તરંગ - ૫૫ - શ્રીહરિયે ગાંધર્વ દેવને વર આપ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 4:57pm

 

પૂર્વછાયો - ચોતરા પર જમવા બેઠા, શ્રીહરિ પરમ કૃપાલ । પ્રેમવતી લાવ્યાં પ્રેમથી, ભરીને સુંદર થાળ ।।૧।।

સખા સાથે જમવા લાગ્યા, બેસી રહ્યા છે જોખન । માતા કે શું બેસારી મુક્યા, ભાઇને કરાવો ભોજન ।।૨।।

બહુનામી તવ બોલિયા, માતા સુણો એ મર્મ । રસોડામાંહિ જમાડજ્યો, અનંતને અનુકર્મ ।।૩।।

આ નાના સખા સૌ અમેતો, જમવા બેઠા આ ઠામ । મોટાભાઇ આમાં ક્યાં ભળે, આ નાનાં બાળનું કામ ।।૪।।

એવામાં ઇચ્છારામ આવ્યા, રમતા પ્રભુને પાસ । પ્રેમવડે બોલાવ્યા પોતે, બેસાર્યા અવિનાશ ।।૫।।

ચોપાઇ - સખા પ્રત્યે બોલ્યા બહુનામી, નવ રાખવી જમવામાં ખામી । જેને જમાય તેટલું જમો, કરો ભાવેથી ભોજન તમો ।।૬।।

સામસામા કરે મનુવાર્ય, એમ જમે છે જગદાધાર । જમતા જોયા પ્રાણજીવન, ધર્મભક્તિ થયાં છે પ્રસન્ન ।।૭।।

વળી બોલ્યા છે વિશ્વમોહન, માતા લાવોને બીજું ભોજન । વધારે જોશે આજ અમારે, એમાં ચિંતા ન કરવી તમારે ।।૮।।

ત્યારે બીજો ભરી લાવ્યાં થાળ, પીરસ્યો પ્રભુને તતકાળ । એમ માગીને બેચાર વાર, લીધાં ભોજન જમ્યા તે ઠાર ।।૯।।

વળી લીલા કરે જોગીનાથ, પેટ ઉપર ફેરવે હાથ । દીદી ભોજન રહ્યું અધુરું, બરાબર થયું નથી પુરું ।।૧૦।।

ભક્તિ ઘરમાં ગયાં તે જોઇ, હતી તે સર્વે લીધી રસોઇ । લાવીને પીરસે તતખેવ, ત્યારે બોલ્યા છે શ્રીબળદેવ ।।૧૧।।

ખીજવાયા થકા કહે ભાઇ, આજ શું ધાર્યું છે તમે આંઇ । ત્યારે બોલ્યા છે અક્ષરપતિ, જેષ્ઠબંધુ સુણો મહામતિ ।।૧૨।।

આવ્યા હોય જો કોઇ મેમાન, તેનું કરવું ઘટે સન્માન । તે કર્યા વિના ખોટું દેખાય, કેદી મેમાન ભુખ્યા ન જાય ।।૧૩।।

મોટાભાઇ બોલ્યા એ સંબંધ, નથી મેમાન આ ભાઇબંધ । એવામાં ગવૈયા મન ભાવ્યા, દેવ ગાંધર્વના ગણ આવ્યા ।।૧૪।।

કર પકડયાં રૂડાં વાજિંત્ર, જપે બેનામનો મહામંત્ર । ઘનશ્યામ હરિકૃષ્ણ એવો, બોલે ગાનકલા વિષે તેવો ।।૧૫।।

ગાતા ગાતા આવ્યા છે તે આગે, પ્રેમે ભૂધરને પગે લાગે । પ્રભુ કહે જુઓ મોટાભાઇ, દેવ ગવૈયા આવ્યા છે આંઇ ।।૧૬।।

ઉભાઉભા કરે છે ગાયન, મારી મૂર્તિમાં જોડયું છે મન । જપે છે મારા નામનો મંત્ર, રસબસ થયા એકતંત્ર ।।૧૭।।

ગુણ ગાય છે તે મારા એમ, જમાડયા વિના તે ચાલે કેમ । એમ કહી આપે છે ભોજન, પોતાની પ્રસાદી ભગવન ।।૧૮।।

થાળમાંથી લઇ નિજ હાથે, દીધી જમવાની ચીજો નાથે । ચળુ કરી ઉઠયા અવિનાશ, પાનબીડાં લીધાં મુખવાસ ।।૧૯।।

ત્યાંથી ઉઠયા પ્રભુ તેહ વાર, જઇ બેઠા કુવે પરથાર । ગવૈયા તેપણ ગયા સાથ, કરે ગાવણું થઇ સનાથ ।।૨૦।।

તાલ સુરને માનથી ગાય, રૂડાં વાજિંત્ર છે કરમાંય । ચતુરાઇથી કરે ગાયન, દેખી મોહ પામ્યા સહુજન ।।૨૧।।

છુપૈયાપુરના જે મનુષ્ય, આવ્યા સાંભળવા કરી હુંશ । કર્યું ગાયન ત્યાં બહુવાર, પછે ગાંધર્વ બોલ્યા તેઠાર ।।૨૨।।

હે કૃપાનાથ હે મહારાજ, અમને કહો સેવા આજ । ત્યારે શ્રી હરિ બોલ્યા વચન, સુણો ગાંધર્વ ધારીને મન ।।૨૩।।

તમે આવજો સત્સંગમાંય, સમીપે રાખીશું અમે ત્યાંય । પછે ગાંધર્વ અદૃશ થયા, નમસ્કાર કરીને તે ગયા ।।૨૪।।

