મંત્ર (૫૨) ૐ શ્રી સત્શાસ્ત્રવ્યસનાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 2:17pm

મંત્ર (૫૨) ૐ શ્રી સત્શાસ્ત્રવ્યસનાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, ‘‘પ્રભુ ! તમે સત્શાસ્ત્રના જ એક વ્યસની છો.’’ (કયું વ્યસન છે ?) તમોને શાસ્ત્ર વાંચવાનું અને સાંભળવાનું વ્યસન છે.’’

ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા ઉત્સવો કરે, ત્યારે નિત્યાનંદસ્વામીને કહેઃ ‘‘સ્વામી ! તમે કથા કરો.’’

નિત્ય કથા થાય સભા ગાવણાં, કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રડિયામણાં:

ધન્ય ધન્ય નિત્યાનંદ નામને, વાંચી રાજી કર્યા ભગવાન, ધર્મ તનય શ્યામને...

સ્વામી વાંચે ત્યારે શ્રીજીમહારાજ ધ્યાન દઈને સાંભળે, કયારેક અતિ પ્રેમ વિભોર બની જાય ત્યારે

કથા સાંભળતા રે હરે હરે કરી બોલે; મર્મ કથાનો રે સુણી મગન થઈ ડોલે.

-: નિત્યાનંદ સ્વામી બોલે ને શ્રીહરિ ડોલે :-

એ કથા પૂરી થાય, ત્યારે વળી પ્રાગજી પુરાણીને કહે : ‘‘પુરાણીજી, ભાગવતની કથા કરો.’’ ચારે બાજુ પરમહંસ બેઠા હોય અને બરાબર સમજાય નહિ ત્યારે પ્રભુ પોતે સરખી રીતે રહસ્ય સમજાવે. શાસ્ત્રનો સિધ્ધાંતો સમજાવે. દોઢ મહિના સુધી કથા ચાલે. એ કથા પૂરી થાય પછી ગામ લોયામાં પાંચસો પરમહંસની સભા બેઠી હોય અને પ્રભુ ઢોલિયા ઉપર બિરાજમાન હોય ત્યારે કોઈક ભક્તનું પોતાને કામ હોય ત્યારે શું કરે ?

સંત સભામાં રે બેઠા હોય અવિનાશ, કોઈ હરિજનનેરે તેડાવવો હોય પાસ;

પહેલી આંગળી રે નેત્ર તણી કરી સાન, પ્રેમાનંદ કહે રે સાદ કરે ભગવાન.

નેત્રની સાન કરીને બોલાવે. ‘‘એ.....વાસુદેવાનંદજી બ્રહ્મચારી ! તમે આંહી આવો ! મહાભારતની કથા કરો.’’ શ્રીજીમહારાજ શાસ્ત્ર સાંભળવાના બહુ શોખીન છે. વાસુદેવાનંદજી પ્રેમ વિભોર થઈ કથા વાંચે, ત્યારે શ્રોતાનાં મન કથામાં એવાં ખેંચાત જાય કે, બધા સ્તબ્ધ થઈને સાંભળે. કથા એની એજ હોય પણ કોઈ અધિકારી વક્તાના મોઢેથી કથા સાંભળો તો કથા જુદી જ લાગે. હૈયામાં આરપાર ઊતરી જાય. સારાં સારાં દષ્ટાંત આપી સિધ્ધાંત પર લઈ જત સરખી રીતે બ્રહ્મચારી વાસુદેવાનંદજી કથા સંભળાવે ત્યારે ખૂબ રાજી થાય ! શ્રીજીમહારાજ રાજી થાય તો શું કરે ?

કયારેક રાજી રે થાય અતિશે આલી, સંત હરિજનને રે ભેટે બાથમાં ઘાલી;

કયારેક માથે રે લઈ મેલે બે હાથ, છાતી માંહી રે ચરણકમળ દે નાથ.

કયારેક આપેરે હાર તોરા ગિરધારી, કયારેક આપે રે અંગના વસ્ત્ર ઉતારી;

કયારેક આપે રે પ્રસાદીના થાળ, પ્રેમાનંદ કહે રે ભક્તતણા પ્રતિપાળ.

પ્રભુ રાજી થાય તો સંતને બાથમાં ભીડીને મળે, માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપે, એથીયે વધારે રાજી થાય તો છાતીમાં ચરણાવિંદ આપે અને પોતે જે હાર પહેર્યો હોય તે સંતને પહેરાવી દે છે. એથીયે રાજી થાય તો પોતે જે વસ્ત્ર પહેર્યું હોય તે ઉતરીય વસ્ત્ર ઓઢાડી દે, એથી વધારે રાજી થાય તો પોતે જે જમ્યા હોય તે પ્રસાદીનો થાળ આપી દે, આવા ભગવાન હોંશીલા છે. શ્રીજી મહારાજને કથા સાંભળવાનું વ્યસન છે, કથા સાંભળ્યા સિવાય એમને ગમે નહિ.

-: પ્રભુ સત્શાસ્ત્રના વ્યસની છે. :-

એક કથા પૂરી થાય ત્યાં વળી શ્રીહરિ કહે, ‘‘હવે રામાયણની કથા કરો.’’ એ પૂરી થાય ત્યારે કહે, ‘‘હવે  વાસુદેવ મહાત્મ્યની કથા કરો.’’ એ પૂરી થાય ત્યારે કહે, ‘‘વિદુરનીતિની કથા કરો.’’ આમ કથાનો પ્રવાહ ચાલુ રાખ્યો. તે આજ સુધી કથાનો પ્રવાહ એવો ચાલુ જ છે.

સંતો કથા વાંચે, શ્રીજીમહારાજ શાંતિથી સાંભળે. ફક્ત શાસ્ત્રની વાત નથી, સત્શાસ્ત્રની વાત છે. શાસ્ત્રો તો હજારો છે, પણ પ્રભુ સત્શાસ્ત્રના વ્યસની છે. પ્રભુને કયાં શાસ્ત્ર વહાલાં છે ? ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ્‌ ભાગવત, વાસુદેવ મહાત્મ્ય ભગવદ્‌ ગીતા અને વિદુરનીતિ, જે શાસ્ત્રમાં સાકાર સ્વરૂપનું વર્ણન છે. તેને સત્શાસ્ત્રકહેવાય અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ આ આઠ શાસ્ત્ર અધ્યાત્મિક શાસ્ત્ર છે.

ભગવાન સ્વામિનારાયણે આ આઠ શાસ્ત્રમાંથી સાર લઈને એક ગુટકો બનાવ્યો અને એ ગુટકો વનવિચરણ વખતે ગળામાં બાંધ્યો હતો. તે પ્રસાદીનો ગુટકો હાલ વડતાલ મંદિરમાં છે.

ભગવાનને કથા સાંભળવાનું વ્યસન છે. તો આ મંત્ર આપણને એ શીખવે છે કે; ‘‘હે ભક્તજનો ! તમે પણ કથા સાંભળવાનું વ્યસન રાખજો. એ વ્યસન તમને ધન્ય કરશે. બીજા વ્યસન જિંદગીને બરબાદ કરશે. ભગવાનની કથા સંસારની આધિ વ્યાધિથી તપેલા જીવને શાંતિ આપે છે અને છેવટે કલ્યાણ પણ કરે છે. ભગવાનમાં પ્રેમ વધારવો હોય તો ભગવાનના અવતારોની કથા દરરોજ સાંભળો, વાંચો અને સમજીને જીવનમાં ઉતારો એજ આ મંત્રનો ભાવાર્થ છે.