૮૫ વસુદેવને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપતા તથા દેવકીને પોતાના છ પુત્રો લાવી આપતા શ્રીકૃષ્ણ ભગવાન.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:35pm

અધ્યાય ૮૫

વસુદેવને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપતા તથા દેવકીને પોતાના છ પુત્રો લાવી આપતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે હે રાજા ! પછી એક દિવસે પાસે આવીને પગે લાગેલા પોતાના પુત્ર શ્રીકૃષ્ણ અને બળભદ્રને વસુદેવે પ્રીતિથી સત્કાર કરીને કહ્યું.૧ પુત્રોના પ્રભાવને સૂચવનારું મુનિઓનું વચન સાંભળી, જે વસુદેવને તે પુત્રોના પરાક્રમોથી વિશ્વાસ આવ્યો હતો તે વસુદેવે સંબોધન આપીને આ પ્રમાણે કહ્યું.૨

વસુદેવ કહે છે હે કૃષ્ણ ! હે મોટા યોગી ! હું તમો બન્નેને આ જગતના કારણ પ્રધાનપુરુષ જાણું છું. (શું અમો બન્નેને તમોએ પ્રધાનપુરુષ જાણ્યા ?) તો કહે છે કે નહિ, તમો બન્ને પ્રધાનપુરુષથી વિલક્ષણ છો, પ્રધાનપુરુષ તો તમારું શરીર છે. અને તમો શરીરી આત્મા છો.૩ જેમાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય પમાડવામાં આવે છે, તે સર્વરૂપ ભોગ્ય અને ભોક્તાના નિયંતા સાક્ષાત તમે જ છો.૪ હે પ્રભુ ! અજન્મા એવા તમો, પોતે સ્રજેલા આ અનેક પ્રકારના જગતમાં પોતાના રૂપથી પ્રવેશ કરી, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિરૂપ થઇને તેનું પોષણ અને ધારણ કરો છો.૫ જગતના કારણરૂપ પ્રાણાદિકની જે શક્તિઓ છે તે તમારી જ છે; કેમકે ચેષ્ટા કરનારા પ્રાણાદિક પદાર્થો પરતંત્ર છે, જડ છે છતાં ચેષ્ટાવાળાં છે, પણ શક્તિવાળાં નથી. જેમ ઘાસ આદિ પદાર્થોમાં ચલન છે પણ તે વાયુની શક્તિથી છે અને બાણમાં જે વેગ દેખાય છે એ પુરુષની શક્તિ છે, તેમ સર્વપદાર્થોની ચેષ્ટા તમારી શક્તિથી જ છે.૬ ચંદ્રની કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્ર તથા વિજળીની સ્ફુરણ સત્તા, પર્વતોની સ્થિરતા અને પૃથ્વીની આધારતા તથા ગંધ એ સર્વે આપની જ શક્તિ છે.૭ જળ, તેની તૃપ્ત કરવાની શક્તિ, જીવાડવાની શક્તિ અને તેનો રસ, એ સર્વે તમે જ છો. હે ઇશ્વર ! વાયુનું જે પ્રવૃત્તિ સામર્થ્ય, વેગ ધારણ સામર્થ્ય, ચેષ્ટા અને ગતિ છે તે તમારાં છે.૮ દિશાઓનો અવકાશ, દિશાઓ, આકાશ, પરા, પશ્યંતી અને મધ્યમા વાણી, અને સ્પષ્ટ અક્ષરોરૂપ થઇને આકૃતિઓને ભિન્ન ભિન્ન કહેનારી વૈખરીવાણી પણ તમે જ છો.૯ ઇંદ્રિયોમાં વિષયોનો પ્રકાશ કરવાની શક્તિ, ઇંદ્રિયોના અનુગ્રાહક દેવતાઓ, બુદ્ધિની નિશ્ચય શક્તિ અને અંત:કરણની ઉત્તમ અનુસંધાન શક્તિ તમે જ છો.