જમોને મારા નાથજી સારૂં સારૂં રે, (૪)

Submitted by swaminarayanworld on Thu, 04/05/2017 - 9:16pm

રાગ : સારંગ

 

પદ-૧

જમોને મારા નાથજી સારૂં સારૂં રે,

વિધવિધના મેં તો પાક બનાવ્યા, શાક કટોરા કેરી હારૂં રે. જમો૦ ૧

લાલ મનોહર માગીને લેજો, જે કાંઈ લાગે તમને પ્યારૂં રે. જમો૦ ૨

જગજીવન પોતાની રે જાણીને, કહેજો જે હોય ખાટું ખારૂં રે. જમો૦ ૩

બ્રહ્માનંદ કહે શીત પ્રસાદી, દીયો તો થાય કામ મારૂં રે. જમો૦ ૪

 

પદ-૨

આરોગો મારા નાથજી પ્રિતે પ્રિતે રે. આરોગો૦

ઓરડીઆ અંજવાળીને રાખ્યા, ચિત્ર કરાવ્યાં રૂડી ભીંતે રે. આરોગો૦ ૧

શ્યામળીયા રે નટવર તમ સારૂં, રસોઈ કરી છે રૂડી રીતે રે. આરોગો૦ ૨

પવન ઢોળીશ કર લઈને રે પંખો, ગાઈને રીઝાવું રૂડે ગીતે રે. આરોગો૦ ૩

બ્રહ્માનંદ કહે શીત પ્રસાદીથી, શાન્તિ થાય છે મારે ચિત્તે રે. આરોગો૦ ૪

 

પદ-૩

આરોગો મેવા નાથજી રૂડા રૂડા રે. આરોગો૦

શીરા પુરીને સેવૈયા, પુરણ પોળીને માલપુડા રે. આરોગો૦ ૧

બીરંજ કંસાર હરિસો બરફી, ઝબોળેલ રોટલીઓના ઝુડારે. આરોગો૦ ૨

ચોળા મગફળી છમકારી કાજુ, મેં તો તળેલ કંકોડા રે. આરોગો૦ ૩

બ્રહ્માનંદના નાથ તમારે કાજે, ઘૃતમાંહિ તળ્યાં છે ઘિસોડાં રે. આરોગો૦ ૪

 

પદ-૪

આવીને જમો નાથજી વારી વારી રે. આવીને૦

લાડુને પયપાક લાપસી, સેવ ઝીણી બાફીને ઉતારી રે. આવીને૦ ૧

ઘૃત તાજું તાવેલ ધરાઉં, થાળમાં ખીચલડી ઠારી રે. આવીને૦ ૨

પાપડ તળીયા મેં પ્રિત કરીને, ભજીયાં કર્યા છે સ્વાદુભારી રે. આવીને૦ ૩

બ્રહ્માનંદને શીત પ્રસાદી, દીજે વૃજરાજ વિહારી રે. આવીને૦ ૪

Facebook Comments