(૧૦) શ્રાદ્ધપ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:50pm

શ્રાદ્ધપ્રકરણમ્ (૧૦)

 

અમાવાસ્યા, અષ્ટકા (હેમન્ત અને શિશીર ઋતુની કૃષ્ણપક્ષની ચારે અષ્ટમી તિથિઓ) પુત્રજન્મ સમયે, કૃષ્ણપક્ષમાં, ઊત્તરાયણ અને દક્ષિણાયનમાં, દ્રવ્ય, બ્રાહ્મણ, સંપત્તિ, મેષતુલા રાશિની ઊપર સૂર્યની સંક્રાતિ, (સૂર્યનું અન્ય રાશિ ઊપર ગમન) વ્યતિપાત (એક વિશેષ યોગ) ગજચ્છાયા યોગ, સૂર્ય ચંદ્ર ગ્રહણના સમયે અથવા જયારે કરવું હોય ત્યારે શ્રાદ્ધનો સમય કહ્યો છે. ૨૧૭-૨૧૮

સર્વ વેદોમાં શ્રેષ્ઠ, શ્રોત્રિય, બ્રહ્મજ્ઞાની, યુવાન, વેદના અર્થને જાણનાર ‘જયેષ્ઠ સામ’ નામનાં મંત્રોને વ્રતાચરણ સહિત આચમન કરનાર અને ‘ત્રિસૂપર્ણ’ મંત્રોનું નિયમપૂર્વક પારાયણ કરનાર(બ્રાહ્મણ શ્રાદ્ધમાં અક્ષયફળ માટે યોગ્ય છે) ૨૧૯

ભાણેજ, ઋત્વિજ, જમાઈ, યજમાન, સસરો, મામા, ત્રિણાચિકેત નામના અગ્નિનું વ્રત તથા અધ્યયન કરનાર દૌહિત્ર (પુત્રીનો પુત્ર) શિષ્ય, સંબંધી બાંધવ (વગેરે શ્રાદ્ધ માટે યોગ્ય છે.) ૨૨૦

કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ, પંચાગ્નિને ધારણ કરનાર, બ્રહ્મચારી, માતૃપિતૃભકત, એવા બ્રાહ્મણ યુવાન પુરૂષો શ્રાદ્ધમાં અક્ષયફળમાં કારણભૂત છે. ૨૨૧

રોગી, ખોડખાંપણવાળો, કાણો, પૌનર્ભવ (પુનઃ વિવાહ કરેલી સ્ત્રીનો દિરકો), અવકીર્ણી (બ્રહ્મચર્યના ભંગથી થયેલ પુત્ર), કુંડ (પતિ જીવતો હોવા છતાં જારકર્મ કરી પરપુરૂષથી ઊત્પન્ન પુત્ર), ગોલક, (પતિના મૃત્યબાદ જાર કર્મથી ઊત્પન પુત્ર), કુત્સિત નખવાળો, કાળા દાંતવાળો (શ્રાદ્ધમાં ત્યાજય છે.) ૨૨૨

પગાર લઈને ભણાવનાર, નપુંસક, કન્યા ઊપર સાચા ખોટા દોષ લગાડનાર, બ્રહ્મહત્યાદિ પાપથી કલંકિત, મિત્રદ્રોહી, ચાડીયો, સોમલતાનું વેચાણ કરનાર, મોટાભાઈના વિવાહ પહેલાં વિવાહ કરનાર શ્રાદ્ધમાં ત્યાજય છે. ૨૨૩

નિષ્કારણ માતા, પિતા અને ગુરૂનો ત્યાગ કરનાર, કુંડ તથા ગોલકના અન્નને ખાનારા, અધર્મીનો પુત્ર, પુર્નિવવાહિતનો પતિ, ચોર અને શાસ્ત્રવિરૂદ્ધ કર્મ કરનાર શ્રાદ્ધમાં નિષિદ્ધ છે. ૨૨૪

