૦૬ ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:19pm

અધ્યાય - ૬


श्रीपरमात्मने नमः
अथ षष्ठोऽध्यायः

श्रीभगवानुवाच
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६- १॥

શ્રી ભગવાન કહે છે =
કર્મફળનો આશ્રય-ઉદેશ નહિ રાખતાં શાસ્ત્રવિહિત કરવા યોગ્ય કર્મને જે કર્યા કરે છે, તેજ ખરો સંન્યાસી અને તેજ ખરો યોગી છે. પણ અગ્નિહોત્રાદિક કર્મ છોડી દેનાર, અગર ક્રિયામાત્ર છોડી દેનાર, સંન્યાસી કે યોગી કહેવાતોજ નથી ।।૬- ૧।।

यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६- २॥

હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે, તેને જ યોગ એમ જાણ ! અને સંકલ્પમાત્રનો સમૂળગો ત્યાગ કર્યા સિવાય કોઇ પણ યોગી એટલે કર્મયોગી થઇ શકતો નથી. ।।૬- ૨।।

आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६- ३॥

યોગમાર્ગમાં વધવાને માટે ઇચ્છતા મુનિને કર્મયોગ એજ કારણ છે. અને યોગારૂઢ-યોગસિદ્ધ થયેલા તેજ યોગીને તેમાં શમ એ કારણ છે. ।।૬- ૩।।

यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६- ४॥

જ્યારે ઇન્દ્રિયોના અર્થોમાં-વિષયોમાં તેમજ તે વિષયોનાં સાધનભૂત કર્મોમાં, નથી જોડાતો, અને સર્વ સંકલ્પોનો સમૂળગો ત્યાગ કરી દેછે. ત્યારે તે યોગારૂઢ એમ કહેવાય છે. ।।૬- ૪।।

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६- ५॥

મનુષ્ય વિવેકે યુક્ત જીતેલા મનથી આત્માનો ઉદ્ધાર કરે, પણ આત્માનો અધઃપાત ન થવા દે. કારણ કે જીતેલું મન જ આત્માનો બન્ધુ-હિતકારક છે, અને નહિ વશ કરેલું મન જ આત્માનો-પોતાનો શત્રુ છે. ।।૬- ૫।।

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६- ६॥

જેણે પોતાની વિવેકવાળી બુદ્ધિથી પોતાનું મન જીત્યું છે તે આત્માનો બન્ધુ તે જીતેલું મન જ છે. અને જેને પોતાનું મન વશમાં નથી તેને તો તે મન જ અધઃપાત કરનારૂં શત્રુની માફક વર્તે છે. ।।૬- ૬।।

जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६- ७॥

જેણે પોતાનું મન જીત્યું છે અને જે સર્વથા શાન્ત થયેલો છે. તે પુરૂષને શીત-ઉષ્ણ, સુખ દુ:ખ, તથા માન-અપમાન, એ સર્વ સમયમાં પોતાનો શ્રેષ્ઠ-શુદ્ધ આત્મા સમાધાન પામેલો સ્થિરભાવે વર્તે છે. ।।૬- ૭।।

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६- ८॥

જ્ઞાન-વિજ્ઞાનથી સદાય તૃપ્ત-સંતુષ્ટ આત્મા જેનો છે. અને તેથીજ કૂટસ્થ-નિર્વિકાર અને સર્વથા જીત્યાં છે ઇન્દ્રિયો જેણે અને તેથીજ કચરો, પાષાણ અને કનકમાં પણ જેને સમભાવ વર્તે છે, તેજ ખરો યોગ્યતાવાળો યોગી કહેવાય છે.।।૬- ૮।।

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६- ९॥

સુહ્રદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય જનોમાં, બન્ધુ જનોમાં, અને સાધુ જનોમાં, તેમજ પાપી જનોમાં પણ, સમાન બુદ્ધિ રાખનારોજ વિશેષ-શ્રેષ્ઠ મનાય છે. ।।૬- ૯।।

योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६- १०॥

યોગ સાધનાર યોગીજન એકાન્ત સ્થાનમાં એકલા રહીને, ચિત્ત અને આત્મા-અન્તઃકરણને નિયમમાં રાખીને, સઘળી ઇચ્છાઓ છોડી દઇને અપરિગ્રહ રહીને આત્માને પરમાત્મસ્વરૂપમાં અખંડ જોડે-સંલગ્ન કરે. ।।૬- ૧૦।।

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६- ११॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६- १२॥

