૨૨. ઘનશ્યામને ઉપવીત સંસ્કાર આપી ધર્મદેવે કરેલો ઉપદેશ.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:31pm

પૂર્વછાયો-

સહુ જન મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર ।

જન્મ થકી મહારાજને, વર્ષ વીત્યું અષ્ટમું આ વાર ।।૧।।

જનોઇ દેવા જનકને, અતિ આનંદ ઉર ન માય ।

દેશ દેશના જયોતિષિ, તેડાવ્યા દ્વિજરાય ।।૨।।

પુષ્પ ફળે પૂજા કરી, પછી કહ્યું પ્રીતે શું વચન ।

ઉપવીત દેવા આ સુતને, તમે શોધી કાઢો શુભ દિન ।।૩।।

જોઇ જોષ જોષી બોલીયા, વર્ષ આઠમું છે આ અનુપ ।

માઘશુદી દશમી દિને, શુભ મુહૂર્ત છે સુખરૂપ ।।૪।।

ચોપાઇ-

પછી રાજી થઇ માત તાત, નિશ્ચય કરીને માની એ વાત ।

મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઇ વાતની ન રાખી મણા ।।૫।।

પછી કંકોતરી ગામો ગામ, મેલી લખી સરવેનાં નામ ।

રૂડી રીતે શણગાર્યાં ઘર, ચિત્ર વિચિત્ર કર્યાં સુંદર ।।૬।।

રોપ્યા રંભાના સ્થંભ તે દ્વાર, બાંધ્યાં તરિયાં તોરણ બાર ।

છાંટ્યાં અગર ચંદને એવાં, તેણે શોભે છે વૈકુંઠ જેવાં ।।૭।।

રોપ્યા મંડપ પુર્યા છે ચોક, જોઇ થકિત થાય શહેર લોક ।

દિવી ફાનસો કાચની હાંડી, વાસી દીપ હારોહાર માંડી ।।૮।।

નીલા પીળા ભર્યા રંગ રાતા, શોભે સારા કહ્યે નથી જાતા ।

અતિ ઉત્સાહે આદર્યો જંગ, દેવા ઉપવીત ઉરે ઉમંગ ।।૯।।

પછી જે જે તેડાવ્યાંતાં જન, તેતો આવ્યાં નવમી ને દિન ।

રથ વેલ્ય ને ગાડલાં લઇ, આવ્યાં અશ્વ પર ચડી કઇ ।।૧૦।।

બાળ યુવા વૃદ્ધ નરનારી, આવ્યાં સર્વે તે પ્રેમ વધારી ।

એક જમવું ને યજ્ઞોપવીત, હરિ નિર્ખવા ચાય છે ચિત્ત ।।૧૧।।

જેને જેવી ઘટે પેરામણી, લાવ્યાં મોંસાળિયાં મળી ઘણી ।

બીજા બહુ આવ્યા હરિજન, કરવા ધર્મ હરિનાં દર્શન ।।૧૨।।

તેને આપ્યાં ઉતરવા ઘર, સારી પેઠે કરી સરાભર ।

પછી ભાવે જમાડ્યાં ભોજન, લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજય અન્ન ।।૧૩।।

શાક પાક ને સુંદર વડાં, જમ્યા વૃદ્ધ યુવા નાનકડાં ।

પછી આવ્યો દશમીનો દન, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન ।।૧૪।।