શ્રાદ્ધને આગલે દિવસ સ્વસ્થ અને પવિત્ર થઈ યજમાને પૂર્વોકત લક્ષણવાળા બ્રાહ્મણોને નિમંત્રણ આપવું, અને નિમંત્રિત બ્રાહ્મણોએ પણ મન, વાણી, શરીર અને કર્મથી નિયમમાં રહેવું. ૨૨૫

આવેલા બ્રાહ્મણોનું અપરાહ્ણ (બપોર પછી) સમયે સ્વાગત વચનોથી સન્માન કરી પોતાના હાથમાં પવિત્ર (દર્ભના પવિત્રક) રાખીને તેમને આચમન કરાવીને આસન ઊપર બેસાડવા. ૨૨૬

દેવસંબંધી શ્રાદ્ધમાં યથાશકિત યુગ્મ (સમસંખ્યક) તથા પિતૃશ્રાદ્ધમાં અયુગ્મ (વિષમસંખ્યક) બ્રાહ્મણોને ચારે બાજુથી આસનો દ્વારા ઢાંકેલા (છાણ વગેરેથી લપેલા), પવિત્ર કરેલા, દક્ષિણ દિશાથી નીચેના દેશમાં બેસાડવા. ૨૨૭

બે બ્રાહ્મણોને વૈશ્વદેવ તરફ પૂર્વ દિશામાં મુખ કરાવી, પિતૃસ્થાનમાં વિષમ સંખ્યક (ત્રણ) બ્રાહ્મણોને ઊત્તરદિશા તરફ મુખ કરાવી અથવા વૈશ્વદેવ અને પિતૃસ્થાનમાં એક એક બ્રાહ્મણ બેસાડવો. માતામહના શ્રાદ્ધમાં તો આ રીતેજ કરવું અથવા વૈશ્વદેવિક અલગ તન્ત્રથી કરવું. ૨૨૮

બ્રાહ્મણના હાથમાં જળ અને આસન માટે દર્ભ આપીને બ્રાહ્મણોની આજ્ઞા થયા પછી (વિશ્વેવાસ આગત) એવા મંત્રથી વિશ્વે દેવોનું આવાહન કરવું. ૨૨૯

બ્રાહ્મણોની પાસે ભૂમિ ઊપર યવ છાંટીને બે દર્ભથી યુકત પાત્રમાં (શનોદેવીરભિષ્ટયે) એવા મંત્રથૂ જળ નાંખીને તથા (યવોસિ ધાન્યરાજોસિ) એવા મંત્રથી જવ નાંખીને બ્રાહ્મણોને હાથમાં (યા દિવ્યા આપઃ પયસા) એવા મંત્રથી અર્ઘ્ય આપવો. (યા દિવ્યા આપઃ પયસા) એવા મંત્રોચ્ચારપૂર્વક બ્રાહ્મણોના હાથમાં અર્ઘ્ય આપ્યા પછી જળ આપીને અનુક્રમે ગન્ધ, પુષ્પ, ધૂપ-દીપ આપવા. તદનન્તર આચ્છાદન (પાથરવા) માટે વસ્ત્ર અને હાથ ધોવા માટે જળ આપવું. વૈશ્વદેવ કર્યા પછી યજ્ઞોપવીતને જમણા ખભા ઊપર રાખીને પિતૃઓને ડાબી બાજુથી બેવડા દર્ભ આપીને (ઊશન્તસ્ત્વા નિધીમહિ) એવા મંત્ર વડે પિતૃઓનું આવાહન કરી બ્રાહ્મણોને આજ્ઞા મેળલી (આયન્તુ નઃ પિતરઃ) એવા મંત્રનો જપ કરવો. ૨૩૦-૨૩૧-૨૩૨-૨૩૩

