૮૦ સહજાનંદ સ્વામીને વિષે પપ ગુણો રહેલા છે તેનુ વર્ણન , શ્રીજીનો બ્રહ્માંડમાં આવ્યાનો શો હેતુ છે, ર૪ અવતારોનો શો હેતુ છે, તથા ભગવાનના ભક્તે નિત્ય છ કર્મો કરવાનાં તેના ઉત્તરો, ઈર્ષાનો ત્યાગ કરવા વિષે ત્યાંથી ગોપાળાનદં સ્વામીને ભજુ રહી હનુમાનજીને પધરાવી પછી

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:03pm

અધ્યાય ૮૦

શ્રીજી મહારાજ ત્યાંથી થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં અને પાળાઓ બંધૂકોના બાર કરી રહ્યા હતા. તથા આગળ રાઓશ્રી દેશલજીની બેરખ ચાલી જતી હતી, કાઠીઓ ઘોડેસવાર થઇને હાથમાં ચળકતાં ભાલાઓ ધારી રહ્યા હતા, અને તેના હાથમાં રોઝીઢાલો અને સોનાની મૂઠવાળી તલવારો પણ શોભી રહી હતી, ભગુજી પાર્ષદ સોનાના ઇંડાવાળું છત્ર મહારાજ ઉપર ધારી રહ્યા હતા, અને બન્ને બાજુ ચામર ઢોળી રહ્યા હતા. સંતો, બ્રહ્મચારીઓ તથા હરિભક્તો કીર્તનો અને વેદસ્તુતિ બોલતા હતા. આ પ્રમાણે ચાલતા જ્યાં ત્રિકમજી મલ્લે છત્રી તથા ધર્મશાળા કરાવી છે તે ઠેકાણે આવ્યા  ત્યારે શ્રીજી મહારાજ ઘોડીથી ઉતરીને ત્યાં બિરાજ્યા. પ્રથમ પણ મહારાજ જ્યારે જ્યારે ભુજ પધારતા ત્યારે તે જગ્યાએ જ સભા કરીને બિરાજતા. તે સભામાં ગોપાળાનંદ સ્વામીએ વાર્તા કરી જે, ‘આ ભગવાન સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો સહજ સ્વાભાવિકપણે રહ્યા છે. તે હું તમો સર્વને કહું છું તેને સાંભળો.’

(૧) સત્ય, જે સર્વનું હિત થાય તે જ બોલવું તે,

(૨) શૌચ, જે દેહ ને મનની શુધ્ધિ તે,

(૩) દયા, જે પારકું દુઃખ સહન ન થવાથી તન, મન, ધન તે વડે દુઃખ ટાળવા પ્રયત્ન કરવો તે,

(૪) શાંતિ, જે ક્રોધ થવાનું કારણ મળતાં પણ ક્રોધ ન કરવો તે,

(૫) ત્યાગ, જે અંતરમાં પૂર્ણકામ હોવાથી માયિક વસ્તુ માત્રનો અનાદર તે,

(૬) સંતોષ, જે પોતાના સ્વરૂપના આનંદથી પૂર્ણ રહેવું તે,

(૭) આર્જવ, જે તન,મન અને વાણીથી બીજાને નમતા રહેવું તે,

(૮) શમ, જે પ્રાકૃત વિષયથી મનને પાછું વાળવું તે,

(૯) દમ, જે પ્રાકૃત વિષયોથી ઇંદ્રિયોને પાછી વાળવી તે,

(૧૦) તપ, જે કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરવાં તે,

(૧૧) સામ્ય, જે સારા અથવા નરસા માયિક વિષયો તુચ્છ લાગે તે,

(૧૨) તિતિક્ષા, જે સુખ-દુઃખ સહન કરવાં તે,

(૧૩) ઉપરતિ, જે પ્રયોજન વિના કાંઇ ન કરવું તે,

(૧૪) શ્રુત, જે સર્વ શાસ્ત્રનું જ્ઞાન તે,

(૧૫) જ્ઞાન, જે જીવ, ઇશ્વર વિગેરેના સ્વરૂપને જાણવું તે,

(૧૬) વિરક્તિ, જે શ્રીકૃષ્ણ ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં તે,

