વચનવિધિ કડવું - ૧૦

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:55pm

ભૂમાં એક ભૂપતિ નહુષ રાજનજી, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસનજી
ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઈ કહ્યું એમ વચનજી

વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી ।।
ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને, હવે કેમ વરું નરને ફરી ।। ર ।।

ત્યારે નહુષ અમલે થયો આંધળો, ખરાખરી ખબર નવ પડી ।।
ત્યારે જાણ્યું ઇન્દ્રાણિયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી ।। ૩ ।।

પછી વાહન સારુ વિલખાં કર્યા, પણ કોરું વાહન નવ જડ્યું ।।
ત્યારે શિબિકાયે ઋષિરાય જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ।। ૪ ।।

પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ સર્પ કે’તાં સર્પ થયો ।।
વચનદ્રોહીનું ફળ જોઈ, રખે કોઈ વચન લોપો ભયો ।। પ ।।

પણ અટપટી છે એ વારતા, કરવું ગમતું ગોવિંદતણું ।।
મન કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ।। ૬ ।।

અતિ રાજી થઈ રળિયાત રહી, જે કોઈ વર્તે છે વચનમાં ।।
ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે તનમાં ।। ૭ ।।

એમ પાળે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ।।
નિષ્કુળાનંદ એને નીરખતાં, રહે નહિ પાપ એક રતિ ।। ૮ ।।