(અપહતા અસુરા રક્ષાંસિ) એ મંત્રોચ્ચારપૂર્વક ચારે બાજુ તલ વેરવા. જવથી કરવામાં આવતા કર્મ તિલથી કરવા અને અર્ધ્ય વગેરે પૂર્વવત્ આપવું. અર્ઘ્ય આપીને ટપકતા જળમાં બુંદુઓને વિધિ મુજબ એક પાત્રમાં ભેગા કરી (પિતૃભ્યઃ સ્થાનમસિ) એવા મંત્રથી ઊંધું વાળી દેવું. ૨૩૪-૨૩૫

અગ્નૌકરણ કર્મ કરવા માટે ઘી મિશ્રિત ભાત લઈને બ્રાહ્મણોની આજ્ઞા માગવી. જયારે બ્રાહ્મણો ‘કરો’ એવો આદેશ આપે ત્યારે પિતૃયજ્ઞની સમાન ‘અગ્નિમાં’ હવન કરવો. હોમ કરી બાકી રહેલો ભાત પિતૃપાત્રોમાં અર્થાત્ બ્રહ્મણના ભોજનપાત્રોમાં મૂકવો અને તે પાત્ર યથાશકિત ચાંદી વગેરેના વિશેષ રાખવા. ૨૩૬-૨૩૭

ખીર, ભાત વગેરે અન્ન પાત્રોમાં મૂકીને (પૃથિવી તે પાત્રં) એવા મંત્રથી તે પાત્રને અભિમંત્રિત કરીને (ઈદં વિર્ષ્ણુવિચક્રમે) એવા મંત્રથી બ્રાહ્મણનો અંગૂંઠો મૂકાવવો. ૨૩૮

વ્યાહૃતિઓની સાથે ગાયત્રી તથા મધુવાતા વગેરે ઋચાઓનો જપ કરીને ‘તમો શાંતિથી ભોજન કરો’ એમ કહેવું અને બ્રાહ્મણો પણ મૌન થઈ ભોજન કરે. ૨૩૯

જે અન્ન (ભોજન) અને હવિશ્ય બ્રાહ્મણોને ભાવે તે ક્રોધ રહિત થઈ ધીરજપૂર્વક આપવું. જયાં સુધી તેઓ તૃપ્ત ન થાય ત્યાં સુધી ‘‘પુરૂષ સૂકત’’ મંત્રનો જપ કરવો અને વ્યાહૃતિ સહિત પૂર્વોકત જપ કરવો. ૨૪૦

ત્યારબાદ અન્ન લઈને આપ તૃપ્ત થયા ? એમ બ્રાહ્મણોને પૂછીને તેમની અનુમતિથી શેષ અન્નને હવે શું કરીએ ? એમ પૂછી તે અન્નને ભૂમિ ઊપર નાખવું અને એકવાર જળ આપવું. ૨૪૧

ત્યારે તલની સાથે સર્વ અન્ન લઈ દક્ષિણાભિમુખ થઈ ઊચ્છિષ્ટની નજીક પિણ્ડપિતૃયત્રની સમાન જ પિણ્ડ આપવા. ૨૪૨

માતામહાદિક માટે પણ વૈશ્વદેવાદિક કર્મ આ પ્રમાણે જ કરવાં. ત્યારબાદ બ્રાહ્મણોને આચમન કરાવી સ્વસ્તિ વાચન કરવું. અને બ્રાહ્મણોના હાથમાં જળ આપવું અને તેઓ ‘‘તમારૂં કલ્યાણ થાઓ’’ એવા આશિર્વાદ આપે. ૨૪૩

ત્યારબાદ પોતાની શકિત પ્રમાણે દક્ષિણા આપીને તેમની પાસેથી સ્વધાવાચનની આજ્ઞા મેળવવી. ‘સ્વધાવાચન કરો’ એવી આજ્ઞા મળતાં પિતા અથવા માતા વગેરે માટે સ્વધાનું ઊચ્ચારણ કરવું. ૨૪૪

