અધ્યાય - ૧૧ - ભગવાન શ્રીહરિએ દેશદેશાંતરમાં થતી પોતાના સંપ્રદાય સંબંધી લોકવાયકા ભક્તજનોને પૂછી અને ભક્તજનોએ તે કહી સંભળાવી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:23pm

અધ્યાય - ૧૧ - ભગવાન શ્રીહરિએ દેશદેશાંતરમાં થતી પોતાના સંપ્રદાય સંબંધી લોકવાયકા ભક્તજનોને પૂછી અને ભક્તજનોએ તે કહી સંભળાવી.

ભગવાન શ્રીહરિએ દેશદેશાંતરમાં થતી પોતાના સંપ્રદાય સંબંધી લોકવાયકા ભક્તજનોને પૂછી અને ભક્તજનોએ તે કહી સંભળાવી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિનયથી નમ્ર થયેલા તેમજ લોક વ્યવહાર અને શાસ્ત્ર વ્યવહારમાં વિચક્ષણ એવા સર્વે ભક્તજનોને બહુમાન આપી ભગવાન શ્રીહરિ સર્વ સભાસદોને સાંભળતાં પૂછવા લાગ્યા.૧

ભગવાન શ્રીનારાયણ મુનિ પૂછે છે, હે ભક્તજનો ! તમારા દેશોમાં મારે વિષે લોકો શું શું વાતો કરે છે ? તેમ જ આપણા ત્યાગી સંતો, ગૃહસ્થ ભક્તજનો તથા સધવા વિધવા સ્ત્રી ભક્તજનો વિષે સામાન્ય સર્વે લોકો કેવી કેવી વાતો કરે છે ?૨

તથા પૃથ્વીપર મારાથી વિમુખ જે જનો છે તે બીજા લૌકિક સાધુઓની તથા પોતાના ગુરુઓની કેવી કેવી વાતો કરે છે ?૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પૂછયું તેથી જે ભક્તજનને જે લોકવાયકા સાંભળવા મળી હતી કે પોતાની નજરે પોતે જે અનુભવી હતી તે તે સમગ્ર પોતપોતાના દેશમાં થઇ રહેલી વાર્તા શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા.૪

ભક્તજનો કહે છે, હે ભગવાન્ ! અમારા દેશમાં વિમુખજનો પણ તમારે વિષે જે જે પ્રકારે વાતો કરે છે તે તમને અમે જણાવીએ છીએ.૫

હે પ્રભુ ! વિમુખજનો એમ કહેતા હોય છે કે અત્યારે ધરતી પર નારાયણમુનિને ધન્ય છે. કારણ કે એ સહજાનંદ સ્વામી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત સમગ્ર એકાંતિક ધર્મનું રક્ષણ કરી રહ્યા છે.૬

એ નારાયણમુનિ છે તે ગૃહસ્થાશ્રમી સિવાયના અન્ય આશ્રમવાળા વાનપ્રસ્થ કે સંન્યાસી કે વિધુર પુરુષને આ કલિયુગમાં દુષ્કર એવું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્યવ્રત પાલન કરાવે છે.૭

વળી એ નારાયણમુનિ જે કામદેવના મોહમાં આવી વિદ્વાન પુરુષો પણ પશુઓ સાથે કે પોતાના ગોત્રની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે છે, એવા પ્રબળ કામનો પોતાના આશ્રિત સાધુજનો પાસે ત્યાગ કરાવી દીધો છે.૮

અને જે ધનના લોભથી વિવેકી જનો પણ પોતાના ભાઇ, મિત્ર આદિની હત્યા કરાવે છે તે લોભ દોષનો એ સ્વામિનારાયણ પોતાના આશ્રિતો પાસે સદંતર ત્યાગ કરાવે છે.૯

વળી લોકો કહે છે કે, જે રસાસ્વાદને અધીન થઇ મોટા મુનિઓ પણ કામવિહ્વળ થાય છે તેમજ પોતાનાથી નીચ જાતિનું અગ્રાહ્ય અન્ન ભક્ષણ કરી જગતમાં વર્ણસંકરતા પેદા કરે છે તેવા ભયંકર રસાસ્વાદને સહજાનંદ સ્વામી પોતાના આશ્રિતો પાસે ત્યાગ કરાવે છે.૧૦-૧૧

વળી મનુષ્યોને પોતાના શરીર અને શરીરના સંબંધમાં આવતી જે કોઇ વસ્તુમાં સ્નેહ રહી જવાથી રૌરવનરકની પ્રાપ્તિ થાય છે. તથા ભૂત પ્રેત આદિની યોનિ પ્રાપ્ત થાય છે, તે સ્નેહદોષનો સહજાનંદ સ્વામી પોતાના આશ્રિતજનો પાસે ત્યાગ કરાવે છે.૧૨-૧૩

