પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૫

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:22pm

 

દોહા

વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત ।

જીવ જગતના ઉપરે, આજ અમે છીએ રળીયાત ।।૧।।

જાણિયે આખી જક્તને, લઇ જાયે અમારે ધામ ।

કેડે ન રાખિયે કોઇને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।।

તે સારુ ભૂમિ ઉપરે, કંઇ રાખ્યા સુખના સમાજ ।

અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।।

ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર ।

સહુ જીવનો સામટો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।

 

ચોપાઇર્

તેહ સારુ છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે ।

ચરણ ચિંતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઇ કરી પ્રીતરે ।।૫।।

પાન ફુલે પૂજશે જે જનરે, એકાગ્ર રાખી શુદ્ધ મનરે ।

તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।।

તેણે માનશે પૂરણકામરે, વળી પામશે અખંડ ધામરે ।

એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।।

સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે ।

આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભીંતરરે ।।૮।।

વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે ।

પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઇ સારીરે ।।૯।।

કરી પૂજા ઉતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે ।

તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।।

લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે ।

નિર્મળ અંતરવાળા જે જનરે, તેની પૂજા લેતાં હું પ્રસન્નરે ।।૧૧।।

એમ પ્રગટ પટ મૂરતિમાંરે, પૂજી પામશે સુખની સીમારે ।

બીજી મૂરતિયો બહુ જગેરે, મર સેવે પૂજે સરાલગેરે ।।૧૨।।

તોય એવો પરિચય ન પામેરે, જેથી સરવે સંકટ વામેરે ।

બીજી મૂરતિ ને આ જે મૂરતિરે, તેમાં ફેર જાણજો છે અતિરે ।।૧૩।।

કાંજે આ મૂરતિને સ્પરશરે, થયો અમારો માટે સરસરે ।

જાણો આ મૂરતિને સેવતાંરે, દુષ્ટ સમી જાશે દુઃખ ર્દેંઈાંરે ।।૧૪।।

કામ ક્રોધ લોભ ને જે મોહરે, એવો અધર્મ સર્ગનો સમોહરે ।

એહ અંતરે રહ્યો છે છાઇરે, તેણે ભીંતર રહ્યુંછે ભરાઇરે ।।૧૫।।

તે તો પટમૂરતિ પૂજવેરે, પાપ નાસે કે’ નૈ રૈ’યે હવેરે ।

એવો પટ મૂરતિ પ્રતાપરે, જાણો સહુ હરણ સંતાપરે ।।૧૬।।

એ પણ માનો મોક્ષની નિસરણીરે, કરી છે જો ધામ જાવા તણીરે ।

એહ વિના અનેક જે ઉપાયરે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંયરે ।।૧૭।।

સર્વે ઉપાય થયા છે સારારે, નથી એ વિના બીજા કરનારારે ।

એ તો કર્યા છે અમે વિચારીરે, સહુ કરવા અક્ષર અધિકારીરે ।।૧૮।।

એમ જાણો જન નિરધારરે, આજ તરેછે જીવ અપારરે ।

જેજે અમે કર્યા છે ઉપાયરે, નથી એકે તે અર્થ વિનાયરે ।।૧૯।।

સર્વે સમઝિ વિચારી કર્યાછેરે, એને આશરી કંઇક તર્યાછેરે ।

તે તો સહુ જાણે છે સાક્ષાતરે, નથી મુખના કહ્યાની વાતરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૫।।