૧૦ પાંચભૂતનું કારણ તામસાહંકાર, ઇંદ્રિયોનું કારણ રાજસાહંકાર, ઇંદ્રિયોના દેવતાનું કારણ સાત્વિકાહંકાર અને જીવોને સંસારનું કારણ પ્રધાન પ્રકૃતિ તમોજ છો.૧૧ જેમ નાશ પામનારા ઘટ અને કુંડળાદિક પદાર્થોમાં માટી અને સુવર્ણાદિક દ્રવ્ય નાશ પામનાર નથી, તેમ નાશ પામનારા ઉપર કહેલા સર્વે પદાર્થોમાં જે નહિ નાશ પામનાર પદાર્થ છે તે તમે છો.૧૨ સત્વાદિ ત્રણગુણ અને તેઓના પરિણામરૂપ મહતત્ત્વાદિક પદાર્થો સાક્ષાત તમારે વિષે તમારા સંકલ્પથી કલ્પાયેલા છે.૧૩ એટલાજ માટે આ સૃષ્ટિને વિષે સર્જાયેલા મહદાદિક ભાવો સર્વેથી વિલક્ષણ એવા તમારે વિષે નથી જ. જ્યારે એ પ્રકૃતિના વિકારો તમારે વિષે નથી જ, ત્યારે તમો એ પ્રકૃતિના વિકારોને વિષે અંદર પ્રવેશીને રહેલા છો, આ વિષયમાં શાસ્ત્રો પ્રમાણરૂપ છે.૧૪ આ ગુણોના પ્રવાહરૂપ સંસારમાં સર્વના આત્મા આપની સૂક્ષ્મગતિને નહિ જાણનારા લોકો, દેહાભિમાનથી કરેલાં કર્મોને લીધે જન્મ મરણ પામ્યા કરે છે.૧૫ હે ઇશ્વર ! સમર્થ ઇંદ્રિયોવાળો મનુષ્યદેહ કે જે અહીં દુર્લભ છે, તેને પામ્યા છતાં જે હું તમારી માયાથી સ્વાર્થ સાધવામાં પ્રમાદ ધરાવનાર છું, તે મારી ઘણી અવસ્થા જતી રહી.૧૬ આ દેહમાં ‘‘હું છું’’ એવા સ્નેહપાશથી અને દેહના પુત્રાદિકોમાં ‘‘આ મારા જ છે’’ એવા સ્નેહ પાશથી, તમે આ સર્વે જગતને બાંધી લો છો.૧૭ તમો અમારા પુત્ર નથી પણ પ્રધાન તથા પુરુષના ઇશ્વર છો અને પૃથ્વીના ભારરૂપ ક્ષત્રિયોનો નાશ કરવા સારુ અવતર્યા છો, કેમકે તમે એ પ્રમાણે જ કહેલું છે.૧૮ હે દીનબંધુ ! એટલા માટે શરણાગતોના સંસારરૂપી ભયને દૂર કરનારાં આપનાં ચરણારવિંદને આજ હું શરણે આવેલો છું. વિષયોની તૃષ્ણા આટલી રાખી તેટલાથી જ ઘણું છે કે જે તૃષ્ણાથી મને શરીરમાં આત્મબુદ્ધિ અને આપ ઇશ્વરમાં પુત્રબુદ્ધિ થયેલી છે.૧૯ આપે સુવાવડના ઘરમાં જ અમોને કહ્યું હતું કે  “તમારું જ્યારે સુતપા અને પૃશ્નિરૂપ જોડલું હતું, અને તે પછી કશ્યપ અને અદિતિરૂપ જોડલું હતું, અને હમણાં વસુદેવ અને દેવકીરૂપ જોડલું છે, ત્યારે તમારાથી હું અજન્મા છતાં જ જન્મ્યો હતો. અને જન્મ્યો છું.’’ તમે આકાશની પેઠે અસંગ રહીને જ અનેક અવતાર ધરો છો અને મૂકો છો. હે પ્રભુ ! સર્વત્ર વ્યાપક એવા આપની વિભૂતિરૂપ માયાનો કોણ નિશ્ચય કરી શકે.૨૦

શુકદેવજી કહે છે યાદવોમાં ઉત્તમ અને વિનયથી નમ્ર બનેલા ભગવાને, આ પ્રમાણે પિતાનું વચન સાંભળી, હસતાં હસતાં મધુર વાણીથી તેમણે આ પ્રમાણે કહ્યું.૨૧

