેઓની શ્રદ્ધા વૃદ્ધિ પામેલી જોઇ, તેથી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિપ્રો ! તમે શ્રીહરિનું ધ્યાન કરો, તે સ્વયં અહીં પધારી તમોને દર્શન આપશે.૨૧

શ્વેતવસ્ત્રોને ધારી રહેલા નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરવાળા, નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષમાં શોભી રહેલા મનોહર ભગવાન શ્રીહરિનું ધ્યાન કરો. આ પ્રમાણે સ્વામીએ કહ્યું તેથી તેઓ ત્યાંજ સ્વામીના કહેવા પ્રમાણે ધ્યાન કરવા લાગ્યા.૨૨

તમને ભગવાન શ્રીહરિનું નિશ્ચય દર્શન થશે, એ પ્રમાણેના મુક્તાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને સ્વસ્તિક આસને બેઠા. અને શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે તેજ ક્ષણે પોતપોતાના આત્માને વિષે તેમનાં પ્રત્યક્ષ દર્શન થવા લાગ્યાં.૨૩

અતિશય શ્વેત પ્રકાશના મધ્યે વિરાજમાન શ્રીહરિનાં દર્શન કરી તેઓ પરમ આનંદને પામ્યા. પછી સમાધિમાંથી જાગ્રત થયા.૨૪

તે સમયે હૃદયમાં શ્રીહરિનાં દર્શન થવાથી મહા આનંદને પામેલા તે સર્વે પંડિતોના અંતરમાં પડેલા પૂર્વના સંશયો સમૂળ વિનાશ પામ્યા ને સ્વામીની આજ્ઞાનુસાર શ્રીહરિની નિરંતર ભક્તિ કરવા લાગ્યા.૨૫

હે રાજન્ ! પછી તે વિદ્વાનો પોતાને આશરે રહેલા સંબંધીજનોને તથા પોતાના વચનમાં વિશ્વાસ ધરાવતા અન્યજનોને પણ કહેવા લાગ્યા કે, જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેઓ મુક્તાનંદ સ્વામીનું શરણું સ્વીકારો.૨૬

તે વિદ્વાનોનો ભગવાન શ્રીહરિને વિષે આવો પાકો નિશ્ચય જોઇ હજારો પુરવાસીજનો તથા સેંકડો પંડિતોના સંબંધીજનો તથા તેમનામાં વિશ્વાસ ધરાવતા અન્ય હજારો મનુષ્યોએ મુક્તાનંદ સ્વામીની સમીપે શ્રીહરિનું શરણું સ્વીકાર્યું.૨૭

રાજાના મંત્રી નારુપંત-નાનાએ સયાજીરાવ રાજાને તે સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સમયે રાજા પંડિતોની હાર અને મુક્તાનંદ સ્વામીની જીત સાંભળી અતિશય વિસ્મય પામી ગયા.૨૮

સયાજીરાવ મહારાજા મુક્તાનંદસ્વામીનાં દર્શને આવ્યા :- હે રાજન્ ! મહાબુદ્ધિશાળી તે સયાજીરાવ મહારાજા સંવત ૧૮૮૧ ના મહાસુદ વસંતપંચમીના દિવસે પોતાની ચતુરંગિણી સેનાને સાથે લઇ મુક્તાનંદ સ્વામીનો આદર કરવા સમીપે પધાર્યા ને સ્વામીને પ્રણામ કર્યા.૨૯

ત્યારે સ્વામીએ પણ તેમને ખૂબજ આદર આપ્યો ને કુશળ સમાચાર પૂછયા. ત્યારે સયાજીરાવ સ્વામીના આપેલા આસન ઉપર વિનમ્ર થઇને સમીપે બેઠા. ને પ્રાર્થના કરવા લાગ્યા.૩૦

હે મુનિ ! તમારા જેવા સંતોની કૃપાથી મને સુખ વર્તે છે. અત્યારે તમારાં દર્શન થવાથી વિશેષ સુખી થયો છું.૩૧

જેવી રીતે તમે કૃપા કરીને અહીં મારા નગરમાં પધારીને પોતાનું દર્શન આપો છો, તેવીજ રીતે તમારા ગુરુ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી પણ અહીં પધારી દિવ્ય દર્શન આપે એ પ્રમાણેની અમારા વતી તમે તેમને પ્રાર્થના કરો.૩૨

હે નિષ્પાપ સંત ! મારા મનમાં તેમના દર્શનની અતિશય ઇચ્છા વર્તે છે.એથી તમે મારી પ્રાર્થના શ્રીહરિની આગળ જરૂર નિવેદન કરો, આવી મારી તમને પ્રાર્થના છે.૨૯-૩૩

मुक्तानन्द उवाच -

समीचीनं त्वया राजन्नेतह्यवसितं हृदि । स्वतन्त्रोऽस्ति स तु स्वामी प्रार्थयिष्ये तथाप्यहम् ।। ३४

त्वं हि सुज्ञोऽसि भूपाल ! सदसद्व्यक्तिवित्सुधीः । व्यावहारिककार्याणि तव सन्ति बहूनि च ३५

