તરંગઃ - ૯૩ - શ્રીહરિ વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:02pm

ચોપાઇ

ગામ મછિયાવે મનભાવી, ભલી હુતાશની ત્યાં ભજાવી । ટાઢા પાણીયે નાહ્યા છે અતિ, મુક્તસહિત ત્યાં પ્રાણપતિ ।।૧।। 

લાલજીને દુધ પાતા નિત્ય, હાલ પ્રત્યક્ષ બિરાજે સત્ય । પોતે રહેછે ત્યાં ઘણું ઘણું, તેમાં ફેર નથી એક અણું ।।૨।। 

દદુકા રેથળ બેઉ ગામ, બત્રીશ વાર આવ્યા છે શ્યામ । ઘોડાસહિત તળાવમાંહી, જળમધ્યે ચાલ્યા પોતે ત્યાંહી ।।૩।। 

ગાડા ઉપર ચડીને માવ, સંતને મળ્યા છે અતિભાવ । પછે અલુજીની ફલીમાંય, લાડુ જમાડ્યા સંતને ત્યાંય ।।૪।। 

ભાલદેશમાં ધોલેરા ગામ, ત્યાં ગયા છે શ્રીઘનશ્યામ । મોટું મંદિર કરાવ્યું સારું, સહુને લાગેછે બહુ પ્યારૂં ।।૫।। 

સરોવરના કિનારામાંય, કુવો બંધાવ્યો છે રૂડો ત્યાંય । તેનું જળ અતિ મીઠું કર્યું, સૌના અંતરમાંહી તે ઠર્યું ।।૬।। 

ધોળકામાં તે ધર્મકુમારે, રેણકી કુવામાં તેહવારે । લાંબા ચરણ કરી તેમાં ધોયા, અનંત જને નજરે જોયા ।।૭।। 

વળી મંદિરે ધર્મનો લાલો, જ્યાં ઉતરીયાછે મારો વ્હાલો । હાલ છત્રીછે તેહ ઠેકાણે, નિત્ય પોઢે પ્રગટ પ્રમાણે ।।૮।। 

વઉઠાના સમૈયે આવ્યાછે, સાતગંગામાં પોતે નાહ્યા છે, સર્વે સંત હરિજન સંગે, ગામ વારસંદ ગયા ઉમંગે ।।૯।। 

તિયાં થાળ જમ્યાછે મુરારી, સંતને જમાડ્યા સુખકારી । શિવજીના પૂજારીને માવે, વસ્ત્રાલંકાર આપ્યાં છે ભાવે ।।૧૦।। 

ચલોડેથી ચાલ્યા મહારાજ, ગામ ભાતે આવ્યા સુખસાજ । દાદાભાઇ પટેલને ઘેર, થાળ જમ્યાછે ત્યાં રૂડી પેર ।।૧૧।। 

રહ્યા માદેવમાં ત્રણ રાત, ત્રીજે દિન ચાલ્યા છે પ્રભાત । ખારાકુવે આવ્યા મુરારી, અશ્વ ઉભો રાખ્યો સુખકારી ।।૧૨।। 

ગામ કાસંદ્રે શ્યામ સધાવ્યા, દિવાનખાનામાં પધરાવ્યા । કાશીભાઇના ખેતરમાંય, શેરડી જમ્યા છે વળી ત્યાંય ।।૧૩।। 

ઋષિ આરે નિત્ય પ્રત્યે નાય, સંત હરિજન સાથે જાય । જળક્રીડા ત્યાં ખુબ કરીને, થાળ જમેછે ત્યાં પ્રેમ ભરીને ।।૧૪।। 

ઘણું રહેછે શ્રીપુર શેર, વારે વારે આવે રંગરેલ । લીલાઓ કરીછે તિયાં અતિ, લિંબવૃક્ષહેઠે પ્રાણપતિ ।।૧૫।। 

વળી દુર્લભસાહેબ જેહ, મંદિરની પૃથ્વી આપી તેહ । તાંબાપત્રમાં લેખ કરાવી, આપ્યો પોતાનો સિક્કો બનાવી ।।૧૬।। 

નરનારાયણનું મંદિર, અતિશે પ્રસાદિનું સુંદર । પ્રથમપેલે કરાવી પોતે, સ્થાપ્યા નરનારાયણ જોતે ।।૧૭।। 

