૨૫ શ્રી સંકર્ષણદેવનું વિવરણ અને તેની સ્તુતિ.

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:32pm

અધ્યાય - : - ૨૫

શ્રી સંકર્ષણદેવનું વિવરણ અને તેની સ્તુતિ.

શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ ! પાતાલલોકની નીચે ત્રીસ હજાર જોજન દૂર અનંત નામની વિખ્યાત ભગવાનની તામસી નિત્ય કળા છે. તે અહંકાર રૂપા હોવાને કારણે દ્રષ્ટા અને દૃશ્યને ખેંચીને એક કરી દે છે. તેથી પંચરાત્ર આગમના અનુયાયી ભક્તજન તેને સંકર્ષણ કહે છે. ૧ આ અનંત ભગવાનનાં એક હજાર મસ્તક છે. તેમના એક મસ્તક પર રાખેલ આ સમગ્ર ભૂમંડળ રાઇના દાણાની જેમ દેખાઇ દે છે. ૨ પ્રલયકાળનો સમય આવવાથી જ્યારે તેમને આ વિશ્વનો સંહાર કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તેના ક્રોધવશથી ફરતી મનોહર ભ્રુકુટિઓના મધ્યભાગથી સંકર્ષણ નામનો રુદ્ર પ્રગટ થાય છે. તેની વ્યૂહ સંખ્યા અગિયાર છે. તે બધા ત્રણ આંખોવાળા હોય છે. અને હાથમાં ત્રણ પાંખવાળું ત્રિશૂલ ધારણ કરે છે. ૩ ભગવાન સંકર્ષણના ચરણકમળોના ગોળ સ્વચ્છ અને અરુણવર્ણી નખમણિઓની પંક્તિ સમાન દેઈીપ્યમાન છે. જ્યારે બીજા અનન્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે, ત્યારે તેમને તે નખમણિઓમાં પોતાનાં કુંડલોની કાન્તિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદોનું મનને મોહ પમાડનાર દર્શન થાય છે, અને તેમનું મન આનંદથી ભરાઇ જાય છે. ૪ નાગરાજોની અનેક કન્યાઓ વિવિધ કામનાઓથી તેમનાં અંગમંડળ પર ચાંદીના સ્થંભની સમાન સુશોભિત, અને વલયવિલસિત લાંબી શ્વેતવર્ણ સુંદર ભુજાઓ પર અગરુ, ચંદન અને કુમકુમનો લેપ કરતી હોય છે, તે સમયે ભગવાનના અંગોનો સ્પર્શ થવાથી તેમના હ્રદયમાં કામનો સંચાર થઇ જાય છે. ત્યારે તેમના મદવિહ્વળ કરુણાએ સહિત અરુણ નેત્રકમળોથી સુશોભિત તથા પ્રેમમદથી મુખકમળની તરફ મધુર મનોહર હાસ્યની સાથે લજ્જાની ભાવનાથી જોવા લાગે છે. ૫ અનંત ગુણોના સાગર તે સંકર્ષણ ભગવાન પોતાના અમર્ષ (અસહનશીલતા) અને ક્રોધના વેગને રોકીને ત્યાં સમગ્ર લોકોના કલ્યાણ માટે વિરાજમાન છે. ૬ દેવતાઓ, અસુરો, નાગો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિગણો આ બધા ભગવાન અનંતનું ધ્યાન કર્યા કરે છે. તેમના નેત્રો નિરંતર પ્રેમમદથી પ્રસન્ન ચંચળ અને વિહ્વળ રહે છે. તે ભગવાન સંકર્ષણ સુલલિત વચનામૃતથી પોતાના પાર્ષદો અને દેવયૂથપોને સંતુષ્ટ કર્યા કરે છે. તેમના અંગપર નીલાંબર અને કાનોમાં કેવળ એક કુંડળ ચળકતું રહે છે, તથા તેમનો સુભગ અને સુંદર હસ્ત હળની મૂઠ પર રાખેલો હોય છે. તે ઉદારલીલામય ભગવાન સંકર્ષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરે છે, જે સાક્ષાત્‌ ઇન્દ્રના હાથી ઐરાવતના ગળામાં પડેલી સુવર્ણની સાંકળ સમાન જણાય છે, તે વૈજયંતી માળાની કાન્તિ ક્યારેય ફીકી નથી પડતી એવી નવીન તુલસીની ગન્ધ અને મધુર મકરંદથી ઉન્મત્ત થયેલ ભ્રમરાઓ નિરંતર મધુર ગુંજાર