પામ્યા ગવૈયા એ વરદાન, ઘણા રાજી થયા ભગવાન । થયા સત્સંગમાં પ્રસિદ્ધ, મોટા મુક્ત સમો વડ સિદ્ધ ।।૨૫।।

વળી એકસમે અવિનાશ, જ્યારે આવ્યો છે ફાગણ માસ । વાળુ કરીને પુન્ય પવિત્ર, બોલાવ્યા પોતાના બાળમિત્ર ।।૨૬।।

સખાસાથે લઇને સુધીર, ગયા નારાયણસરતીર । રમતાં રમતાં લાગી વાર, કરી રમત નાના પ્રકાર ।।૨૭।।

ત્યાંથી ખંપા સરોવરે ગયા, રમીને પાછા તૈયાર થયા । આવ્યા પીરોજપુર તેપળે, મધુપુષ્પ કેરાં વૃક્ષતળે ।।૨૮।।

સામસામા ૧ભેરુ છે ગમતા, બેઉ પક્ષે થઇ ત્યાં રમતા । એક પક્ષે રહ્યા ઘનશ્યામ, બીજે પક્ષે થયા વેણીરામ ।।૨૯।।

સુખનંદન આદિક સખા, તેને પોતાના પક્ષમાં રાખ્યા । રઘુનંદન આદિ જે મિત્ર, વેણીના પક્ષમાં તે પવિત્ર ।।૩૦।।

એમ રમતા થકા બે ૨પાટી, ગયા મોટા બગીચાની વાટી । ત્યાં થકી મીનસાગર થૈને, મધુવૃક્ષે રમ્યા ઘણું જૈને ।।૩૧।।

પછે ઘેર ગયા ગિરિધારી, નિજસેવકના સુખકારી । ત્યારે ભાભીને કેછે મોરારી, તૃષા લાગી છે લાવોને વારી ।।૩૨।।

પોતે પેરીતિ ડગલી અંગે, કાઢી નાખી તે મુકી પલંગે । બેઠા પ્રગટ પ્રભુ પલંગે, ભાભી જળ લાવ્યાં છે ઉમંગે ।।૩૩।।

પ્રીતે કરાવ્યું છે જળપાન, પછે બોલ્યાં ભાભી ભાગ્યવાન । આબ ખોરા સાથે જલપાત્ર, પલંગ હેઠે મુક્યાં સુગાત્ર ।।૩૪।।

તૃષા લાગે તો પિજ્યો આ લઇ, સુવાસિની ગયાં એવું કઇ । ગયાં સુંદરીબાઇને ઘેર, પ્રભુ પોઢી ગયા રૂડી પેર ।।૩૫।।

જ્યારે થયો છે પ્રાતઃકાળ, ત્યારે ઉઠયા છે દીનદયાળ । શૌચવિધિ કરી ભગવન,પછે કર્યું છે દંતધાવન ।।૩૬।।

જન્મ સ્થાનકના કૂપ કાંઠે, પલાંઠી વાળીને બેઠા હેઠે । સુવાસિની લાવ્યાં ગરમ વારી, નાવા બેઠા છે દેવ મોરારી ।।૩૭।।

પૂર્વ મુખે બેઠા બહુનામી, સર્વધામતણા છે એ ધામી । ભાભીયે કરાવ્યું એમ સ્નાન, કોરી ધોતી કરી પરિધાન ।।૩૮।।

ચડયા ચાખડીયે ઘનશ્યામ, આવ્યા ઓશરીમાં અભિરામ । પૂર્વમુખે બીછાવ્યું આસન, ધ્યાન કરવા બેઠા જીવન ।।૩૯।।

નિત્યવિધિ પુરો થયો જ્યારે, જગજીવન ઉઠયા તેવારે । ત્યાં તો રસોઇ થઇ તૈયાર, માતાયે બોલાવ્યા નિરધાર ।।૪૦।।

બાલમુકુંદ વિષ્ણુ છે જેહ, તેમને થાળ ધરાવ્યો તેહ । ધર્મદેવે સહિત કુમાર, તેમને જમાડયા એણીવાર ।।૪૧।।

પછે સુવાસિની અને માતા, સર્વે સંગે જમ્યા સુખદાતા । ત્રૈણ દિવસ આગમ પર્મ, ધર્મદેવ કરે સતકર્મ ।।૪૨।।

ચોતરાપર રચ્યો છે ઠાઠ, ધર્મશાસ્ત્રતણો કરે પાઠ । પોતે જઇ બેઠા છે આસન, કરે શાસ્ત્રતણું વિવેચન ।।૪૩।।

તે સમે હરિ શ્રીઘનશ્યામ, વળી સાથે સખા વેણીરામ । કથા સાંભળે શ્રદ્ધા સહિત, પિતાની પાસે ભ્રાંતિ રહિત ।।૪૪।।

ત્યારે ઇચ્છા કરી ઘનશ્યામે, આવ્યા અમર સહુ તે ઠામે । કથા સાંભળવાનો છે પ્યાર, ઉતર્યા આકાશથી તે વાર ।।૪૫।।

આવ્યા વૈમાને બેસી વિશેક, સુણે ધર્મશાસ્ત્ર ધરી ટેક । આંબલી પર કૈનાં વિમાન, કૈક ધર્ણિપર ધરે ધ્યાન ।।૪૬।।

કૈક ચોકમાં કુવા કિનારે, ચારે તરફ ભરાયા તે વારે । ધર્મદેવ સહિત પ્રભુને, નમસ્કાર કર્યા છે વિભુને ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ગાંધર્વ દેવને વર આપ્યો એ નામે પંચાવનમો તરંગ ।।૫૫।।