એક દિવસ સર્વેને ઘેર, ઘણે રૂપે જમ્યા રૂડી પેર । હરિજન સહુ રાજી થયા, એવો પરચો આપ્યો કરી દયા ।।૧૮।। 

હકાશાના કુવાને ઠેકાણે, પોતે ગાદિયે બેઠા પ્રમાણે । કરી ઉપાધિ અસુરે ભારી, તેને ટાળી નાખી સુખકારી ।।૧૯।। 

નારાયણઘાટમાં શ્રીહરિ, તેમાં નાહ્યા ઘણું ફરી ફરી । ગંગાજીને વર આપ્યો જીયાં, અખંડ રેવાનો વળી તિયાં ।।૨૦।। 

વળી ન્હાતા થકા જળમાંથી, પાણીમાં બુડીને ચાલ્યા ત્યાંથી । સપ્તઋષિને આરે જણાણા, સર્વે સંતને તિયાં દેખાણા ।।૨૧।। 

એવી રીતે લીલા કરી માવે, સાબરમતી ગંગામાં ભાવે । સર્વે ઘાટમાં પોતે નાહ્યાછે, મુક્તમંડળસાથે આવ્યા છે ।।૨૨।। 

વળી સાબરનો મહિમાય, શત જોજન જે કોઇ ગાય । તેહ પ્રાણી અક્ષરમાં જાય, એવી પુરાણમાં છે કથાય ।।૨૩।। 

કાંકરીયાના ગળનાળાપર, નવ તેરી રમ્યા નટવર । બેઉ હાથ પર બબે સંત, ઉભા રાખી ઉડાડ્યા મહંત ।।૨૪।। 

અક્ષરધામની લીલા કરી, જળમાં ન્હાવા પધાર્યા હરિ । એટલામાં ચાર સંત આવ્યા, આકાશમારગે મન ભાવ્યા ।।૨૫।। 

એકવાર કાંકરીયે ન્હાય, સર્વે તીરથનું ફળ થાય । અંતે અક્ષરધામને પામે, પંચ પાપબળે દુઃખ વામે ।।૨૬।।

ગામ મોટેરામાં ઘણું આવે, પુરૂષોત્તમને ઘેર ભાવે । દહીં દુધ શેરડી જમાડે, શ્રીહરિને આનંદ પમાડે ।।૨૭।। 

સમીપે ગંગા વહે છે સારી, જળક્રીડા કરેછે મુરારી । વળી એક દિન ત્યાંથી ચાલ્યા, દંઢાવ્યદેશમાં બહુ માલ્યા ।।૨૮।। 

ગામ આદ્રજમાં ડંકા દીધા, ચાર સદ્ગુરુ તિયાં કીધા । મોટું સરોવર તિયાં સારૂં, તેમાં નિશાન પડાવ્યાં વારૂ ।।૨૯।। 

રતુખાંટ ને હવનબાઇ, ઘણી સેવા કરી સુખદાઇ। ચરૂ રૂપિયા અર્પણ કીધા, પાપ બાળીને હરિયે લીધા ।।૩૦।। 

તે દ્રવ્યનો અન્નકોટ કીધો, ઘણો હરિજને લાવ લીધો । તે ૧મેવાસીને વશ કરીને, ઘણું રહ્યા છે પ્રેમ ધરીને ।।૩૧।। 

ગામ ઉનાવામાં સુખધામ, રામદાસની મેડીયે શ્યામ । હિંડોળામાં ઝુલ્યા ત્રણ રાત, પછે ચાલ્યાછે પ્રભુ પ્રભાત ।।૩૨।। 

ગામ માણસામાં મહારાજ, રહ્યા મંદિરમાં સુખસાજ । થાળ જમ્યા છે ત્યાં રુડી પેર, પાંચ રાત્રિ રહ્યા સુખભેર ।।૩૩।। 

ગામ વ્યારમાં મોહન આવી, ઘણી લીલા કરી મન ભાવી । વ્હાલે વેદનો ભેદ બતાવ્યો, નિશ્ચે પોતાનો સૌને કરાવ્યો ।।૩૪।। 

ગેરીતામાં ગોવિંદ ગયા છે, હરિસિંગને માઢે રહ્યાછે । ત્યાં કેરીયો જમ્યાછે ઘણી હરિ, સંતોને જમાડ્યા ભાવ કરી ।।૩૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે તાણુમો તરંગઃ ।।૯૩।।