અધ્યાય - ૩૩ - વડતાલપુરમાં દ્વારિકાપુરી, ગોમતીતીર્થ, ચક્રાદિછાપો વગેરેનું પણ ભગવાન શ્રીદ્વારિકાધીશની સાથે આગમન અને શ્રીહરિએ વડતાલનું દ્વારિકાતીર્થ જેટલું જ કહેલું માહાત્મ્ય.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:47pm

અધ્યાય - ૩૩ - વડતાલપુરમાં દ્વારિકાપુરી, ગોમતીતીર્થ, ચક્રાદિછાપો વગેરેનું પણ ભગવાન શ્રીદ્વારિકાધીશની સાથે આગમન અને શ્રીહરિએ વડતાલનું દ્વારિકાતીર્થ જેટલું જ કહેલું માહાત્મ્ય.

વડતાલપુરમાં દ્વારિકાપુરી, ગોમતીતીર્થ, ચક્રાદિછાપો વગેરેનું પણ ભગવાન શ્રીદ્વારિકાધીશની સાથે આગમન અને શ્રીહરિએ વડતાલનું દ્વારિકાતીર્થ જેટલું જ કહેલું માહાત્મ્ય.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દયાનિધિ શ્રીદ્વારિકાધીશ ભગવાન જે સમયે વડતાલ પધાર્યા તે જ સમયે તેમનો સમગ્ર પરિવાર પણ તેમની સાથે આવ્યો.૧

તેમાં દ્વારિકાનગરી વડતાલપુર રૂપે રહેવા લાગી, ગોમતી ત્યાં રહેલા સરોવરરૂપે રહેવા લાગી. બાકીના બધા જ ભારતવર્ષના પુષ્કર આદિક તીર્થો અહીં આવીને ગોમતીમાં નિવાસ કરીને રહ્યાં.૨

ત્યારપછી લીલામાત્રથી મનુષ્યશરીરને ધારી રહેલા શ્રીહરિ સર્વ સંતો ભક્તોને કહેવા લાગ્યા કે, શ્રીદ્વારિકેશ ભગવાન સર્વે તીર્થો તથા પરિવારની સાથે અહીં વડતાલપુરમાં પધાર્યા છે.૩

હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિએ તપ્તમુદ્રાના અંકનફળને અતિશય વર્ણવીને દ્વારિકાની જેમ જ અહીં વડતાલમાં પણ સર્વે ભક્તજનોને તપ્તમુદ્રાનું અંકન કરાવ્યું.૪

સર્વે ત્યાગી સંતોએ પણ પ્રત્યક્ષ શ્રીદ્વારિકેશનાં દર્શન કરી તેમની યથાયોગ્ય પૂજા કરીને પોતાના મનોરથો પૂર્ણ કર્યા.૫

સર્વે સંતોએ ગોમતી સરોવરમાં સ્નાન કરી તપ્તમુદ્રાઓ ગ્રહણ કરી અને ભગવાન શ્રીહરિની કૃપાથી પોતાની દ્વારિકાની યાત્રા પૂર્ણ થઇ એમ માનવા લાગ્યા.૬

હે રાજન્ ! વડતાલને વિષે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં રાત્રે સંવત ૧૮૮૧ ના ફાગણવદ પડવાને દિવસે અતિશય વિશાળ સભાનું આયોજન થયું. તે સભામાં સમસ્ત નરનારી ભક્તજનો પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠા હતા.૭

તે સભામાં ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા શ્રીહરિ સર્વ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમો સર્વે તમારા હિતને કરનારૂં મારૂં વચન સાંભળો.૮

અહીં વડતાલપુરમાં શ્રીદ્વારિકાધીશ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનનું આગમન થયું છે. અને એમનાં પ્રત્યક્ષ દર્શન થવાથી તમે સર્વેએ એ અનુભવ્યું પણ છે.૯

આ શ્રીદ્વારિકાધીશ ભગવાન જ્યાં નિવાસ કરીને રહે છે, તે જ સ્થાનમાં તેમનો પરિવાર પણ રાજાના મંત્રીઓની જેમ નિવાસ કરીને રહે છે. તેમ તમે સર્વે ચોક્કસ જાણો.૧૦

હે ભક્તજનો ! આજથી આ વડતાલ નગરી તે દ્વારિકાપુરી જ છે. એમ તમે નિશ્ચે જાણો. આ સરોવર છે તે સ્વયં ગોમતીજી છે, એમ જાણો. ગયા, પ્રયાગ, સિધ્ધપુર આદિ ભારતવર્ષના જેટલા તીર્થો છે તે સર્વે આ ગોમતી સરોવરમાં નિવાસ કરીને રહ્યાં છે.૧૧

જે મનુષ્યો આ ગોમતીમાં સ્નાન કરશે, તે સર્વે સમગ્ર પાપના સમૂહથી મૂકાઇ જશે. જે પિતૃતર્પણ કરશે તેના સર્વે પિતૃઓને અતિશય તૃપ્તિ થશે.૧૨

અહીં શીખાને છોડી દાઢી, મૂંછ સહિત મુંડન કરશે, ઉપવાસ કરશે, શ્રાદ્ધ કરશે, બ્રાહ્મણોને ભોજન કરાવશે તેમને અતિશય તૃપ્તિ થશે. તેવી જ રીતે સાધુઓને જમાડી તૃપ્ત કરશે, યથાયોગ્ય બ્રહ્મચર્યવ્રતનું પાલન કરશે, કાયા, મન, વાણીથી અહિંસાધર્મનું પાલન કરશે તે પણ અતિશય તૃપ્ત થશે, અર્થાત્ મુંડનાદિ સર્વે તીર્થનો વિધિ છે. તે જે કોઇ પણ અહીં તીર્થમાં પધારે તેને અવશ્ય પાલન કરવો.૧૩