(૧૭) ઐશ્વર્ય, જે સર્વને પોતાને વશ કરી રાખવા તે,

(૧૮) શૌર્ય, જે સ્વભાવ જીતવાની શક્તિ તે,

(૧૯) તેજ, જે કોઇથી પરાભવ ન પામવા તે,

(૨૦) બલ, જે સર્વને નિયમમાં રાખવા તે,

(૨૧) સ્મૃતિ, જે કરવા યોગ્ય કામનું નિરંતર અનુસંધાન તે,

(૨૨) સ્વતંત્રતા, જે જેને કોઇની ગરજ નહીં તે,

(૨૩) કૌશલ્ય, જે સર્વ ક્રિયામાં પ્રવિણપણું તે,

(૨૪) કાંતિ, જે સહુના મનને હરે તેવું રૂપ તે,

(૨૫) ધૈર્ય, જે વિષમ સમયમાં પણ દૃઢતા તે,

(૨૬) માર્દવ, જે ચિત્તની કોમળતા તે,

(૨૭) પ્રાગલ્ભ્ય, જે બોલવામાં ચતુરાઇ તે,

(૨૮) પ્રશ્રય, મોટા પાસે વિનય તે,

(૨૯) સહ, જે મનનું ડહાપણ તે,

(૩૦) શીલ, જે સારો સ્વભાવ તે,

(૩૧) ઓજ, જે જ્ઞાન ઇંદ્રિયોનું ડહાપણ તે,

(૩૨) બળ, જે કર્મ ઇંદ્રિયોની ચતુરાઇ તે,

(૩૩) ભગ, જે જ્ઞાન વિગેરે ગુણોની શ્રેષ્ઠતા તે,

(૩૪) ગાંભીર્ય, જે જેના મનની વાત કોઇથી કળી શકાય નહીં તે,

(૩૫) સ્થૈર્ય, જે ચંચળતા નહીં તે,

(૩૬) આસ્તિકતા, જે સચ્છાસ્ત્રોનો વિશ્વાસ તે,

(૩૭) કીર્તિ, જે જગતમાં વિખ્યાતિ તે,

(૩૮) મૌન, જે પ્રયોજન વિના ન બોલવું તે,

(૩૯) અગર્વતા, જે ગુણનું અભિમાન નહીં તે,

(૪૦) નિર્માન, જે લેશમાત્ર પણ અહંકાર નહીં તે,

(૪૧) નિર્દંભ, જે કોઇને કદી પણ નહીં છેતરવાપણું તે,

(૪૨) મિતાહાર, જે થોડું જમવું તે,

(૪૩) દક્ષ, જે હિતનો ઉપદેશ કરવો તે,

(૪૪) મૈત્રી, જે સૌનો વિશ્વાસ સંપાદન કરવો તે,

(૪૫) સર્વોપકાર, જે સર્વ ઉપર ઉપકાર કરવાની વૃત્તિ તે,

(૪૬) અક્ષોભિતતા, જે સહેજે વિષય પ્રાપ્ત થતાં પણ તેમાં ન બંધાવાપણું તે,

(૪૭) અદ્રોહ, જે તન, મન કે વાણીથી કોઇને લેશ પણ પીડા ન કરવી તે,

(૪૮) માનદત્વ, જે જેને જેમ ઘટે તેમ તેને માન આપવું તે,

(૪૯) ષડૂર્મિવિજ્ય, જે ખાનપાન, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ ઊર્મિ જીતવી તે,

(૫૦) બ્રહ્મણ્ય, જે બ્રાહ્મણને દેવ જેવા જાણવા તે,

(૫૧) શરણત્વ, જે શરણે આવેલાની રક્ષા કરવી તે,

(૫૨) અનીહ, જે કોઇ ફલની ઇચ્છા ન રાખવી તે,

(૫૩) અપરિગ્રહ, જે ધન આદિનો સંગ્રહ ન કરવો તે,

(૫૪) ભક્તિ, જે પરમાત્માની નવ પ્રકારે સેવા કરવી તે,

(૫૫) સેવા, જે મન, કર્મ અને વચને ગુરુની અનુવૃત્તિમાં રહેવું તે,

આવી રીતે શ્રી સહજાનંદ સ્વામીને વિષે (૫૫) પંચાવન ગુણો સહજ સ્વાભાવિકપણે રહેલા છે, અને પોતે બહુજ ચમત્કારિક મૂર્તિ છે, સર્વ અવતારના અવતારી છે. અને રામ-કૃષ્ણાદિક સર્વ અવતારો આ સહજાનંદ સ્વામીમાંથી થાય છે. અને પાછા સર્વે તેમાં લીન થાય છે, એવા સહજાનંદ સ્વામી છે એમ રામાનંદ સ્વામી પણ વખતો-વખત વાતો કરતા, તે મેં તમારી આગળ કહી.

ત્યાર પછી સભામાં સર્વે હરિભક્તોએ મહારાજને પુષ્પના હારો લઇ લઇને પહેરાવ્યા. ત્યાર પછી મહારાજ ઘોડેસવાર થયા. એ વખતે નાના પ્રકારનાં વાજિંત્રો વાજી રહ્યાં હતાં અને મલ્લ ગંગારામ અને વાલજી આદિ હરિભક્તો આગળ ચાલતા હતા. આવી રીતે ગાતા વાતા નરનારાયણદેવનાં મંદિરમાં પધાર્યા અને ઘોડી ઉપરથી ઉતરીને શ્રી નરનારાયણદેવનાં દર્શન કરીને ત્યાં સભા કરીને બિરાજ્યા. પછી જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેમને તેડાવ્યા અને તે સમયે ગામના ભક્તજનોએ મહારાજની પૂજા કરી અને ભારે પોષાક પહેરાવ્યો અને કડાં તથા વેઢ અને ઉતરીઓ પહેરાવીને પગે લાગીને બેઠા.

પછી બ્રાહ્મણોને શેલાં-પાઘડીઓ લાવીને આપવા લાગ્યા. દક્ષિણામાં રૂપિયાના ખોબા ભરી ભરીને આપ્યા અને બીજા બ્રાહ્મણોને રૂપિયો રૂપિયો દક્ષિણા આપી, અને જે વેદો મૂર્તિમાન આવ્યા હતા કે, જેમણે બ્રાહ્મણોનાં રૂપો ધારણ કરેલાં હતાં, તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યાં તથા શિલ્પિને અમુલ્ય પોશાક આપ્યો. અને સંત મંડળને બાથમાં લઇને મળ્યા, ત્યાર પછી સત્સંગીઓ જે કામ-કાજ કરતા હતા તેમને પણ છાતીમાં ચરણારવિંદ આપ્યાં. ત્યાર પછી ઉતારે પધાર્યા. પછી મહારાજે કહ્યું જે, ‘સર્વે હરિભક્તો જમી રહ્યા ?’ ત્યારે ગંગારામ મલ્લ આદિક હરિભક્તો બોલ્યા જે, હા મહારાજ, સર્વે જમી રહ્યા છે, તો પણ રસોઇના લાડુ ઘણા વધ્યા છે, ત્યારે મહારાજે કહ્યું જે, ‘સત્સંગીઓને ઘેર ટોપલા ભરી ભરીને મોકલો.’ એમ કહીને પછી થાળ જમવા બિરાજ્યા અને જમીને જલપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. અને ત્યાર પછી પોઢ્યા. પછી પ્રાતઃકાળમાં જાગીને નિત્યવિધિ કરીને પોશાક પહેરીને ચરણમાં પાદુકા ધારણ કરીને નરનારાયણદેવનાં મંદિરમાં પધાર્યા અને નરનારાયણદેવનાં દર્શન કર્યાં. ત્યાર પછી સભા કરીને ઢોલિયે બિરાજ્યા. ત્યાં દર્શન કરવા આવેલા હરિભક્તો પણ દેવનાં દર્શન કરીને સભામાં યોગ્યતા પ્રમાણે બેઠા.

