વચનવિધિ કડવું - ૩૨ જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે; પદ-૮

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:29pm

વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી
નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી

વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર ।।
તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર ।। ર ।।

માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી ।।
તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી ।। ૩ ।।

જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી ।।
માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી ।। ૪ ।।

ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં ।।
જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે ખરી ખોટમાં ।। પ ।।

એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ।।
સહુ જન એ સાવચેત રે’જો, શીખની વાત આવી સાંભળી ।। ૬ ।।

જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ ।।
હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ ।। ૭ ।।

પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર ।।
નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર ।। ૮ ।।

પદ-૮
રાગ-ધોળ
‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે;
આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે. જયાન૦ ।। ૧ ।।
વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે;
અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે. જયાન૦ ।। ૨ ।।
ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે;
વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે. જયાન૦ ।। ૩ ।।
પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જયાં ત્યાં ન રે’વાય રે;
નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે. જયાન૦ ।। ૪ ।।