ભગવાન કહે છે હે પિતા ! અમે તમારા પુત્રો છીએ, તેઓના વિષયમાં તમે જે તત્ત્વના સમૂહનું સારી રીતે નિરૂપણ કર્યું, તે તમારા વચનને અમો યથાર્થ માનીએ છીએ.૨૨ હે યાદવોમાં ઉત્તમ ! હું, તમે, આ મોટાભાઇ, દ્વારકાના રહેવાસીઓ અને સર્વે આ સ્થાવર જંગમોના વિષયમાં પણ તમારે એવો વિચાર જ રાખવો.૨૩ પરમાત્મા એક છે, સ્વયં પ્રકાશ છે, નિત્ય છે, પ્રાકૃતગુણોથી રહિત છે, સ્વરૂપે કરીને સર્વથી વિલક્ષણ છે, છતાં પણ પોતે જ સર્જેલા ગુણોના પરિણામભૂત મહદાદિક તત્ત્વોદ્વારા સર્જાયેલા દેવ મનુષ્યાદિક ભૂતોને વિષે વ્યાપ્ત જણાય છે. જેમ આકાશાદિ પાંચભૂતો વ્યાપ્યને અનુસારે આવિર્ભાવ, તિરોભાવ, અભ્યભાવ, બૃહદ્‌ભાવ, એકભાવ અને અનેકભાવને પામે છે. તેમ આ પરમાત્મા પણ ક્યારેક આવિર્ભાવ, ક્યારેક તિરોભાવ, ક્યારેક અભ્યભાવ, ક્યારેક બૃહદ્‌ભાવ અને સ્વત: એક હોવા છતાં વ્યાપીને અનેક ભાવને પામે છે.૨૪-૨૫

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી રાજી થયેલા અને જેની ભેદબુદ્ધિ મટી ગઇ એવા વસુદેવ ચુપ રહ્યા.૨૬ પછી પોતાના પુત્રોએ ગુરુના પુત્રને લાવી દીધેલો સાંભળી બહુ જ વિસ્મય પામેલાં, કંસે મારી નાખેલા પોતાના આગલા પુત્રોને સંભારતાં, સર્વમાં માન પામેલાં અને વિહ્વળતાથી જેનાં નેત્રમાં આંસુ હતાં એવાં દેવકીએ, ત્યાં શ્રીકૃષ્ણ અને બળદેવજીને બોલાવીને આ પ્રમાણે દીનવચન કહ્યું.૨૭-૨૮

દેવકી કહે છે હે બળદેવ ! હે કળ્યામાં ન આવે એવા સ્વરૂપવાળા ! હે કૃષ્ણ ! હે યોગેશ્વરોના ઇશ્વર ! તમો બન્ને પ્રજાપતિઓના ઇશ્વર અને આદિ પુરુષ છો એમ હું જાણું છું.૨૯ કાળથી સત્વગુણ નાશ પામતા શાસ્ત્રોનું ઉલ્લંઘન કરી વર્તનારા અને પૃથ્વીને ભાર જેવા લાગતા રાજાઓનો નાશ કરવાને માટે, તમો મારા ઉદરથી અવતર્યા છો.૩૦ હે વિશ્વના આત્મા ! જેના અંશના અંશરૂપ માયાના ગુણોના લેશથી જગતની ઉત્પત્યાદિક થાય છે તે આપને હું શરણે આવેલી છું.૩૧ હે ઇશ્વર ! ઘણા કાળથી મરી ગયેલા પુત્રને લાવી આપવા ગુરુએ આજ્ઞા કરતાં, તમોએ યમલોકમાંથી તે પુત્રને લાવી, ગુરુને ગુરુદક્ષિણારૂપે આપ્યો હતો, તે પ્રમાણે મારી ઇચ્છાને પરિપૂર્ણ કરો. કંસે મારી નાખેલા મારા પુત્રોને તમોએ અહીં લાવી આપેલા જોવાને ઇચ્છું છું.૩૨-૩૩