વળી લોકો કહે છે કે, જે માનદોષને કારણે શાસ્ત્રવેત્તા પુરુષો પણ પોતાના ગુરુની કે સાધુપુરુષોની અવગણના કરે છે તથા જે માનથી મનુષ્યો પોતાનું પાપ ગુપ્ત રાખે છે અને પોતાના આત્માની શુદ્ધિ માટે પણ નિષ્કપટ ભાવે સાધુપુરુષોની આગળ પણ જણાવી શક્તા નથી, તેમજ જે માનને કારણે માણસ નિર્દય થઇ હિંસા આચરે છે, ન બોલવાનું બોલે છે. જેનાથી પોતાની અને પારકાની ઘાત થાય તેવો ક્રોધ ઉત્પન્ન થાય છે, તેવા જબર માનદોષને સ્વામિનારાયણ પોતાના આશ્રિત સાધુપુરુષો પાસે છોડાવે છે.૧૪-૧૬

એટલું જ નહિ આવા માનદોષને ત્યાગ કરીને વર્તતા તેમના સંતોને દુર્જન પુરુષો માર મારે, માથે ધૂળ ઉડાવે, ગાળો દે, દુર્વચનો બોલે, છતાં પણ સહન કરીને પૃથ્વી પર વિચરે છે.૧૭

એથી સહજાનંદ સ્વામીને ધન્ય છે. અને તે સહજાનંદ સ્વામી જ સાચા સદ્ગુરુ છે, અત્યારે એમની સમાન સાચા સદ્ગુરુ કે મહાપુરુષ અન્ય કોઇ નથી. એ પૂર્ણ સત્ય વાત છે.૧૮

વળી તે લોકો કહે છે કે, સ્વામિનારાયણના સાધુઓને પણ ધન્ય છે કે પોતાના ગુરુ સ્વામિનારાયણે કહેલા બ્રહ્મચર્યાદિક ધર્મોનું યથાર્થપણે નિયમમાં તત્પર થઇ પાલન કરે છે.૧૯

અને સ્વામીના આશ્રિત ગૃહસ્થ ભક્તજનોને પણ ધન્ય છે કે, જે ગૃહસ્થો પરસ્ત્રીને તો પોતાની માતા અને બહેન માનીને વર્તે છે.૨૦

તે ગૃહસ્થજનો વિધવા સ્ત્રીઓનો ક્યારેય પણ સ્પર્શ કરતા નથી. એટલું જ નહિ આપત્કાળ પડયા વિના તો પોતાની માતા, બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળમાં રહેતા નથી.૨૧

એ સ્વામીના આશ્રિત ગૃહસ્થો ભાંગ, ગાંજો, અફીણ, મદ્ય, દારુ, મત્સ્યાદિનું માંસ ભક્ષણ કરતા નથી. એ સિવાયની બીજી અભક્ષ્ય વસ્તુનું પણ ભક્ષણ કરતા નથી કે અપેય વસ્તુનું પાન કરતા નથી. ગૃહસ્થજનો ન્યાય અને નીતિથી જ ધન સંપાદન કરે છે.૨૨

સ્વામીના ગૃહસ્થ ભક્તજનો કોઇ માલિકે નહી આપેલા પારકા તૃણ કાષ્ઠાદિક વસ્તુઓનો ક્યારેય સ્વીકાર કરતા નથી. તેમજ આપત્કાળમાં પણ પોતાની કે પારકીની ઘાત કરતા નથી.૨૩

વળી તે સ્વામીના આશ્રિત ભક્તજનો પોતાના સ્વામી પાસેથી આત્મા-પરમાત્માનું દૃઢ જ્ઞાન પ્રાપ્ત કરેલા હોવાથી મોક્ષને માટે પણ ભૃગુએ અને તુંગે શાસ્ત્રમાં કહેલાં વચનોને અનુસરી પર્વત ઉપરથી પડતું મૂકવું કે અગ્નિમાં પડી બળી મરવું વિગેરે આત્મહત્યાનાં કર્મો પણ કરતા નથી.૨૪

આ પ્રમાણે અચળ મતિવાળા અને ધીરજધારી સ્વામીના શિષ્ય-ગૃહસ્થજનો તેમની આજ્ઞામાં દૃઢ વર્તતા હોવાથી તેઓને આ પૃથ્વી પર હજારો વાર ધન્ય છે.૨૫

