અધ્યાય - ૧૫ - હેમંતસિંહરાજા તથા સુરાખાચરે પોતપોતાના પ્રાંતમાં પધારવાની શ્રીહરિને કરેલી પ્રાર્થના.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:56pm

અધ્યાય - ૧૫ - હેમંતસિંહરાજા તથા સુરાખાચરે પોતપોતાના પ્રાંતમાં પધારવાની શ્રીહરિને કરેલી પ્રાર્થના.

હેમંતસિંહરાજા તથા સુરાખાચરે પોતપોતાના પ્રાંતમાં પધારવાની શ્રીહરિને કરેલી પ્રાર્થના. વ્યવહારકુશળ બન્ને સદ્ગુરુઓની શ્રીહરિએ સલાહ લીધી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રબોધનીનો ઉત્સવ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દૂર દૂર દેશના ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા તત્પર થયા.૧

ત્યારે હેમંતસિંહ રાજાએ કારીયાણી ગામે વસ્તાખાચર આદિ ભક્તજનો ઉપર શ્રીહરિના ભક્તવત્સલપણાના ભાવને નિહાળીને પોતાના ભવનમાં પણ એવા જ ઉત્સવો ઉજવવાની મનમાં ઇચ્છા કરી.૨

તેથી પોતાના જુનાગઢ નગરમાં ભગવાન શ્રીહરિને લઇ જવાની મનમાં ઇચ્છા રાખી હેમંતસિંહ રાજા પોતાના સોરઠદેશના અન્ય ભક્તજનો તથા પરિવારના જનોની સાથે કારીયાણીમાં ભગવાન શ્રીહરિની સમીપે જ રોકાઇ ગયા.૩

પોતાના મિત્ર રાજા વસ્તાખાચરના ભવનમાં જ નિવાસ કર્યો, તેમણે અતિશય માન આપ્યું. પછી શ્રીહરિને પોતાના નગર પ્રત્યે લઇ જવાની પ્રાર્થના કરવાનો અવસર જોતાં હેમંતસિંહરાજાને ત્રણ દિવસ વ્યતિત થઇ ગયા.૪

હે રાજન્ ! હેમંતસિંહરાજાનાં માતા ગંગાબા, પત્ની જવેરબા, ભાઇ અનુપસિંહ તથા તેનાં પત્ની પ્રાણબા, બહેન અદિબા અને કાકાઇભાઇનાં પુત્રી મોટીબા આદિ સંબંધી જનોની સાથે તથા સોરઠદેશના મયારામ ભટ્ટ આદિ ભક્તજનો તથા લાડકીબાઇ આદિ સ્ત્રીઓની સાથે હેમંતસિંહ રાજા ચોથા દિવસે કાર્તિક વદ પડવાના પ્રાતઃકાળે સભામાં વિરાજમાન શ્રીહરિને વિનયપૂર્વક વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યા.૫-૮

હેમંતસિંહરાજા કહે છે, હે ભગવાન ! હે સર્વલોકના સ્વામી ! હે ભક્તવત્સલ ! હે સંતોના પતિ ! તમારા જ એક ચરણકમળનો અનન્ય આશ્રય કરનારા આ દાસ એવા મારા ઉપર કૃપા કરો.૯

હે સ્વામિન્ ! હે ભૂમન્ ! હે સદ્ધર્મમાર્ગ પ્રવર્તક ! આ કારીયાણી ગામમાં તમે જે રીતે ઉત્સવ ઉજવ્યો તે જ રીતે મારા ભવનમાં પણ ઉત્સવ ઉજવો.૧૦

હે નાથ ! તમે ભક્તપ્રિય છો. તમને નિર્ધન કે ધનવાન સમગ્ર ભક્તજનોમાં સમભાવ વર્તે છે. હે ભગવાન ! અમારા સોરઠદેશના ભક્તજનો અને આ મારી માતા પણ આપનું જુનાગઢમાં આગમન થાય તેવું ઇચ્છે છે.૧૧-૧૨

હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ પ્રાર્થના કરી તે જ સમયે મયારામ વિપ્ર પણ હાથ જોડી કહેવા લાગ્યા કે, હે ભગવાન ! તમે આ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો.૧૩

હે શ્રીહરિ ! આપના સર્વે ભક્તો આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેથી કલ્પવૃક્ષની સમાન આપ તેઓના મનોરથને પૂર્ણ કરો.૧૪

