૨૦. ધર્મ-ભકિત અયોધ્યામાં રહેવા આવ્યા, ઘનશ્યામજીની અદ્ભૂત ધર્મમય દિનચર્યાનું વર્ણન.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:26pm

પૂર્વછાયો-

વળી કહું એક વારતા, સૌ સાંભળજયો સાક્ષાત ।

એહ ગામમાં અસુરનો, અતિ થાવા લાગ્યો ઉતપાત ।।૧।।

માત પિતાએ મનમાં, વળતો તે કર્યો વિચાર ।

ઇયાં રહેતાં આપણને, થયાં વિઘન વારમવાર ।।૨।।

આપણે છે મિરાંથ્ય એટલી, જાણો જીવનદોરી જીવન ।

તેને વિઘન જો વ્યાપશે, તો થાશું બેઉં નિરધન ।।૩।।

માટે આંહિંથી ઉચળિને, જાયે અયોધ્યાપુર ।

પવિત્ર ધામ શ્રીરામનું, ત્યાં નહિ આવે અસુર ।।૪।।

ચોપાઇ-

પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધિ રે ।

પછી સંબંધી પાસે શિખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે ।।૫।।

બેઠાં શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે ।

જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોળામાં બેઠા મોહન રે ।।૬।।

ચલાવ્યાં ગાડલાં ધીરે ધીરે રે, આવ્યા સંધ્યા સમે સર્યૂ તીરે રે ।

લાવ્યો વાણ ખેવટ તે વાર રે, બેશી ઉતરિયા ગંગાપાર રે ।।૭।।

લીધો સર્વે સમાજ સંભાળી રે, જોઇ સર્યૂની શોભા રૂપાળી રે ।

તિયાં જળ સુંદર અમળ રે, કાંઠે ફુલિયાં છે કમળ રે ।।૮।।

રાતાં પોયણાં તિયાં રૂપાળાં રે, નાળી ફુલ છે સુગંધીવાળાં રે ।

તિયાં સારસ હંસ છે રૂડા રે, કુંજિ બદકુ જળકુકડા રે ।।૯।।

કરે પરસ્પર પંખી નાદ રે, જાણું નાવાને કરેછે સાદ રે ।

એમ શોભે છે સરયૂ ઘણી રે, કાંઠે કુસુમવાડી બહુ બણી રે ।।૧૦।।

ગુલાબ ગુલહજારી ઘણાં રે, બહુ વન ત્યાં તુલસીતણાં રે ।

ગુલદાવદી ને ગટુલિયાં રે, કેસર ર્કિણકા કુંભિ ફુલિયાં રે ।।૧૧।।

જાઇ જુઇ જુથિકા શેવતી રે, માધવી મલ્લિકા ને માલતી રે ।

કુંદ કેશુ કરેણ કેતકી રે, રહ્યા નિર્માલિ નિર્વારિ બેકી રે ।।૧૨।।

ચંપા ચમેલી ચંદન ચારુ રે, ગુલશોમન ગુલ હજારુ રે ।

પિયાવાસ પાડલ જાસુલ રે, બોરસરી વસંતનાં ફુલ રે ।।૧૩।।

મરવા સુગંધી આંબાના મોર રે, બેકે કેવડા ઠોરમઠોર રે ।

ફુલ કોટિમ ફળ રસાળ રે, બહુ વિવિધ ભાતે વિશાળ રે ।।૧૪।।

એવી શોભા સરયૂતીર તણી રે, વળી કહીએ શું મુખથી ઘણી રે ।

બહુ વેદીયા બેઠા વિપર રે, કરે સ્નાન ને સંધ્યા સુંદર રે ।।૧૫।।

દેવમંદિર બહુુ તીર્થ તીરે રે, શોભે સર્જૂ નિર્મળ નીરે રે ।

વાડી વન સરજૂ તે વાર રે, પ્રભુ પધાર્યે શોભ્યાં અપાર રે ।।૧૬।।