પછી શ્રીજી મહારાજ સત્સંગીઓની સભા સામું જોઇને બોલ્યા જે, કોઇને કાંઇ શંકા હોય તો અમોને પૂછો. તે વખતે માંડવીના વિપ્ર ડોસાભાઇએ પૂછ્યું જે, આપશ્રીનો આ બ્રહ્માંડમાં આવ્યાનો શો હેતુ છે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમારે આ બ્રહ્માંડમાં આવ્યાના છ હેતુ છે. તેમાં એક તો એકાંતિક ધર્મ પ્રવર્તાવવો, બીજો અમારાં માતુશ્રી ભક્તિ તથા અમારા પિતાશ્રી શ્રીધર્મદેવ તેમને ઘેર જન્મ લઇને એમને સુખ આપવું. ત્રીજો હેતુ એ છે જે, બદ્રિકાશ્રમાદિક ધામમાં રહેલા ઋષિમુનિઓ તથા ઇશ્વરોને આ ભરતખંડમાં અવતાર ધરાવીને અને અમારી ઉપાસના કરાવીને અક્ષરધામમાં લઇ જવા. અને ચોથો હેતુ એ જે મુમુક્ષુ જીવો વનમાં, તિર્થમાં, પર્વતમાં જ્યાં હોય ત્યાંથી તેને ખોળીને અમારાં સ્વરૂપનો નિશ્ચય કરાવવો. અને પાંચમો અભિપ્રાય એજે, અમારું અક્ષરાતીત પુરુષોત્તમ એવું જે સ્વરૂપ તે સમજાવીને અમારાં ધામમાં લઇ જવા. અને છઠ્ઠો હેતુ એ છે કે, બ્રહ્મચર્ય વ્રત પાલન કરાવીને પોતાની મૂર્તિમાં જોડવા. એ પ્રમાણે એ છ અભિપ્રાય પ્રવર્તાવવા સારું આ પુરુષોત્તમ નારાયણ એવા જે અમો તે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. ત્યાર પછી તે જ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો થઇ ગયા છે તે શું કાર્ય કરવા માટે થયા હતા તે કહો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘હે વિપ્ર ! આ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, તે સર્વને સમજવા જેવો છે. તે લ્યો સાંભળો હવે તમારા પ્રશ્નોના ઉત્તર કરીએ છીએ જે, પ્રથમ

(૧) તો સનકાદિક, અવતાર થયો તે બ્રહ્માના સંકલ્પથી નૈષ્ઠિક ઉર્ધ્વ ધર્મને સ્થાપન કરવાને અર્થે છે.

(૨) જે વરાહ, અવતાર થયો હતો તે તો હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર કરીને પાતાળમાંથી પૃથ્વીને લઇ આવ્યાને અર્થે થયો છે.

(૩) યજ્ઞરૂપ, અવતાર તે તો સંસારી જીવોને યજ્ઞ કર્મ શિખવવાને અર્થે થયો છે.

(૪) હયગ્રીવ, અવતાર તે તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે મધુ ને કૈટભ નામે જે અસુર તે થકી બ્રહ્માંડની રક્ષા કરવાને અર્થે થયો છે.

(૫) નરનારાયણ અવતાર તે તો ધર્મ અને મૂર્તિથી પોતે પ્રગટ થઇને અને તપ કરીને તે તપનું ફળ પોતાના ભક્તોને આપીને તેનો મોક્ષ કરવા માટે થયો છે.

(૬) કપિલદેવ, અવતાર તે તો કર્દમ પ્રજાપતિ અને માતા દેવહુતિ તેને સાંખ્યયોગનું જ્ઞાન આપવા માટે થયો છે.

(૭) દત્તાત્રેય, અવતાર તો ત્યાગ અને યોગ દેખાડવા માટે થયો છે અને તેમણે ૨૪ લક્ષ લઇને ચોવીશ ગુરુ કર્યા હતા.

(૮) ઋષભદેવ, અવતાર પરમહંસના ધર્મો શિખવવાને માટે અને સાતમી ભૂમિકાનું જ્ઞાન દેખાડવા માટે થયો છે.

(૯) પૃથુ, અવતાર નીરસ સૃષ્ટિને રસાળ કરવા માટે થયો છે.

(૧૦) મચ્છાવતાર, સત્યવ્રત્ત રાજાને પ્રલયની લીલા દેખાડવાને તથા હયગ્રીવ દૈત્યને મારીને બ્રહ્માને વેદ આપવા માટે થયો છે.

(૧૧) કચ્છાવતાર, તો સમુદ્રમંથન સમયે મંદરાચળ પર્વત પીઠ પર રાખવા માટે થયો છે.

(૧૨) ધન્વંતરી, અવતાર તે તો ઔષધિઓનાં નામ, ગુણ તથા તેનો ઉપયોગ બતાવવા માટે થયો છે.

(૧૩) હરિ, અવતાર તે ગ્રાહ થકી ગજેન્દ્રની રક્ષા કરવા માટે થયો છે.

(૧૪) નૃસિંહ, અવતાર હિરણ્યકશિપુ દૈત્યને મારીને પોતાના ભક્ત જે પ્રહલાદ તેની રક્ષા કરવા માટે થયો છે.

(૧૫) વામનાવતાર, તે તો દેવતાના હિત અર્થે અને બળી રાજાને છળીને તેની પાસેથી ત્રિલોકી લઇને ઇન્દ્રને આપવા માટે થયો છે.

(૧૬) હંસ, અવતાર સનકાદિકને જ્ઞાન આપવાને થયો છે.

(૧૭) નારાયણ, અવતાર તે તો પોતાની ઇચ્છાથી ધ્રુવજીને દર્શન આપીને તેને વરદાન આપવા માટે થયો છે.

(૧૮) મનવંતર, અવતાર તે તો સ્વધર્મની મર્યાદા સ્થાપવાને માટે થયો છે.

(૧૯) પરશુરામ, અવતાર તે તો આસુરી ક્ષત્રિયોને હણવા માટે થયો છે.

(૨૦) રામાવતાર, તે તો રાવણાદિક રાક્ષસોને મારવા માટે થયો છે.