વળી તે વિમુખ લોકો કહે છે કે, એ સ્વામીની આશ્રિત ગૃહસ્થ સધવા નારીઓ છે તે પણ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ જેનો હાથ પકડયો તે પતિ સિવાય અન્ય પુરુષોને પોતાના પિતા, ભાઇ કે પુત્ર તુલ્ય માને છે. આવા હળાહળ કળિયુગમાં જ્યાં જુઓ ત્યાં ઘણે ભાગે સ્ત્રીઓ વ્યભિચારિણી દેખાય છે, ત્યારે સ્વામીની આશ્રિત સ્ત્રીઓને ખૂબજ ધન્યવાદ દેવા ઘટે.૨૬

વળી સ્વામીની આશ્રિત વિધવા નારીઓ છે તે પણ ત્યાગી સાધુઓની પેઠે અષ્ટપ્રકારે પુરુષના ત્યાગરૂપ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે અને પુરુષોથી ચાર હાથ છેટે ચાલે છે. તેમજ પોતાના પિતા, ભાઇ કે પુત્ર સિવાયના અન્ય પુરુષો સાથે વાત પણ કરતી નથી.૨૭-૨૮

અને પોતાના સત્સંગી પિતા, ભાઇ કે પુત્ર પાસેથી જ શ્રીકૃષ્ણ ભગવાનની કથા વાર્તા સાંભળે છે, બીજાની પાસે કથા પણ સાંભળતી નથી. કોઇ અવશ્યનું કામ હોય તો માર્ગમાં પોતાના પિતાદિ સાથે જ ચાલે છે પરંતુ બીજા પુરુષો સાથે તો કદાપિ માર્ગમાં ચાલતી નથી.૨૯

તેમજ વિધવા સ્ત્રીઓ પણ પોતાના પિતા આદિકની સાથે પણ એકાંત સ્થળમાં ક્યારેય રહેતી નથી. આ પ્રમાણે સ્વામીની આશ્રિત વિધવા સ્ત્રીઓ પણ ધર્મ પાળે છે.૩૦

વળી વિમુખ લોકો વાતો કરતા હોય છે કે, સ્વામિનારાયણના આશ્રિત સાધુઓ, ગૃહસ્થો, ભાઇઓ, બહેનો સૌ કોઇ દૂધ, જળ, ઘી, તેલ આદિ ગાળ્યા વિનાનું ક્યારેય વાપરતા નથી. તેઓ એકાદશીઓ અને જન્માષ્ટમી આદિક વ્રતો રાખે છે.૩૧

સ્વામિનારાયણના આશ્રિત સર્વે ત્યાગીઓ અને ગૃહસ્થો સદાય પોતપોતાના ધર્મમાં દૃઢપણે વર્તી અનન્યભાવે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ કરે છે.૩૨

તેથી આલોકમાં સ્વામીના આશ્રિત નરનારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણા ગુરુઓ પોતાના ધર્મને છોડીને વર્તે છે.૩૩

તથા સ્વામી જેમ પોતાના શિષ્યોને ધર્મમાર્ગમાં વર્તાવે છે, તે રીતે આપણા ગુરુઓ આપણને વર્તાવતા નથી. તેથી તેમને ધિક્કાર છે તેમજ તેમને શરણે પડેલા અને સ્વામીથી વિમુખ આપણને પણ ધિક્કાર છે.૩૪

ભક્તજનો કહે છે, હે નારાયણ ! હે પ્રભુ ! આ પ્રમાણે સર્વે લોકો વાતો કરે છે. અને કેટલાક એમ પણ કહે છે કે, અમારે પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવો છે.૩૫

અને હે પ્રભુ ! આ પ્રમાણે કોઇ જનો વાત કરે ત્યારે બીજા જનો તેને એમ કહેતા હોય છે કે, જો આપણે આપણા કુળપરંપરાના ગુરુનો ત્યાગ કરી દેશું તો આલોકમાં આપણી લાજ જશે.૩૬

ત્યારે વળી તેમાં જે વિચક્ષણ પુરુષો હોય તે એમ કહે છે કે, હે... ભાઇ ! લાજ તો સ્વામિનારાયણનો આશરો કરશું તો જ રહેશે, નહીં તો આપણી લાજ મોડી વહેલી જવાની જ છે, તેમાં કોઇ સંશય નથી.૩૭

કારણ કે દુરાચારી અને નામ માત્રથી ગુરુઓ થઇ બેઠેલા આપણા ગુરુઓ થકી આપણી અનેક વિધવા નારીઓ, આપણી બહેનો અને પુત્રીઓ નિર્લજ્જ થઇ ગર્ભ ધારણ કરે છે.૩૮

