૭૫ ત્યાંથી કારીયાણી કુંડળ, અડવાળ, બળોલ, ધોળકા, જેતલપુર, અમદાવાદ, જેતલપુર, અસલાલી થઈ કાંકરીએ મુકામ કર્યો. સાહેબને મળ્યા, નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 4:52pm

અધ્યાય ૭૫

ગામ ઝીંઝાવદરમાં કાઠી સવારોને ઉતારો આપ્યો અને સંઘમાં જે કાંઇ વસ્તુ જોઇએ તે લાવી આપવાની મયારામ ભટ્ટને ભલામણ કરી. પછી અલૈયાખાચરે મહારાજને સ્નાન કરાવીને થાળ જમવા બેસાડ્યા, તે જમતાં જમતાં જલપાન કરતા જાય તથા ઉદર ઉપર હાથ ફેરવતા જાય. એમ જમી મુખવાસ લઇને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને હરિભક્તો પણ જમીને મહારાજ પાસે બેઠા હતા. મહારાજે તે ભક્તો પાસે કીર્તન બોલાવ્યાં.

પછી મહારાજ પલંગ પર પોઢ્યા. બીજે દિવસે પ્રભાતમાં જાગીને પોતાનો નિત્યવિધિ કરીને સર્વ સંઘે સહિત ચાલ્યા તે ગામ કારીઆણી પધાર્યા. ત્યારે વસ્તો ખાચર ભાગોળે સામૈયું લઇને આવ્યા. તેમણે થાળ જમવાની પ્રાર્થના કરી તેથી તેના દરબારમાં પધાર્યા. અને ઉત્તર બાજુ તળાવ પાસે સંઘને ઉતારો આપ્યો. અને મહારાજને સ્નાનાદિક ક્રિયા કરાવીને થાળ જમાડ્યો. પછી ઘોડેસવાર થઇને સંઘમાં આવ્યા, અને સર્વને પૂછ્યું જે, કોઇને કાંઇ જોઇતું કરતું હોય તો મયારામ ભટ્ટને કહેજો. પછી સર્વે તૈયાર થઇને ચાલ્યા તે ગામ કુંડળ આવ્યા. ત્યાં અમરા પટગર રસોઇનો સામાન લાવ્યા તે બ્રહ્મચારી રસોઇ કરવા લાગ્યા અને મહારાજ ઢોલિયે બિરાજ્યા હતા. પછી આરતી-ધૂન્ય કરીને સર્વે હરિભક્તો મહારાજને પગે લાગીને બેઠા.

પછી બ્રહ્મચારી કહેવા આવ્યા જે, હે મહારાજ ! થાળ તૈયાર છે. પછી જમવા પધાર્યા, અને જમતાં જમતાં સંઘની ખબર પૂછતા જાય. પછી જલપાન કરી મુખવાસ લઇ સુંદર ઢોલીયા ઉપર બિરાજમાન થયા. સર્વે સંત મંડળને જમાડીને તથા સર્વે સંઘને પણ જમાડીને પોઢી ગયા અને સવારમાં વહેલા જાગીને, નિત્યવિધિ કરીને, પોષાક પહેરી, ઘોડેસવાર થઇને સંઘે સહિત ચાલ્યા તે ગામ ઝીંઝરની ભાગોળે તળાવ પાસે ઉતર્યા. અને ખોડાભાઇએ મહારાજને પોતાને ઘેર આવવા પ્રાર્થના કરી તેથી મહારાજ તેને ઘેર ગયા. અને બ્રહ્મચારી થાળ કરવા લાગ્યા અને મહારાજ પોતાનો નિત્યવિધિ કરવા લાગ્યા. એટલામાં બ્રહ્મચારી બોલાવવા આવ્યા તેથી જમવા પધાર્યા. જમીને જલપાન કરી, મુખવાસ લઇને, જેરામ બ્રહ્મચારીને સંઘની ખબર કાઢવા મૂક્યા, અને પોતે પલંગ ઉપર પોઢ્યા.

