અધ્યાય - ૪૨ - ચાતુર્માસમાં તપના નિયમો ગ્રહણ કરવાની રીતિનું વર્ણન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:04am

અધ્યાય - ૪૨ - ચાતુર્માસમાં તપના નિયમો ગ્રહણ કરવાની રીતિનું વર્ણન.

ચાતુર્માસમાં તપના નિયમો ગ્રહણ કરવાની રીતિનું વર્ણન. ચાતુર્માસ કોરો ન જવા દેવો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! ચાતુર્માસમાં અનુષ્ઠાન કરવા યોગ્ય સામાન્ય વ્રતોનું નિરૂપણ મેં તમારી આગળ કર્યું. હવે મારા આશ્રિત તમારે વિશેષપણે પાલન કરવા યોગ્ય વ્રતોનું નિરૂપણ કરું છું.૧

હે ભક્તજનો ! અષાઢસુદ એકાદશીને દિવસે શરૂ થતા ચાતુર્માસના નિયમ પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ ઊભા રહીને ગ્રહણ કરવાં. અથવા પ્રાતઃકાળે પવિત્ર નદી આદિકમાં સ્નાન કરીને સ્વધર્મ પાલનમાં દૃઢ નિષ્ઠાવાળા ભગવાન શ્રીકૃષ્ણના ભક્તની આગળ ભગવાનને જ એક રાજી કરવા નિયમ ગ્રહણ કરવો.૨-૩

હે ભક્તજનો ! નિયમ ગ્રહણ કરતી વખતે આ બે મંત્રો બોલવા કે, હે દેવ ! હે કેશવ ! તમારી સાક્ષીએ આ વ્રતનો નિયમ હું ગ્રહણ કરું છું. તે વ્રત તમારી પ્રસન્નતાથી નિર્વિઘ્ને પૂર્ણ થાઓ. હે દેવ ! મેં આ વ્રત ગ્રહણ કર્યું છે તેના મધ્યે જો મારા શરીરનું અવસાન થઇ જાય તો તે વ્રત આપની પ્રસન્નતાથી પૂર્ણ થાઓ. આ પ્રમાણે વ્રતના નિયમ ગ્રહણ કરનાર મનુષ્યે ભગવાન આગળ પ્રાર્થના કરવી.૪-૫

હે ભક્તજનો ! આ પ્રમાણે શ્રીગોવિંદ ભગવાનની આગળ પ્રાર્થના કરી બહાર અને અંદર પવિત્રપણે રહી બ્રહ્મચર્યાદિ નિયમનું યથાયોગ્ય રક્ષણ કરતાં કરતાં સ્ત્રી અને પુરુષે ચાતુર્માસના વ્રતનો આરંભ કરવો.૬

સધવા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા લઇને વ્રતનો પ્રારંભ કરવો. પરંતુ ઘરમાં કલહ કરીને સ્વતંત્રપણે વ્રતનું નિયમ લેવું નહિ. અને વિધવા સ્ત્રીઓએ પણ પોતાના પિતા, ભાઇ, પુત્ર આદિકની આજ્ઞા લઇને વ્રતનો પ્રારંભ કરવો.૭

હે ભક્તજનો ! ગૃહસ્થ અને ત્યાગીઓએ પણ પોતપોતાની યોગ્યતાને અનુસારે વ્રતને ગ્રહણ કરવું અને કાર્તિકસુદ એકાદશી સુધી નિરંતર પ્રેમથી તેનું પાલન કરવું.૮

તેમાં જો ક્યારેક મહા આપત્કાળનો સમય આવી જાય તો દેશકાળને અનુસારે પોતાની શક્તિ પ્રમાણે વર્તવું. કારણ કે, અંતર્યામી આપણા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન બધુ જ જાણે છે.૯

હે ભક્તજનો ! શ્રીમદ્ભાગવત પુરાણનું પ્રતિદિન શ્રવણ કરવું. તેમની કથાનું વાચન કરવું. તેમનો પાઠ કરવો, અને તે શ્રવણાદિક વ્રતની સમાપ્તિ થાય ત્યારે તે વ્રતનું અનુષ્ઠાન કરનાર વક્તાનું પોતાની શક્તિને અનુસારે ધન, વસ્ત્રાદિક અર્પણ કરીને પૂજન કરવું, તેમજ સાધુ, બ્રાહ્મણનું પણ આદરથકી પૂજન કરવું, અને તેઓને મિષ્ટાન્ન જમાડીને તૃપ્ત કરવા.૧૦-૧૧

જો કથાનું વાચન પોતે જ કરેલું હોય કે પારાયણ પાઠ પણ પોતે જ કરેલો હોય તો તે વ્રતની સમાપ્તિમાં રમાપતિ ભગવાન શ્રીનારાયણની વ્રતની સિધ્ધિને પમાડનારી મહાપૂજા કરવી અને સાધુ તથા બ્રાહ્મણોની પૂજા કરી તેને જમાડી તૃપ્ત કરવા.૧૨