तत्राप्यानीयावकाशं कर्तव्यं हरिचिन्तनम् । तदेव परलोकेास्ति सुखदं नेतरत् खलु ।। ३६

निपुणमतिमतां गुणाश्च ये स्युः शमदमशीलदयादयो हि तेषाम् ।

फलमिदमुदितं नरेन्द्र ! शास्त्रे भगवत एव पदाम्बुजे रतिर्या ।। ३७

यदि हरिचरणाम्बुजे स्वचित्तं दृढतरसंस्थितिमाप्नुयान्न भक्तया ।

इतरगुणगणेन किं तदानीं भवजलधिभ्रमहेतुना फलं स्यात् ।। ३८

भवदवशिखिदग्धमानसानां निरवधि शैत्यसुखं विचिन्वतां वै ।

हरिचरणसरोजमेकमेव श्रुतिगदिताखिलसौख्यमूलमस्ति ।। ३९

રાજાને સ્વામીનો સદુપદેશ :- ત્યારે મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમે મનમાં જે ઠરાવ કર્યો છે તે સારો છે. શ્રીસહજાનંદ સ્વામી તો સ્વતંત્ર છે. છતાં હું તેમને તમારા વતી જરૂર પ્રાર્થના કરીશ.૩૪

હે રાજન્ ! તમે સુજ્ઞા છો, સત્યઅસત્યના વિવેકને જાણનારા છો. સુબુદ્ધિવાળા છો. તમને પ્રજાના અનેક વ્યવહારિક કાર્યો કરવાના હોય છે.૩૫

તેમાં પણ થોડો અવકાશ કાઢીને થોડું હરિસ્મરણ કરવું જોઇએ. કારણ કે તે જ પરલોકમાં સુખદાયી થશે. બાકી બધું અહીંજ પડયું રહેવાનું છે.૩૬

હે નરેન્દ્ર ! બુદ્ધિમાં નિપુણ મનુષ્યોના જે શમ, દમ, શીલ, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિક ગુણો હોય તેનું ફળ શાસ્ત્રોમાં એજ કહેલું છે કે, ભગવાન શ્રીહરિના ચરણકમળમાં પ્રીતિ ઉત્પન્ન થવી. આવા ગુણો હોવા છતાં જો તેને ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન નથી થતી તો ભવસાગરમાં ભ્રમણ કરાવવામાં કારણભૂત એ અન્ય ગુણોથી શું ફળ છે ? કાંઇ જ નહિ.૩૭-૩૮

આ સંસારરૂપી દાવાનળમાં દગ્ધ મનવાળા અને સુખ શાંતિને શોધતા પુરુષોને માટે એક ભગવાન શ્રીહરિનાં ચરણકમળ જ સમગ્ર સુખનું મૂળ છે. એમ શ્રુતિ કહે છે.૩૯

पदकमलसमीक्षणेन साक्षात्प्रभवति सौख्यमिति ध्रुवं न चित्रम् ।

अपि भव परितापितोऽन्तरात्मा हरिगुणसंश्रवणेन शान्तिमेति ।। ४०

अघभरहरणेऽत्र भक्तिभाजां प्रभवति नाम हरेर्हि तन्न चित्रम् ।

अपि विवशजनैरुदीरितं यदृरितचयं विनिहन्ति सद्य एव ।। ४१

समवति परितोऽन्यदुर्निवार्यान्निजजनमान्तरबाह्यवैरिसङ्घात् ।

क्षणमपि च न विस्मरत्यमुं यज्जगति ततः प्रभुनामः तस्य सार्थम् ।। ४२

स्थिरचरतनुधारिणां स आत्मा वपुरसुधीन्द्रियपाशसंवृतानाम् ।

हृदयसरसिजेऽस्ति दिव्यमूर्तिर्भुवि सदनुग्रहतः स लभ्यते च ।। ४३

चरणकमलमेतदीयमेव प्लवमिह ये विबुधाः श्रयन्ति तूर्णम् ।

पृथुभवजलधिं त एव नूनं सपदि तरन्त्यपरांस्त्वदन्ति नक्राः ।। ४४

હે રાજન્ ! સાક્ષાત્ ભગવાનના ચરણના દર્શનથી અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. એ કાંઇ આશ્ચર્યની વાત નથી. કારણ કે ત્રણ પ્રકારના સાંસારિક તાપથી તપી ગયેલું મન ભગવાનના ગુણાનુવાદના કથા શ્રવણથી જ શાંત થાય છે.૪૦