પછી પોતે જાગ્યા ત્યારે સંઘને તૈયારી કરાવીને ગામ અડવાલ આવ્યા. ત્યાં બ્રાહ્મણને ઘેર થાળ જમીને તૈયાર થયા. તે સમયમાં એક સત્સંગી ઘઉંનો પોંક લાવ્યા તેને મહારાજ તથા સંતો સર્વે જમ્યા. પછી તેને પૂછ્યું જે, તમે કયા ગામના છો ? ત્યારે તેણે કહ્યું જે, અડવાલના છીએ.

પછી મહારાજ ત્યાંથી ગામ બળોલ આવ્યા. ગામની ઉત્તર દિશે ખીજડાના વૃક્ષ પાસે ઉતારો કર્યો. અને સત્સંગીઓ સામાન લાવ્યા તે રસોઇ કરીને મહારાજ જમ્યા, અને સર્વ સંઘને પણ જમાડ્યો. ત્યાં રાતવાસો રહીને સંઘે સહિત ચાલ્યા તે ગામ કોટડે પધાર્યા. ત્યાંથી ધોળકામાં નાગેશ્વર પાસે ઉતર્યા. હરિભક્તો દૂધ અને સાકર લાવ્યા તે મહારાજે પીધું અને સર્વ સંતોને તથા બ્રહ્મચારીઓને પણ આપ્યું. પછી ત્યાંથી જેતલપુર આવ્યા પછી મહારાજે સર્વે સંઘોને કહ્યું જે, તમે અત્રે રહો. અને અમે અમદાવાદ જઇને ઉતારાની સગવડ કરાવીએ. એમ કહીને સાંજના પોઢ્યા અને સવારમાં વહેલો થાળ કરાવીને જમ્યા.

પછી ઘોડેસવાર થઇને ચાલ્યા, તે સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા ઘણાક સત્સંગીઓ તે ચંદન-પુષ્પ આદિક સામગ્રી તથા વાજિંત્રો સહિત સન્મુખ આવ્યા. અને મહારાજની પૂજા કરીને દંડવત્‌ પ્રણામ કરીને પગે લાગ્યા. પછી ઊભી બજારે ગાજતાં વાજતાં મંદિરમાં આવ્યા અને નરનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, ધર્મ-ભક્તિ અને પોતાની મૂર્તિ જોઇને હાથ ફેરવીને બોલ્યા જે, બહુ સારી મૂર્તિઓ છે. એમ કહીને પછી પાદશાહવાડીમાં ગયા અને પછી સાબર નદીએ નારાયણઘાટે ગયા અને સંતોને કહ્યું જે, આ ગંગાજીનું જલ તો જુવો, કેવું ઉછળે છે ? એમ કહીને પોતાનાં ચરણારવિંદ તેમાં બોળ્યાં, પછી ઘોડે સવાર થઇને કાંકરીઆ ગયા. ત્યાં આંબલીનાં વૃક્ષો જોઇ મહારાજે આનંદસ્વામીને કહ્યું જે, સંઘને ઉતરવા માટે આ જગ્યા બહુ સારી છે. એમ કહીને પોતે જયતલપુર ગયા. તે દેવ સરોવરમાં સ્નાન કરીને ગંગામાને ત્યાં થાળ જમ્યા.

અને સંત મંડળને તથા પાર્ષદોને તથા સર્વ સંઘને જમાડીને સર્વ અસવાર થઇને ચાલ્યા તે અસલાલી થઇને કાંકરીએ આંબલીનાં વૃક્ષ નીચે મહારાજ તંબુ નાખીને ઉતર્યા. સર્વે સંત મંડળોને તથા સંઘને યોગ્ય સ્થાને તંબુ, રાવટીઓ, બંધાવીને તેમાં ઉતારો કરાવ્યો. પછી મહારાજ મંદિરમાં આવ્યા, અને સભા કરીને બેઠા. પ્રતિષ્ઠા માટે તે અમદાવાદ શહેરના તેમજ ઉમરેઠના અને હળવદ આદિ ગામોના વેદ જાણનારા બ્રાહ્મણો પાસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછાવ્યું તે સમયે ચારે વેદ બ્રાહ્મણનાં રૂપો ધારણ કરીને મહારાજ પાસે આવીને પગે લાગ્યા. તેને મહારાજે વરુણીમાં વરાવ્યા. પછી વેદીઓ અને કુંડ કરાવ્યા. અને તેના ઉપર માંડવો કરાવ્યો અને ચારે તરફ વળીઓ બંધાવી. એ આદિ તૈયારી કરાવીને મહારાજ ઉતારે પધાર્યા. તે જમીને ઢોલીયે બિરાજમાન થયા. અને આરતી ધૂન્ય કરીને સર્વ સંતો તથા સત્સંગીઓ મહારાજને પગે લાગ્યા.