(૨૧) વ્યાસાવતાર, તે તો વેદના વિભાગ કરવા અને પુરાણાદિક શાસ્ત્રો પ્રગટ કરવા થયો છે.

(૨૨) કૃષ્ણાવતાર કંસાદિક દુષ્ટ રાજાઓને મારવાને અર્થે થયો છે.

(૨૩)  બુધ્ધાવતાર તે તો બોધથી જીવોને જ્ઞાન આપવા માટે અને અસુરોને મોહ પમાડવા માટે થયો છે.

(૨૪) કલ્કી, અવતાર તે તો કળીયુગને અંતે અધર્મનો નાશ કરવા માટે અને સત્યયુગના ધર્મ સ્થાપવાને માટે થશે.

આ પ્રમાણે ચોવીશ અવતારો ઉપર જણાવેલા કાર્ય કરવા માટે થયેલા છે.

ત્યાર પછી તેજ વિપ્ર ડોશાભાઇએ પૂછ્યું જે, ભગવાનના ભક્તોને નિત્ય છ કર્મ કરવાનાં છે તે છ કર્મ કયાં ? તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, પહેલું (૧) કર્મ તો એ જે સ્નાન (૨) ધ્યાન કરવું (૩) પૂજા કરવી (૪) સત્પુરુષનો સમાગમ કરવો (૫) ભગવાનના ગુણ ગાવા (૬) ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આ પ્રમાણે છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં. તથા સત્સંગીઓને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળવું. અને સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું. તે ધનુષ્યનું પ્રમાણ તો આઠ જવનો એક આંગળ કહેવાય. અને ચોવીશ આંગળનો એક હાથ કહેવાય. અને ચાર હાથનું એક ધનુષ્ય કહેવાય. આ પ્રમાણે શ્રીજી મહારાજે ત્યાગીના તથા ગૃહસ્થના ધર્મો કહ્યા.

ત્યાર પછી ગામ દહીંસરાના કચરા ભગતે પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! તમોએ જ્યારે પાંચસો પરમહંસોને ફરવા મોકલ્યા ત્યારે તમોએ પરમહંસોને કહ્યું હતું જે, ત્રણ ઇષ્ણાનો ત્યાગ રાખવો, તે ત્રણ ઇષ્ણા તે શું કહેવાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એક તો દ્રવ્યની ઇષ્ણા (ઇચ્છા) તથા બીજી સ્ત્રીની, તથા ત્રીજી પુત્રની આ પ્રમાણે ત્રણ ઇષણાઓ છે. તેણે કરીને જીવને ભવસાગરનું બંધન તૂટતું નથી. અને વારંવાર જન્મ-મરણને પામ્યા કરે છે. માટે મોક્ષભાગીને એ ત્રણ ઇષ્ણાઓનો ત્યાગ કરવો.

ત્યારે વળી કચરા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! ભગવાનના મંદિરમાં દીવો કરવો તથા લીંપવું તથા વાળવું તેનો મહીમા જેમ હોય તેમ કહો, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ભગવાનના મંદિરમાં દીવો કરવો તે સંબંધમાં નૃસિંહપુરાણમાં લખ્યું છે જે, જે પુરુષ ભગવાનના મંદિરમાં તેલનો અથવા ઘીનો દીવો કરે છે તો તેનું અનંત ઘણું ફળ કરનારને થાય છે. અને તે સર્વ પાપનો ત્યાગ કરીને મહા પ્રકાશમાન અને હજારો સૂર્યના સમાન તેજવાળું જે વિમાન તેમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે. વળી શિવપુરાણમાં પણ પાર્વતી પ્રતિ શંકરનું વચન છે કે જે પુરુષ ભગવાનના મંદિરમાં કોઇક પુરુષે દીવો કર્યો હોય તેને જોઇને આનંદ પામે છે તો તે આનંદ પામનારો તે પણ તે ફળને પામે છે. તો જે પોતાની ગાંઠનું ઘી લઇને દીવો કરે તેમાં શું કહેવું ? તે તો પામે જ. તેમાં જો કોઇ રીતે ઘી મલે તેમ ન હોય તો તેલનો દીવો કરવો અને તેલ ન મળે એવું હોય તો તે દીવો થાય તેટલું દ્રવ્ય ભગવાનના મંદિરમાં આપવું. અને તે દ્રવ્ય પણ મળે તેમ ન હોય તો દીવાનું પાત્ર આપે તો પણ તે આપનારો ફળને પામે છે. હવે ભગવાનના મંદિરમાં વાળવા સંબંધનું માહાત્મ્ય વિષ્ણુધર્મોત્તરમાં કહ્યું છે જે, ‘જે પુરુષ ભગવાનના મંદિરમાં સાવરણી કાઢે છે તે વાળવાની રજે યુક્ત દેહવાળો પુરુષ કે તેવી સ્ત્રી સર્વ પાપનો ત્યાગ કરે છે. અને હે દ્વિજસત્તમ ! અહીં દિવસે દિવસે જે પાપ કરે છે તે પાપ પણ ભગવાનના મંદિરમાં ફક્ત એક પછેડીવાર વાળવાથી નાશ પામી જાય છે. અને તે વાળતાં જેટલાં રજનાં કણો ભેળાં થાય છે તેટલાં વર્ષ સુધી તે પુરુષ દેહને અંતે દેવલોકમાં વસે છે. બીજું કાંઇ પણ કર્યું ન હોય, પણ કેવળ ભગવાનના મંદિરમાં જે સ્ત્રીએ કે પુરુષે ફક્ત વાળ્યું હોય તો તે વાળનાર તે પુણ્યે કરીને દેવલોકને વિષે જાય છે.