જીયાં આવ્યા પોતે ઘનશ્યામ રે, તેણે કરી થયાં શોભાધામ રે ।

એવી શોભા જોઇ છે સમસ્ત રે, ત્યાં તો અર્ક પામિયો છે અસ્ત રે ।।૧૭।।

ત્યારે દીવા કર્યા છે બહુ તીરે રે, તેનાં પડ્યાં પ્રતિબિંબ નીરે રે ।

કાંઠાપર હવેલી છે ઘણી રે, કરી હાર્યો ત્યાં દીપક તણી રે ।।૧૮।।

તટ હવેલીના દીવા મળી રે, તેણે પુરી રહી ઝળમળી રે ।

એવું શહેર સોયામણું ઘણું રે, રચેલ છે મનુરાજ તણું રે ।।૧૯।।

વળી ઇક્ષ્વાકુ કુળના જેહ રે, તેને રહેવાનું સ્થાનક એહ રે ।

એવું શહેર સુંદર વિશાળા રે, તિયાં આવિયાં ધર્મ ને બાળા રે ।।૨૦।।

વળી વાસુદેવ ભગવાન રે, જન્મી રામ થયા જેહ સ્થાન રે ।

એવી પુરી પવિત્ર ઘણી રે, વાડી વને વિંટી સોયામણી રે ।।૨૧।।

શોભે શેરી બજારો ચૌવટા રે, રૂડા રાજમારગ વાળ્યા મોટા રે ।

સાત માળની હવેલી સાર રે, શોભે કૈલાસ ગિરિ આકાર રે ।।૨૨।।

બની પંગતિ તેની અપાર રે, શોભે બરોબર તેનાં બાર રે ।

વળી હાટ વિવેકે વિભાગે રે, બરોબર સુંદર સારાં લાગે રે ।।૨૩।।

ક્યાંક વેચાય દુધ ને દઇ રે, ક્યાંઇ ઘૃત મિસરી ને મઇ રે ।

ક્યાંક ફળ ફુલ વળી પાન રે, ક્યાંક વસ્ત્ર શસ્ત્રના સામાન રે ।।૨૪।।

ક્યાંક વાસણ ભૂષણવાળા રે, ક્યાંક ઝવેરી ને મોતિયાળા રે ।

ક્યાંક ગજબાજ શણગારી રે, ફરે નિત્ય તેની અસવારી રે ।।૨૫।।

ક્યાંક અનેક અન્ન રસાલું રે, ક્યાંક શાક સુંદર બકાલું રે ।

ક્યાંક હાટ હારે હલવાઇ રે, વેંચે વિવિધ ભાત્યે મિઠાઇ રે ।।૨૬।।

ક્યાંક ગાંધી મોદી મણિયાર રે, ક્યાંક નાણાવટી તણી હાર રે ।

ક્યાંક માળીને તંબોળી તેજ રે, ક્યાંક સાલવી ને રંગરેજ રે ।।૨૭।।

ક્યાંક ગાન તાન ને ગવૈયા રે, એમ સૌ કોઇ વિભાગે રૈયા રે ।

ક્યાંક વિપ્ર કરે વેદાભ્યાસ રે, ક્યાંક બાળ ભણે પંડા પાસ રે ।।૨૮।।

ક્યાંક ક્ષત્રિતણી સભા સાર રે, ક્યાંક વૈશ્ય કરે છે વેપાર રે ।

ક્યાંક શુદ્ર કરે સેવા સારી રે, સહુ વર્ણધર્મ રહ્યા ધારી રે ।।૨૯।।

ક્યાંક લડેછે મલ્લ અખાડી રે, ખેલે કુસ્તિ પેચ ને લાકડી રે ।

ક્યાંક પડી છે રુની મલિયો રે, એમ શોભે છે શેરી ને ગલિયો રે ।।૩૦।।

વળી વસે બહુ વીતરાગી રે, રામ ઉપાસી ત્રિયાના ત્યાગી રે ।

બહુ મંદિર ને ધર્મશાળું રે, તેણે લાગે છે શહેર રૂપાળું રે ।।૩૧।।

પુષ્પ ચંદને છાંટ્યા છે ચોક રે, દેવ સરિખાં વસે છે લોક રે ।

રામ સીતા લછમન જતિ રે, બહુ મંદિરે તેની મૂરતિ રે ।।૩૨।।

તિયાં નિત્યે ઉઠી નરનાર રે, આવે દર્શને કરી પ્યાર રે ।