સાક્ષાત્ ભગવાન શ્રીહરિને વિષે બુદ્ધિપૂર્વક નવધાભક્તિ કરતા મનુષ્યોનાં પાપના પૂંજોનો વિનાશ કરવામાં માત્ર એક ભગવાન શ્રીહરિના નામોનું ઉચ્ચારણ જ સમર્થ સિદ્ધ થાય છે, તેમાં પણ કોઇ આશ્ચર્ય નથી. કારણ કે પરવશ મનુષ્યો પણ જો હરિનામનું ઉચ્ચારણ કરે છે તો તેપણ તત્કાળ પાપના સમૂહો થકી મુક્ત થઇ જાય છે. તો પછી ભક્તિ કરવાવાળાની તો વાત જ ક્યાં રહી ? જેથી સાક્ષાત્ ભગવાન સિવાય અન્ય મનુષ્યોથી નિવારી ન શકાય તેવા અંદરના કામ, ક્રોધાદિ દોષો થકી પોતાના આશ્રિત ભક્તજનોનું સર્વ પ્રકારે એક શ્રીહરિ જ રક્ષણ કરે છે. ને ભક્તને તે ક્ષણવાર પણ ભૂલતા નથી. અને તેથી જ આ જગતમાં તેમનું પ્રભુ એવું નામ સાર્થક થયું છે.૪૧-૪૨

હે રાજન્ ! શરીર, પ્રાણ, ઇન્દ્રિયો અને બુદ્ધિના પાશથી બંધાયેલા સ્થાવર, જંગમ સૃષ્ટિના સમગ્ર દેહધારીઓના હૃદયમાં ભગવાન શ્રીહરિ અંતર્યામીપણે વિરાજે છે. અને આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયેલા તે શ્રીહરિ એક તેમના સંતના અનુગ્રહથી જ ઓળખી શકાય છે. પછી જ તેમના શરણે જવાય છે.૪૩

આલોકમાં જે બુદ્ધિશાળી મનુષ્યો છે તે એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિના ચરણ કમળરૂપી નૌકાનો આશ્રય કરે છે, તેથી તેઓ તત્કાળ સંસારસાગરને પાર કરી જાય છે. પરંતુ તેમનો જે આશ્રય કરતા નથી. તેમને તો કામક્રોધાદિ મોટા મોટા મગરમચ્છો ભક્ષણ કરી જાય છે.૪૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્! આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ રાજાને ઉપદેશ કર્યો તેથી તે સયાજીરાવ રાજા અતિશય પ્રસન્ન થયા. આ રીતે સ્વામીની સમીપે બે ઘડી બેસી સમાગમ કરી સ્વામીને પ્રણામ કરીને પોતાના રાજમહેલમાં ગયા.૪૫

આ રીતે મુક્તાનંદ સ્વામી પ્રતિદિન અનેક પુરવાસી જનોને શ્રીહરિનો આશ્રય કરાવતા વડોદરા શહેરમાં સાડા ત્રણ માસ સુધી નિવાસ કરીને રહ્યા.૪૬

પછી શ્રીહરિનાં દર્શન કરવા જવા વડોદરાપુરથી પ્રયાણ કરવાની મનમાં ઇચ્છા કરી. તેવામાં કોઇ દૂતે આવીને સ્વામીને કહ્યું કે, શ્રીહરિ ગઢડાથી વડતાલ એકાદશીના દિવસે પધારવાના છે.૪૭

વિદ્વાનો સાથે મુક્તાનંદસ્વામીનું વડતાલપુરે આગમન :- પછી મુક્તાનંદ સ્વામી વડોદરાના નાથભક્ત આદિ ભક્તો તથા રામચંદ્ર શાસ્ત્રી આદિ પંડિતોને સાથે લઇને સંવત ૧૮૮૧ ના ફાગણ સુદ આમલકી એકાદશીના દિવસે વડતાલ પહોંચ્યા.૪૮

તે સમયે વિદ્વાનોએ ભગવાન શ્રીહરિનાં દર્શન કર્યાં, ને સમાધિમાં જેવાં દર્શન કર્યાં હતાં, તેવા જ પ્રત્યક્ષ અત્યારે નિહાળ્યા તેથી પરમ આનંદ પામ્યા.૪૯

પછી મુક્તાનંદ સ્વામીએ વડોદરાનું સમગ્ર વૃત્તાંત શ્રીહરિને કહી સંભળાવ્યું. એ વૃત્તાંત સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરવા લાગ્યા.૫૦

હે નિષ્પાપ રાજન્ ! તમે મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનોને કેવી રીતે જીત્યા, એવો પ્રશ્ન કરેલો તેનો તમોને મેં યથાર્થ ઉત્તર આપ્યો છે.૫૧

હે રાજન્ ! ભગવાન શ્રીહરિનો આવો મહાન પ્રતાપ છે. જેનાથી દેશદેશાંતરમાંથી દર્શને આવતા મનુષ્યોને કોઇ પણ જાતની અષ્ટાંગયોગની સાધના કર્યા વિના પણ તત્કાળ સમાધિ દશા પ્રાપ્ત થાય છે. જે સમાધિની સિદ્ધિ અષ્ટાંગયોગની બહુ પ્રકારની સાધના કરતા મોટા મોટા યોગીઓને પણ પ્રાપ્ત થવી દુર્લભ છે.૫૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વાદી પંડિતોનો મુક્તાનંદ સ્વામીએ પરાજય કર્યો અને તે પંડિતો તથા અન્ય હજારો જનોએ શ્રીહરિનો આશ્રય કર્યો એ નામે આડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૮--