વચનવિધિ કડવું - ૨૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:23pm

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી
સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી

કામ ન સરે સતંસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ।।
મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ।। ર ।।

આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ।।
તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ।। ૩ ।।

વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી ।।
જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ।। ૪ ।।

જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ।।
જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ।। પ ।।

જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર ।।
તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ।। ૬ ।।

એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ।।
તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ।। ૭ ।।

મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।।
નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ।। ૮ ।।