થાય આરતીના ઝણકાર રે, કરે ઉત્સવ જન અપાર રે ।।૩૩।।

ઝાંઝ મૃદંગ ઝાલરી શંખ રે, ભેરી તુરી ને વીણા અસંખ્ય રે ।

થાય નાદ તેનો પુરમાંઇ રે, ઘોષે શહેર રહ્યું સર્વ છાઇ રે ।।૩૪।।

ચાલ્યાં જાય એમ સાંભળી નાદ રે, પ્રેમવતી ને હરિપ્રસાદ રે ।

વળી બની શોભા દિવાતણી રે, જાણું હાર માંડી મણિ ઘણી રે ।।૩૫।।

તેને પ્રકાશે શેરી બજારો રે, ફરે ઉજાસે લોક હજારો રે ।

એવી શોભા જોતાં નરનાર રે, આવ્યાં શહેર ઉલંઘી આ પાર રે ।।૩૬।।

રામઘાટ નિરખી નજરે રે, આવ્યાં બર્હટા શાખા નગરે રે ।

તિયાં અગ્નિહોત્ર થાય બહુ રે, હોમે હવિષ્યાન્ન ઘૃત સહુ રે ।।૩૭।।

તે સુગંધી લઇ નિજધામ રે, આવી રહ્યાં કરી વિશરામ રે ।

પછી નિત્ય પ્રત્યે સર્જૂ નાઇ રે, કરે સંધ્યા ને વંદન ત્યાંઇ રે ।।૩૮।।

વળી કરે છે કૃષ્ણની સેવ રે, દેખી કરે તેમ હરિ દેવ રે ।

હરિ બુદ્ધિએ છે બહુ ધીર રે, સાધુ સ્વભાવે શોભે શરીર રે ।।૩૯।।

ખાન પાન ખુબી ખેલ જેહ રે, નથી ગમતું અંતરે એહ રે ।

તાત સંગાથે સરયૂ નાઇ રે, પાછા આવે જયારે ઘરમાંઇ રે ।।૪૦।।

ત્યારે કરે શ્રીકૃષ્ણની મૂર્તિ રે, પૂજે તેને ભાવે કરી અતિ રે ।

રમ્યામાં પણ અરૂચિ ઘણું રે, વળી સદા ગમે શુચિપણું રે ।।૪૧।।

એમાં કોઇ જો કરે વિઘન રે, તેશું કેદિ મળે નહિ મન રે ।

કથા કીર્તનમાં બહુ પ્રિત રે, સુણે રામનાં ચરિત્ર નિત્ય રે ।।૪૨।।

જેમાં હોય સાધુતા અપાર રે, એવા જનશું પોતાને પ્યાર રે ।

ગમે નહિ અસાધુતા રંચ રે, એમ કરતાં વર્ષ થયાં પંચ રે ।।૪૩।।

ત્યારે કુમારાવસ્થા ઉતરી રે, પામ્યા પૌગંડાવસ્થાને હરિ રે ।

ત્યારે સરજૂ ગંગામાં નાવા રે, માંડ્યું આપે એકલું ત્યાં જાવા રે ।।૪૪।।

સીતા રામ લછમન હનુ રે, કરે સ્મરણ નિત્ય એહનું રે ।

વળી તાતના મુખથી પર્મ રે, સુણ્યા સતપુરૂષના ધર્મ રે ।।૪૫।।

વર્ણાશ્રમ વળી ત્રિયા તણા રે, કહ્યા છ વર્ષે ધર્મે જે ઘણા રે ।

તેતો સર્વે રાખ્યા છે સંભારી રે, નથી મેલ્યા મનથી વિસારી રે ।।૪૬।।

બાળપણામાં બુદ્ધિ છે ઘણી રે, કાંઇક મુખ પાઠે લીધું ભણી રે ।

વળી સુણે છે શ્રીભાગવત રે, તેતો પોતાને વહાલું અત્યંત રે ।।૪૭।।

ઘણો હરિજનમાં છે સ્નેહ રે, બીજા સાથે બહુ નિઃસ્પ્રેહ રે ।

ત્યાગ વૈરાગ્ય તનમાં બહુ રે, દેખી આશ્ચર્ય પામે છે સહુ રે ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અયોધ્યાપુરી વર્ણન ને ધર્મભક્તિ ત્યાં વશ્યાં એ નામે વીશમું પ્રકરણમ્ ।।૨૦।।