(૧૩) રાજધર્મપ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:59pm

રાજધર્મપ્રકરણમ્ (૧૩)

 

મહાન્ ઊત્સાહીત દાનશીલ, કૃતજ્ઞ, વૃદ્ધોની સેવા કરનાર, વિનમ્ર, સદાચારી, કુળવાન, સત્યવાદી, પવિત્ર, અદીર્ઘસૂત્રી, સ્મૃતિશકિતવાળો, સદગુણી, અન્યના દોષ ન કહેનાર, ર્ધામિક, નિર્વ્યસની, બુદ્ધિમાન્, વીર, રહસ્ય છુપાવવામાં ચતુર, રાજયના પ્રવેશદ્વારને ગુપ્ત રાખનાર, આન્વીક્ષિકી તેમજ દંડનીતિનો જાણકાર, તથા વિદ્યા અને કૃષિવાણિજયમાં પ્રવીણ એવો રાજા હોવો જોઈએ. ૩૦૯ થી ૩૧૧

તે રાજાએ જ્ઞાની, પૂર્વ વંશપરંપરાથી સ્થિર થયેલા ધૈર્યવાન્ પવિત્ર પુરૂષને મંત્રી બનાવવો. અને તેની સાથે રાજયના સંધિ વિગ્રહ વગેરે ઊપર વિચાર કરવો. પછી વિદ્વાને બ્રાહ્મણની સાથે પરામર્શ કરવો. ત્યારબાદ પોતે પોતાની બુદ્ધિને અનુસારે તેનો વિચાર કરે. ૩૧૨

દૈવજ્ઞ, સર્વશાસ્ત્રોના જ્ઞાન અને અનુષ્ઠાનથી અધિક બુદ્ધિના ઊદયને પામેલો, દંડનીતિમાં કુશળ તથા શાંત અને ઘોર કર્મમાં કુશળ હોય તેવા પુરૂષને પુરોહિત કરવો. ૩૧૩

અગ્નિહોત્રાદિ શ્રૌત અને ઊપાસનાદિ સ્માર્ત કર્મોનું અનુષ્ઠાન કરવા માટે ઋત્વિજોની નિયુકિત કરવી. વિધિપૂર્વક વધુ દક્ષિણા સાથે રાજયસૂર્ય વગેરે યજ્ઞ કરવા. ૩૧૪

બ્રાહ્મણોને સુખ તથા સોનું ચાંદી વગેરે અનેક પ્રકારનું ધન આપવું, કારણ કે રાજા જે કાંઈ બ્રાહ્મણને આપે છે તેથી તેની અક્ષય સંપત્તિ થાય છે. ૩૧૫

અગ્નિમાં હોમ કરવો તે કરતાં બ્રાહ્મણરૂપી અગ્નિમાં હોમ કરવો તે વધુ શ્રેયસ્કર છે. કારણ કે (બ્રાહ્મણરૂપી અગ્નિમાં) સ્કંદન (હવન કરતી વખતે પડતાં ઘીનાં ટીપાં) દોષથી રહિત પશુહિંસા વગેરેથી રહિત તથા યજ્ઞમાં ન્યૂનાધિક થવાના પ્રાયશ્ચિત્તથી રહિત હોય છે. ૩૧૬

અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, તથા પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવું જોઈએ. રક્ષાયેલી વસ્તુનો નીતિપૂર્વક વધારો (વૃદ્ધિ) કરવો અને વૃદ્ધિ પામેલી વસ્તુનું સત્પાત્રમાં દાન કરવું. ૩૧૭

રાજાએ ભૂમિ વગેરેનું દાન કરીને અથવા લેખ (દસ્તાવેજ) લખીને લખાણ કરી રાખવું. જેથી ભવિશ્યમાં થનારા સારા રાજાઓને તેની જાણ થાય. ૩૧૮

