તરંગ - ૯૦ - શ્રીહરિ ગાયઘાટે મામાને ઘેર રસ રોટલી જમ્યા ને સખાઓને આંબા વેંચી આપ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:41pm

તરંગ - ૯૦ - શ્રીહરિ ગાયઘાટે મામાને ઘેર રસ રોટલી જમ્યા ને સખાઓને આંબા વેંચી આપ્યા

પૂર્વછાયો

સુવાસિની ત્યાં કેવા લાગ્યાં, સુણતાં સર્વ સમાજ । ઘર સુધરાવા માટે લાવો, વાંસ જઇને આજ ।।૧।।

માતાજી પણ કેવા લાગ્યાં, ખરી કહે છે તે વાત । વાંસ લાવો ઘરને માટે, નવીન થાય વિખ્યાત ।।૨।।

એવું સુણીને જોખનજી, સાથે શ્રીઘનશ્યામ। મોતીરામનું ગાડું જોડ્યું, ધર્મ સહિત તે ઠામ ।।૩।।

પછી ચાલ્યા વાંસ કાપવા, ગાડું લેઇ ગુણવાન । નરેચા ગામ વચ્ચે થઇ, ચાલ્યા જાય બળવાન ।।૪।।

સન્માનસિંહની હવેલી, સુંદર શોભાયમાન, તે પાસે થઇ આગળ ચાલ્યા, ભયહારી ભગવાન ।।૫।।

 

ચોપાઇ

ગયા કલ્યાણ સાગર તીર, તેથી ઉત્તર દિશામાં ધીર । ત્યાં છે વાંસતણું એક વન, તેને કાપવા લાગ્યા જોખન ।।૬।।

કપાવીને ગાડામાં ભરે છે, કળ બળથી કામ કરે છે । ત્યાં કર્યું છે પ્રભુએ ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર ।।૭।।

ત્રિશ વામનો વાંસ છે એક, અતિ ઉંચો વિશાળ વિશેક । એવો વાંસ જોઇને મોહન, ઉપાડી લેવા ધાર્યો છે મન ।।૮।।

સૌને દેખતે દીનદયાળ, મૂળમાંથી ઉખેડ્યો તે કાળ । એક ડાબે કરે ખેંચી લીધો, વાલે શકટમાં મુકી દીધો ।।૯।।

મહા કઠણ વજ્ર સમાન, ઘણો ગંભીરને બોજવાન । વાંસ ઉપાડ્યો છે જેણીવાર, ધરા કંપ થયો છે અપાર ।।૧૦।।

વાપ્યો શબ્દ ભયંકર ઘોર, વ્યોમ મારગમાં ગયો શોર । તે સમે રાજા સન્માન સંગ, આવ્યા છે જોવા કરી ઉમંગ ।।૧૧।।

ઓરી પાંડે અને કૃપારામ, એ આદિ ઘણા જન તે ઠામ । પામ્યા આશ્ચર્ય દેખીને મન, કરે પ્રશંસા ત્યાં સહુ જન ।।૧૨।।

ધન્ય શ્રીઘનશ્યામનું બળ, આ તો કામ કર્યું છે અકળ । છે આ વાંસ ગગન ચુંબિત, ઉપાડી લીધો એવા અજીત ।।૧૩।।

ધન્ય વીર છે ધર્મ કુમાર, નથી એમના બળનો પાર । મુક્યો શકટમાં મહારાજ, બીજા કોઇથી ન બને કાજ ।।૧૪।।

એવું કહી કર્યા નમસ્કાર, ગયા નિજ સદન મોઝાર । મોતીત્રવાડી રામપ્રતાપ, શ્રીહરિકૃષ્ણ સહિત આપ ।।૧૫।।

ચાલ્યા શકટ જોડી તે વાર, આવ્યા છુપૈયાપુર મોઝાર । તે ચરિત્રની વાર્તા લહી, છુપૈયાવાસી જનને કહી ।।૧૬।।

વળી એકસમે ધર્મદેવ, શરણામગંજે જાવું છે એવ । કાંઇ કામ પ્રસંગે ઉમંગે, થયા તૈયાર તે રૂડે રંગે ।।૧૭।।

અવિનાશી કે અહિનાથ, ભાઇ જાવો તમે દાદા સાથ । કૃષ્ણ કે આજ ન જૈયે અમે, પિતાજીને સંગે જાઓ તમે ।।૧૮।।

