૨ દેવકીના ગર્ભમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનની દેવતાઓએ કરેલી સ્તુતિ.

Submitted by swaminarayanworld on Mon, 05/12/2011 - 8:37pm

 

અધ્યાય ૨

દેવકીના ગર્ભમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનની દેવતાઓએ કરેલી સ્તુતિ.

શુકદેવજી કહે છે પ્રલંબાસુર, બકાસુર, ચાણૂરમલ્લ, તૃણાવર્તદૈત્ય, અઘાસુર, મુષ્ટિકમલ્લ, અરિષ્ટાસુર, દ્વિવિદવાનર, પૂતના, કેશિદૈત્ય, ધેનુકાસુર અને બીજા પણ બાણાસુર અને નરકાસુર આદિ દૈત્યોના રાજાઓની સહાયતાથી બળવાન કંસ યાદવોનું નિકંદન કરવા લાગ્યો. એ કંસને જરાસંધનો મોટો આશ્રય હતો.૧-૨ કંસથી પીડાએલા યાદવો કુરુ, પાંચાલ, કૈક્ય, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કોશલ દેશમાં જતા રહ્યા, અને કેટલાક યાદવો કંસને જ અનુસરીને તેની સેવા કરવા લાગ્યા. કંસે દેવકીના છ બાળક મારી નાખ્યા પછી વિષ્ણુના અંશરૂપ શેષનાગ કે જેને અનંત કહે છે, તે દેવકીના સાતમા ગર્ભમાં આવ્યા. એ ગર્ભથી દેવકીને હર્ષ અને શોક બન્ને વૃદ્ધિ પામ્યાં.૩-૫ વિશ્વાત્મા ભગવાને પણ પોતાનો આશ્રય કરીને રહેલા યાદવોને કંસથી ઉત્પન્ન થયેલું દુઃખ જાણીને યોગમાયાને આજ્ઞા કરી કે ‘‘હે દેવિ ! તમો ગોવાળિયા અને ગાયોથી શોભી રહેલા વ્રજમાં જાવ. વસુદેવની સ્ત્રી રોહિણી નંદના ગોકુળમાં છે, અને બીજી વસુદેવની સ્ત્રીઓ પણ કંસના ઉદ્વેગથી ગુપ્ત સ્થાનકોમાં રહે છે. ૬-૭ હમણાં દેવકીના ઉદરમાં મારા અંશરૂપ શેષનાગ પધાર્યા છે, તેમને ત્યાંથી ખેંચીને રોહિણીના ઉદરમાં સ્થાપન કરો.૮ પછી હું પરિપૂર્ણ રૂપથી દેવકીનો પુત્ર થઇશ, અને તમો નંદની સ્ત્રી યશોદાના ઉદરથી જન્મ લેજો.૯ સકામ પુરુષોને અૈશ્વર્ય અને સમગ્ર ઇચ્છિત ફળોને આપનારાં તમોને પૃથ્વી પર મનુષ્યો ધૂપ, ઉપહાર અને બલિદાનથી પૂજશે. ૧૦ પૃથ્વીમાં મનુષ્યો તમારાં સ્થાનક કરશે. અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકા, માયા, નારાયણી, ઇશાની, શારદા અને અંબિકા એવાં નામો પાડશે. ૧૧-૧૨  તમો દેવકીના ઉદરથી ગર્ભનું આકર્ષણ કરશો. તેથી પૃથ્વીમાં તે પુત્રનું ‘સંકર્ષણ’ એવું નામ કહેવાશે. જગતને રાજી કરશે તેથી રામ અને અત્યંત બળવાન હોવાથી ‘બલ’ એવું પણ નામ કહેવાશે. ૧૩  આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતાં મોટા આદરથી તેમનાં વચનનો સ્વીકાર કરી અને ભગવાનને પ્રદક્ષિણા કરી માયાએ પૃથ્વીમાં જઇને તે પ્રમાણે જ કર્યું. ૧૪ યોગમાયાએ દેવકીનો ગર્ભ રોહિણીમાં સ્થાપન કરતાં, ‘અહો ! દેવકીનો ગર્ભ પડી ગયો’ એમ લોકો કહેવા લાગ્યા. ૧૫  ભક્તોને અભય આપનારા વિશ્વાત્મા ભગવાન પણ પરિપૂર્ણ રૂપથી વસુદેવના મનમાં પધાર્યા. ૧૬