કરીને તેમની શોભા વધારે છે. ૭ હે પરીક્ષિત્‌ ! આ પ્રમણે ભગવાન અનંતનું માહાત્મ્ય પૂર્વક શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હ્રદયમાં આવિર્ભૂત થાય છે, અને અનાદિકાળની કર્મવાસનાઓથી ગ્રથિત સત્ત્વ, રજ અને તમોગુણાત્મક અવિદ્યામયી હ્રદયની ગ્રન્થીઓને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુણોનું એકવાર બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદજીએ તુમ્બુરુ ગંધર્વની સાથે બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ૮ એક હોવા છતાં અનેક રૂપને ધારણ કરનાર એવા ભગવાન સંકર્ષણની દૃષ્ટિ પડવાથી જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના હેતુભૂત સત્ત્વ, રજ અને તમ આ પ્રાકૃતગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. તેમનું સ્વરૂપ ધ્રુવ, અનાદિ અને અનંત છે તથા જે એકલા હોવા છતાં પણ આ અનેક પ્રકારના પ્રપંચને પોતામાં ધારણ કરેલ છે, તે ભગવાન સંકર્ષણના તત્ત્વને કોઇ કેવી રીતે જાણી શકે છે ? ૯ જેમાં આ કાર્ય કારણરૂપ સમગ્ર પ્રપંચ ભાસે છે તથા પોતાના ભક્તજનોના ચિત્ત આકર્ષિત કરવા માટે વીરતાપૂર્વક કરેલી લીલાને પરમ પરાક્રમી સિંહને આદર્શ માનીને અપનાવ્યા છે. તે ઉદારવીર્ય સંકર્ષણ ભગવાને આપણી ઉપર મોટી કૃપા કરીને આ વિશુદ્ધ સત્ત્વમય સ્વરૂપ ધારણ કર્યું છે. ૧૦ જેમનાં નામોનું કોઇ પીડિત અથવા પતિત પુરુષ, કોઇ આપત્તિમાં અથવા હસીને પણ ઉચ્ચારણ કરે છે તો તે પુરુષ બીજા મનુષ્યનાં પણ બધાં પાપોનો તત્કાળ નાશ કરી દે છે. એવા શેષનારાયણ ભગવાનને છોડીને મુમુક્ષુ પુરુષ બીજા કોનો આશ્રય લઇ શકે ? ૧૧ આ પર્વતો, નદીઓ અને સમુદ્રો વગેરેથી પૂર્ણ સમગ્ર ભૂમંડળ તે સહસ્રશીર્ષા ભગવાનના એક મસ્તક ઉપર એક રજકણની જેમ રાખેલ છે. તેથી તેમના પરાક્રમનો કોઇ માપ નથી. કોઇક મનુષ્યની હજાર જીભ હોય તો પણ તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણના કરવાનું સહાસ કેવી રીતે કરી શકે ? ૧૨ વાસ્તવમાં તેમની શક્તિનો કોઇ અંત નથી. તથા તેમના ગુણો અને પ્રભાવ પણ અસીમ છે. એવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતળના મૂળમાં પોતાના જ મહિમામાં રહી સ્વતન્ત્ર છે. અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાથી જ પૃથ્વીને ધારણ કરેલ છે. ૧૩ હે રાજન્‌ ! ભોગોની કામનાવાળા પુરુષોને પોતાના કર્મોને અનુસારે પ્રાપ્ત થનાર ભગવાને રચેલી આ જ ગતિઓ છે. એમને જેવી રીતે ગુરુમુખથી મેં સાંભળ્યું હતું તેવી જ રીતે તને કઇ સંભળાવ્યું ૧૪ મનુષ્યને પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે પ્રાપ્ત થતી પરસ્પર વિલક્ષણ ઉત્તમ અને અધમ આદિ વિવિધ પ્રકારની ગતિઓ છે તે મેં તમને તમારા પ્રશ્નને અનુસારે કહી સંભળાવી. બીજુ શું કહી સંભળાવું ? ૧૫

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે સંકર્ષણ વર્ણન નામનો પચીસમો અધ્યાય સંપૂર્ણઃ (૨૫)