વસ્ત્ર ઊપર અથવા તાંબાના પતરા આપણી મોહોર મારીને રાજાએ પોતાના પૂર્વજ રાજાઓના નામ તથા પોતાનું નામ અને દાન કરવાની વસ્તુનું પરિમાણ વગેરેનું વિવરણ લખાવવું. ત્યારબાદ પોતાના હાથે પિતૃનામ સહિત પોતાનું નામ (સહી) તથા તિથિ લખીને રાજાની આજ્ઞાને પ્રામાણિત કરવી. ૩૧૯-૩૨૦

રમણીય, પશુઓ માટે ઘાસચારો મળી રહે તેવા અને આજીવિકા ચાલે તેવા વન પ્રદેશમાં રહેવું. અને તે સ્થાને સ્વજનો, કોશ અને પોતાની રક્ષા માટે દુર્ગસ્થાન કરવું ૩૨૧

તે તે ધર્મ અર્થ કામાદિક કર્મો, આયકર્મ, વ્યયકર્મમાં યોગ્ય કાર્યકુશળ, પવિત્ર અને કર્તવ્યનિષ્ઠ અધ્યક્ષોની નિમણુંક કરવી. ૩૨૨

રાજાઓને આથી કોઈ વિશેષ ધર્મ નથી કે યુદ્ધમાં અપહૃત ધનદ્રવ્ય બ્રાહ્મણોને દાનમાં આપવું અને પોતાની પ્રજાને અભયદાન આપવું. ૩૨૩

જે ભૂમિ માટે યુદ્ધમાં નિષ્કપટ (વિષથી યુકત ન હોય તેવા) આયુધથી સન્મુખ મૃત્યુ પામે છે, તેઓ યોગીઓની સમાન સ્વર્ગલોકને પામે છે. ૩૨૪

પોતાની સેના નાશ પામી હોય છતાં શત્રુની સેના સન્મુખ લડતા રાજાના પ્રત્યેક પગલાં યજ્ઞોની સમાન હોય છે. અને તે અથડાઈને ભાગનારાના શુભકર્મોના પુણ્યને પ્રાપ્ત કરે છે. ૩૨૫

હું તમારો છું એમ કહેનાર, નપુંસક, શસ્ત્રહીન, બીજાની સાથે યુદ્ધ કરનાર, યુદ્ધથી નિવૃત્ત, અને યુદ્ધ જોવા માટે આવેલ આટલી વ્યકિતઓને ન મારવી. ૩૨૬

નગરની અને પોતાની રક્ષાકરીને રાજાએ પોતે આવક જાવકનો હિસાબ જોવો. ત્યારબાદ વ્યવહાર જોવો અને પછી સ્નાન કરી યથેચ્છ ભોજન કરવું. ૩૨૭

સુવર્ણાદિક લાવવા માટે નિયુકત વ્યકિતઓ દ્વારા લાવેલ સોનું જોઈને ભંડારમાં રાખવું. ગુપ્તચરો સાથે વાતચીત કરવી, અને પછી મંત્રી સાથે મંત્રણા કરીને દૂતોને કાર્યો કરવા માટે મોકલવા. ૩૨૮

ત્યારબાદ બપોર પછી ઈચ્છાનુસાર અન્તઃપુરમાં વિહાર કરવો અથવા મંત્રીઓ સાથે મંત્રણા કરવી. ફરી પોતાની સેનાનું નિરીક્ષણ કરી સેનાપતિઓ સાથે બેસી વિચાર વિમર્શ કરવો. ૩૨૯

સાયંકાળે સંધ્યાવંદન કરીને ગુપ્તચરોના રહસ્યયુકત વચનો સાંભળવાં. પછી ગીત નૃત્યનો આનંદ લઈ ભોજન કરવું અને સ્વાધ્યાયનો પાઠ કરવો. ૩૩૦

ત્યાર પછી તૂર્ય અને સંખ ધ્વનિ સાથે શયન કરવું અને તે પ્રમાણે જાગવું. પોતાની બુદ્ધિને અનુસારે શાસ્ત્રોનું તથા કરવાનાં સર્વ કાર્યોનો વિચાર કરવો. ૩૩૧

