૯૬. પ્રભુએ દાદાખાચરની જાન લઇ જઇ ભટવદર પરણાવ્યા, અમદાવાદમાં ફૂલદોલોત્સવ કર્યો, વડતાલમાં આવી રામન

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:30pm

પૂર્વછાયો-

ઉત્સવ નિત્ય અતિ ઘણા, થાય અહોનિશ આનંદ ।

તાપત્રય તિયાં નહિ, જીયાં સ્વામી રાજે સુખકંદ ।।૧।।

સુંદર ઋતુ સોયામણી, વળી વરતિયો વસંત ।

અતિરાજી અલબેલડો, દિયે દાસને સુખ અત્યંત ।।૨।।

વાસી વાલાક દેશનાં, જન નિરમળ જેહ ।

દયા કરી તેને દર્શનની, જોઇ સત્સંગીનો સ્નેહ ।।૩।।

મિષ લઇ જન જાનનું, ચાલિયા શ્યામ સુજાણ ।

પૂરણ બ્રહ્મ પધારિયા, કરવા કોટીનાં કલ્યાણ ।।૪।।

ચોપાઇ-

સોંઢિયા જાનમાં સુંદરશ્યામ, કરવા અનેક જનનાં કામ ।

પહોર એકમાં પરિયાણ કીધું, ગામ સઘળું જમાડી લીધું ।।૫।।

પછી ચોંપેશું ચલાવી જાન, ચાલ્યા ભેળા પોતે ભગવાન ।

કીધો માલપરામાં મુકામ, ત્યાંથી પહોંચ્યા પિઠવડી ગામ ।।૬।।

આવ્યા સતસંગી સર્વે સમૈયે, અતિ હેત માય નહિ હૈયે ।

બાળ જોબન ને વૃધ્ધ વળી, આવ્યા સામા વાલાને સાંભળી ।।૭।।

ગાતેવાતે પધરાવ્યા ઘેર, કરી સેવા સારી રૂડી પેર ।

સુંદર સારી કરાવી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।।૮।।

પછી જમાડ્યો જનનો સાથ, ઉભા હરિ આગે જોડી હાથ ।

કહે ધન્ય ધન્ય દીનદયાળ, ભલી લીધી અમારી સંભાળ ।।૯।।

કરી મોટી અમપર મહેર, પ્રભુ પ્રેમે પધારિયા ઘેર ।

તમે બિરુદ પાળ્યું બહુનામી, છો પતિતના પાવન સ્વામી ।।૧૦।।

એવાં સુણ્યાં દાસનાં વચન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન ।

નોતું આંઇ આવ્યાનું પરિયાણ, આવ્યા જોઇને તમારી તાણ ।।૧૧।।

એમ કહી હેતનાં વચન, બહુ રાજી કર્યા નિજજન ।

પછી પોઢીયા પ્રાણઆધાર, વીતિ રાત્ય ને થયું સવાર ।।૧૨।।

ત્યારે ઉઠ્યા આપે અવિનાશ, થયા રથી ગ્રહિ કર રાશ ।

ચાલ્યા વાટે આવે ગામ ઘણાં, કરે દર્શન જન હરિ તણાં ।।૧૩।।

એમ દેતાં દર્શન દાન, કરે જન મગન ભગવાન ।

પછી પહોંચ્યા ભટવદ્ર ગામ, રહ્યા રાત્ય સુખે તિયાં શ્યામ ।।૧૪।।

કરી વિવાહ વળ્યા અવિનાશી, શ્યામ સુંદરવર સુખરાશી ।

આવે આડાં વાટે જન બહુ, કરે નાથનાં દર્શન સહુ ।।૧૫।।

ત્યાંથી રહ્યા વાવેરામાં રાત, દઇ દર્શન ચાલ્યા પ્રભાત ।

આવ્યા ગોરડકે કરી મહેર, ભક્ત ચાંદુ માંતરાને ઘેર ।।૧૬।।

કરી રસોઇ જમાડ્યા જન, જમ્યા ભાવે પોતે ભગવન ।

ત્યાંથી ચાલ્યા ચતુર સુજાણ, કર્યાં પિઠવડીએ મેલાણ ।।૧૭।।

તિયાં મૂળો ભગો બોલ્યા મળી, હિરો હરજી ભાયો રૂડો વળી ।

કહે રહો યાં દિન દોય ચાર, કરે દર્શન સહુ નરનાર ।।૧૮।।

બહુ દહાડે પધાર્યા છો તમે, નહિ જાવા દૈયે હરિ અમે ।

એવી સાંભળી જનની વાણ, પણ ન માન્યું ચાલ્યા સુજાણ ।।૧૯।।

ચાલ્યા રાત તણા ચારે જામ, પાછા આવ્યા માલપરે ગામ ।

તિયાં રૂડાં કરાવ્યાં ભોજન, આપે જમી જમાડિયા જન ।।૨૦।।

પછી આવ્યા ગઢપુર ગામ, કરી અનેક જનનાં કામ ।

જેજે જને જોયા છે જીવન, તે ન જાય જમને ભવન ।।૨૧।।

દઇ અનેકને અભયદાન, પાછા પધારિયા ભગવાન ।

જેજે કર્તવ્ય છે હરિતણું, તેમાં જાણો કલ્યાણ આપણું ।।૨૨।।

એમ કરતાં વીત્યા કાંઇ દન, ચાલ્યા ગુજરાત્યે ભગવન ।