વળી છૂપી રીતે મહાપાપરૂપ ગર્ભપાત પણ કરાવે છે. આમાં આપણી લાજ જવાની છે કે રહેવાની છે ? તેથી સ્વામિનારાયણનો આશ્રય કરી આપણી બહેન દિકરીઓનું કે વિધવાઓનું આપણે ગર્ભપાત રૂપ મહાપાપ થકી રક્ષણ કરવું જોઇએ.૩૯

હે પ્રભુ ! ત્યારે વળી તેમાંથી કોઇ જનો એમ પણ કહેતા હોય છે કે આવું ગર્ભપાતનું મહાપાપ કરવા છતાં અત્યાર સુધી તો બાહ્યરીતે આપણી લાજ સમાજમાં જળવાઇ રહી છે.૪૦

પરંતુ અત્યારે પૃથ્વી પર અંગ્રેજ સરકારનું સર્વત્ર રાજ્યશાસન થઇ ગયું છે, તેથી હવે આપણી લાજ ચોક્કસ જશે.૪૧

કારણ કે, તે અંગ્રેજ રાજા પોતાના ગુપ્તચરો દ્વારા વિધવા નારીઓ ગર્ભધારણ કરાવે અને ગર્ભપાત પણ કરાવે તે વાત જાણે છે, ત્યારે તે જ સમયે ગળે ફાંસલો આપી દેહાંતદંડની સજા પણ આપે છે.૪૨

તે રાજા આવી ગર્ભપાત કરનારી વિધવા નારીઓના સંબંધીઓને પકડીને રૂપિયાનો પણ દંડ કરે છે, તેથી આપણી લાજ પણ જશે અને પાપના ભાગીદાર પણ થશું.૪૩

આપણી વિધવા નારીઓનાં સંતાનોનું પાલન કરવાથી અથવા અંગ્રેજ રાજા તેનો વધ કરે કે આપણે લાજ રાખવા કદાચ તેનો વધ કરી નાખીએ તો તેનાથી આલોકમાં મૃત્યુ કરતાં પણ અધિક આપણી અપકીર્તિ થશે.૪૪

તેથી વર્તમાનકાળે આ પૃથ્વી પર ચારે વર્ણના મનુષ્યોને સ્વામી વિના બીજા કોઇનું શરણું સ્વીકારવા જેવું નથી. તેથી આલોક કે પરલોકના સુખ માટે આપણે સ્વામિનારાયણનુંજ સેવન કરવું જોઇએ.૪૫

અને જગતને છેતરનારા આપણા ગુરુઓને હવે આપણા ઘરમાં પણ પેસવા ન દેવા જોઇએ. કદાચ કોઇ બહાનું કરીને કોઇ પણ રીતે આપણા ઘરમાં આવે તો તેને તાડન કરવું, કે હાથ પગ ભાંગી નાખવા, જેથી ફરી આપણા ઘરમાં આવે જ નહિ.૪૬

આ રીતે આપણે તેનો સાથ છોડીને આપણી વિધવા નારીઓની સાથે સ્વામીનું શરણું લઇ તેનું જ ભજન કરશું, તો તેનાથી આપણાં પુણ્ય અને કીર્તિ વૃધ્ધિ પામશે.૪૭

હે મહારાજ ! હે શ્રીહરિ ! આ પ્રકારે સર્વે દેશોમાં મનુષ્યો વાતો કરે છે, આ રીતે અમે જે કાનોકાન સાંભળ્યું છે અને અનુભવ્યું છે તે પ્રમાણે જ તમને અમે કહ્યું.૪૮

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભક્તજનોનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ પોતાની સમીપે જ દિવ્ય સ્વરૂપે બિરાજમાન પોતાનાં માતા-પિતા ધર્મ-ભક્તિની સામું જોઇ મંદમંદ હાસ્ય કરવા લાગ્યા અને સૌ ભક્તજનોને પણ આનંદ આપી હસાવવા લાગ્યા.૪૯

હે રાજન્ ! આ પ્રમાણે ભક્તજનોએ ભગવાન શ્રીહરિની આગળ લોકવાયકાનું નિવેદન કર્યું. ત્યારપછી શ્રીહરિના આદેશથી નિવેદન કરવા આવેલા સર્વે ભક્તજનો શ્રીહરિના ચરણનો સ્પર્શ કરી અતિ હર્ષ પૂર્વક નમસ્કાર કરી તેઓ સર્વે સભામાં પોતપોતાની જગ્યા પર બેસી ગયા.૫૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર પધારેલા ભક્તજનો પાસેથી દેશદેશાંતરમાં થતી સ્વસંપ્રદાય સંબંધી લોકવાયકાનું શ્રીહરિએ શ્રવણ કર્યું એ નામે અગિયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--