બ્રાહ્મણો પણ ‘‘સ્વધા હો’’ એમ બોલે. ત્યારબાદ કમંડળુ વડે પૃથ્વી ઊપર જળ છાંડવું. પછી વૈશ્વદેવ તૃપ્ત થાઓ એમ બ્રાહ્મણો કહે ત્યારબાદ આ જપ કરવો. ૨૪૫

અમારા કુળમાં દાતાઓ ઘણા થાઓ, તેમજ વેદ અને સંતતિની પણ વૃદ્ધિ થાઓ. પિતૃકર્માદિકમાં અમારી શ્રદ્ધા ઓછી ન થાઓ, તથા અમારી પાસે દાન દેવા માટે ઘણી યોગ્ય વસ્તુઓ હજો. ૨૪૬

આ મંત્રનો જપ કરીને પ્રિયવચન બોલીને પિતૃઓને પ્રમાણ કરી વિસર્જન કરવું. (વાજે વાજેવત) એવા મંત્ર સાથે પ્રસન્ન મન વડે પિતૃઓથી વિશ્વેદેવો સુધીનું વિસર્જન કરવું. ૨૪૭

પ્રથમ જે અર્ઘ્યપાત્રમાં બ્રાહ્મણોના હાથમાંથી ટપકતું જળ લીધું હતું તે પિતૃપાત્ર ઊલટું કરીને બ્રાહ્મણોને વિદાય આપવી. ૨૪૮

ત્યારબાદ બ્રાહ્મણોને ગામની ભાગોળ સુધી વળાવીને પ્રદક્ષિણા કરીને શ્રાદ્ધશેષ અન્ન જમવું. બ્રાહ્મણ સાથે શ્રાદ્ધ કરનારાએ તે રાત્રિએ બ્રહ્મચારી થવું. ૨૪૯

આ રીતે પ્રદક્ષિણા ક્રમથી પુત્રજન્માદિ વંશવૃદ્ધિની પ્રસન્નતાના સમયે નાંદીમુખ પિતૃઓનું પૂજન કરવું અને દહ, બોર, મિશ્રિત પણ્ડ આપવું તથા તલથી કરવામાં આવતી ક્રિયા જવથી કરવી. ૨૫૦

એકોદૃષ્ટિ શ્રાદ્ધ વિશ્વદેવ વિના એક અર્ઘ્યપાત્રમાં એક પવિત્રક (દર્ભ) થી કરી શકાય છે. તથા આવાહન અને અગ્નૌકરણનો વિધિ કરવામાં આવતો નથી. તેમજ અપસવ્ય (જમણે ખભે યજ્ઞોપવીત રાખી) કરવામાં આવે છે. ૨૫૧

અક્ષય્યાદિકને સમયે (ઊપતિષ્ઠતામ) આપ બેસો એમ કહેવું. અને બ્રાહ્મણ વિસર્જન સમયે (અભિરમ્યતામ્) આપ આનન્દિત રહો એમ કહેવું. ત્યારબાદ બ્રાહ્મણોએ (અભિરતાઃ) આનન્દિત થયા એમ બોલવું. ૨૫૨

ગંધ જળ અને તલથી યુકત ચાર પાત્ર અર્ઘ્ય માટે બનાવવા (યે સમાના સમનસાં) એવા મંત્રોચ્ચારપૂર્વક પ્રેતપાત્રનું જળ પિતૃપાત્રમાં નાંખવું. બાકીનું કર્મ પૂર્વવત્ કરવું. આ કર્મને સપિંડિકરણ શ્રાદ્ધ કહે છે.એકોદૃષ્ટિ શ્રાદ્ધ સ્ત્રી માટે પણ કરવામાં આવે છે. ૨૫૩-૨૫૪

જેનું સપિંડીકરણ એક વર્ષની અંદર થયું હોય તો તેને માટે એક વર્ષ સુધી દરરોજ પાણીના ઘડા સાથે બ્રાહ્મણને દાન આપવું. ૨૫૫