હે પ્રભુ ! આ હેમંતસિંહ રાજાએ તમારી સેવા માટે સર્વે સામગ્રી ભેળી કરી રાખી છે. તેથી તેમનો મનોરથ તમારે જલદી પૂર્ણ કરવો જોઇએ.૧૫

આ પ્રમાણે હેમંતસિંહ રાજા તથા વૃદ્ધ મયારામ વિપ્રે પ્રાર્થના કરી. તેમના નિષ્કપટભાવને જાણતા પ્રભુ અત્યંત પ્રસન્ન થઇ કહેવા લાગ્યા કે, હે હેમંતસિંહ રાજા ! હું સંતોની સાથે તમારા નગર પ્રત્યે જરૂર આવીશ, તમારા નિષ્કપટભાવને જાણું છું.૧૬-૧૭

શ્રીહરિ આ પ્રમાણે વાત કરતા હતા તેવામાં જ નાગડકાના ગામધણી સુરાખાચર બે હાથ જોડી અતિ ઉતાવળા થઇ શ્રીહરિની સમીપે આવ્યા.૧૮

તેમની સાથે તેમનાં પત્ની શાંતાબા, ધન્યા અને વલ્લુ નામની બે પુત્રીઓ, નાથખાચર નામે પુત્ર પણ તેમની પાછળ તત્કાળ પોતાને ગામ પધારવાની પ્રાર્થના કરવા શ્રીહરિની સમીપે આવ્યા.૧૯

નાગડકાના પટેલ મુખી વૈશ્યજાતિના સિંહજીભાઇ (સંઘાપટેલ) પણ પોતાનાં પત્ની તેજસ્વતીબાઇની સાથે ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા. ત્યારપછી તે સર્વેની સાથે રહી નૃપતિ સુરાખાચર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા.૨૦

હે ભગવાન્ ! હું તમને મારા પુર પ્રત્યે લઇ જવા માટે આવ્યો છું. આ મારા સંબંધીજનોની સાથે અહીં તમારી સમીપે રોકાયો તેને ઘણા દિવસો થઇ ગયા. હું તમારે શરણે છું. તમે મારા ઉપર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરતા સુરાખાચરને નિહાળી શ્રીહરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા.૨૧-૨૨

કે આ બન્ને સુરાખાચર અને હેમંતસિંહરાજા મારા નિષ્કપટ અને નિષ્ઠાવાન ભક્તો છે. બન્ને મને સરખા પ્રિય છે.૨૩

અને એક જ સમયે મારી પ્રાર્થના કરી છે. તેથી મારે બન્નેનું પ્રિય અવશ્ય કરવું જોઇએ. જે રીતે બન્નેને એક બીજા ઉપર ક્રોધ ન થાય અને મારે વિષે વિષમતાબુદ્ધિ ન સર્જાય તે રીતે ગોઠવણ કરી મારે પ્રથમ કોના પુર પ્રત્યે જવું જોઇએ ? આ પ્રમાણે વિચાર કરીને તમે અહીં બેસો હું વિચાર કરીને તમને કહું છું. આ પ્રમાણે સુરાખાચરને કહીને તત્કાળ પોતાના નિવાસસ્થાને પધાર્યા.૨૪-૨૫

ત્યાં પલંગ ઉપર વિરાજમાન થઇ સર્વજ્ઞા હોવા છતાં મનુષ્યનાટય કરતા શ્રીહરિ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને પોતાની સમીપે બોલાવ્યા.૨૬

વ્યવહારકુશળ બન્ને સદ્ગુરુઓની શ્રીહરિએ સલાહ લીધી :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ એકાંત સ્થળમાં બેસી પોતાની પાસે આવેલા શ્રેષ્ઠ બુદ્ધિવાળા બન્ને સંતોને પૂછવા લાગ્યા કે, હે સંતો ! તમે સર્વે કાર્ય અને અકાર્યના વિવેકને જાણવામાં નિપુણ છો. અને તમે બન્ને મને અતિશય વ્હાલા અને ડાબા-જમણા નેત્ર સમાન છો.૨૭-૨૮

એથી આજ મને નિર્ણય લેવામાં એક સંશય ઉત્પન્ન થયો છે, તે વિષે તમને પૂછુ છું, કે સુરાખાચર અને હેમંતસિંહરાજાની મધ્યે કોના પુર પ્રત્યે મારે પ્રથમ જવું જોઇએ ?૨૯

