(૦૬) સ્નાતકધર્મ પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:42pm

સ્નાતકધર્મ પ્રકરણમ્ (૬)

 

જે સ્વાધ્યાય વિરોધી હોય તેમનાથી, અયોગ્ય સ્થાનમાંથી અને શાસ્ત્ર વિરૂદ્ધ કર્મથી, ધન મેળવવાની અભિલાષા ન રાખવી અને સદા સંતોષી રહેવું ૧૨૯

ક્ષુધાથી પીડિત બ્રાહ્મણ સ્નાતકે રાજા, શિષ્ય અને યજમાન પાસેથી ધન પ્રાપ્તિની ઈચ્છા રાખવી. દાંભિક, સ્વાર્થી, પાખંડી તથા બકવૃત્તિવાળાનો હંમેશા ત્યાગ કરવો. ૧૩૦

સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરે, કેશ, દાઢી, મૂછ અને નખને કાપી નાના રાખે, પવિત્ર રહે. પત્નીની સામે એક વસ્ત્ર પહેરીને તથા ઊભા રહીને ભોજન ન કરે. ૧૩૧

જે કાર્યમાં પ્રાણોનો સંશય હોય તે કયારેય ન કરવું વિના કારણ અપ્રિય ન બોલવું. અહિતકારી અને અસત્ય પણ ન બોલવું તથા ચોરી કરવી નહીં અને વ્યાજવટું કરીને આજીવિકા ચલાવવી નહીં. ૧૩૨

તે સ્નાતક ગૃહસ્થ સદૈવ સુવર્ણના કુંડળ, યજ્ઞોપવીત, દંડ, કમંડલુને ધારણ કરે. અને દેવર્મૂતિ, તીર્થની મૃત્તિકા, ગાય, બ્રાહ્મણ અને પીપળો વગેરે વનસ્પતિઓની પ્રદિક્ષિણા કરે. ૧૩૩

નદી, છાયા માર્ગ, ગૌશાળા, જળ અને ભસ્મમાં મૂત્ર તેમજ મળનો ત્યાગ ન કરવો. અગ્નિ, સૂર્ય, ગાય, ચંદ્રમા, સંધ્યા, જળ, સ્ત્રી અને દ્વિજની સામે બેસીને મળમુત્ર ન કરવાં. ૧૩૪

સૂર્ય તરફ ન જોવું, અને નગ્ન તથા ભોગવેલી સ્ત્રી તરફ પણ જોવું નહી. મળમૂત્રને પણ જોવાં નહીં અને અપવિત્ર અવસ્થામાં સૂર્ય-ચંદ્રગ્રહણ તથા તારા પણ જોવા નહી. ૧૩૫

વરસાદ વરસતો હોય ત્યારે ‘‘અયંમેવજ્રઃ પાપ્માનમપહન્ત્વિતિ’’ એ મંત્ર બોલવો. વરસાદમાં ઓઢ્યા (છત્રી વગેરે) વિના ચાલવું નહી તથા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખીને શયન ન કરવું. ૧૩૬

થૂંક, રકત, મળમૂત્ર અને વીર્યને જળમાં ન ફેકવું. અગ્નિમાં પગ ન તપાવવા તથા અગ્નિને ઊલ્લંઘવો નહી. ૧૩૭

અંજલી વડે જળપાન ન કરવું, સૂતેલાને ન જગાડવો, જુગાર ન રમવો. ધર્મ વિરોધી રમત ન રમવી અને રોગી મનુષ્ય પાસે સૂવું નહિ. ૧૩૮

વિરૂદ્ધકર્મ, પ્રેતધૂમસ્પર્શ, નદીપાર વગેરે કાર્ય ન કરવાં. કેશ, ભસ્મ, છાણા, કોલસા અને ઠીકરા ઊપર બેસવું નહી. ૧૩૯

ગાય સ્વયં ધાવતી હોય તો તે ન જોવી, અને તે વિશે કોઈને ન કહેવું. અનુચિત માર્ગે કયારેય પણ પ્રવેશ ન કરવો. અને લોભી તથા શાસ્ત્રમર્યાદાનું ઊલ્લંઘન કરતા રાજા પાસેથી દાન ગ્રહણ ન કરવું ૧૪૦

દાન લેવામાં ખાટકી, ઘાંચી, કલાલ (દારૂ વેચનાર) વેશ્યા અને રાજા આટલા અનુક્રમે એક એકથી દશ દશ ગણા અધિક દોષી હોય છે. ૧૪૧

વેદાધ્યયનનો પ્રારંભ વનસ્પતિ ઉગી નીકળ્યા પછી શ્રાવણી ર્પૂણિમાએ શ્રવણ નક્ષત્રમાં અથવા હસ્ત નક્ષત્ર યુકત શ્રાવણની પંચમીને દિવસે (ઔષધિની ઊન્નતિ થઈ હોય ત્યારે) કરે. ૧૪૨