મોટાભાઇ કહે ઘનશ્યામ, મારે જાવું છે તીનવે ગામ । માટે મારાથી નહિ જવાય, તમે જાઓ સાથે હરિરાય ।।૧૯।।

મોટાભાઇ સત્ય માનો તમે, આજ તો નહિ જૈયે જ અમે । કાલે દાદાના સંગાથે જૈશું, કેશો તે સમે તૈયાર રૈશું ।।૨૦।।

એવાં વચન કહ્યાં છે ઠીક, પણ લાગી છે બંધુની બીક । ગૂઢ ગતિએ તૈયાર થયા, નારાયણસરોવરે ગયા ।।૨૧।।

કોટિ બ્રહ્માંડને જે કંપાવે, મોટા દિગ્ગજને એ ડરાવે । ક્ષણ માત્રમાં પ્રલે કરે છે, મોટાભાઇની ધાસ્તિ ધરે છે ।।૨૨।।

સુણો શ્રોતા જે વિવેકી જન, કોઇ સંદેહ ધરશો ન મન । આતો પ્રાકૃત ચેષ્ટા બતાવે, પણ દીલ હશે બીજે દાવે ।।૨૩।।

એના મર્મને જાણે શું જન, નિજ ધાર્યું કરે ભગવન । બીક ધારી છે મોહનવરે, ગયા નારાયણસરોવરે ।।૨૪।।

ભાઇ તે કેડે તૈયાર થયા, ઝાલવાને માટે તરત ગયા । મોટાભાઇને આવતા જોયા, ત્યાંથી નાઠા વાલો મન મોહ્યા ।।૨૫।।

ગામ ગાયઘાટે ગયા હરિ, અહિરાજ વિચારે છે ફરી । ભયને લીધેથી નાશી જાશે, મારાથી પછે કેમ ઝલાશે ।।૨૬।।

મારા વાળ્યા તે તો નહિ વળે, માટે પાછો જાઉં હું આ પળે । પાછા વળ્યા કરીને વિચાર, મોટાભાઇ આવ્યા નિજ દ્વાર ।।૨૭।।

ગયા મામાને ગામ તે શ્યામ, પુરૂષોત્તમ પૂરણકામ । મૂર્તામામીએ કર્યો વિવેક, રૂડી રસોઇ કરી વિશેક ।।૨૮।।

રસ રોટલી કરી તૈયાર, બોલ્યા પૂરણ પ્રેમે તે વાર । હે હરિકૃષ્ણ જમવા આવો, તમારા મામાને તેડી લાવો ।।૨૯।।

એવું સુણીને શ્રીયોગિનાથ, જમવા બેઠા મામા સંગાથ । હવે છુપૈયા વિષે શું થાય, મૂર્તિમાતા કરે છે ચિંતાય ।।૩૦।।

મોટાભાઇને કે શોધી લાવો, ઘનશ્યામને તેડીને આવો । ચાલ્યા ચક્રીપતિ મતિ ધીર, ગયા નારાયણસર તીર ।।૩૧।।

કર્યો છે પોતે જૈને તપાસ, ત્યાં દીઠા નહિ શ્રીઅવિનાશ । ચાલ્યા કરતા મન ઉચાટ, વેગે ગયા ગામ ગાયઘાટ ।।૩૨।।

સુબોધને ઘેર તે ગયા છે, ભયહારી ત્યાં ભેગા થયા છે । વળતાં બોલ્યા ભાઇ વચન, સુણો શ્રીઘનશ્યામ જીવન ।।૩૩।।

નિત્યે નાસીને તમે આવો છો, શિદ મુને કેડે દોડાવો છો । તમારી સુધ લેવાને કાજ, આવવું પડે છે મહારાજ ।।૩૪।।

તેવું શું કરવાને કરો છો, પ્રભુજી નાસતા શું ફરો છો । ત્યારે બોલ્યા છે પૂરણબ્રહ્મ, સુણો વડીલ બંધુ તે મર્મ ।।૩૫।।

વારે વારે ડરાવો અમને, હવે શું ઘણું કહીએ તમને । તેથી નાસીને આવું છું આંહી, ખરી વાત તમોને મેં કહી ।।૩૬।।

પછે બોલ્યા છે વડીલ બંધુ, હવે ઘેર ચાલો દીનબંધુ । દીદીનું તો છે ઉદાસી મન, તમો વિના જમે નહિ અન્ન ।।૩૭।।