એકોદૃષ્ટિ કર્મ એક વર્ષ સુધી પ્રત્યેક માસની મૃત્યુ તિથિએ તથા પ્રતિવર્ષે કરવું પ્રથમ એકોદૃષ્ટિ કર્મ મૃત્યુના અગિયારમે દિવસે કરવું. ૨૫૬

પિંડ તો ગાય, બકરા અને બ્રાહ્મણને આપવા અથવા અગ્નિમાં કિંવા જળમાં નાખવા. બ્રાહ્મણો જે સ્થાને ભોજન કરે ત્યાં પડેલ ઊચ્છિષ્ટને વાળવું નહી. ૨૫૭

પિતામહ વગેરે પિતૃગણ હવિષ્યાન્નથી એક માસ સુધી, ખીરથી એક વર્ષ સુધી તૃપ્ત રહે છે. ૨૫૮

ઋષિધાન્ય, અને ગયામાં શ્રાદ્ધ કરતી વખતે જે પદાર્થ આપે, ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી અને વિશેષ કરીને મહાનક્ષત્ર હોય ત્યારે આટલાનું પિંડદાન આપવાથી અનન્ત ફળને પામે છે. ૨૬૦-૨૬૧

કન્યા, યોગ્ય જમાઈ, પશુ, સત્પુત્ર, દ્યૂત (જુગાર) ખેતી, વાણિજય, બે ખરીવાળી ગાય વગેરે તથા એક ખરીવાળા અશ્વાદિક પશુ, વેદાધ્યયનથી તેજસ્વી પુત્ર, સોનું, ચાંદી, તાંબુ, સીસું, જ્ઞાતિ, શ્રેષ્ઠત્વ અને સર્વ ઈચ્છાઓ શ્રાદ્ધ કરનાર વ્યકિત સદેવ પ્રાપ્ત કરે છે. કેવળ એક ચતુર્દશી ને છોડીને પ્રતિપદા વગેરે સર્વ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે.

શસ્ત્રથી જેમનું મૃત્યું થયું હોય તેમનુંજ ચતુર્દશીને દિવસે શ્રાદ્ધ કરવું ૨૬૨-૨૬૩-૨૬૪

સ્વર્ગ, સંતાન, શાન્તિ, સૌર્ય (નિર્ભયત્વ) ક્ષેત્ર, શારીરિક બળ, સત્પુત્ર, શ્રેષ્ઠત્વ, સૌભાગ્ય, સમૃદ્ધિ, નેતૃત્વ, સામાન્યસુખ, અજેયતા, વાણિજય, નિરોગિત્વ, યશ, શોકાભાવ, શ્રેષ્ઠજાતિ, ધન, વેદ, ઔષધગુણ, સોનું, ગાય, બકરી, બકરો, ઘોડો, આયુષ્યાદિક સર્વફળ ને કૃત્તિકાથી ભરણી પર્યન્ત આસ્તિક, શ્રદ્ધાવાન્ અને મદમત્સરથી સહિત થઈ વિધિપીર્વક શ્રાદ્ધ આપનાર વ્યકિત સર્વ ફળને પ્રાપ્ત કરે છે. ૨૬૫- ૨૬૬-૨૬૭-૨૬૮

વસુ, રૂદ્ર અને આદિત્યાદિ પિતૃશ્રાદ્ધના દેવતાઓ શ્રાદ્ધથી તૃપ્ત થઈને મનુષ્યોના પિતૃઓને તૃપ્ત કરે છે. અને પિતૃઓ પ્રસન્ન થઈને દીર્ઘ જીવન, સંતાન, ધન, વિદ્યા, મોક્ષ, સુખ અને રાજય મનુષ્યને આપે છે. ૨૬૯-૨૭૦

ઈતિ શ્રાદ્ધ પ્રકરણમ્