બહુ ઉંચું નહિ તેમ બહુ નીચું પણ નહિ એવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર, તે એક બીજાની ઉપર રાખીને, તેવું પોતાનું સ્થિર આસન પવિત્ર જગ્યામાં સ્થાપન કરીને. તે આસન ઉપર બેસીને મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારને કાબુમાં કરીને આત્મસ્વરૂપની વિશુદ્ધિ માટે યોગાભ્યાસ કરે. ।।૬- ૧૧-૧૨।।

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६- १३॥
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६- १४॥

શરીરનો મધ્ય ભાગ, મસ્તક અને ગ્રીવા એ અંગોને સીધાં, સરખાં અને નિશ્ચળ રાખીને, પોતે સ્થિર થઇને, આસ-પાસ દિશાઓ પણ નહિ જોતાં પોતાની નાસિકાના અગ્ર-સામુંજ જોઇ રહીને. ।

અને પોતાના મનને સર્વથા શાન્ત રાખીને, ટળી ગયો છે ભય જેને, બ્રહ્મચારી ધર્મમાં દૃઢ રહીને, મનનો સંયમ કરીને, મારામાંજ ચિત્ત રાખીને, મત્પરાયણ થઇને, સાવધાન થકો યોગાભ્યાસ કરવા બેસે-વર્તે. ।।૬- ૧૩-૧૪।।

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६- १५॥

આ પ્રમાણે પોતાનો યોગાભ્યાસ સદાય કર્યા કરનારો યોગી પોતાના મનને વશમાં કરીને નિર્વાણપ્રધાન એવી મારા સ્વરૂપમાં રહેલી પરમ શાન્તિ પામે છે. ।।૬- ૧૫।।

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६- १६॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६- १७॥

આ યોગ બહુ ખાનારને સિદ્ધ થતો નથી, તેમજ મુદૃલ નહિ ખાનારને પણ નથી થતો. હે અર્જુન અતિ ઉંઘવાના સ્વભાવાળાને પણ નહિ, તેમ સર્વથા જાગનારને પણ નહિજ. ।

પણ આહાર-વિહાર યોગ્ય-પ્રમાણસર કરનારને, તથા ક્રિયાઓ પણ યોગ્ય પ્રમાણમાંજ કરનારને, તેમજ ઉંઘવું અને જાગવું તે પણ જેનું યોગ્ય નિયમસરજ છે, તેવા નિયમિત સંયમી પુરૂષનેજ આ દુ:ખને હણનારો યોગ સિદ્ધ થાય છે. ।।૬- ૧૬-૧૭।।

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६- १८॥

વિશેષપણે નિયમમાં કરેલું મન જ્યારે આત્મસ્વરૂપમાંજ સ્થિર થઇને રહે છે. અને સર્વ કામનાઓથી રહિત થઇ જાય છે, ત્યારેજ તે યોગી પરમાત્મોપાસનમાં યુક્ત-યોગ્યતાવાળો કહેવાય છે. ।।૬- ૧૮।।

यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६- १९॥

વાયુ વિનાના પ્રદેશમાં રહેલો દીપક જેમ નહિ કંપતા- સ્થિર રહેછે, તે દીપની ઉપમા, ચિત્તને નિયમમાં કરીને યોગાભ્યાસ કરનાર યોગીના મનને કહેલી છે. ।।૬- ૧૯।।

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६- २०॥

सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६- २१॥

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६- २२॥

तं विद्याद्‌दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥६- २३॥

યોગાભ્યાસથી રોકાયેલું ચિત્ત જે યોગાભ્યાસમાં રમમાણ રહે છે. અને વળી જે યોગમાં વશ કરેલા શુદ્ધ મનથી આત્મસ્વરૂપમાંજ પરમાત્સ્વરૂપને જોતાં સન્તુષ્ટ વર્તે છે. ।
અને જ્યાં કેવળ બુદ્ધિગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્યન્તિક સુખ તેને જાણે છે-અનુભવે છે. અને જેમાં સ્થિર થયેલો યોગી તત્ત્વ-પરમાત્મસ્વરૂપથી ચળાયમાન થતો નથી. ।
અને જે પરમાત્મલાભને પામીને તે સિવાયના બીજા લાભને તેથી અધિક નથી માનતો. અને જેમાં સ્થિત થઇને ગમે તેવા મોટા દુ:ખથી પણ તેને ચળાયમાન કરી શકતો નથી. ।
તેને સાંસારિક કલેશમાત્રના સંયોગને દૂર કરનાર યોગ નામે જાણે. અને તે યોગને કંટાળા સિવાયના સતત ઉત્સાહી ચિત્તથી અભ્યાસ કરવો જોઇએ. ।।૬- ૨૦-૨૩।।

संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६- २४॥

शनैः शनैरुपरमेद्‌बुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६- २५॥

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६- २६॥

સંકલ્પથી ઉપજતા સર્વ કામ-વાસનાઓનો સર્વ પ્રકારે ત્યાગ કરીને અને ઇન્દ્રિયોના સમૂહને મનથી ચોતરફથી વિશેષપણે નિયમમાં કરીને. ।
અને ધૈર્યથી સ્થિર કરેલી બુદ્ધિથી ધીરે ધીરે વિષયોથી ઉપરામ પામે. અને મનને આત્મસ્વરૂપમાં સમ્યક્‌ પ્રકારે સ્થિર કરીને તે સિવાય બીજું કાંઇ પણ ન સંભારે. ।
આમ કરવા છતાં પણ અસ્થિર અને અતિ ચંચળ મન જે જે ઇન્દ્રિયદ્વારા બહાર પ્રસરે, ત્યાંથી ત્યાંથી તેને નિયમમાં કરીને આત્મસ્વરૂપમાં અથવા પરમાત્મસ્વરૂપમાં વશ-સ્થિર કરે. ।।૬-  ૨૪-૨૬।।

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६- २७॥

આવા પ્રશાન્ત મનવાળા, મલીન ભાવથી રહિત થયેલા, કામાદિક વિકારરૂપ કલ્મષથી રહિત અને બ્રહ્મરૂપ થયેલા એ યોગીને સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ।।૬- ૨૭।।

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६- २८॥

આ પ્રમાણે સદાય પરમાત્મસ્વરૂપમાં જોડનાર યોગી સઘળાં કલ્મષથી રહિત શુદ્ધ બનીને પરમાત્મસાક્ષાત્કારથી પ્રાપ્ત થતા આત્યન્તિક-નિરવધિક સુખનો અનુભવ સુખેથી-અનાયાસે કરે છે. ।।૬- ૨૮।।

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६- २९॥

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६- ३०॥

યોગયુક્ત આત્મા જેનો થયેલો છે એવો સિદ્ધ યોગી સર્વત્ર સમદર્શનવાળો થઇને સર્વ ભૂત પ્રાણીમાત્રમાં સમ ભાવે રહેલા પોતાના આત્માને જુએ છે અને સર્વ ભૂતોને પોતાના આત્મામાં સમ ભાવે જુએ છે. ।

અને જે મને સર્વમાં જુએ છે. અને સર્વ મારામાં છે એમ જુએ છે. તો તેવા સમ્યક્‌ દર્શનવાળા પરમ જ્ઞાની ભક્તને હું કયારેય અગોચર રહેતો નથી. અને તે જ્ઞાની ભક્ત કયારેય મને અગોચર રહેતો નથી. ।।૬- ૨૯-૩૦।।

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६- ३१॥

અને આવું એકત્વ-સમદર્શન પામેલો જે જ્ઞાની ભક્ત સર્વ ભૂતમાં વાસ કરી રહેલા મને સર્વ પ્રકારે ભજે છે, તો તે યોગી આ લોકમાં વર્તતો હોવા છતાં સદાય મારામાંજ વર્તે છે. ।।૬- ૩૧।।

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६- ३२॥

માટે હે અર્જુન ! સર્વ પ્રણીમાત્રમાં જે પોતાની ઉપમાથીજ સુખ અથવા તો દુ:ખને સમાનપણે જુએ છે-માને છે. તો તેજ પરમ- સર્વોત્કૃષ્ટ યોગી માનેલો છે. ।।૬- ૩૨।।

अर्जुन उवाच
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६- ३३॥
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्‌दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६- ३४॥

અર્જુન પૂછે છે =
હે મધુસૂદન ? જે આ સમ ભાવથી રાખવાનો સામ્ય યોગ તમે મને કહ્યો, એ સામ્ય યોગની સ્થિર સ્થિતિ હું મનની ચંચળતાને લીધે જોઇ શકતો નથી. ।
કારણ કે હે કૃષ્ણ ! મન ખરેખર ચંચળ, તોફાની, અતિ બળવાન અને અતિ દૃઢ છે, માટે તે મનનો નિગ્રહ કરવો તેતો સર્વતોગામી વાયુનો નિગ્રહ કરવા જેવું અતિ દુષ્કર કાર્ય છે એમ હું માનું છું. ।।૬- ૩૩-૩૪।।

श्रीभगवानुवाच
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६- ३५॥

શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! અર્જુન ! મનનો નિગ્રહ કરવો તે અતિ દુષ્કર છે. અને તે અતિ ચંચળ છે. એ વાત નિઃસંશય એમ જ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરી શકાય છે. ।।૬- ૩૫।।

