વચનવિધિ કડવું - ૦૪ નહિ પામે પામર નર સુખ રે, પદ-૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:47pm

માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી
તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી

સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।।
ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ।। ર ।।

મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ।।
તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ।। ૩ ।।

પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ।।
આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।। ૪ ।।

સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ ।।
રાજી કરવાનું રહ્યંુ પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ ।। પ ।।

મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ ।।
સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ ।। ૬ ।।

અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ।।
પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી ।। ૭ ।।

વસી  નગર નરેશને, વેર  વાવરે નરનાથશું૯ ।।
નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ।। ૮ ।।

પદ-૧ (રાગ : જકડી)
‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ.
નહિ પામે પામર નર સુખ રે,
રહી હરિવચનથી વિમુખ રે... નહિ૦
સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે;
થઈ રહી વા’લાના વેચાણ રે... નહિ૦ ।। ૧ ।।
કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે;
એમ માને વાલાનાં વચન રે... નહિ૦ ।। ૨ ।।
જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે;
તેને શીદને આવે સંકટ રે... નહિ૦ ।। ૩ ।।
એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે;
નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે... નહિ૦ ।। ૪ ।।