પ્રભુએ સુણી જ્યાં એવી પેર, ત્વરિતાથી આવ્યા બેઉ ઘેર । ભક્તિમાતાએ નજરે જોયા, ખરા મનના ઉચાટ ખોયા ।।૩૮।।

પામ્યાં મનમાં મુદ અપાર, પાસે બોલાવ્યા ત્રૈણે કુમાર । પછે પુત્રને લેઇને સંગે, જમવા બેઠા આપ ઉમંગે ।।૩૯।।

વળી એકસમે ઘનશ્યામ, સખા સહિત સુંદરશ્યામ । ઇચ્છારામ આદિ તે સધાવ્યા, નારાયણસરોવરે આવ્યા ।।૪૦।।

વાલિડે ત્યાંથી કર્યું વિચરણ, પૂર્વદિશામાં અશરણશરણ । ત્યાં છે શિષવનો તરુ જેહ, તેની હેઠે આવ્યા સહુ એહ ।।૪૧।।

મળીને બેઠા છે સર્વે મિત્ર, બોલ્યા પ્રગટ પ્રભુ પવિત્ર । સુણો સર્વ સખા એક વાત, કાલે સવારે જાગો પ્રભાત ।।૪૨।।

વ્હેલા ઉઠીને પ્રાતઃકાળ, આવજ્યો આ બાગે સહુ બાળ । ત્યાં છે સુંદર કેરીની સાખો, આંબા ઉપર હજારો લાખો ।।૪૩।।

તે લેવા સારૂં આવજ્યો તમે, બ્રાહ્મ મુહૂર્તે આવશું અમે । તેહ સુણી બોલ્યા વેણીરામ, તમે ઠીક કોછો ઘનશ્યામ ।।૪૪।।

પણ સઘળા સખાને આજ, આંબા વેંચી આપો મહારાજ । એકેકો આંબો સર્વેને આપો, જેને આપો તેનો કરી થાપો ।।૪૫।।

કોઇ કોઇને આંબે ન જાય, એક બીજાની કેરી ન ખાય । એનું કારણ છે એક નોખું, પ્રાણવલ્લભ કહું છું ચોખું ।।૪૬।।

બહુ નાના છે આ સર્વ મિત્ર, ઇચ્છારામજી જેવા પવિત્ર । આપણ સાથે વેણી ન શકે, મોટાની જોડે તે નવ ટકે ।।૪૭।।

જે જેના ભાગ્યમાં જેમ હશે, તેટલી તેમ જ તેને થશે । એમાં મળે જો ઓછી વધારે, કોઇ કોઇનો દોષ ન ધારે ।।૪૮।।

તેની ચિંતા નહિ લવલેશ, માટે એમ જ રાખો મુનેશ । એવું વચન સુણ્યું જે વાર, ત્યારે બોલ્યા છે ધર્મકુમાર ।।૪૯।।

દહીએ આંબે વેણીરામ જાજ્યો, એની સાખો તમે લેઇ ખાજ્યો । ભૈરવેઆંબે વાસુદેવ જાય, એનો ભાગ સુખેથી એ ખાય ।।૫૦।।

કટવેઆંબે સુખનંદન, સાખો લેજ્યો કરીને વંદન, ભદુહેઆંબે ગવરીદત્ત, કેસરીએ ઇચ્છારામ સત ।।૫૧।।

લોઢવાનામે આંબો છે જેહ, માનદત્તને આપ્યો છે તેહ । એકેકો આંબો સર્વેને આપ્યો, વેણીરામનો સંશય કાપ્યો ।।૫૨।।

પછે બોલ્યા પ્રીતમ પ્રમાણ, સુણો સર્વે સખા મુજ વાણ । પોતપોતાનો આંબો છે જ્યાંય, વ્હેલા ઉઠી જાજ્યો સહુ ત્યાંય ।।૫૩।।

સાખો સુંદર વેણી લાવજ્યો, નારાયણસરે જ આવજ્યો । એમ ધારી મનોરથ મન, ગયા પોતપોતાને ભુવન ।।૫૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગાયઘાટે મામાને ઘેર રસ રોટલી જમ્યા ને સખાઓને આંબા વેંચી આપ્યા એ નામે નેવુંમો તરંગ ।।૯૦।।