પછી મહારાજ પોઢી ગયા અને સવારમાં વહેલા જાગીને સ્નાનવિધિ કરી રહ્યા પછી નિત્યવિધિ પૂર્ણ કરી ત્યારે બ્રહ્મચારીએ થાળ જમવા માટે બોલાવ્યા તેથી જમવા પધાર્યા. જમીને મુખવાસ લઇને સર્વ સંતોની પંક્તિમાં ફરીને સર્વને જમાડ્યા. પછી શહેરમાં આવીને મંદિરમાં બિરાજમાન થયા. અને આનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ ક્યાં ગયા ? તે વખતે નથુભાઇ ભટ્ટ તથા લાલદાસ ગોરા આદિ હરિભક્તો દર્શન કરવા આવ્યા. તે દંડવત્‌ પ્રણામ કરીને કહેવા લાગ્યા જે, હે મહારાજ ! જે આજ્ઞા હોય તે અમને કહો. ત્યારે મહારાજે કહ્યું જે, વરુણીમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ત્યાં રહો, અને જે સામાન જોઇએ તે લાવી આપો. એમ કહીને હાલ સભામંડપ છે ત્યાં મહારાજ જમવા બિરાજ્યા.

પછી મુખવાસ લઇને સંતોની પંક્તિ કરાવીને પોતાને હાથે સર્વને જમાડ્યા. પછી મહારાજને દુર્લભ, ડનલોપ સાહેબે બોલાવ્યા તેથી ત્યાં ગયા, અને ત્યાં દુર્લભ સાહેબે મહારાજને ખુરશી ઉપર બિરાજમાન કરીને ચંદન-પુષ્પ આદિકે કરીને પૂજા કરી. ટોપી ઉતારીને નમસ્કાર કર્યા અને મહારાજને બે હસ્ત જોડીને કહ્યું જે, આપ કાંકરીઆ પર ઉતરે હો લેકિન ઠંડી તો બહોત લગતી હૈ. કુછ રાવટી-તંબું ચાહીએ ? પછી મહારાજે કહ્યું જે, આંબલીનાં વૃક્ષ તંબુ જેવાં છે અને વળી હિમાલયના વાસી જે નરનારાયણ ઋષિ તે પણ અત્રે હિમાલયને સાથે લઇને આવેલ છે. એમ કહીને પોતાની ભૂજાઓમાં જે છાપો હતી તે તેને બતાવી.

ત્યારે દુર્લભ સાહેબ કહેવા લાગ્યા જે, ‘ઐસા ચિતારા તો હમારે વિલાયત મેં ભી નહીં હૈં.’ ત્યારે મહારાજે કહ્યું જે, કચ્છ ભુજનગરમાં નારાયણજી સુતાર કરીને અમારા સેવક છે તેમણે બનાવેલ છે. પછી તે બોલ્યા જે, ‘આપ ઇસ મૂર્તિઓકા સ્થાપન કરતે હો, સો હમારા શહેર કો પાવન કરતે હો’ એમ કહીને ઘણો રાજી થયો. અને વળી પૂછ્યું જે, તમારે કાંકરીઆ આવવા જવા માટે બે દરવાજા ખુલ્લા રાખવાની જરૂર છે ? ત્યારે મહારાજે કહ્યું જે જરૂર તો છે. ત્યારે તેણે કહ્યું જે, ભલે, બે દરવાજા રાત દિવસ ખુલ્લા રાખશું. પછી મહારાજ રાજી થયા. વળી પૂછ્યું જે, ‘હમારા જૈસા કુછ કામકાજ હોવે તો કહેના.’ ત્યારે મહારાજ કહે, બહુ સારું. હવે અમો જઇશું. ત્યારે સાહેબે પ્રણામ કરીને વિદાયમાન કર્યા. અને પડઘમ, અંગ્રેજી વાજાં, ડંકા-નિશાન સહિત પલટનને મહારાજને વળાવવા માટે મોકલી. મહારાજ ઘોડાપર બિરાજેલા હતા. અને સોનાનું છત્ર ઉપર શોભી રહ્યું હતું. બે કોરે ચામર હતાં તથા છડીદારો છડી પોકારી રહ્યા હતા. આ પ્રમાણે ધામધૂમથી વાજતે-ગાજતે કાંકરીએ પધાર્યા અને બ્રહ્મચારીએ થાળ જમાડ્યો. પછી મુખવાસ લઇને ઢોલિયા ઉપર બિરાજ્યા. તે સમયે શહેરના હરિભક્તો તથા બીજા કેટલાક જનો મહારાજનાં દર્શન કરવા આવ્યા તે પુષ્પોના હાર પહેરાવીને દર્શન કરીને સર્વ સન્મુખ બેઠા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, અત્રે એક મંચ નખાવો, કારણકે નીચા બેસીએ તો સર્વેને અમારાં દર્શન થાય નહીં.

