(૦૯) દાન પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:47pm

દાન પ્રકરણમ્ (૯)

સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માએ તપ કરીને વેદની રક્ષા પિતૃઓની તૃપ્તિ અને ધર્મની રક્ષા કરવા માટે, સર્વ પ્રથમ બ્રાહ્મણ વર્ણનું સર્જન કર્યું, તેથી તેઓને દાન આપવાથી અક્ષયફળ થાય છે. ૧૯૮

ક્ષત્રિયાદિક વર્ણ કરતાં બ્રાહ્મણ વર્ણ જાતિ અને કર્મથી શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં પણ વેદપાઠી અને વેદપાઠીઓમાં પણ વેદોકત કર્મ કરનારા અને તેમાં પણ શરદમાદિક વડે આત્મતત્વના જાણકાર વધુ શ્રેષ્ઠ છે. ૧૯૯

કેવળ વિદ્યાથી કે તપથી પાત્રતા આવતી નથી. પરંતુ જેના આચરણમાં વિદ્યા અને તપ બન્ને હોય એજ શ્રેષ્ઠ પાત્ર કહ્યું છે. ૨૦૦

પોતાના કલ્યાણની ઈચ્છાવાળા પુરૂષે ગાય, ભૂમિ, તિલ, સોનું વગેરે વસ્તુઓ સતપાત્રની પૂજા કરીને વિધિવત્ આપવી, પરંતુ પાત્રાપાત્રનું જ્ઞાન ધરાવતા, વિદ્વાન્ પુરૂષે અપાત્રમાં દાન કયારેય પણ ન આપવું. ૨૦૧

જે મનુષ્ય વિદ્યા અને તપથી રહિત હોય, તેણે દાન ન લેવું. જો એવી વ્યકિત દાન લે તો આપનારને અને પોતાને અધોગતિને પમાડે છે. ૨૦૨

સ્વશકિતને અનુસાર પ્રતિદિન સત્પાત્રમાં દાન આપવું, કોઈપણ નિમિત્ત હોય તો વિશેષ આપવું. માગે ત્યારે પણ સુપાત્રમાં શ્રદ્ધા પૂર્વક યથાશકિત દાન આપવું જોઈએ. ૨૦૩

સોનાના શગડાવાળી, ચાંદીના ખરીઓવાળી, સારા સ્વભાવની, ઝૂલ ઓઢાડેલી (ઝૂલવાળી) વધુ દૂધ આપનારી ગાયનું, દોહવા માટે કાંસાનું પાત્ર અને દક્ષિણા સાથે દાન કરવું. ૨૦૪

ગાયના શરીર ઊપર જેયલા રોમ હોય, તેટલા વર્ષ સુધી ગૌદાન કરનાર પુરૂષ સ્વર્ગને પામે છે. અને જો ગાય ‘કપિલા’ હોય તો દાતાને તથા તેની સાત પેઠીને તારે છે. ૨૦૫

પૂર્વોકત વિધિ પ્રમાણે વાછરડા સહિત ગાયનું દાન કરનાર પુરૂષ એટલા યુગ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે, જેટલા રોમ ગાય અને વાછરડાના શરીર ઊપર ભોય ૨૦૬

જયાં સુધી વાછરડાના બન્ને પદ અને મોઢું યોનિમાં દેખાય, ત્યાં સુધી તે ગાયને પૃથ્વી જાણવી. અને જયાં સુધી ગર્ભને મૂકતી નથી ત્યાં સુધી ઊભયતોમુખી જાણવી. ૨૦૭

સોનાનાં શગડા તથા ચાંદીની ખરીથી રહિત, દૂધ આપનારી અવન્ધ્યા, રોગ રહિત અને દુર્બળ ન હોય તેવી ગાયનું દાન આપનાર વ્યકિત સ્વર્ગમાં પૂજાય છે. ૨૦૮

થાકેલા માણસને આસન વગેરે આપી થાક દૂર કરવો. રોગીની સેવા, દેવતાઓની પુષ્પાદિકથી પૂજા, બ્રાહ્મઓના પગ ધોવા અને તેમનું ઊચ્છિષ્ટ સાફ કરવું વગેરે કર્મો, ગૌદાનની સમાન કહ્યાં છે. ૨૦૯

ભૂમિ, દીપક, વસ્ત્ર, જળ, તિલ, ઘી, પરદેશીઓને આશ્રય, કન્યા સુવર્ણ અને ભારવહન કરનારને બળદ, આટલી વસ્તુઓનું દાન કરનાર દાતા સ્વર્ગમાં સન્માનનીય થાય છે.૨૧૦

ઘર, અનાજ (ધાન્ય) ભય પામેલાને અભયદાન, પગરખાં, છત્રી, પુષ્પમાલા, કુંકુમ ચંદનાદિકનું લેપન, વાહન, વૃક્ષ, પ્રિયવસ્તુ, તથા શય્યાનું દાન કરનાર અત્યંત સુખી થાય છે. ૨૧૧

વેદ સર્વધર્મમય હોવાથી વેદનું દાન સર્વદાન કરતાં શ્રેષ્ઠ છે. તેનું દાન કરનાર પુરૂષ અવિનાશી બ્રહ્મલોકમાં જાય છે. ૨૧૨

જે મનુષ્ય દાન લેવા પાત્ર હોવા છતાં પણ દાન ગ્રહણ કરતો નથી તે, દાન આપનારને જે સર્વલોકો મળે છે તેને પ્રાપ્ત કરે છે. ૨૧૩

દર્ભ, શાક, દૂધ, મત્સ્ય, સુગન્ધિ ચંદન, પુષ્પ, દહીં, માટી, શય્યા, આસન, શેકેલી ધાણી અને જળ વગેરે જો માગ્યા વિના મળે તો અસ્વીકાર ન કરવો. ૨૧૪ ।

માગણી વિના દુરાચારી પુરૂષે લાવી આપેલ દર્ભાદિક વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે. પણ ઊપરોકત વસ્તુ કુલટા સ્ત્રી, નપુંસક, પતિત અને શત્રુ દ્વારા લેવાયેલી હોય તો ન લેવી. ૨૧૫

દેવતા અને અતિથિની પૂજા તથા સત્કાર માટે માતા, પિતા, ગુરુ અને પુત્રાદિક આશ્રિતો માટે, તથા પોતાની આજીવિકા માટે સર્વ પાસેથી દાન લેવું. ૨૧૬

ઈતિ દાનધર્મ પ્રકરણમ્