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥६- ३६॥

જેનું મન વશમાં નથી એવા પુરૂષે તો એ પરમાત્મયોગ દુષ્પ્રાપ છે, એમ મારો મત-નિશ્ચય છે. પણ વશ્ય મનવાળાએ તો અભ્યાસ અને વૈરાગ્યરૂપ ઉપાયથી પ્રયત્ન કરતાં પામવાને શક્યજ છે. ।।૬- ૩૬।।

अर्जुन उवाच

अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥६- ३७॥

कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥६- ३८॥

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥६- ३९॥

અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! શ્રદ્ધાએ યુક્ત થકો યોગમાં પ્રવર્તે, પણ પ્રયત્ન નહિ કરતાં અધવચ યોગથી મન ચળી જાય, તો તે યોગની પૂર્ણ સિદ્ધિને નહિ પામતાં શી ગતિને પામે છે ? ।

હે મહાબાહો ! શ્રી કૃષ્ણ ! યોગમાં પ્રતિષ્ઠા નહિ પામેલો અને બ્રહ્મપ્રાપ્તિના માર્ગમાં વિમૂઢ બનીને પડેલો એમ બન્ને તરફથી ભ્રષ્ટ થયેલો તે સાધક શું છૂટા પડેલા વાદળના ટુકડાની પેઠે નાશ પામી જાય છે ? ।
હે કૃષ્ણ ! આ મારો સંશય તમે સમગ્રપણે છેદવાને યોગ્ય છો. કારણ કે તમારા સિવાય બીજો કોઇ આ મારા સંશયનો છેદનાર મને જણાતો નથી. ।।૬- ૩૭-૩૯।।

श्रीभगवानुवाच

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्‌दुर्गतिं तात गच्छति ॥६- ४०॥

શ્રી ભગવાન કહે છે -
તેનો આ લોકમાં અને પરલોકમાં પણ વિનાશ-માર્ગથી ભ્રષ્ટ થતોજ નથી. કારણકે હે તાત ! કલ્યાણના સાધનમાં પ્રવર્તેલો કોઇ દુર્ગતિને પામતોજ નથી. ।।૬- ૪૦।।

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥६- ४१॥

अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥६- ४२॥

પણ તે તો પુણ્યશાળીના લોકોને પામીને ત્યાં ઘણા કાળ વસીને અને પછી એ યોગભ્રષ્ટ પુરૂષ શ્રીમન્તને ઘરે અવતરે છે. ।
અથવા તો મહાબુદ્ધિમન્ત યોગીજનોના કુળમાંજ પ્રગટ થાય છે. અને આવું જે જન્મ મળવું તે આ લોકમાં અતિ દુર્લભમાં દુર્લભ મનાય છે. ।।૬- ૪૧-૪૨।।

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥६- ४३॥

અને તે પ્રાપ્ત થયેલા જન્મમાં પૂર્વ દેહના સંસ્કારસિદ્ધ તે બુદ્ધિસંયોગને પામે છે. હે કુરૂનન્દન ! આવો જન્મ પામીને પછી યોગસિદ્ધિ મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરે છે. ।।૬- ૪૩।।

पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६- ४४॥

અને પૂર્વ જન્મના અભ્યાસબળથીજ તેને ઇચ્છા ન હોય તો પણ પરવશપણેજ તે તરફ આકર્ષણ થાય છે. આમ પરમાત્મયોગનો જીજ્ઞાસુ જન પણ શબ્દ બ્રહ્મને અતિક્રમણ કરી જાય છે. (એવો યોગનો મહિમા છે.) ।।૬- ૪૪।।

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥६- ४५॥

આ રીતે પ્રયત્નપૂર્વક નિરંતર મંડ્યો રહેનાર યોગી પાપથી સર્વથા શુદ્ધ થઇને અનેક જન્મે સંસિદ્ધ થઇને આખરે પરમ ગતિનેજ પામે છે. ।।૬- ૪૫।।

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥६- ४६॥

માટે તપસ્વીઓ કરતાંય યોગી અધિક છે, જ્ઞાનીઓ કરતાં પણ અધિક જ માનેલો છે. તો પછી કેવળ કર્મ કરનારાઓ કરતાં તો અધિક છેજ. માટે હે અર્જુન ! તું પણ કર્મયોગી-પરમાત્મોપાસકજ થા. ।।૬- ૪૬।।

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥६- ४७॥

કારણ કે- બધા પ્રકારના યોગીઓના મધ્યે જે મારામાં અન્તઃકરણ પરોવીને શ્રદ્ધાવાન્‌ થઇને મનેજ ભજે છે, તેજ યુક્તતમ-સર્વશ્રેષ્ઠ યોગી મેં માનેલો છે. ।।૬- ૪૭।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ॥ ६ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અભ્યાસયોગોનામ ષષ્ઠોઽધ્યાયઃ ।।૬।।