બન્નેમાંથી કોઇ એકના નગર પ્રત્યે જઇએ ત્યારે બીજાની ચોક્કસ અપ્રસન્નતા થાય. મને તો બન્નેના પુર પ્રત્યે અવશ્ય જવું છે. તેથી આ સંકટમાં જે કરવું યોગ્ય હોય તે મને જણાવો. કારણ કે બન્ને જણા એક સાથે મને પોતાના પુર પ્રત્યે લઇ જવાની પ્રાર્થના કરે છે.૩૦

આ પ્રમાણે ત્રિલોકીનું માર્ગદર્શન કરનારા ભગવાન શ્રીહરિએ પોતે સર્વજ્ઞા હોવા છતાં પણ મુગ્ધ મનુષ્યની જેમ પૂછયું. ત્યારે બન્ને સંતો અંતરમાં વિચાર કરવા લાગ્યા કે, આ શ્રીહરિ સ્વયં ભગવાન હોવા છતાં મનુષ્યભાવનું અનુકરણ કરી પૂછવાના બહાને આપણા બન્ને ઉપર ખરેખર અનુગ્રહ કરી રહ્યા છે.૩૧-૩૨

આ શ્રીહરિનાં દર્શન જગતપિતા બ્રહ્માદિ દેવતાઓને પણ ક્યારેક દૂરથી થાય છે. અને ક્યારેક થતાં પણ નથી. એવા આ શ્રીહરિ આપણને એકાંત સ્થળમાં પોતાની સમીપે બેસાડી સમસ્યાનું સમાધાન પૂછી રહ્યા છે. તે આશ્ચર્યની વાત છે.૩૩

પોતે નિર્ધારિત કરેલા બન્ને પુર પ્રત્યે જવાના નિર્ણયને અત્યારે કોઇ ફેરવી શકે તેમ નથી. કારણ કે પોતે જ જવા માટે અત્યારે ઉત્કંઠાવાળા થયા છે.૩૪

તેથી બન્ને પુર પ્રત્યે નહીં જવાની આપણી યુક્તિ તે સ્વીકારશે પણ નહિ. માટે તેમણે જવાના નક્કી કરેલા નિર્ણયનું અનુમોદન કરીને તેને અનુરૂપ જ પ્રશ્નનો ઉત્તર કરવો, આવું મનમાં નક્કી કર્યું.૩૫

હે રાજન્ ! આ પ્રમાણે નક્કી કરી બન્ને સંતો શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે જે સમસ્યા પૂછી છે. તે બાબતમાં તો અમને આ પ્રમાણે જણાય છે કે, હે મહાપ્રભુ ! બન્ને ભક્તો તમારે માટે સમાન છે અને તમારે બન્નેનું અવશ્ય પ્રિય કરવું જોઇએ. છતાં પણ પ્રથમ તમારે નાગડકા પધારી સુરાખાચરનો સત્કાર સ્વીકારી પછીથી જુનાગઢ પ્રત્યે જવું જોઇએ.૩૬-૩૭

કારણ કે નાગડકાપુર જુનાગઢ માર્ગમાં વચ્ચે આવે છે. તેને છોડીને કોઇ બીજા આડે રસ્તે જુનાગઢ જવું તે કેટલું યોગ્ય જણાય છે ? માર્ગમાં આવતા ગામને છોડીને આગળ જવું બરાબર નથી.૩૭

તેથી પ્રથમ તમારે નાગડકાપુર જવું એવી અમારી બુદ્ધિનો નિર્ણય કહે છે. છતાં પણ જેવી તમારી ઇચ્છા હોય તેમ કરો.૩૯

આ પ્રમાણે બન્ને સંતોનાં વચનો સાંભળી શ્રીહરિ અતિશય વખાણવા લાયક બુદ્ધિવાળાઓની મધ્યે શ્રેષ્ઠ એવા તે બન્ને સંતોની પ્રશંસા કરી તેમનું સન્માન કર્યું, અને અતિશય પ્રસન્ન ચિત્તે મહાસભાના સ્થળે પધારી પોતાના આસન ઉપર વિરાજમાન થયા.૪૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારીયાણી ગામે હેમંતસિંહ રાજા તથા સુરાખાચરે પોતપોતાના પુર પ્રત્યે પધારવા આમંત્રણ આપ્યું ત્યારે પ્રથમ ક્યાં જવું તેનું નિરૂપણ કર્યું એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--