૭. ધર્મ-ભક્તિનું આવવું, દુર્વાસા ઋષિનો શાપ અને અનુકંપા.

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 8:28pm

 પૂર્વછાયો :

એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર ।।

એહ પાપને ટાળવા, મારે નિશ્ચય લેવો અવતાર ।। ૧ ।।

ૠષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ ।।

સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।। ૨ ।।

એમ કહી નરવીર ૠષિ, બેઠા એહ આશ્રમ ।।

તેહ સમે નિજ સ્થાનથી, આવિયા મૂર્તિ ને ધર્મ ।। ૩ ।।

તેને દેખી ઊભા થયા, સર્વે ૠષિ નારાયણ નર ।।

દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।। ૪ ।।

ચોપાઈ :

જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય ।।

શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પૂન્યમ શશીસમ કાંતિ ।। ૫ ।।

કંઠે કંજ તુળસીની માળ, પીળી જટાનો મુકુટ વિશાળ ।।

નવનીરજ  સમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।। ૬ ।।

પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે ।।

શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત  ઉપવીત નાથે ।। ૭ ।।

એવા ધર્મપરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન ।।

ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।। ૮ ।।

હરિ  હર  બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો ।।

સુર સર્વે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।। ૯ ।।

કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને ।।

શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।। ૧૦ ।।

વાયુ વહ્નિ   ને વળી વારી, તે મર્યાદા ન લોપે તમારી ।।

સપ્ત ૠષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા ।। ૧૧ ।।

યોગી યતિ તપી તપ સાધે, તેતો સર્વે તમને આરાધે ।।

ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી ।। ૧૨ ।।

દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શૂદ્ર તે પણ તમને ન તજે ।।

પશુ પંખી પન્નગ  નરનારી, સર્વે રહ્યા છે તમને ધારી ।। ૧૩ ।।

તમને તે વદે વેદ ચાર, ષટ શાસ્ત્ર પુરાણ અઢાર ।।

કોઇ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ ।। ૧૪ ।।

તમને તજી કરે જે જે કાજ, તે તો ભ્રષ્ટ થવાનો સમાજ ।।

તમને તજી ભજે જે દેવ, તે તો તેની છે નિષ્ફળ સેવ ।। ૧૫ ।।

તમને તજી ભજે ભગવાન, તોય તેટલું જાણવું જયાન ।।

એવી મોટી છે તમારી લાજ, સર્વ લોકમાં તમારું રાજ ।। ૧૬ ।।

પ્રભુ પ્રસન્ન કરવાને સારુ, સહુ કરે સેવન તમારું ।।

વળી આ લોક પરલોકમાંય, સુખ થવા સેવે છે સદાય ।। ૧૭ ।।

જે જે સુખી થયા થાશે કોય, તેતો ધર્મ વિના નિશ્ચે નોય ।।

માટે શું કહીએ મુખે મહિમા, તમ તુલ્ય નહિ ત્રિલોકમાં ।। ૧૮ ।।

એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ ।।

સર્વે નારાયણ સામું જોઇ, સહુએ ચિત્તની વૃત્તિ પરોઇ ।। ૧૯ ।।

ધર્મ મૂરતિ ને નર મુનિ, પ્રભુ સામી છે દ્રષ્ટિ સહુની ।।

પછી નારાયણ પદ્મનેણ,  બોલ્યા અમૃત સરીખાં વેણ ।। ૨૦ ।।

ભલે આવ્યા તમે મારા તાત,  ભલે આવિયાં મૂરતિ માત ।।

થયું આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ ।। ૨૧ ।।

પણ આ ૠષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી ।।

સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ ।। ૨૨ ।।

હમણાં ભર્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા ।।

કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ ।। ૨૩ ।।

રાજા પ્રજા તજી સત્ય રીતિ, આપ સ્વાર્થે કરે છે અનીતિ ।।

ત્યાગી ગૃહી તજી નિજધર્મ, વિષય સારુ કરે છે વિકર્મ ।। ૨૪ ।।

નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી ।।

નથી ધર્મમાં મતિ કોયની, એવી ખબર લાવ્યા આ મુનિ ।। ૨૫ ।।

પ્રભુ વાત કરે છે એવી રીતે, સહુ સાંભળે છે એકચિત્તે ।।

શ્રવણ નયન નથી બીજે કયાંઇ, સહુ રહ્યાં છે પ્રભુમાં પ્રોવાઇ ।। ૨૬ ।।

એવે સમે કૈલાસેથી ક્રોધી, આવ્યા દુર્વાસા દુરબુદ્ધિ ।।

તેની નથી કોઇને ખબર, ઉભા થઇ રહ્યા ઘડીભર ।। ૨૭ ।।

પછી દુર્વાસા દુઃખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું ।।

વળતી હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દીસે છે અહંકારી ।। ૨૮ ।।