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે જનનીએ પ્રેરેલા બળદેવ અને શ્રીકૃષ્ણ પોતાની યોગમાયાના બળથી પાતાળમાં ગયા.૩૪ જગતના આત્મા તથા દૈવરૂપ અને પોતાના તો અત્યંત ઇષ્ટદેવ, એ બે ભાઇઓને પાતાળમાં આવેલા જોઇ, તેમનાં દર્શનના આનંદથી જેનું અંત:કરણ વ્યાપ્ત થઇ ગયું એવા બળિરાજા, તરત ઊઠીને પોતાના પરિવાર સહિત પગે લાગ્યા, અને પ્રીતિથી તેઓને ઉત્તમ આસન લાવી આપ્યું. તેઓ બેઠા પછી તેઓના ચરણ ધોઇને તે જળ કે, જેણે બ્રહ્માપર્યંત જગતને પવિત્ર કર્યું છે, તેને પરિવાર સહિત બળિરાજાએ માથે ચઢાવ્યું.૩૫-૩૬ ઉત્તમ વસ્ત્ર, આભરણ, લેપન, તાંબૂલ, દીપ અને અમૃતભોજન આદિ વિભૂતિઓથી તથા પોતાના વંશ, ધન અને દેહના સમર્પણથી બળિરાજાએ તેઓની પૂજા કરી.૩૭ હે રાજા ! પ્રેમથી આર્દ્ર થયેલી બુદ્ધિથી ભગવાનનાં ચરણારવિંદને વારંવાર ધારણા કરતા, આનંદનાં આંસુથી વ્યાકુળ નેત્રવાળા અને જેનાં રુવાંડાં ઊભાં થઇ ગયાં છે, એવા બળિરાજાએ ગદ્‌ગદ વાણીથી તેઓને આ પ્રમાણે કહ્યું.૩૮

બળિરાજા કહે છે મોટા શેષનાગરૂપી આપને પ્રણામ કરું છું. જગતના વિધાતા, સાંખ્ય તથા યોગને વિસ્તારનારા, બ્રહ્મ અને પરમાત્મારૂપ આપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું.૩૯ જોકે આપનું દર્શન પ્રાણીઓને દુર્લભ છે, તોપણ કેટલાકને સુલભ છે. કેમકે રજોગુણી અને તમોગુણી સ્વભાવવાળા અમોને યદૃચ્છાથી તમે દર્શન દીધું.૪૦ દૈત્ય, દાનવ, ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, યક્ષ, રાક્ષસ, પિશાચ, ભૂત, પ્રમથના પતિઓ, અમો તથા તેવા જ બીજા પણ લોકો કે જેઓ સાક્ષાત શુદ્ધ સત્વમય અને વેદરૂપી શરીરવાળા આપની સાથે નિરંતર વૈર રાખનારા છે, છતાં પણ તેઓને તમારું દર્શન મળે છે, માટે એકલું દુર્લભ જ છે એમ કહી શકાતું નથી.૪૧-૪૨ જેવી રીતે કેટલાક લોકો વૈરથી, કેટલાક ભક્તિથી, કેટલાક કામથી તમારા સ્વરૂપને પામ્યા છે, તેવી રીતે સત્વગુણવાળા દેવતાઓ પણ પામ્યા નથી.૪૩ હે ઇશ્વર ! ઘણું કરીને યોગીઓ પણ તમારી માયાને જાણતા નથી, ત્યારે અમો તો ક્યાંથી જાણીએ ?૪૪ એટલા માટે અમારી ઉપર એવી કૃપા કરો કે જે કૃપાથી નિષ્કામ પુરુષોએ પણ શોધવા યોગ્ય આપના ચરણારવિંદરૂપી આશ્રયથી પાપયુક્ત ઘરરૂપી ઊંડા ખાડામાંથી નીકળીને, વૃક્ષોના મૂળમાં પોતાની મેળે જ પડેલાં ફલાદિકથી આજીવિકા મેળવી, હું શાંત થઇને એકલો જ અથવા સર્વના મિત્રરૂપ મહાત્મા પુરુષોની સાથે ફરું.૪૫ હે સર્વના સ્વામી ! અમોને આજ્ઞા કરી નિષ્પાપ કરો, કે જે આજ્ઞાને શ્રદ્ધાથી પાળનાર પુરુષ વિધિનિષેધના બંધનમાંથી છૂટે છે.૪૬