હે ભક્તજનો ! શ્રવણ, કીર્તન અને પાઠ આ ત્રણે વ્રતો પુણ્યની વૃદ્ધિ કરનારાં હોવાથી આદરપૂર્વક અવશ્ય તેનું પાલન કરવું. તેમજ માત્ર દશમ સ્કંધનું જ શ્રવણાદિકનું નિયમ ગ્રહણ કરવું. તથા સમયને અનુસારે જે કાંઇ ચંદન, પુષ્પાદિ ઉપચારો પ્રાપ્ત થાય તેના વડે પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે આમ ત્રણ વખત શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવાનો નિયમ લેવો. આ પણ એક પ્રકારનું વ્રત છે અને એ વ્રતની સમાપ્તિ થાય ત્યારે પૂર્વની માફક જ ભગવાનની મહાપૂજા અને સાધુ બ્રાહ્મણોનું તર્પણ કરવું.૧૩-૧૪

હે ભક્તજનો ! પોતાની શક્તિને અનુસારે ભગવાન શ્રીકૃષ્ણના સહસ્રનામ સ્તોત્રનો પાઠ તથા ભગવાન શ્રીકૃષ્ણને પ્રદક્ષિણા અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનો નિયમ પણ ચાતુર્માસમાં લઇ શકાય છે.૧૫

અથવા પ્રતિદિન પોતાની શક્તિ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રની કે નામ મંત્રની સો માળા કરવી આદિકનું વ્રત પણ ગ્રહણ કરવું. આ વ્રત પણ ખૂબજ સારું કહેલું છે.૧૬

અને આ ચારમાંથી કોઇ પણ વ્રતની સમાપ્તિ થાય ત્યારે પોતાની શક્તિને અનુસારે પૂર્વની પેઠે ભગવાનની પૂજા તથા સાધુ, બ્રાહ્મણોનું તર્પણ કરવું અને મંત્રના દશમા ભાગથી અગ્નિમાં હોમ પણ કરવો.૧૭

હે ભક્તજનો ! ચાતુર્માસમાં પ્રતિદિન ચંદન, પુષ્પાદિક વડે સાધુ, વર્ણી તથા હરિભક્તોનું પૂજન કરવાનું નિયમ અથવા પોતાની શક્તિને અનુસારે પ્રતિદિન સાધુ તથા વર્ણીને જમાડયાનું નિયમ લેવું.૧૮

આ બે પ્રકારના વ્રતમાંથી લીધેલ વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે યથાયોગ્ય વસ્ત્રો, ભોજનપાત્ર કે જલપાત્ર અર્પણ કરીને સર્વે સંતો ભક્તોનું પૂજન કરવું અને ભોજન જમાડી તૃપ્ત કરવા.૧૯

હે ભક્તજનો ! ચાતુર્માસમાં સ્ત્રીભોગના ત્યાગનું નિયમ રાખવું. તેમજ નિરંતર ક્રોધ ન કરવાનું, અસત્ય નહિ બોલવાનું, જાણી જોઇને જીવપ્રાણી માત્રની હિંસા ક્યારેય ન કરવાનું નિયમ પણ ગ્રહણ કરવું.૨૦

બ્રહ્મચર્યવ્રતનું પાલન, અહંકારનો ત્યાગ, ઘી, તેલ આદિ રસોનો ત્યાગ તથા શેરડીમાંથી બનેલા ગોળ, ખાંડ, સાકરનો ત્યાગ તથા મીઠાંનો ત્યાગ કરવો.૨૧

આ ઉપરોક્ત નવ વ્રતો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાની સાથે પોતાની શક્તિ અને સામર્થ્યને અનુસારે પૃથક્ પૃથક્ પાલન કરવાના નિયમો લેવા. તેમના અનુષ્ઠાનથી ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે.૨૨

આ વ્રતોની સમાપ્તિમાં શ્રીકૃષ્ણ ભગવાનનું એકાંતિક ભાવે સેવન કરતા ત્યાગી સંતોનું યથાયોગ્ય વસ્ત્રો અર્પણ કરી વિનય સહિત ચંદનાદિકથી પૂજન કરવું, અને સાત્વિક ભોજનો જમાડી તૃપ્ત કરવા.૨૩

હે બુદ્ધિમાન ભક્તજનો ! પૂર્વના અધ્યાયમાં અને આ અધ્યાયમાં જે વ્રતો મેં તમને મુખ્યપણે પાળવાનાં કહ્યાં છે, તે સર્વે ભગવાન શ્રીકૃષ્ણના સંબંધવાળાં હોવાથી તે મારે મન સર્વ શ્રેષ્ઠ વ્રતો છે.૨૪

હે ભક્તજનો ! પુત્ર, પત્ની, ધન આદિકની પ્રાપ્તિની કામનાઓની પૂર્તિ માટે પુરાણોમાં બીજાં ઘણાં બધાં વ્રતો બતાવેલાં છે. તે સર્વે વ્રતો નાશવંત અને અલ્પફળને આપનારાં હોવાથી મને બહુ પ્રિય નથી.૨૫