પછી મંચ કરાવીને તે ઉપર ગાદી-તકિયા નાખીને શ્રીજી મહારાજને તેના ઉપર બિરાજમાન કર્યા. અને અનંત હરિભક્તો પુષ્પના હારો લાવીને દર્શન કરવા આવ્યા. પછી મહારાજે કહ્યું જે, આ સંઘમાં વારાફરતી પહેરાવાળાને ઊભા રાખવા, કેમ જે હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય ત્યારે ત્યાંથી કોઇક વસ્તુ લઇ જાય તો ખબર ન પડે. તે સાંભળીને આનંદ સ્વામીએ તેમજ કરાવ્યું. પછી બ્રહ્મચારીએ જમવા બોલાવ્યા તેથી ત્યાં પધાર્યા અને થાળ જમવા લાગ્યા. તે સમયે આનંદ સ્વામીએ કહ્યું જે, આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તે વહેલા આવજો. ત્યારે શ્રીજીએ કહ્યું જે સારું, પછી જમીને જલપાન કરી, મુખવાસ લઇને મંચ ઉપર બેઠા અને આરતી ધૂન્ય કરીને ઢોલિયા ઉપર પોઢ્યા.

પછી સવારમાં વહેલા થાળ જમીને સંતો તથા બ્રહ્મચારીઓ, પાર્ષદો તથા હરિભક્તો સર્વેએ સહિત ગાજતે વાજતે મંદિરમાં આવ્યા. મૂર્તિઓને બાથમાં લઇને શ્રીજી મહારાજ મળ્યા. પછી સુંદર દિવ્ય સિંહાસન ઉપર તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી. તે સમયે બ્રાહ્મણો ઊંચે સ્વરે વેદના ધ્વની કરવા લાગ્યા.અને અનંત પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. આકાશમાં અનંત ધામના મુક્તો વિમાનોમાં બેસીને ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. અને ગંધર્વો નાના પ્રકારે ગાન કરવા લાગ્યા અને દેવો પણ પોતપોતાનાં વિમાનોમાં બેસીને આકાશ માર્ગે જય જય શબ્દ કરવા લાગ્યા. તેણે કરીને આકાશ પણ નહોતો દેખાતો. હરિભક્તો નાના  પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ લાવ્યા. પછી તે મૂર્તિઓને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણથી શણગારીને તેમનું અત્તરચંદનાદિકે કરીને પૂજન કર્યું. પછી મહારાજે તે મૂર્તિઓ ઉપર હાથ ફેરવ્યો. ત્યારે તેમાંથી તેજની કિરણો છૂટી તેણે કરીને આખા મંદિરમાં તેજ તેજ થઇ ગયું અને આખું મંદિર તેજથી ભરાઇ ગયું અને અનંત જનોના નાડી પ્રાણ ખેંચાઇને દરેકને સમાધિ થઇ ગઇ.