તે સંબંધમાં પોતાના દાસ પ્રત્યે ધર્મ રાજાનું વચન છે જે, હે કિંકરો ! ભગવાનના મંદિરમાં વાળનાર તથા સાવરણી કાઢનાર મનુષ્યોની ત્રણ પેઢીનાં મનુષ્યો સિવાય બીજાઓને અહીં યમાલયમાં લાવવા. (મંદિર વાળનાર અને લીંપનારની ત્રણ પેઢીનો ઉધ્ધાર થાય છે.) અને જે પુરુષ પંદર પંદર દિવસે અગ્નિષ્ટોમ નામે યજ્ઞ કરે છે, તેમજ માસે માસે વાજપેય નામના યજ્ઞને કરે છે, અને વર્ષોવર્ષ અશ્વમેઘ નામના યજ્ઞને કરે છે, તેનું ફળ જે કરનારને થાય છે તે જ ફળ ભગવાનના મંદિરમાં વાળનાર, લીંપનાર અને દીવો કરનારને થાય છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી. તે સાંભળીને સર્વે હરિભક્તો ઘણા રાજી થયા. ત્યાર પછી શ્રીજી મહારાજ નરનારાયણદેવની મૂર્તિઓ સામું જોઇને બોલ્યા જે, આ નરનારાયણદેવની મૂર્તિ પાષાણની છે અને હવે રાધાકૃષ્ણદેવની મૂર્તિ ધાતુની કરી પધરાવજો.

પછી ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી જે હમણાં તમે અહીં રહેજો અને સર્વ હરિભક્તોને આ મંદિરની ભલામણ કરીને અને હનુમાનજીને પધરાવીને ધીરેધીરે અમારી પાસે આવજો, એમ કહીને પછી મહારાજ ઉતારે પધાર્યા, અને ત્યાં સ્નાન કરીને જમવા બિરાજ્યા. પછી જલપાન કરી મુખવાસ લઇને સર્વ સંતો, બ્રહ્મચારીઓ અને કાઠીઓને જમાડીને પોતે સાબદા થયા. અને દરબારશ્રીની બેરખ આવી અને બાજીગર ઘોડે ચડીને આવ્યા. અને ડંકો-નિશાન પણ આવ્યાં અને મહારાજ ઘોડી સવાર થયા અને બન્ને બાજુ ચામર થઇ રહ્યાં હતાં અને સોનાના ઇંડાએ યુક્ત છત્ર માથે શોભી રહ્યું હતું, એ વખતે ઢોલ શરણાઇ આદિ વાજાં આગળ વાગી રહ્યાં હતાં, સત્સંગીઓ ફૂલના હાર-તોરા આદિ આગળ લાવીને ધરાવતા હતા. ચોપદાર નેકી પોકારી રહ્યા હતા, હરિભક્તો અને સંતો તથા બ્રહ્મચારીઓ કીર્તન બોલતા ચાલતા હતા, આગળ ગુલાલ ઉડી રહ્યો હતો અને મહારાજની પાછળ દૂર ઊભી રહીને બાઇઓ પણ કીર્તન બોલતાં હતાં. એવી રીતે ઊભી બજારે થઇને ગામ બહાર આવ્યા અને પછી સર્વને પાછા વાળ્યા. સત્સંગીઓ અને પરમહંસો તે સીમાડા સુધી ગયા ત્યારે મહારાજે કહ્યું જે, હવે ઊભા રહો. ત્યારે તે સર્વે ઊભા રહ્યા.

પછી મહારાજ સર્વને જય સ્વામિનારાયણ કહીને ચાલ્યા. ત્યારે તે હરિભક્તો જ્યાં સુધી ઘોડાં દેખાણાં અને રજ ઉડતી દેખાણી ત્યાં સુધી ઊભા રહ્યા. પછી દંડવત્‌ કરીને હેતનાં અશ્રુઓને વહેવડાવતા થકા પાછા વળ્યા અને પરસ્પર બોલ્યા જે, હવે ક્યારે શ્રીજી મહારાજ દર્શન દેશે ? અને આવીને આપણા હાથનો થાળ ક્યારે જમશે ? અને પુષ્પના હાર પણ આપણા હાથથી ક્યારે પહેરશે ? એમ વાતો કરતા કરતા ગામમાં આવ્યા. અને મહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામોગામ ના સત્સંગીઓને દર્શન આપતા આપતા કોઇ ગામમાં રાત તો કોઇ ગામમાં બપોર તો કોઇ ગામમાં સાંજ કરતા થકા અને ક્યાંક સવારમાં રવાના થઇને ચાલતા થકા ગઢપુરમાં આવ્યા. ઘોડી ઉપરથી ઉતરીને અક્ષરઓરડીમાં આવીને ઢોલિયે બિરાજ્યા. અને સ્નાન કરીને જમવા બિરાજ્યા. તે સમયે કાઠીઓ સર્વે મહારાજ પાસે આવીને રજા માગવા આવ્યા અને તે પગે લાગીને ચરણ સ્પર્શ કરીને ચાલ્યા.

પછી મહારાજ પોઢી ગયા. પછી મહારાજ સવારે વહેલા ઊઠીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને ગાદી ઉપર બિરાજ્યા. પછી કથાનો આરંભ કરાવ્યો. કથા ચાલુ થયા પછી સેવકે આવીને કહ્યું જે, હે મહારાજ ! થાળ તૈયાર થયો છે તે જમવા પધારો. પછી મહારાજ સભામાંથી આવ્યા. સ્નાન કરીને જમવા પધાર્યા, ભોજન જમતા જાય અને ‘હરે’ એવા શબ્દનું ઉચ્ચારણ કરતા જાય. પછી જમી ચળુ કરીને મુખવાસ લઇને કથા સમાપ્તિ કરાવીને ઢોલિયે બિરાજીને પછીથી પોઢ્યા.