ભગવાનની શ્રીર્મૂતિને ધારણ કરતા વસુદેવ સૂર્યની પેઠે અતિ પ્રકાશવા લાગ્યા તેથી કોઇ બીજા પ્રાણીઓ વસુદેવની સમીપે પણ જઇ શકતા ન હતા. ૧૭  પછી વસુદેવે ધારણ કરેલા જગતને મંગળકારી, સર્વના આત્મા અને પરિપૂર્ણ શક્તિવાળા ભગવાન વસુદેવ થકી દેવકીના ઉદરમાં પધાર્યા, અને જેમ પૂર્વદિશા આનંદકારી ચંદ્રને ધારણ કરે તેમ દેવકીએ પણ તે ભગવાનને પોતાના ઉદરમાં ધારણ કરી લીધા. ૧૮ તે દેવકી, જેમાં સર્વ જગતનો નિવાસ છે એવા ભગવાનના નિવાસરૂપ થયાં, તોપણ કંસના કારાગૃહમાં રુંધાયેલાં હોવાથી, ઘડામાં રોકાએલા દીવાની પેઠે અને વિદ્યાને છુપાવનારા ખળ પુરુષમાં રુંધાયેલી સદ્વિદ્યાની પેઠે, બીજા લોકોને આનંદ આપી શક્યાં નહીં. ૧૯  ઉદરમાં ભગવાન પધારવાને લીધે કાંતિથી ઘરને શોભાવતાં અને સુંદર મંદહાસ્ય કરતાં, તે દેવકીને જોઇને કંસે વિચાર કર્યો કે ‘‘મારા પ્રાણને લેનારો વિષ્ણુ આના ઉદરમાં અવશ્ય આવી ચૂક્યો છે; કેમકે પહેલાં આ દેવકી આવાં તેજસ્વી ન હતાં. ૨૦  હવે હમણાં તુરત મારાથી વિષ્ણુને શું થઇ શકે ? આ દેવકી થકી ઉત્પન્ન થઇને એ વિષ્ણુ મારા વધરૂપ પોતાનું પરાક્રમ કરશે જ,   અને વળી આ સ્ત્રીજાતિને મારી નાખું તો મારા પરાક્રમનો મેંજ નાશ કર્યો કહેવાય, એક તો સ્ત્રીજાતિ, તેમાં વળી બેન અને તેમાં વળી ગર્ભિણીનો વધ કરુ તો તે વધ હમણાં જ મારી ર્કીતિ, લક્ષ્મી અને આયુષ્યનો  નાશ કરી નાખે. ૨૧  જે પુરુષ બહુજ ક્રૂરતાથી પોતાના પ્રાણોને ધારણ કરે છે તે પુરુષ જીવતો જ મરેલો ગણાય છે. એવા પુરુષ વિષે લોકો ધિક્કારથી બોલે છે કે આ દેહાભિમાની પુરુષ મર્યા પછી અવશ્ય નરકમાં  પડશે. ૨૨  ભગવાનની સાથે વૈરાનુબંધ રાખનારો કંસ આવો વિચાર કરીને, પોતે દેવકીને મારી નાખવાને સમર્થ હતો છતાં પણ મારવાથી અટકીને ભગવાનનો જન્મ થવાની રાહ જોવા લાગ્યો. ૨૩ બેસતાં, સૂતાં, ઊઠતાં, જમતાં અને પૃથ્વી પર ફરતાં ભગવાનનું જ ચિંતવન કર્યા કરતો એ કંસ સઘળા જગતને ભગવાનમય દેખવા લાગ્યો. ૨૪  બ્રહ્મા, સદાશિવ, નારદાદિક મુનિઓ અને અનુચર સહિત દેવતાઓ ત્યાં આવીને, મનોરથ પૂરનારા ભગવાનની સુંદર વાક્યોથી આગળ કહેવાશે એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૨૫