હે ભક્તજનો ! આ ગોમતીતીર્થમાં મનુષ્યોએ પિંડદાને સહિત શ્રાદ્ધ અવશ્ય કરવું. તે શ્રાદ્ધથી પિતૃઓને શાશ્વત તૃપ્તિ થાય છે.૧૪

જે મનુષ્યો આ ગોમતી તીર્થમાં ચાતુર્માસ અથવા કાર્તિકમાસ અથવા માગસર માસ અથવા માઘમાસ અથવા વૈશાખમાસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરશે તે સર્વે મનુષ્યો પોતાને ઇચ્છિત ફળને પામશે.૧૫

આ કૃષ્ણ મંદિરમાં જે મનુષ્યો મંત્રોના જપ કરશે, સ્તોત્રોનો પાઠ કરશે, તેઓને તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૬

જે બ્રાહ્મણો આ મંદિરમાં શ્રીમદ્ ભાગવતાદિકનું પુરશ્ચરણ કરશે, તે પોતાને ઇચ્છિત ભુક્તિ અને મુક્તિને પ્રાપ્ત કરશે.૧૭

જે બ્રાહ્મણ ઉપવાસ કરીને, શ્રીમદ્ભાગવતનો એક પાઠ કરશે, તો તે એકજ પાઠથી પણ ઇચ્છિત ફળને પામશે.૧૮

હે ભક્તજનો ! જે મનુષ્યો આ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણદેવ આદિક મૂર્તિઓને નૂતન વસ્ત્રો, મહાનૈવેદ્યાદિ અર્પણ કરી મહાપૂજા કરાવશે, તે મનુષ્યો ગોલોકધામમાં પરમ સુખને પામશે.૧૯

ધનથી દૂર્બળ મનુષ્યો આ મંદિરમાં મૂર્તિઓની લઘુપૂજા કરાવશે, તેને પણ અવિનાશી પૂણ્યની પ્રાપ્તિ થશે, અને ભગવાનના ધામને પામશે.૨૦

આ વડતાલધામમાં સાધુ બ્રાહ્મણોને પોતાની શક્તિને અનુસાર ભોજન કરાવશે તે ગોલોકમાં પરમ સુખને પ્રાપ્ત કરશે.૨૧

હે ભક્તજનો ! જે આ વડતાલપુરમાં ગોમતીતીર્થમાં સ્નાન કરી તપ્તમુદ્રાઓને ગ્રહણ કરશે તેમને યમનો ભય જ રહેશે નહિ. પાપીને પણ યમ લેવા નહિ આવે.૨૨

જે મનુષ્યો અહીં આવી પોતાની શક્તિને અનુસારે મેં કહેલો તીર્થવિધિ કરશે તેને દ્વારિકાતીર્થની યાત્રા સંપૂર્ણ થશે.૨૩

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજા ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તે સાંભળી સર્વે ભક્તજનો અતિશય પ્રસન્ન થયા ને શ્રીહરિને પ્રણામ કર્યા.૨૪

પછી બીજે દિવસે ફાગણવદ બીજની તિથિએ પ્રાતઃકાળથી આરંભી તે સર્વે ભક્તજનો ગોમતીસ્નાન કરી તપ્તમુદ્રા સ્વીકારી સંઘે સંઘ મળી શ્રીહરિનાં દર્શન કરવા આવવા ને જવા લાગ્યા.૨૫

આવા પ્રકારની ભક્તિ જોઇ ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા, આમ કરતાં ભક્તજનોની સાથે તે વડતાલપુરમાં એક માસ સુધી નિવાસ કરીને રહ્યા.૨૬

પછી રામનવમીનો કૃષ્ણપૂજા-મહોત્સવ ઉજવી સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી.૨૭

શ્રીહરિની આજ્ઞા થતાં દેશદેશાંતરવાસી સર્વે ભક્તજનો તથા અયોધ્યાવાસી નંદરામાદિ પણ શ્રીહરિકૃષ્ણના અતિશય નિર્મળ યશનું ગાન કરતા પોતપોતાના દેશ પ્રત્યે ગયા.૨૮

અને ભગવાન શ્રીસ્વામિનારાયણ સ્વયં પણ ચૈત્રસુદ બારસના દિવસે પારણાં કરી શ્રીદ્વારિકાધીશ ભગવાનને પ્રણામ કરી પશ્ચિમ દેશના સોમ, સુરાદિ ભક્તજનોની સાથે ગઢપુર પધાર્યા.૨૯

આ પ્રમાણે ભક્તજનોની પ્રસન્નતાર્થે ભગવાન શ્રીદ્વારિકાધીશનું સંવત ૧૮૮૧ ના ફાગણસુદ ધાત્રી એકાદશીના દિવસે વડતાલપુરમાં આગમન થયું.૩૦

હે રાજન્ તે દિવસથી આરંભીને વડતાલનું મંગલકારી માહાત્મ્ય દ્વારિકાની જેમ જ પૃથ્વી પર અતિશય વૃદ્ધિને પામ્યું.૩૧

પરમ પુરુષ પરમાત્મા શ્રીહરિના આ અઠ્ઠાવીસમા અધ્યાયથી આરંભીને તેત્રીસમાં અધ્યાય સુધીના ચરિત્રનો જે મનુષ્યો પાઠ કરશે અથવા સાંભળશે, તેઓ આ લોકમાં સુખ અને યશ પામી દેહને અંતે દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય ભગવાન શ્રીહરિના ધામને પામશે.૩૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વડતાલ માહાત્મ્ય પ્રસંગે વડતાલમાં કરવા યોગ્ય વિધિનું નિરૂપણ કર્યું એ નામે તેત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૩--