કુળ ગોર સારા સામવેદી, અતિ આચારે આત્મનિવેદી ।

પછી પુરના પુરાણી જેહ, વેદ શાસ્ત્રના ભણેલ તેહ ।।૧૫।।

મળી શુભ વેળા પળ જોઇ, આપવા પ્રભુજીને જનોઇ ।

વાજે માંગલિક વાજાં અપાર, ગાય મંગળ મળી બહુનાર ।।૧૬।।

પ્રથમ ત્રણ ગાય તિયાં આપી, પૂજયા ગોત્ર વિનાયક સ્થાપી ।

કર્યાં સ્થંડિલે સ્થાપન અગ્નિ, આહુતિયો આપી તેમાં ઘીની ।।૧૭।।

પછી સામવેદનું જે કર્મ, પાસે રહી કરાવે છે ધર્મ ।

પહેલા પુત્ર નવારી જમાડ્યા, મુંડન કરાવી ફરી નવાડ્યા ।।૧૮।।

ધર્મે કરાવી સંસ્કાર વિધી, આપી કૌપીન તે પહેરી લીધી ।

પછી ધર્મ દેવે બહુ ભાવે, આપી જનોઇ ધરી ખભે ડાબે ।।૧૯।।

ત્યારે ગુરુએ કહ્યું વિચારી, ફરો ભૂમિએ થઇ બ્રહ્મચારી ।

પછી ધર્મે શિખામણ દીધી, કરજયો વૈશ્વદેવ રૂડી વિધિ ।।૨૦।।

કરવી ત્રિકાળ સંધ્યા પાવન, જમવું પંચ ગ્રાસ કાઢી અન્ન ।

ન સુવું દિવસે નિર્ધાર, ગુરુ સેવામાં રાખવો પ્યાર ।।૨૧।।

ત્યારે સત્ય સત્ય કહે બાળ, સુણી રાજી થયાં મા મોશાળ ।

પછી ધર્મે ગાયત્રીનો મંત્ર, આપ્યો કરવા જાપ નિરંત્ર ।।૨૨।।

વજડાવ્યાં વાજાં તિયાં વળી, ગાય ગીત ત્યાં માનિની મળી ।

કરે વિપ્ર તિયાં વેદધ્વનિ, પોતિ હૈયાની હામ સહુની ।।૨૩।।

કરી પરસ્પર પેરામણી, દીધી ધર્મે તે દક્ષિણા ઘણી ।

કર્યા રાજી દ્વિજ ને ગાયક, આપી અન્ન ધન વસ્ત્ર અનેક ।।૨૪।।

બોલે યાચક જય જય બહુ, ધન્ય ધન્ય કહે જન સહુ ।

પછી ગુરુએ પલાશ દંડ, આપ્યો હાથમાં ગ્રેવા અખંડ ।।૨૫।।

બાંધ્યો મુંજતણો આડબંધ, દીધું રુરુચર્મ વળી સ્કંધ ।

આપ્યું અંગે તે વસ્ત્ર નવીન, તેણે કરીને ઢાંકી કૌપીન ।।૨૬।।

પછી પહેલાં કહ્યાતા જે ધર્મ, તેનો ફરી સમજાવે છે મર્મ ।

કહે અનઘ ગુરુનાં વેણ, રૂદે ધારજયો કમળનેણ ।।૨૭।।

ક્રોધ કરશો માં કોઇ વાર, મુખે મિથ્યા માં કરશો ઉચ્ચાર ।

અષ્ટ પ્રકારે તજજયો નારી, ગ્રામ્ય કથા સુણ્યે નહિ સારી ।।૨૮।।

નૃત્ય વાજીંત્ર તનન તાન, સુણવું નહિ વિષયિ ગાન ।

સુગંધી તેલ મર્દન ત્યાગી, ઘસી પગ ન ધોવા સુભાગી ।।૨૯।।

ગુરુ આગળ્ય ઉંચે આસન, ન બેસવું ભૂલ્યે કોઇ દિન ।

દંત ન ઘસો ન ગુંથો વાળ, ભોંયે ન લખો વર્ણ કોઇ કાળ ।।૩૦।।

સમા વિના ન ઉતારો કેશ, મદ્ય માંસ ને તજવું હમેશ ।

વૃષભે ન કરવું વાહન, દર્પણમાં ન જોવું વદન ।।૩૧।।

નિંદા દ્રોહ તે કેનો ન કરીએ, પગે પહેરવાં પનીયાં પ્રહરીએ ।

મન કર્મ ને વળી વચને, હિંસા કરવી નહિ કોઇ દિને ।।૩૨।।

મુક્તિ અર્થે પણ આત્મઘાત, ન કરવો સાંભળો એ વાત ।

કેદિ કરવો નહિ કુસંગ, જેણે થાય સ્વધર્મનો ભંગ ।।૩૩।।

ધર્મસમ નહિ સુખદાય, માટે રહેવું તે સ્વધર્મમાંય ।

ભૂમિપર ને કાંસાને ઠામે, ન જમવું કેદી મનભામે ।।૩૪।।