દેવતાઓ સ્તુતિ કરે છે આપ સત્યસંકલ્પવાળા છો, સત્યથી પ્રાપ્ત થનાર છો, ત્રણે કાળમાં સત્ય છો, સમગ્ર જગતની  ઉત્પત્તિના કારણરૂપ છો, સત્યભૂત એવા ચિદાકાશમાં રહેલા છો, સત્યના પણ સત્ય છો, સૂર્ય ચંદ્રના પણ પ્રવર્તક છો. આવી રીતે સર્વપ્રકારે સત્ય સ્વરૂપ એવા તમારે શરણે અમો આવેલા છીએ. ૨૬  આ બ્રહ્માંડરૂપી આદિ વૃક્ષ કે જેમાં એક (પ્રકૃતિ) આશ્રય છે, બે (સુખ અને દુઃખ) ફળ છે, ત્રણ (ગુણ) મૂળ છે, ચાર (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) રસ છે, પાંચ (ઇન્દ્રિયો) જાણવાના પ્રકાર છે, છ (જન્મ, મરણ, શોક, ક્ષુધા, પિપાસા અને મોહ) સ્વભાવ છે, સાત (ધાતુ) છાલ છે, આઠ (પંચભૂત, મન, બુદ્ધિ અને અહંકાર) શાખા છે, નવ (દ્વાર) છિદ્ર છે, દશ (પ્રાણ) પાંદડાં છે અને બે (જીવ તથા ઇશ્વર) પક્ષીઓ છે, આ બ્રહ્માંડરૂપી વૃક્ષની ઉત્પત્તિ તમારાથી થઇ છે, લય તમારામાં થાય છે, અને સ્થિતિ પણ તમારામાં જ છે. માટે સઘળું બ્રહ્માંડ તમારું જ શરીર હોવાથી તમારાથી ભિન્ન નથી. અર્થાત્ શરીર અને શરીરીનું અભિન્નપણું કહેલું છે, તમારી માયાથી જેઓનું જ્ઞાન ઢંકાઇ ગયું છે, તેઓ જગતને તમારાથી  ભિન્ન દેખે છે, પણ વિદ્વાનો તેમ દેખતા નથી. ૨૭-૨૮  જ્ઞાન સ્વરૂપ અને સર્વના આત્મા તમો જ સ્થાવર જંગમ લોકના પાલનને માટે શુદ્ધ સત્વમય, ર્ધામિકોને સુખદાયી અને અર્ધામિકોને દુઃખદાયી એવા રૂપોને વારંવાર ધરો છો. ૨૯  હે કમળ સરખા નેત્રવાળા ! શુદ્ધસત્વમય શરીરથી યુક્ત એવા તમારે વિષે પ્રવેશ કરાવેલું છે ચિત્ત જેમણે, એવા કેટલાક જ્ઞાનીઓ તમારા ચરણની ઉપાસનારૂપી નાવનો આશ્રય કરીને સંસારરૂપી સમુદ્રને સુખપૂર્વક તરી જાય છે. ૩૦  હે સ્વયંપ્રકાશ ! હે મહાદયાળુ ! તમારા ચરણની ઉપાસના કરનારા મહાત્મા પુરુષો આ ભયંકર અને દુસ્તર ભવસાગરને આપના ચરણારવિંદની ઉપાસનારૂપી વહાણથી ઊતરીને તે ચરણારવિંદની ઉપાસનારૂપી વહાણને આ પૃથ્વી ઉપર મૂકીને ચાલ્યા ગયા છે. અર્થાત્ આ પૃથ્વી ઉપર તમારા ચરણારવિંદની ઉપાસનાને પ્રવર્તાવીને ચાલ્યા ગયા છે. આવા આપ ભક્તો ઉપર અનુગ્રહ કરનાર છો. ૩૧  હે કમળ  સરખા નેત્રવાળા ! જે બીજા લોકો ‘અમે મુક્ત જ છીએ’ એમ માનીને તમારી ભક્તિ નહીં કરવાથી અશુદ્ધ બુદ્ધિવાળા અને તમારા ચરણનો અનાદર કરનારા છે તેઓ ઘણા જન્મના તપને લીધે  સારુ કુળ પણ, નીચ યોનિમાં જન્મ પામે છે. ૩૨  હે માધવ ! જે લોકો તમારામાં જ સ્નેહ બાંધી રહેલા અને તમારા જ છે તે લોકો ભક્તિથી રહિત પુરુષોની જેમ પોતાના માર્ગમાંથી કદી ભ્રષ્ટ  થતા નથી, પણ તમે કરેલા રક્ષણને લીધે નિર્ભય થઇને મોટાં મોટાં અનેક વિઘ્નોને માથે પગ મૂકીને ફરે છે. ૩૩  તમે જગતની સ્થિતિને માટે, પ્રાણીઓને કલ્યાણની પ્રાપ્તિને માટે આશ્રય કરવા યોગ્ય એવા શુદ્ધ સત્વગુણમય શરીરને