પોષ માસમાં રોહિણી નક્ષત્રને દિવસે અથવા અષ્ટકા તિથિઓને દિવસે જળાશય પાસે જઈને વિધ્યનુસાર વેદોનો ઊત્સર્ગ કરે. ૧૪૩

શિષ્ય, ઋત્વિક્, ગુરૂ અને બન્ધુ, મૃત્યુ પામ્યા હોય તો ત્રણ દિવસ અનધ્યાય કરવો. વળી ઊપાકર્મ અને ઊત્સર્ગ કર્યા પછી, તથા સ્વશાખાધ્યાયી મૃત્યુ પામે તો પણ ત્રણ દિવસ અનધ્યાય રાખવો. ૧૪૪

સંધ્યા કાળે મેઘગર્જના થતી હોય, ઊત્પાત, ભૂકંપ, ઊલ્કાપાત તથા વેદમંત્રોની સમાપ્તિ તથા આરણ્યક ગ્રંથનું અધ્યયન, આટલા થાય ત્યારે એક અહોરાત્ર અનધ્યાય હોય છે. ૧૪૫

અમાવાસ્યા, ર્પૂણિમા, ચતુદર્શી, અષ્ટમી, ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણને સમયે તેમજ ઋતુઓના આરંભની પ્રતિપદાએ શ્રાદ્ધનું ભોજન કર્યા પછી તથા દાન ગ્રહણ કર્યું હોય ત્યારે અનધ્યાય કરવો. ૧૪૬

પશુ, દેડકો નોળીયો, શ્વાન, સર્પ, માર્જર (બિલાડો), ઉંદર અધયયન કરનારાની નચ્ચેથી જો નીકળે તો તે દિવસે, તથા ઈંદ્રધનુષ જે દિવસે દેખાય ત્યારે એક અહોરાત્ર અનધ્યાય કરવો. ૧૪૭

શ્વાન, શિયાળ, ગધેડું, ઘુવડ, સામ, વાંસ તથા આર્ત એમનો ધ્વનિ થતો હોય, તથા અપવિત્ર વસ્તુ શબ, શૂદ્ર, અન્ત્યજ અને સ્મશાન આટલાની સમીપે હોઈએ તેટલીવાર અનધ્યાય પાળવો. ૧૪૮

અપવિત્ર દેશ અથવા કે દેહ હોય તથા વીજળીના ચમકારા અને મેઘની ગર્જના થતી હોય, ભોજન કર્યા પછી હાથ ભીના હોય તથા જળમાં રહે, અર્ધરાત્રિનો સમય હોય અને તોફાની વાયુ વાય ત્યાં સુધી અનધ્યાય કરવો. ૧૪૯

ધૂળની આંધી હોય, દિશાઓ બળતી હોય, સંધ્યા નિહાર(ઝાકળ) વરસતો હોય, ભયના સમયે તથા દોડવાના સમયે, દુર્ગન્ધ આવતી હોય તથા આપણે ઘેર શિષ્ટાગમન થયું હોય ત્યારે તેટલી વાર અનધ્યાય કરવો. ૧૫૦

ગર્દભ, ઊંટ, રથ, હાથી, ઘોડા, નાવ, વૃક્ષ વગેરે પર તથા ઈરિણ (ખારી જમીન) ઊપર બેઠા હોઈએ તેટલી વાર અનધ્યાય કરવો. આ આડત્રીસ અનધ્યાયોને તાત્કાલિક કહે છે. ૧૫૧

દેવતા, ઋત્વિજ્, સ્નાતક, આચાર્ય, રાજા અને પરસ્ત્રીની છાયાનું ઊલ્લંઘન ન કરવું તથા રૂધિર, વિષ્ઠા, મૂત્ર, થૂંકેલું તથા ઊદ્વર્તન વગેરેનું ઊલ્લંઘન ન કરવું. ૧૫૨

બ્રાહ્મણ, સર્પ, રાજા અને પોતાના આત્માનું અપમાન ન કરવું, તેમજ કોઈ વ્યકિતને મર્મમાં આઘાત થાય તે રીતે ન દુભવતાં જીવનપર્યન્ત સુખ-સંપત્તિની આકાંક્ષા રાખવી. ૧૫૩

ઊચ્છિષ્ટ, મળ-મૂત્ર, તથા પગ ધોયેલું અપવિત્ર પાણી દૂર ફેકવું, તેમજ શ્રુતિ અને સ્મૃતિએ કહેલ સદાચાર- નિયમોનું પાલન પ્રતિદિન સારી રીતે કરવું. ૨૫૪