ગુપ્તચરોને આદરપૂર્વક પોતાના મંત્રીઓ પાસે અથવા બીજા રાજાઓ પાસે મોકલવા. ઋત્વિજ્, પુરોહિત અને આચાર્ય જેવા મહાપુરૂષોએ આશીર્વાદ અપાયેલા રાજાએ જયોતિષી, ગ્રહસ્થિતિ તથા વૈદ્ય લોકોને જોઈને ગાય, સોનું અને ભૂમિ, વિવાહયોગ્ય વસ્ત્રાલંકાર ભવન વગેરેનું શ્રોત્રિય (વેદજ્ઞ) બ્રાહ્મણને દાન આપવું. ૩૨૩-૩૩૩

રાજાએ બ્રાહ્મણો પ્રત્યે ક્ષમાશીલ, સ્નેહીજનો પ્રત્યે પ્રીતિવાન્, શત્રુઓ પ્રત્યે ક્રોધ, અને સેવકો તથા પ્રજા પ્રત્યે પિતાની સમાન દયાયુકત તેમજ હિતકારી થવું. ૩૩૪

ન્યાયથી પ્રજાપાલન કરનાર રાજા, પ્રજાના પુણ્યના છઠ્ઠા ભાગને મેળવે છે. માટે ભૂમિ આદિ સર્વપ્રકારના દાનથી ઊત્પન્ન થતા પુણ્યફળ કરતાં પ્રજાપાલનનું ફળ અધિક છે. ૩૩૫

ધુતારા, ચોર, દુર્વૃત્ત આદિ ધૂર્ત તેમજ દુઃસાહસી ડાકુઓ આદિથી પીડિત પ્રજાનું રક્ષણ કરવું. અને વિશેષપણે કાયસ્થ (લેખકની જાતિ) તથા ગણકોથી પીડિત વ્યકિતઓની રક્ષા કરવી. ૩૩૬

રાજાએ જેનું રક્ષણ નથી કર્યું તેવી પ્રજા ચોરી વગેરે પાપ કરે તો, તેમાંથી અર્ધા પાપનો ભાગીદાર રાજા થાય છે. કારણ કે રક્ષણ કરવા માટેજ રાજા, પ્રજા પાસેથી કર લે છે. ૩૩૭

રાજયમાં જે અધિકારીની નિમણૂંક કરી હોય તેમનું ચરિત્ર ગુપ્તચરો દ્વારા રાજાએ જાણવું, અને ઊત્તમ ચરિત્રવાળા અધિકારીઓનું સન્માન કરવું. અને દુષ્ટોને શિક્ષા આપવી. લાંચ લેનાર અધિકારીને દ્રવ્યહીન બનાવી દેશ બહાર કાઢી મૂકવો. અને દાન, માન તેમજ સત્કાર કરીને શ્રોત્રિયજનોને વસાવવા. ૩૩૮-૩૩૯

જે રાજા અન્યાયપૂર્વક પોતાની પ્રજાનું ધન લઈને પોતાના કોશની વૃદ્ધિ કરે છે તે રાજા શીઘ્ર જ શ્રીરહિત થઈને બાંધવસહિત નષ્ટ થાય છે. ૩૪૦

પ્રજા પીડનના સંતાપથી ઊત્પન્ન થયેલો અગ્નિ રાજાના કુળની શોભા અને પ્રાણોને નાશ કર્યા વિના શાંત થતો નથી. ૩૪૧

સ્વરાજય પાલન કરવામાં રાજાને જે ધર્મ પ્રાપ્ત થાય છે, તેજ ધર્મ પરરાજય સ્વાધીન કરવામાં પણ મળે છે. ૩૪૨

જે રાજય પોતાને વશ થયું હોય, તે રાજયનું પાલન તે દેશનાં આચાર વ્યવહાર અને કુળની મર્યાદાને અનુસારે જ કરવું. ૩૪૩

રાજયકાર્યનો મુખ્ય આધાર મંત્ર (મંત્રણા, ગુપ્ત પરામર્શ) છે. માટે તે મંત્રને એ પ્રમાણે ગુપ્ત રાખવો કે રાજાનું કામ પૂર્ણ થતાં સુધી કોઈ જાણી ન શકે.૩૪૪