ધારણ કરો છો કે જે શરીર ધરવાને લીધે બ્રહ્મચારીઓ વેદના અધ્યયનથી, ગૃહસ્થો કર્મયોગથી, વાનપ્રસ્થો તપથી અને સંન્યાસીઓ સમાધિથી તમારું પૂજન કરે છે. ૩૪  તમે અવતાર ન ધરો તો પૂજન નહિ થઇ શકવાને લીધે કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. હે પ્રભુ ! આ સત્વગુણમય આપનું શરીર ન અવતરે તો અજ્ઞાનને તોડનાર  પ્રત્યક્ષ જ્ઞાન થાય જ નહીં; કેમ કે ‘જેના સંબન્ધથી બુદ્ધિ આદિ પદાર્થો પ્રકાશે છે તે બુદ્ધિ આદિ પદાર્થોના સાક્ષી કોઇ ભગવાન હોવા જોઇએ, આમ પ્રકાશ ઉપરથી આપનું કેવળ અનુમાન થઇ શકે છે પણ આપનું સ્વરૂપ આ નેત્રથી પ્રત્યક્ષ જોઇ શકાતું નથી. ૩૫ વેદ વચનોના અનુસારે મન વડે કેવળ અનુમાન કરવા યોગ્ય, સર્વના સાક્ષી એવા તમો, તે તમારા ગુણ, જન્મ, કર્મ, નામ અને રૂપ નિરૂપણ કરી શકાતું નથી. છતાં પણ હે દેવ ! ઉપાસક લોકો યજ્ઞાદિક ક્રિયામાં અગ્નિ, ઇન્દ્રાદિકના નામ રૂપ દ્વારા તમોને જ આરાધ્ય માને છે. એ વાત પ્રસિદ્ધ છે. ૩૬  તમારા  મહામંગળ નામ અને રૂપોને સાંભળતો, બોલતો, સંભારતો અને ચિંતવતો જે પુરુષ દેવાર્ચનાદિક ક્રિયાઓમાં તમારા ચરણારવિંદમાં જ ચિત્ત રાખે તેને પુનઃ જન્મ ધરવો પડતો નથી. ૩૭  હે વિષ્ણુ ! બહુ સારું થયું, વામનરૂપે ત્રણ પગલાંથી માપેલી પૃથ્વીનો ભાર તમારા જન્મથી જ મટી ગયો. આપનાં સુંદર પગલાંઓથી ચિહ્નવાળી થયેલી પૃથ્વીને અને આપે દયા કરેલા સ્વર્ગને અમે દેખીશું એ ઘણું સારૂં થયું. ૩૮ હે નિત્યમુક્ત પરમેશ્વર ! આપ અજન્મા છો, આપને જન્મ ધરવાનું કારણ માત્ર ક્રીડા વિના બીજું કશું અમે ધારતા નથી. કેમકે અવિદ્યારૂપી પ્રકૃતિદ્વારા કરાયેલી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ ત્રણે વિકારો તમને જ આધીન છે. ૩૯  હે યદુકુળમાં ઉત્તમ ! મત્સ્ય, હયગ્રીવ, નૃસિંહ, કચ્છપ, વરાહ, હંસ, રાજા, બ્રાહ્મણ અને દેવતાઓમાં અવતાર ધરીને આપે બીજા સમયમાં જેવું અમારું અને ત્રૈલોક્યનું રક્ષણ કર્યું છે, તે પ્રમાણે હમણાં પણ કરો અને પૃથ્વીનો ભાર ઉતારો. હે ઇશ્વર ! અમે આપને પ્રણામ કરીએ છીએ. ૪૦  (દેવકીને કહે છે) હે માતા ! અમારું કલ્યાણ કરવા સારું તમારા ઉદરમાં પોતાના સંકલ્પથી પરમ પુરુષ ભગવાન પધાર્યા છે એ બહુ જ સારૂં થયું છે. હવે કંસનું મોત આવી ચૂક્યું છે, માટે તે  કંસથી તમો હવે ભય પામશો નહિ. તમારા પુત્ર ભગવાન યાદવોનું રક્ષણ કરશે. ૪૧  શુકદેવજી કહે છે આ પ્રમાણે જે રીતે દેવતાઓએ ભગવાનનું સ્વરૂપ જાણેલું હતું એ રીતે પોતાની બુદ્ધિને અનુસારે યથાયોગ્ય સ્તુતિ કરીને દેવતાઓ બ્રહ્મા તથા સદાશિવને આગળ કરી (અમને છેતરીને આ બે દેવ અહીં રહેશે એમ માનવાથી તેઓને સાથે લઇ) પાછા સ્વર્ગમાં ગયા.૪૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બીજો અધ્યાય સંપૂર્ણ.