પછી જાગીને જળપાન કરીને જળનો લોટો લઇને બહિર્ભૂમિ જઇ આવ્યા, મૃતિકા અને જળે કરીને હાથ ધોયા. પછી જળના કોગળા કરીને બોલ્યા જે, ‘કળતર થાય છે.’ ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે, ‘માર્ગનો થાક છે તે શરીરે તેલ ચોળીએ.’ પછી તેલ લાવ્યા ને શરીરમાં તેલ ચોળીને પછી ગરમ જળે નવરાવ્યા. કોરાં વસ્ત્રથી શરીર કોરૂં કરીને અત્તરની સુગંધવાળાં વસ્ત્રો પહેરાવ્યાં. પછી ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજ્યા અને સંત મંડળ પણ પગે લાગીને બેઠું. અને તે હરિભક્તો બોલ્યા જે, હે મહારાજ ! હવે ક્યારે દર્શન દેશો ? અને આવાને આવા અમારાં અંતરમાં રહેજો. એમ કહીને પાસે બેઠા. ત્યાર પછી મહારાજે કહ્યું જે, અમે તો સદાય તમારી પાસે જ છીએ. જુવો ! પછી મહારાજ પોઢ્યા. વહેલા જાગીને પછી નિત્યવિધિ કરીને જ્યાં કારખાનું થતું હતું ત્યાં આવીને ઊભા રહ્યા, અને બોલ્યા જે, ‘ચુનાની ભઠ્ઠી કરીએ ?’ ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે, કાંકરી કઢાવો. ત્યારે મહારાજ કહે લાવો ઘોડી. પછી સેવકે પલાણ માંડીને માણકી ઘોડીની વછેરી શણગારી લાવ્યા. પછી મહારાજ બોલ્યા જે, ‘કારખાનામાં જે રહેતા હોય તે રહેજો, તે સિવાયના બીજા સર્વે ચાલજો.’

પછી જ્યાં હાલ ઓરીઓ છે. તે ઠેકાણે મહારાજ આવ્યા. ત્યાંથી કાંકરી લેવડાવી અને નદીના કાંઠે નખાવી. પછી ઉતારે આવ્યા. ઘોડીએથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા અને પોશાક ઉતારીને જમ્યા. જમી રહ્યા પછી જળપાન કરીને મુખવાસ લીધો. વસ્ત્રો તથા મોજડી પહેરીને ચાલ્યા તે કારખાનામાં આવીને ખુરશીએ બિરાજ્યા. અને એમ બોલ્યા જે, ‘જ્યાં કાંકરી નાખી છે ત્યાં ભઠ્ઠી પકાવજો. તે સાંભળીને સંતો પગે લાગ્યા અને ભઠ્ઠીનું કામ ચલાવ્યું પછી મશાલો થઇ અને સંતો આરતી ધૂન્ય બોલીને પગે લાગીને બેઠા. માંહોમાંહી પશ્નોત્તર થવા લાગ્યા. મહારાજ શંકા કરે તેનું કોઇથી સમાધાન થાય નહીં. ત્યારે મહારાજ તો પોતાના મુખારવિંદને આડો રૂમાલ દઇને મંદ મંદ હાસ્ય કરે. પછી સર્વને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે, એમ બોલે જે, હે સંતો ! કરો શંકા, ત્યારે સંતો એમ બોલે જે, હે મહારાજ ! જરાએ શંકા નથી.

પછી જય સ્વામિનારાયણ કહીને ઉતારે પધાર્યા. અને ત્યાં થાળ જમીને મહારાજ ગામ કારીયાણી પધાર્યા. તે જ વખતે મામૈયો પટગર પણ ઘોડીએ બેસીને કુંડળથી કારીયાણી આવ્યા. અને મહારાજને પગે લાગીને બોલ્યા જે, હે મહારાજ ! હિન્દુસ્તાનથી રામપ્રતાપભાઇના ઘરનાં અને ઇચ્છારામભાઇના ઘરનાં બાઇઓ તથા નંદરામભાઇ તથા ગોપાલજીભાઇ આદિ સર્વે આવ્યા છે. ત્યારે મહારાજ કહે, થાઓ સાબદા. પછી સર્વે તૈયાર થયા. મહારાજ ઘોડીએ સવાર થયા, સાથે પાળા અને પચાસ સવાર સહિત ચાલ્યા તે ધર્મકુળ સર્વ સામું મળ્યું.  પછી જ્યારે મહારાજને તેમણે દેખ્યા ત્યારે દંડવત્‌ કરવા માંડ્યા.

પછી મહારાજ ઘોડીએથી ઉતરીને ઊભા રહ્યા. નંદરામ અને ગોપાલજી આદિને મલ્યા. સુવાસિનીબાઇ અને વરીઆરીબાઇ આદિ જે બાઇઓ હતાં તે છેટાં ઊભાં રહીને રોવા લાગ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મચારી ! બાઇઓને ના પાડો જે, આપણા દેશની રીતિ બીજી છે અને આ દેશની રીત પણ બીજી છે. આ દેશમાં તો મનુષ્ય મરે ત્યારે રૂવે અને તમારા દેશમાં તો ગામથી આવે ત્યારે રૂવે છે. પછી મહારાજના કહેવાથી બ્રહ્મચારીએ જઇને ના પાડી. ત્યારે રોવું મૂકીને મહારાજને પગે લાગ્યાં. ત્યારે ગામમાંથી સત્સંગીઓ વેલું અને માફાવાળાં ગાડાં જોડીને સામા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, આ વેલું અને ગાડાં એમને બેસવા આપો. ત્યારે રાયધન પટેલ બોલ્યા જે, ‘અમે એમના માટે જ લાવ્યા છીએ.’ પછી ત્યાંથી ચાલ્યા અને મહારાજ નંદરામભાઇને તથા ગોપાલજીભાઈને સમાચાર પૂછવા લાગ્યા. પછી ગાજતે વાજતે દરબારમાં પધાર્યા. ત્યાં ઓરડાની ઓસરીએ ઢોલિયે બિરાજ્યા. નંદરામભાઇ આદિ ધર્મકુળ પણ પૂર્વ બાજુના ઓરડે ઉતર્યા. પછી સીધાં આપ્યાં અને રસોઇ કરવા લાગ્યા. પછી મહારાજ સ્નાન કરીને થાળ જમવા બિરાજ્યા. જમીને જલપાન કરીને મુખવાસ લઇને પછી ઢોલિયે બિરાજ્યા, સભા થઇ તેમાં સંતો-હરિભક્તો મહારાજને પગે લાગીને બેઠા. તે સમયે નંદરામભાઇ અને ગોપાલજીભાઇ તેમજ મહારાજના મામાના પુત્ર મંછારામભાઇ તે પણ મહારાજને પગે લાગીને બેઠા, ત્યારે મહારાજ બોલ્યા જે, હે મંછારામભાઇ ! તમે તો અવસ્થાએ અમારાથી મોટા છો. અમે તો નાનપણથી જ ઘેરથી નીસર્યા. તેથી અમે બરાબર જાણતા નથી. માટે તમો અમારું મૂળ જે ગામ, ગોત્ર, કુળ, પ્રવર, શાખા, કુળદેવ, ઓળખ અને અમારા પિતા જેમ છપૈયામાં આવ્યા અને અમારો જન્મ થયો તે વાત સર્વ સભા સાંભળે તેમ કરો. ત્યારે મંછારામભાઇ બોલ્યા જે, હે મહારાજ ! સરવાર દેશમાં ‘રૈકહટ’ નામના પુરમાં સરવરીઆ સામવેદી બાલશર્મા નામે બ્રાહ્મણ હતા. તેમની ‘ઇટાર પાંડે’ એવી ઓળખ હતી. ત્રણ પ્રવર હતા. સાવર્ણિ ગોત્ર હતું. કૌથુમી શાખા હતી. કુળદેવ હનુમાનજી હતા. તેમના પુત્ર હરિપ્રસાદજીએ છપૈયા ગામના વતની કૃષ્ણ ત્રવાડીનાં ભક્તિ નામનાં પુત્રી સાથે લગ્ન કરેલાં હતાં. તેમના આપ સહિત ત્રણ પુત્રો છો.’ એમ મંછારામ-ભાઇએ વિસ્તારપૂર્વક વાત કરી.