આ સર્વે વાતની હા પાડીને ભગવાન કહે છે સ્વાયંભુવ મન્વંતરમાં મરીચિ ઋષિને ઊર્ણા નામની સ્ત્રીમાં છ પુત્રો થયા હતા. એ છ દેવો, પુત્રીમાં મૈથુન કરવા સજ્જ થયેલા બ્રહ્માને જોઇને હસ્યા હતા.૪૭ તે પાપકર્મથી તરત અસુરની યોનિને પામીને હિરણ્યકશિપુના પુત્રો થયા હતા. પછી તેઓને ત્યાંથી યોગમાયા લઇ જતાં દેવકીના ઉદરથી જન્મ્યા હતા કે જેઓને કંસે મારી નાખ્યા. એ પોતાના પુત્રોનો દેવકી શોક કરે છે. તે આ છ જણ તમારી પાસે બેઠા છે, માટે માતાનો શોક મટાડવા સારુ તેઓને અહીંથી લઇ જઇશું. ત્યાંથી શાપમાંથી છૂટી સંતાપ રહિત થઇને દેવલોકમાં જશે.૪૮-૫૦ સ્મર, ઉદ્‌ગીથ, પરિષ્વંગ, પંતગ, ક્ષુદ્રભૃત અને ઘૃણી એ આ છ જણ મારી કૃપાથી દેવલોક પામ્યા પછી પાછા મોક્ષ પામશે.૫૧

શુકદેવજી કહે છે બળિરાજાએ પૂજેલા શ્રીકૃષ્ણ અને બળદેવજી આ પ્રમાણે કહી, તેઓને લઇ  દ્વારકામાં આવીને તે પુત્રો પોતાની મા દેવકીને પામ્યા.૫૨ એ બાળકોને જોઇ પુત્રના સ્નેહથી જેને પાનો આવ્યો, એવાં દેવકી તેઓનું આલિંગન કરી ખોળામાં વારંવાર તેઓનાં માથા સૂંઘવા લાગ્યાં.૫૩ જગતની સૃષ્ટિને પ્રવર્તાવનારી વિષ્ણુની માયાથી મોહ પામેલાં અને પુત્રોના સ્પર્શથી આનંદમાં મગ્ન થયેલાં દેવકીએ પ્રીતિથી તેઓને સ્તનપાન કરાવ્યું.૫૪ ભગવાને પીતાં બાકી રહેલું તે દેવકીનું અમૃત સરખું દૂધ પીવાથી અને નારાયણના અંગના સ્પર્શથી જેઓને આત્મજ્ઞાન મળ્યું, એવા એ છ જણ ભગવાનને, દેવકીને, વસુદેવને, અને બળદેવજીને પ્રણામ કરી, સર્વે લોકોના દેખતા દેવલોકમાં ગયા.૫૫-૫૬ મૃત્યુ પામેલાઓનું આવવું અને પાછુ જવું જોઇને વિસ્મય પામેલાં દેવકીએ, એ સઘળી ભગવાને રચેલી માયા જ માની.૫૭ હે રાજા ! અનંત શક્તિવાળા પરમાત્મા શ્રીકૃષ્ણનાં આવાં અદ્ભુત ચરિત્રો અનંત છે.૫૮

સૂત શૌનક ઋષિને કહે છે શકદેવજીએ વર્ણવેલાં, જગતનાં પાપોને અત્યંત મટાડનારાં અને ભક્તોના કાનને ઉત્તમ આભૂષણરૂપી આ મનોહર કીર્તિવાળા શ્રીકૃષ્ણનાં ચરિત્રને જે માણસ ભગવાનમાં ચિત્ત રાખીને સાંભળે અથવા સંભળાવે તે માણસ ભગવાનના નિર્ભય સ્થાનકને પામે છે.૫૯

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પંચાશીમો અધ્યાય સંપૂર્ણ.