ચાલ્યા ગઢડેથી ગિરિધારી, આવ્યા સારંગપુર સુખકારી ।।૨૩।।

સુંદરિયાણે શિરામણિ કરી, રહ્યા રાત વાગડમાં હરિ ।

કંથારીયે કરીને ભોજન, રહ્યા શિયાણીમાં ભગવન ।।૨૪।।

ત્યાંથી તાવી આવી હરિ રહ્યા, પછી કરી દેવળિયે દયા ।

તિયાં આવ્યા દરશને દાસ, નયણે નિરખવા અવિનાશ ।।૨૫।।

તેને દર્શન દઇ દયાળ, ત્યાંથી ચાલ્યા પછી તતકાળ ।

આવ્યા દદુકે દેવાધિદેવ, કરી હરિજને બહુ સેવ ।।૨૬।।

પછી ત્યાંથી આવ્યા મછિયાવે, તિયાં તેડ્યા મુનિ ભરી ભાવે ।

હરિજને જમાડ્યા જીવન, પછી જમ્યા સખા મુનિજન ।।૨૭।।

રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા દાસને દર્શન દાન ।

આવ્યું અરણ્યે એક તળાવ, તિયાં જમ્યા મનોહર માવ ।।૨૮।।

પછી અમદાવાદમાં આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।

ફુલદોલના ઉત્સવ માથે, આવ્યા મુનિ ને મહારાજ સાથે ।।૨૯।।

હેતે પ્રીતે જમાડીયા જને, શાક પાક સુંદર ભોજને ।

પછી આવ્યો હુતાસની દન, રમ્યા સખા સંગે ભગવન ।।૩૦।।

સારા સુંદર રંગ મંગાવ્યા, ઘણા માટ ઘડા ભરી લાવ્યા ।

તેતો હરિએ લઇ લીધા હાથે, ઢોળ્યા સર્વે મુનિજન માથે ।।૩૧।।

પછી ઉપર નાખ્યો ગુલાલ, તેણે સખા થયા રંગે લાલ ।

ધન્ય શોભે છે સંત મંડળી, નાખે રંગભીનો રંગ વળી ।।૩૨।।

ખુબ ખાંતિલે મચાવ્યો ખેલ, વાળી રસિયે રંગડાની રેલ ।

પછી અલબેલો અઢળ ઢળ્યા, સર્વે મુનિને મહારાજ મળ્યા ।।૩૩।।

કરી ઉત્સવ શ્યામ સધાવ્યા, અવિનાશી અસલાલી આવ્યા ।

તિયાં ભક્ત વસે વેણીભાઇ, જમ્યા શ્યામ તિયાં સુખદાઇ ।।૩૪।।

પછી જમાડીયા મુનિજન, સર્વે લોકે કર્યાં દરશન ।

પછી ત્યાંથી ચાલ્યા ભગવન, આવ્યા જેતલપુરે જીવન ।।૩૫।।

ત્યાંથી ચાલિયા લાડીલો લાલ, આવ્યા વાલમજી વરતાલ ।

તિયાં દાસને દર્શન દિધાં, બહુ જન કૃતારથ કીધાં ।।૩૬।।

દેશ દેશના આવ્યાતા સંઘ, હરિભક્ત અંતરે અનઘ ।

તેને દર્શન દઇ દયાળ, લીધી સર્વે જનની સંભાળ ।।૩૭।।

સર્વે સામું જોયું અમિ નેણે, વળી બોલાવિયા મીઠે વેણે ।

સહુ જન તે મગન થયા, વિયોગ દુઃખ વિસરી ગયા ।।૩૮।।

પછી હરિને પૂજીયા હેતે, વળી જમાડ્યા પૂરણ પ્રીતે ।

નિત્યે નયણે નિરખી નાથ, મુખ જોઇ સુખ લિયે સાથ ।।૩૯।।

કોઇ ચંદન ચરચે ઘશી, કોઇ હાર પહેરાવે છે હશી ।

કોઇ અત્તર ચરચે આવી, લાગે પાય અંબર પહેરાવી ।।૪૦।।

કોઇ અર્પે આભૂષણ અંગ, કોઇ કરે આરતી ઉમંગ ।

કોઇ છાપે છે છાતિયે પાવ, કોઇ ભેટે ભરી જનભાવ ।।૪૧।।

એમ પૂરે મનોરથ મનના, વાળે ખંગ ખોયલા દનના ।

કરતાં પ્રભુજીને પ્રસન્ન, આવિયો રામનવમીનો દન ।।૪૨।।

રહ્યાં વ્રત નરનારી જન, જાણી પ્રભુ જન્મનો દન ।

દશમી દને મુહૂર્ત જોઇ, દિધી સીતારામને જનોઇ ।।૪૩।।

તિયાં જમાડિયા વિપ્રજન, આપ્યાં સુંદર સારાં ભોજન ।

વેદવિધિએ કર્યું એ કામ, ધર્મરક્ષક સુંદરશ્યામ ।।૪૪।।

કરી અલબેલો એટલું કાજ, આવ્યા ગઢડે શ્રીમહારાજ ।

સુણે સહુ કથા સુખરાશી, કરી લીલા તે કહી પ્રકાશી ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અમદાવાદ ફુલદોલનો ઉત્સવ કરીને પાછા ગઢડે પધાર્યા એ નામે છન્નુમું પ્રકરણમ્ ।।૯૬।।