પછી ત્યાંથી ગઢપુર પધાર્યા. ત્યાં ગાદીતકિયા ઉપર બિરાજ્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો સિવડાવીને નંદરામ, ગોપાલજી, સીતારામ, બદ્રિનાથ અને સુફલને પહેરાવ્યાં. તથા સોનીઓ પાસે ઘરેણાં ઘડાવીને પહેરાવ્યાં. પછી ત્યાંથી ઊઠીને નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું જે, સ્વામી ! અહીં કૂવો કર્યો હોય તો સારું, એમ કહીને મહારાજ ઊઠ્યા અને તે કૂવાને ઠેકાણે ઊભા રહ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે, લાવો કોદાળી. ત્યારે ભગુજી આદિ પાળાએ તે કૂવો ખોદવાની તૈયારી કરી. ને કૂવામાં છઠ્ઠે દિવસે પાણી આવ્યું. અને મહારાજ કૂવાના કાંઠા ઉપર ઊભા. ત્યારે મહારાજને કૂવામાંથી કાઢેલું પાણી ગાળીને કળશીયો ભરીને આપ્યું તેને શ્રીજી મહારાજે ખુરશી ઉપર બેસીને પીધું. અને પછી બોલ્યા જે, ‘પાણી બહુજ મીઠું ગંગાજળ જેવું છે.’ ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘આ કૂવાનું નામ ગંગાજળિયો !’ પછી સર્વે સંતોએ પ્રસાદીનું જળ પીધું. પછી પાર્ષદોને અને સત્સંગીઓને આપ્યું.

પછી અમદાવાદથી આનંદ સ્વામીએ એક બે કાગળો લખીને સદ્‌ગુરુઓ ઉપર મોકલ્યા. તેના સમાચાર આવ્યા. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિ સદ્‌ગુરુઓ બોલ્યા જે, જન્માષ્ટમી ઉપર આનંદ સ્વામીના મંડળને તેડાવશું, અને હમણાં જન્માષ્ટમીને આડા ઘણા દિવસો છે. એમ કહીને પછી અમદાવાદ આનંદ સ્વામી ઉપર સદ્‌ગુરુઓએ કાગળ ન લખ્યો. ત્યારે આનંદ સ્વામીએ કાગળ લખીને બે સંતને મહારાજ પાસે મોકલ્યા. તે સંતોએ આવીને મહારાજને દંડવત્‌ પ્રણામ કર્યા. પછી મહારાજને પગે લાગીને સર્વે સંતો તથા હરિભક્તોના નારાયણ કહ્યા. પછી મહારાજને સ્વામીનો કાગળ આપ્યો. ત્યારે મહારાજે તે પત્ર શુકમુનિ પાસે વંચાવ્યો અને એમ બોલ્યા જે, ‘આનંદ સ્વામીના બે કાગળો આવ્યા તોય અમને તો સંભળાવ્યા જ નહીં. એમ કહીને થાળ જમવા બિરાજ્યા.

પછી ચળુ કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ત્યારે સંતો મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, અમે બે મંદિરોનો આદર કર્યો છે ત્યાં તો તમે સર્વે મુઝાઇ ગયા. માટે જે મંદિરોમાં રહે છે તેમની તો તમો ખબર પણ ન લ્યો, અને કાગળ પણ અમને ન સંભળાવ્યો. કેમ જે તમારાં મનમાં એમ હશે જે અમારે કોઇકને અમદાવાદ જાવું પડશે તેથી ન સંભળાવ્યો. અને અમારો જે વિચાર છે તેમાં તમારી કોઇની દૃષ્ટિ પહોંચી નહીં. માટે મંદિર બ્રાહ્મણોને સોંપી દઇએ. અને તમે જેમ છૂટા ફરો છો તેમ ફરો. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! હું હવે અમદાવાદના મંદિરની ખબર રાખીશ.

પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘ભુજનગરના મંદિરની મારે ખબર રાખવી,’ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘વડતાલનું મંદિર તમે કહ્યું હતું જે કરશું તો તેની મારે ખબર રાખવી.’ પછી મહારાજ બોલ્યા જે, એમ જો ખબર રાખો તો મંદિર રાખીએ, નહીં તો દઇ દઇએ, એમ કહીને મહારાજે કાગળ લખવાની મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી જે, ભુજમાં આનંદાનંદ સ્વામીના મંડળ ઉપર કાગળ લખો જે, તમે અમદાવાદ નરનારાયણના મંદિરમાં જઇને રહેજો અને તમારા મંડળને મહારાજ પાસે મોકલજો. અને આનંદાનંદ સ્વામી જ્યારે મંદિરમાં આવે ત્યારે તમે મારી પાસે આવજો. એમ કહીને થાળ જમવા પધાર્યા.