ગાય, બ્રાહ્મણ, અગ્નિ તથા અન્નને અપવિત્ર સ્થિતિમાં અથવા પગ વડે સ્પર્શ કયારેય ન કરવો. કોઈની નિંદા તથા તાડન પણ ન કરવું પરંતુ શિષ્યને તથા પુત્રને ભણાવતી વખતે મારવો જોઈએ. ૧૫૫

કર્મ, મન અને વાણી વડે પ્રયત્નપૂર્વક ધર્મનું પાલન કરવું. ધર્મશાસ્ત્રમાં કહ્યું હોય પરંતુ જો તે કર્મ લોક વિરૂદ્ધ હોય તો ન કરવું કારણ કે તે અસ્વર્ગ્ય કર્મ છે. ૧૫૬

માતા, પિતા, અતિથિ, ભાઈ, સુવાસિની સ્ત્રી, સંબંધી, મામા, વૃદ્ધ, બાળક, રોગી, આચાર્ય, વૈદ્ય, આશ્રિતજન, બાંધવ, ઋત્વિક્, પુરોહિત, પુત્ર, પત્ની, દાસ અને સહોદર ભાઈઓની સાથે વિવાદ નહીં કરીને જે મનુષ્ય વર્તે છે તે સર્વ લોકને પ્રાપ્ત કરે છે. ૧૫૭-૧૫૮ મૃત્તિકાના પાંચ ગોળા બહાર કાઢ્યા વિના અન્યના જળાશયમાં સ્નાન ન કરવું. નદી, પ્રાકૃતિક જળાશય, જળકુંડ અને ઝરણામાં માટી કાઢ્યા વિના પણ સ્નાન કરવું. ૧૫૯

પારકાની શય્યા, આસન, ઊદ્યાન, ગૃહ અને વાહન ધણીએ આપ્યા વિના કયારેય વાપરવાં નહીં. અને આપત્કાળ વિના અગ્ન્યાધાન જેણે નથી કર્યું તેવી વ્યકિતનું અન્ન ન ખાવું. ૧૬૦

લોભી, બદ્ધ, ચોર, નપુંસક, નટ, ચારણ, મલ્લાદિક રંગાવતારી, વૈણ અભિશસ્ત, વાર્ધુષિક, વેશ્યા અને ગણદીક્ષિનું અન્ન ન ખાવું. ૧૬૧

ચિકિત્સક, રોગી, ક્રોધી, વ્યભિચારિણી સ્ત્રી, વિદ્યાદિકનો અભિમાની, શત્રુ, ક્રૂર, ઊદ્ધત, પતિત, વ્રાત્ય, દંભી અને ઊચ્છિષ્ટ ભોજન કરનાર વગેરેનું અન્ન ન ખાવું. ૧૬૨

કુલટા સ્ત્રી, સ્વર્ણકાર, સર્વત્ર સ્ત્રીવશ પુરૂષ, સમગ્ર ગામનો યજ્ઞ કરનાર, શસ્ત્ર વેચનાર, લુહાર, શિલ્પકાર્ય કરનાર અને શ્વાનને સહારે આજીવિકા ચલાવનારનું અન્ન ન ખાવું. ૧૬૩

નિર્દયી, રાજા, રંગરેજ (રંગારો), કૃતધ્ન, વિધિક, ધોબી, મદ્ય વેચનાર, કુંભાર, સ્વસ્ત્રીના જાર પુરૂષ સાથે એક ઘરમાં રહેનાર, પિશુન, અનૃતિ, કુલાલ, તેલી, બંદીજન અને સોમ વિક્રયીનું અન્ન કયારેય ન ખાવું. ૧૬૪-૧૬૫

શૂદ્રોમાં દાસ, ગોપાલ (ભરવાડ) કુલમિત્ર, અર્ધસીરિ, નાપિત, આત્મનિવેદી અને કુંભારનું અન્ન ખાવા યોગ્ય હોય છે. ૧૬૬

મિતાક્ષરા ભાષાન્તર

શુદ્રોમાં સેવક વગેરેનું, ગોપાલન કરી આજીવિકા ચલાવનાર ગોવાળીયાનું, પિતા કે પિતામહની પરંપરાથી જેની સાથે મિત્રતા હોય તેવા કુલમિત્રનું, અને અર્ધભાગના ગણોત વડે આપણી જમીન જે ખેડતો હોય તેવા અર્ધસીરિનું, ઘરકામની તપાસ કરનાર નાપિતનું, જેણે મનકર્મ અને વચનથી હું તમારો છું એમ કહી આત્મસમર્પણ કર્યું છે. મૂળમાં ચકાર થી કુંભકારને પણ દાસ વગેરેમાં ગણવા.

 

ઈતિ સ્નાતકધર્મ પ્રકરણમ