જોને કેવી આવી છે કુમતિ, એમ કહીને કોપ્યા છે અતિ ।।

રૂદ્રાંશ   દીર્ધ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ ।। ૨૯ ।।

તને તામસી મને રિસાળ, રહે રોષ જેને સદાકાળ ।।

ક્ષમા નહિ ને ક્ષોભ અપાર, નહિ શાંતિ ને સહન લગાર ।। ૩૦ ।।

એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપમાં વચન કઠોર ।।

કહે સાંભળજયો સર્વે જન, જેહ બોલ્યા દુર્વાસા વચન ।। ૩૧ ।।

કરી રીસમાં લોચન લાલ, ચડાવ્યાં વળી ભ્રકુટિ ભાલ ।।

ધ્રુજે તન ફરફરે હોઠ, વાધ્યો વિકરાળ કાળકોઠ ।। ૩૨ ।।

પછી સહુ પ્રત્યે બોલ્યા એમ, તમને ધર્મવાળા કહીએ કેમ ।।

તમે માનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઇતણા ।। ૩૩ ।।

મને માનો છો સહુથી સરસ, બીજાનેતો માનો છો નરસ ।।

એવું અભિમાન તમને ઘણું, જોજયો ફળ હવે તેહતણું ।। ૩૪ ।।

હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઉરથી ।।

એવું જોઇ ક્ષમા ઉર લાવું, એવો શાંતિવાળો હું ન કહાવું ।। ૩૫ ।।

મારું નામ સુણી શાંતિ નાસે, ક્ષમા આવે નહિ મુજ પાસે ।।

એવો દુર્વાસા ૠષિ હું છું, તે હવે દંડ તમને દઉં છું ।। ૩૬ ।।

પુણ્ય પવિત્ર એવો આ દેશ, સેવે દેવાદિ મોટા મુનીશ ।।

તેથી પડો હવે તતકાળ, થાવો મનુષ્યને ઘેર બાળ ।। ૩૭ ।।

તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ કરો ।।

ત્યાં અધર્મ ને કળિના જેહ, ભર્યા અસુર વસે છે તેહ ।। ૩૮ ।।

તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફલ મારા અપમાનતણું ।।

પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપી એ શાપ ।। ૩૯ ।।

એવો મોટો બકોર  સાંભળી, બીન્યા  નારાયણ ધર્મ વળી ।।

મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા, દેખી દુર્વાસાને શિર નામ્યા ।। ૪૦ ।।

ઉઠી આસનથી તેહ વાત, કરે બહુ પેર્યે નમસ્કાર ।।

આદર સહિત વિનતિ જેહ, કરે શાંતિ પમાડવા એહ ।। ૪૧ ।।

તેમ તેમ ક્રોધ બહુ કર્યો, રોષ રતિ પણ ન ઉતર્યો ।।

ત્યારે ધર્મ બોલ્યા નામી શીષ, મોટા મહામુનિ મ કરો રીષ ।। ૪૨ ।।

ૠષિ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહિ બાધ ।।

પણ વણ અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ ।। ૪૩ ।।

અમે સુણતાં હતાં સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત ।।

સર્વે રહ્યા હતા સામું જોઇ, ચિત્ત વૃત્તિ પ્રભુજીમાં પ્રોઇ ।। ૪૪ ।।

એવા સમામાં આવિયા તમે, તેણે ન થયું સન્માન અમે ।।

માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મ ધરો ।। ૪૫ ।।

હોય ૠષિ બ્રાહ્મણનું અંતર, નવનીત  સમ નિરંતર ।।

માટે દયાળુ દયા કરીજે, અમને શાપ ટાળી સુખ દીજે ।। ૪૬ ।।

એમ ધર્મ બોલ્યા શુભમતિ, કરી એવી પ્રારથના અતિ ।।

ત્યારે બોલ્યા દુર્વાસા વાણ,  મારો ક્રોધ ક્ષણિક મ જાણ ।। ૪૭ ।।

આપી શાપ ને પાછો નિવારું, એવું જાણો મા અંતર મારું ।।

પણ તમે છો ભકિતવાન, વળી નમ્રતાવાળા નિદાન ।। ૪૮ ।।

એવાં દેખી દયા આવે અમને, માટે કહું સુણો ધર્મ તમને ।।

પૂર્વ દેશે લેશો અવતાર, દ્વિજ કુળમાંહિ નિરધાર ।। ૪૯ ।।

ભકિત ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આ જે બદ્રિપતિ ।।

ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખશાંતિ વળશે ।। ૫૦ ।।

પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભકિતને ।।

કહ્યું ૠષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર ।। ૫૧ ।।

જયાં જયાં હશો ત્યાં ત્યાંથી તણાઇ, આવશો પભ્રુ પાસળે ધાઇ ।।

પછી નરવીરના  સખા થાશો, મારા શાપથી તર્ત મૂકાશો ।। ૫૨ ।।

થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તતખેવ ।।

એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ ।। ૫૩ ।।

ચાલ્યા એવું કામ કરી આપ, પણ ના’પ્યો તે મુનિએ શાપ ।।

ધાર્યો સૌએ એ શાપને શીષ, માટે મોટાએ ન કરી રીષ ।। ૫૪ ।।

ઈતિ શ્રીમદેકાંતિકધર્મપવ્રતર્ક શ્રીસહજાનદંસ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે  ભકતચિંતામણિ મધ્યે  દુર્વાસાશાપ નામે સાતમું પ્રકરણમ્ ।।।।