થાળ જમી મુખવાસ લઇને મહારાજ સુવાસનીબાઇ સાથે વાતો કરવા લાગ્યા જે, અયોધ્યાપુરીમાં રહેતા ત્યારે અમો તમારી અંગુઠી લઇને હલવાઇને આપી દૂધ-પેંડા જમ્યા. અને બીજા અમે બાળકોને વહેંચી આપ્યા ત્યારે તમને ખબર પડી, પણ તમે અમને જરાય ઠપકો ન આપ્યો અને અમે બીજી પણ ઘરમાં ભાંગફોડ કરતા પણ તમો કોઇ દિવસ માતા આગળ કહેતાં નહીં અને વળી તમો અમને જમાડ્યા વિના જમતાં નહીં ત્યારે સુવાસનીબાઇ બોલ્યાં જે, તમે તો જ્યારે ઘેરથી ચાલ્યા ત્યારથી અમારી આંખમાંથી પાણી પણ સુકાયાં નથી. અને તમે તો નિર્દય થઇને ચાલ્યા તે કોઇ સાથે સંદેશો પણ મેલ્યો નહીં. પછી જ્યારે સંતો આવ્યા અને તમારી ખબર આપી ત્યારે અમને ધીરજ આવી. અને જ્યારે તમારાં દર્શન થયાં ત્યારે અમારા દેહમાં પ્રાણ પાછા આવ્યા. એવી રીતે બાલપણાની ઘણીક વાતો કરીને પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને પોઢ્યા. અને સવારે વહેલા ઊઠીને નિત્યવિધિ કરીને પછી થાળ જમ્યા પછી ચળુ કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. તે સમયે વડોદરાના નાથ ભક્તે મહારાજને અંગરખું પહેરાવ્યું. પછી પગે લાગીને બેઠા હતા તે અંગરખાના ટાંકા જોવા લાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, ‘એ તો હેતના ટેભા છે પણ એ સિવ્યાના ટેભા નથી.’

પછી મહારાજ ઉતારે પધાર્યા. તે સમયે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, અમે વડતાલ મંદિર કરવા જઇએ ? ત્યારે મહારાજ કહે જાઓ. એમ કહીને કહ્યું જે, ‘આવો મળીએ.’ પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીના મંડળને તથા સાથે ચાલનારા પાળાઓને પણ મળ્યા અને એમ બોલ્યા જે, બ્રહ્માનંદ સ્વામી કહે તેમ સર્વે કરજો. એમ આજ્ઞા કરીને મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં થાળ જમવા બિરાજ્યા. જમીને બ્રહ્માનંદ સ્વામી તથા આનંદ સ્વામી તેમને થાળ મોકલાવ્યો. અને પોતે જલપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. અને મુક્તાનંદ સ્વામી આદિ સંતો મહારાજને પગે લાગીને બેઠા. તે સમયે મહારાજના મોટા ભાઇના પુત્ર તથા નાના ભાઇના પુત્ર જે નંદરામ તથા ગોપાલજી આદિ તે મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, આપણો ઉધ્ધવ સંપ્રદાય કહેવાય, તે ઉધ્ધવ સંપ્રદાયના જે સંતો અને હરિભક્તો તેમણે તીર્થો કરવાં જોઇએ, તે આજ સર્વે તીર્થોમાં દ્વારકા મોટું છે. માટે અમારા સર્વે આશ્રિતને દ્વારકાની યાત્રા કરવી. તે દ્વારકાની વાર્તાનો વિસ્તાર બીજા ગ્રંથમાં લખ્યો છે.

પછી તે સમયે વડતાલથી બ્રહ્માનંદ સ્વામીનો લખેલો પત્ર આવ્યો તેને વંચાવીને મહારાજ બોલ્યા જે, ‘બ્રહ્માનંદ સ્વામીએ આપણને વડતાલ તેડાવ્યા છે. તે ચાલો જઇએ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે આપણને તેડાવ્યા છે તો જવું જોઇએ. ત્યારે મહારાજે કહ્યું જે, ભાલ દેશમાં હજુ રસ્તા નહીં પડ્યા હોય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે ઘઉં વાવવા જાય ત્યારે ગાડાં જોડીને જાય, માટે રસ્તા તો પડ્યા હશે. ત્યારે મહારાજ બોલ્યા જે, મયારામ ભટ્ટ ! ચાલવાનું મુહૂર્ત ક્યારે છે ? ત્યારે ભટ્ટ બોલ્યા જે આજથી ચોથે દહાડે જમીને ચાલવું. પછી મહારાજે કહ્યું. ગામો-ગામ ખબર કરાવો જે, મહારાજ વડતાલ જાય છે તે કાઠીના ઘોડા પણ સાથે આવશે. માટે ગામોગામના કાઠી ઘોડે ચડીને આવજો. અને સત્સંગીઓ પણ ગાડાં જોડીને આવજો. એમ કહીને ઘોડીએ સવાર થઇને દરબારમાં પધાર્યા. અને ત્યાં થાળ જમવા પધાર્યા. તે જમતા જાય અને વાત કરતા જાય જે, વડતાલ જાવું છે અને ગામોગામ કંકોતરીઓ મોકલીએ. એમ કહીને પછી ખબર કરી જે, ‘જેને વડતાલ ચાલવું હોય, તે તે બાઇઓ ભાઇઓ સર્વે તૈયાર થાઓ અને પરમ દહાડે ચાલવાનું છે. એમ કહીને પછી મહારાજ ઉતારે પધાર્યા. અને થાળ જમવા બિરાજ્યા. તે જમીને જલપાન કરીને ઢોલિયે બિરાજ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજનગરથી ગઢડે પધાર્યા અને ત્યાંથી કારીઆણી પધાર્યા ત્યાં ધર્મકુળ આવીને મળ્યું ત્યાંથી ગઢડા પધાર્યા એ નામે એંસીમો અધ્યાય. ૮૦