પછી મહારાજે સર્વને છડી વડે જગાડ્યા અને હરિભક્તોએ હજારો સોનામહોરો આદિકની ઠાકોરજીને ભેટ આપી. પછી મહારાજે કહ્યું જે, હવે કળશ કોણ ચડાવશે ? પછી ભગો અને મૂળો-બન્ને ભાઇએ કહ્યું જે, અમે ચડાવશું. અને રૂપિયા ભેટના હજાર આપશું. એમ કહીને તેમણે કળશ ચઢાવ્યા. અને બોટાદના દેહોખાચર કહે હે મહારાજ ! હું ધજા ચડાવું છું અને ઠાકોરજીને સાતસો રૂપિયા ભેટના આપું છું. એમ કહીને તેણે પણ ધજા ચડાવી. એમ બહુ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા થઇ રહ્યા પછી બ્રહ્મચારીએ થાળ કરીને મહારાજને જમાડ્યા. મહારાજે સંતોને પંક્તિમાં લાડુ, જલેબી, ફૂલવડી, દૂધપાક નાના પ્રકારનાં શાક, અથાણાં, રાયતાં આદિથી સારી રીતે જમાડીને તૃપ્ત કર્યા. એમ અનંત લીલા કરીને પછી નરનારાયણદેવનાં દર્શન કરીને ગાજતે-વાજતે કાંકરીએ પધાર્યા અને ત્યાં મંચ ઉપર બિરાજમાન થયા. અને સર્વે સંત મંડળ મહારાજનાં દર્શન કરીને બેઠાં. ત્યારે મહારાજે કહ્યું જે, બાઇઓ હરિભક્તોને આજ્ઞા કરો જે, વેલું, ગાડાં, રથ વિગેરે જોડાવીને નરનારાયણ દેવનાં દર્શન કરવા જાય. અને હરિભક્તો દર્શન કરી આવ્યા પછી બાઇઓએ દર્શન કરવા જવું. પછી ગવૈયા સંતો મહારાજ પાસે ગાવણું કરવા લાગ્યા. અને હરિભક્તો બાઇભાઇ સર્વે શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ દર્શન કરીને આવ્યાં.

પછી મહારાજ, સંતો, પાર્ષદો અને ઘોડેસવાર કાઠીઓ ગાજતે-વાજતે મંદિરમાં આવ્યા. અને ઘોડી ઉપરથી ઉતરીને નરનારાયણદેવનાં દર્શન કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા, ત્યાં મોટા મોટા સંતો તથા દાદોખાચર, સુરોખાચર આદિ મોટા મોટા હરિભક્તો સર્વે કહેવા લાગ્યા જે, હવે નરનારાયણદેવની પ્રતિષ્ઠા થઇ રહી છે તે હવે ચોરાશી પણ કરવી જોઇએ ત્યારે શહેરના હરિભક્તો તથા સંતો સર્વે બોલ્યા જે, હે મહારાજ તો તો બહું સારું થાય, ત્યારે મહારાજે કહ્યું જે, નથુભાઇ આદિ બ્રાહ્મણો છે ? ત્યારે તે કહે જે, હા મહારાજ ! જે આજ્ઞા હોય તે કહો કરવા તૈયાર છીએ. ત્યારે મહારાજે કહ્યું જે, બ્રાહ્મણની નાતમાં જે મોટા મોટા હોય તેને કાલ સવારમાં અત્રે બોલાવી લાવજો. એમ કહીને ઘોડે સવાર થઇને કાંકરીએ પધાર્યા અને પોષાક ઉતારીને શૌચવિધિ આદિ ક્રિયા કરીને પછીથી સ્નાન કર્યું.

પછી બ્રહ્મચારી દૂધ-સાકર લાવ્યા તે મહારાજે પાન કર્યું પછી મહારાજ પોઢી ગયા. પછી બીજે દિવસ પ્રભાતમાં જાગ્યા અને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને કાઠી સ્વારોએ સહિત મહારાજ મંદિરમાં આવ્યા અને ઘોડી ઉપરથી ઉતરીને નરનારાયણદેવનાં દર્શન કરીને ગાદી તકીયાએ યુક્ત જે ઢોલિયો તે ઉપર બિરાજમાન થયા. અને સંતમંડળ તથા હરિભક્તો પણ સન્મુખ બેઠા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ અનકે ગામોમાં હરિભક્તાને દર્શન આપતા આપતા અમદાવાદ આવ્યા અને સાહેબને મળ્યા તથા નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી એ નામે પંચોત્તેરમો અધ્યાય.૭૫