પોતાના રાજયની સીમા નજીકનું રાજય, તે પછીનું રાજય અને તેના પછીનું રાજય તેની ઊપર શાસન કરનારા રાજાઓ અનુક્રમે શત્રુ, મિત્ર અને ઊદાસીન હોય છે. આ રાજમંડળો ઊપર અનુક્રમે ધ્યન રાખવું અને તેમની સાથે સામ દામાદિ ઊપાયોનો પ્રયોગ કરવો. ૩૪૫

સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઊપાયો છે. તેમનો દેશકાળાનુસાર પ્રયોગ કરવાથી સફળતા મળે છે. અને કોઈ ઊપાયથી જો સફળતા ન મળે તો જ દંડનો આશ્રય લેવો. ૩૪૬

સન્ધિ, વિગ્રહ, લડાઈ, ઊપેક્ષાભાવ, બળવાનનો આશ્રય તથા સેનાનો દ્વૈધાભાવ-આટલા ગુણો દેશકાળાનુસાર કલ્પના કરવી. ૩૪૭

જયારે શત્રુના રાજયમાં અન્નાદિક ઘણું પાકયું હોય, શત્રુની સેના દુર્બળ બની હોય અને આપણી સેનાના ઘોડા, વાહન, સૈનિક વગેરે ઊત્સાહી હોય ત્યારે આક્રમણ કરવું. ૩૪૮

કર્મફળની પ્રપ્તિ દૈવથી અને પુરૂષાર્થથી થાય છે. તેમાં પૂર્વજન્મનું કર્મ દેવના રૂપમાં અભિવ્યકત થાય છે અને પૂર્વદેહિક પુરૂષત્વ હોય છે. ૩૪૯

કેટલાક લોકો ઈષ્ટ-અનિષ્ટ ભાગ્ય અથવા સ્વભાવથી ઊત્પન્ન થાય છે એમ માને છે. કેટલાક કાળ અને પુરૂષાર્થને કર્મના ફળમાં કારણ માને છે. કેટલાક બુદ્ધિમાન્ પુરૂષોએ આ સર્વેના સંયોગથી ફળની ઊત્પત્તિ માનેલી છે. ૩૫૦

જેમ એક ચક્રથી રથ ચાલતો નથી, તેમ પુરૂષાર્થ વિના દૈવની સિદ્ધિ થતી નથી. ૩૫૧

સુવર્ણ અને ભૂમીના લાભ કરતાં મિત્ર લાભ ઊત્કુષ્ટ છે, તેથી મિત્ર લાભ થાય તેવા ઊપાય માટે પ્રયત્ન કરવો. અને સાવધાની પૂર્વક સત્ય વચનનું રક્ષણ કરવું. ૩૫૨

રાજા, અમાત્ય, (મંત્રી) પ્રજા, દુર્ગ, કોશ, દંડ, (સેના) અને મિત્ર આ સર્વે રાજયના મૂળ કારણ છે. માટે રાજયને સપ્તાઙ્ગ કહે છે. ૩૫૩

આ પ્રકારનું રાજય પ્રાપ્ત કરીને રાજા દુરાચારીને દંડ આપે. કારણ કે પૂર્વે બ્રહ્માએ દંડનારૂપમાં ધર્મની ઊત્પત્તિ કરી છે. ૩૫૪

તે દંડને પણ લોભી અને ચંચળ બુદ્ધિવાળો વ્યકિત ન્યાય પૂર્વક ચલાવી શકતો નથી. પરંતુ સત્યશીલ, પવિત્ર, ઊત્તમ અને નીતિશાસ્ત્રનો  જ્ઞાતા પુરૂષ જ ચલાવી શકે છે. ૩૫૫

દંડ શાસ્ત્રોકત રીતિ મુજબ કર્યો હોય તો દેવતા, રાક્ષસ અને મનુષ્ય સહિત સંપૂર્ણ જગત આનંદિત થાય, અન્યથા કુપીત થાય છે. ૩૫૬