કાથો ચુનો પાનબીડી કહીએ, ધૂતવિદ્યા થકી દૂર રહીએ ।

ગાંજો ભાંગ્ય ને મફર જેહ, આફુ આદિ તજવાનું તેહ ।।૩૫।।

દેવ તીર્થ ને બ્રાહ્મણ ગાય, સાધુ સતી સચ્છાસ્ત્ર કહેવાય ।

તેની નિંદા કેદિયે ન કરવી, કરે કોઇ તો કાને ન ધરવી ।।૩૬।।

વળી બ્રહ્મચારીની જે રીત, સુણો હરિ પરમ પુનિત ।

કૌપીન ને મુંજ કટિસૂત્ર, દંડ કમંડળું યજ્ઞોપવિત ।।૩૭।।

મૃગાજીન ને ભિક્ષાનું ઠામ, તે ન ત્યાગવાં લીધાં જે નામ ।

સ્નાન સંધ્યા જપ હોમ જેહ, ભણવું ને ભણાવવું તેહ ।।૩૮।।

દેવ પિતૃતર્પણાદિ કર્મ, કરવું એ બ્રહ્મચારીનો ધર્મ ।

પ્રેમે કરવું કૃષ્ણનું પૂજન, નવધા ભક્તિ સહિત નિશદન ।।૩૯।।

એમ કહ્યું જયારે ધર્મદેવ, કૃષ્ણ કહે સત્ય સત્યમેવ ।

પછી પ્રક્રમા અગ્નિ ને કરી, વળતા ગયા માતા પાસે હરિ ।।૪૦।।

માગી ભિક્ષા જઇ માતા પાસે, આપી માતાએ અતિ હુલાસે ।

આપી બીજી સુવાસણ્યે મળી, લીધી તે પણ ભિક્ષાને વળી ।।૪૧।।

જાચી ભિક્ષા મેલી ગુરુ આગે, આગન્યાએ જમ્યા અનુરાગે ।

પછી કાશીએ જાવાને કાજ, આપ્યો ગુરુએ સરવે સમાજ ।।૪૨।।

દંડ કમંડળું મૃગછાળા, તુલસીમાળ વિશાળ મેખળા ।

પછી માતાએ આપ્યાં ટિમણ, પેંડા પતાસાં જોડ્યે જમણ ।।૪૩।।

પીળી આંગિ પાઘ શિરપર, ખભે ખાખરદંડ સુંદર ।

ચાલ્યા ભાતું બાંધી બ્રહ્મચારી, ભણવા કાશીએ કરી તૈયારી ।।૪૪।।

નિસર્યા ઘરથી ગામ બહાર, નથી વળવું એ નિરધાર ।

ચાલ્યા ઠાવકો ઠરાવ કરી, માયા સંબંધીની પરહરી ।।૪૫।।

કેડ્યે ધોડિ ધોડિ મામો હાર્યો, ન પહોંચાણું પછી તે પોકાર્યો ।

કહે વળો વળો ર્વિણરાજ, માતાપિતાને પાળવા કાજ ।।૪૬।।

પછી હરિ વિચારી એ મર્મ, થાશે દુઃખી બાળા વળી ધર્મ ।

માટે હમણાં તો પાછો વળું, પછી સમો જોઇને નિકળું ।।૪૭।।

વળતા વળી આવ્યા નિજધામ, બેઠા બ્રાહ્મણમાં ઘનશ્યામ ।

પ્રભુ બેઠા જયાં દ્વિજ સમાજ, અતિ શોભે છે વરણિરાજ ।।૪૮।।

થયો સૂત્રવિધિ સમાપ્ત, રાજી થયાં સંબંધી સમસ્ત ।

પામ્યા અતિ આનંદ એ મન, આપ્યાં દાન થઇ પરસન ।।૪૯।।

કનક ઘરેણાં વસ્ત્ર સોયામણાં, આપ્યાં વાહનનાં દાન ઘણાં ।

આવ્યા હતા ત્યાં સેવક જન, તેણે પૂજિયા ધર્મ પાવન ।।૫૦।।

પછી રાજી થઇ ભક્તિ ઇશ, ઘટે તેમ પૂજયા નિજ શિષ્ય ।

વળતાં સહુને કરાવ્યાં ભોજન, સુંદર રસોઇ સારાં વ્યંજન ।।૫૧।।

પછી રાજી થયાં નિજધામ, ગયાં પુરૂષ ને વળી વામ ।

વળતા તાતે ભણાવ્યા તેહ, અર્થ સહિત સામવેદ જેહ ।।૫૨।।

શિખ્યા શાસ્ત્ર અર્થ સહિત, થયા વિદ્યાવાન બ્રહ્મવિત ।

હતા વિચક્ષણ વિદ્યા જોઇ, કરે ચર્ચા ન પહોંચે કોઇ ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિ  ઉપવીત ઉત્સવ નામે બાવીશમું પ્રકરણમ્ ।।૨૨।।