વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે, ( ૪ )

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:19pm

રાગ ગરબી

પદ - ૧

વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ  તમ સાથે,

મેં તો સર્વે મેલ્યો સંસાર રે. સગ૦ ૧

મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે. સગ૦

તમ સારું  તજયું ધન ધામ રે. સગ૦ ૨

મારું મનડું લોભાણું  તમ પાસ રે. સગ૦

મુને નથી બીજાની આશ રે. સગ૦ ૩

મારે માથે ધણી છો  તમે એક રે રે. સગ૦

મારી અખંડ નિભાવજો ટેક રે. સગ૦ ૪

મેં  તો દેહ ધર્યો છે  તમ કાજ રે. સગ૦

તમને જોઈ મોહી છું વ્રજરાજ રે. સગ૦ ૫

હું  તો હેતે વેચાણી  તમ હાથ રે. સગ૦

છો બ્રહ્માનંદના નાથ રે. સગ૦ ૬

 

પદ - ૨

મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે,

માથા સાટે વર્યા મેં  તો માવ રે. કોઈ૦ ૧

હવે બળે છે જગમાં બલાય રે. કોઈ૦

મેં તો ભેટયા છે ભૂધરરાય રે. કોઈ૦ ૨

અતિ આનંદ થયો છે મારે અંગ રે. કોઈ૦

લાગ્યો રસિયાજીનો રંગ રે. કોઈ૦ ૩

થઈ જગમાં અલૌકિક જીત રે. કોઈ૦

લાગી પૂરણ સલુણા સાથે  પ્રીત રે. કોઈ૦ ૪

મારે વાલે દીધું મુને માન રે. કોઈ૦

મુને કીધી સોહાગણ કાન રે. કોઈ૦ ૫

હવે થયો સંસારીડો ઝેર રે. કોઈ૦

બ્રહ્માનંદને વહાલે કીધી મહેર રે. કોઈ૦ ૬

 

પદ - ૩

જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું,

વળી ભૂરકી નાખી છે નંદલાલ રે. મન૦ ૧

સહુ ઘેલી કહે છે સંસાર રે. મન૦

મેં  તો નીરખ્યા છે નંદકુમાર રે. મન૦ ૨

કોઈ શાને કરો છો મારી છેડ રે. મન૦

નહિ મેલું કાનુડાની કેડ રે. મન૦ ૩

સર્વે ભૂલી છું ઘરડાંનું કાજ રે. મન૦

એક વહાલા કીધા છે વ્રજરાજ રે. મન૦ ૪

હવે રટના લાગી છે દિનરાત રે. મન૦

થઈ શીર સાટાની વાત રે. મન૦ ૫

મુને કીધી માનેતી સહુ માંય રે. મન૦

બ્રહ્માનંદને વહાલે ઝાલી બાંય રે. મન૦ ૬

 

પદ - ૪

બા’રી કાઢી જગતની બીક રે, વરી હું  તો વનમાળી,

મેં તો સમજી વિચારી કીધું ઠીક રે. વરી૦ ૧

તુચ્છ જાણીને કીધું સર્વે ત્યાગ રે. વરી૦

મોહી રસિક સલુણાને રાગ રે. વરી૦ ૨

મુને ચટકી લાગી છે ચિત્તમાંય રે. વરી૦

બીજું વહાલા વિના ન સોહાય રે. વરી૦ ૩

મુને કાંઈ નવ સૂઝે કામ રે. વરી૦

થયું હરિ વિના સર્વે હરામ રે. વરી૦ ૪

હવે નિઃશંક થઈ છું નચિંત રે. વરી૦

થઈ જગમાં અલૌકિક જીત રે. વરી૦ ૫

સમજી કીધું છે  તન કુરબાન રે. વરી૦

બ્રહ્માનંદના વહાલાથી બાંધ્યા પ્રાણ રે. વરી૦ ૬

Facebook Comments