લોકાદિકથી વશ થઈ શાસ્ત્ર વિરૂદ્ધ દંડ આપનાર રાજાના સ્વર્ગ, કીર્તી, અને ઊત્તમ લોક નાશ પામે છે. શાસ્ત્રાનુંસાર દંડ આપનાર રાજાને સ્વર્ગ, યશ અને વિજય મેળવવામાં તે દંડ કારણભૂત થાય છે. ૩૫૭

ભાઈ, પુત્ર, આચાર્યાદિ પૂજય વ્યકિત, સસરા, મામા વિગેરે જો કોઈ પોતાના ધર્મથી વિચલીત હોય તો રાજા માટે અદંડ્ય નથી, અર્થાત્ રાજાએ તેઓને પણ દેડ આપવો જોઈએ. ૩૫૮

જે રાજા દંડ આપવા યોગ્ય પુરૂષોને શાસ્ત્રાનુંસાર દંડ આપે છે, અને વધ કરવા યોગ્યનો વધ કરે છે. તે રાજા શ્રેષ્ઠ દક્ષિણા યુકત યજ્ઞોનાફળને પ્રાપ્ત કરે છે. ૩૫૯

આ પ્રમાણે યજ્ઞ તુલ્ય ફળનો વિચાર કરી, રાજાએ પ્રતિદિન શ્રેષ્ઠ જનોની સાથે વટાઈને પોતે ભિન્ન ભિન્ન વ્યવહારો જોવા. ૩૬૦

કુળ, જાતિ, શ્રેણી, ગણ તથા જનપદ વિગેરે સ્વધર્મથી ભ્રષ્ટ થાય તો રાજાએ દંડ કરીને તેને પુનઃ ધર્મમાં લાવવા. ૩૬૧

ગવાક્ષ (બારી) ના ક્ષીદ્રમાંથી પ્રવેશ કરનાર સૂર્યકીરણમાં દેખાતા રજકણને ‘ત્રસરેણું’ કહે છે. આઠ ત્રસરેણુંના મિશ્રણથી એક લિક્ષા થાય છે, ત્રણ લિક્ષા મળી એક ‘રાજસર્ષપ’ કહેવાય છે, ત્રણ રાજ સર્ષપ મળી એક ‘ગૌરસર્ષપ’ કહેવાય છે, છ ગૌરસર્ષપ મળી એક ‘મધ્યમયવ’ અને ત્રણ મધ્યમયવનો એક ‘કૃષ્ણલ’ થાય છે, પાંચ કૃષ્ણલનો એક માસ અને સોળમાસનો એક સુવર્ણ થાય અને ચાર અથવા પાંચ વર્ણનો એક પલ્લ થાય છે. ૩૬૨-૩૬૩

બે કૃષ્ણલનો એક રૂપાનો માસ, સોળ રૂપામાસનો એક ધર્ણ થાય છે, દશ ધરણનો એક સો માન વાળો પલ થાય છે. ૩૬૪

પૂર્વે કહેલા ચાર સુવર્ણનો એક નિષ્ક કહેવાય અને એક કર્ષ (પલનો ચતુર્થાંશ ભાગ) બરાબર તાંબાના સિક્કાને અથવા માપને પણ કહેવાય છે. ૩૬૫

એક હજાર અંશી પણનો દંડ ઊત્તમ સાહસમાં કહ્યો છે. મધ્યમમાં તેથી અર્ધો અને અધમમાં તેથી અર્ધો કહ્યો છે. ૩૬૬

ધિગ્દંડ, વાગ્દંડ, ધનદંડ અને વધ (શારીરિક દંડ) આ સર્વે દંડ મળી અથવા એક એકનો અપરાધને અનુસારે પ્રોગ કરવો. ૩૬૭

અપરાધ, દેશ, સમય, શકિત, આયુષ, કાર્ય અને ધન વગેરે જાણીને અપરાધીઓને દંડ કરવો. ૩૬૮

સદાચાર પ્રથમઅધ્યાય સમાપ્ત