કદાચ તમે કહેશો કે સર્વજનનું હિત કરનાર શાસ્ત્રોમાં તેવાં વ્રતનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? તો કહું છું કે જીવોને ધીરે ધીરે તેમાંથી નિવૃત્ત કરવા છે. કારણ કે, સર્વ જીવોનું હિત કરનારાં શાસ્ત્રો વિષયાસક્ત પુરુષોને પંચવિષયમાંથી ધીમે ધીમે નિવૃત્તિ થાય તે માટે પ્રથમ તેમની રુચિ પ્રમાણેનાં આવાં કામ્યવ્રતોનું ભિન્ન ભિન્ન પ્રતિપાદન કરેલ છે. જેમ પિતા રોગી બાળકને કડવી ઔષધી પાવા માટે પ્રથમ પેંડા આદિકની લાલચ આપે છે. પરંતુ અંતે તો બાળકને કડવી દવા પાઇને રોગમુક્ત કરવાનો જ સાચો હેતુ છે.૨૬

હે ભક્તજનો ! જે ભોગાસક્ત પુરુષો છે તે જ કુસંગના યોગે કરીને કામ્યવ્રતોના પાલનની આસક્તિ ધરાવે છે. પછી તેનું અનુષ્ઠાન કરી અલ્પફળને પામી અંતે ઘોર જન્મમરણરૂપ સંસૃતિને પામે છે. પશુ, પુત્ર, ધન, સ્ત્રી, ઘર, ખેતર, પાદર આદિક પદાર્થોનું સુખ તો પ્રારબ્ધ કર્માનુસાર સર્વત્ર સર્વયોનિમાં પ્રાપ્ત થાય છે. એમ જાણી વિવેકી ભગવાનના ભક્તો તેવા પદાર્થોની પ્રાપ્તિને માટે વ્યર્થ પરિશ્રમ કદાપિ કરતા નથી. માટે પોતાનું હિત ઇચ્છતા મનુષ્યોએ જે કર્મોનું આચરણ કરવાથી ભગવાન તથા તેમના એકાંતિક ભક્તજનો પ્રસન્ન થાય તેવા પ્રકારનાં જ કર્મોનું અનુષ્ઠાન પ્રયત્ન પૂર્વક કરવું જોઇએ.૨૭-૨૯

ચાતુર્માસ કોરો ન જવા દેવો :-- હે ભક્તજનો ! આ લોકમાં મનુષ્યજન્મમાં પોતાની શક્તિને અનુસારે ચાતુર્માસના વ્રતોનું અનુષ્ઠાન કરતા નથી તે મરીને નરકની યાતના ભોગવે છે અને ત્યારપછી કીટાદિ યોનિમાં જન્મ ધારણ કરે છે.૩૦

હે સુંદર વ્રતને પાલન કરનારા ભક્તજનો ! મારા આશ્રિત સર્વેજનોએ મેં બતાવેલા વ્રતોમાંથી કોઇને કોઇ એક વ્રતનું અનુષ્ઠાન ચાતુર્માસમાં અવશ્ય કરવું.૩૧

વ્રતની સમાપ્તિને અંતે કાર્તિક સુદ બારસને દિવસે પોતાની શક્તિને અનુસારે ભગવાન શ્રીકૃષ્ણની મહાપૂજા કરીને તેમની આગળ જ મંત્રોચ્ચાર પૂર્વક વ્રતનું સમર્પણ કરવું.૩૨

મંત્ર આ રીતે બોલવો કે, હે દેવ ! હે પ્રભુ ! મેં આ વ્રત તમને જ કેવળ રાજી કરવા માટે કરેલું છે. તેમાં કાંઇ અપૂર્ણતા રહી ગઇ હોય તો આપની કૃપાથી તે પરિપૂર્ણતા પામો, અને આ વ્રતના અનુષ્ઠાનથી તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૩૩

આ પ્રમાણે મંત્રનો ઉચ્ચાર કરી વ્રત કરનાર સ્ત્રી પુરુષે વ્રતની સમાપ્તિ કરવી. ત્યારપછી સાધુ, બ્રાહ્મણો તથા અન્નાર્થીઓને ભોજન જમાડી તૃપ્ત કરવા અને પોતાનાં પ્રિય સંબંધીજનોની સાથે પારણાં કરવાં.૩૪

હે ભક્તજનો ! આલોકમાં જે મનુષ્યો સત્શાસ્ત્રોએ તથા સત્પુરુષોએ માનવસમાજના કલ્યાણ માટે પ્રતિપાદન કરેલા અને આ મેં કહેલા નિયમોનું પાલન કરશે, તે મનુષ્યો આલોકમાં મોટા યશને પામશે અને જીવન શુદ્ધ થશે, તથા દેહના અંતે પરમાત્માના ધામને પામી સર્વોત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરશે.૩૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિ વિસનગરના ભક્તજનોની આગળ ચાતુર્માસના વ્રત વિધિનું નિરૂપણ કર્યું એ નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--