રાગ - ગરબી
પદ-૧
ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઊં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઊં વ્હાલા.૧
ચિહ્ન અનુપમ અંગો અંગનાં, સુરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઊરમાં ઉતારું વ્હાલા. ૨
અરુણ કમલસમ જુગલચરણની, શોભા અતિસારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા. ૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઊર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા. ૪
અંગુઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મનભાવી વ્હાલા. ૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા. ૬
અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ ને કેતુ પદ્મ, જમણે પગે નવ વ્હાલા. ૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને મીન વ્હાલા;
અર્ધ ચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા. ૮
જમણા પગના અંગુઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઇ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા.૯
એજ અંગુઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા ;
પ્રેમાનંદ કહે નિરખું પ્રીતે, પ્રાણ લઇ વારું વ્હાલા. ૧૦
ora aavo shyam snehi, sundar var jou vahala,
jatan karine jivan maara, jeevmahi prou vahala || 1 ||
Chinha Anupam Ango Angna, Surate Sambharu Vahala,
Nakhsikh Nirkhi Nautam Mara, Urma Utaaru Vahala || 2 ||
Arun Kamal Sam Jugalcharanni, Shobha Atisariwala,
Chintvan Karwa Aatoor Ati, Maanvruti Mari Vahala || 3 ||
Pratham Te Chintvan Karu, Sundar Soale Chinha Vahala,
Urdhavarekha Opi Rahi, Atishe Naveen Vahala || 4 ||
Angutha Angali Vacchethi, Nisrine Aawi Vahala,
Paanini Bae Kore Jotaa, Bhakta Ne Maan Bhaavi Vahala || 5 ||
Jugal Charanma Kahu Manohar, Chinha Tena Naam Vahala,
Shuddha Mane Kari Sambharata, Naash Pame Kaam Vahala || 6 ||
Astakonne Urdhavarekha, Swastik Jambu Jav Vahala,
Vraj Ankush Ketu Ne Padma, Jamane Pagge Naav Vahala || 7 ||
Trikon Kalash Ne Gopaad Sundar, Dhanush Ne Min Vahala,
Ardha Chandra Ne Vyom Saat, Che Daabe Paage Chinha Vahala || 8 ||
Jamana Pagna Anguthana, Nakhmahi Chinha Vahala,
Te Toa Nirkhe Je Koi Bhakta, Pritiae Pravin Vahala || 9 ||
Aej Anguthani Paase, Til Ek Nautam Dharu Vahala,
Premanand Kahe Nirkhu Pritae, Pran Lai Vaaru Vahala || 10 ||
પદ-૧-૮ ( ધીમા રાગમાં)
પદ-૧-૪ (ખુબ ધીમા રાગમાં)
પદ-૪-૮ (ખુબ ધીમા રાગમાં)
૫દ - ર
ચરણકમળની છબી ચિતવતાં, અલૌકિક વહાલા; ૧
સરવે ચિહ્મ સંભારી ધારું, અંત સમે મુડી વહાલા.
જમણા પગના અંગુઠા પાસેની આંગળિયે વહાલા;
ડાબે પડખે તિલ એક સુંદર, નિરખી દુઃખડાં લીએ વહાલા. ર
જમણા પગની નૌત્તમ છેલી, આંગળિની બારે વહાલા,
તીલ એક નખને પાસે જોતા, વાલપ વધારે વહાલા. ૩
ડાબા પગની ઉર્ધ્વરેખાની, ડાબી તે કોરે વહાલા;
બે ચિહ્મ પાસે પાસે શ્યામ, ચિતડાને ચોરે વહાલા. ૪
બે પગની આંગળિયો તળાં, મનોહર રાતાં વહાલા;
અંગુઠા આંગળિના નખ, રાતા ચડિયાતા વહાલા. પ
બે ચરણનાં અંગુઠાને, આંગળિયો ઉપર વહાલા;
જોયા જેવા ઝીણા ઝીણા, રોમ અતિ સુંદર વહાલા. ૬
બે અંગુઠા પાસેની બે, આંગળિયે જોઉં વહાલા;
ચાંખડીયોનાં રૂડા ચિહ્મ, તે પાંપણીયે લ્હોઉ વહાલા. ૭
બે પગની બહારલી ઘુંટી, તે હેઠે કેવા વહાલા;
આસનનાં ઘસારાનાં ચિહ્મ, જોવા તે જેવાં વહાલા. ૮
જમણા પગની ઘુંટી ઉપર, પાંચ તસુ છે જો વહાલા;
નળીને ઉપર તીલ એક તેમાં, મન મારું રહેજો વહાલા. ૯
મોટું એક ચિહ્મ જમણા પગની, સાથળને બા’રે વહાલા;
પ્રેમાનંદ કહે પ્રીતે નિરખું, વારે ને વારે વહાલા. ૧૦
પદ - ૩
શોભા નિરખી નેણાં મારાં, ત્રપત ન થાયે વહાલા;
મનડું મગન થયું છે હૈડે, હરખ ન માટે વહાલા. ૧
ડાબા પગની ઘુંટી ઉપર, પાંચ તસુ કહીએ વહાલા;
નળી ઉપર મોટો તીલ, મનમાં ધારી લઇએ વહાલા. ૨
તેને પાસે નાનો તીલ છે, તેમાં ચિત્ત ચોટુયું વહાલા;
એ પગનાં ઘુંટણની બા’રે, એક ચિહ્ન છે મોટું વહાલા. ૩
શ્યામકટિ રૂપાળી જોઇને, કંદર્પ લાજે વહાલા;
શિતળ ઉદરમાંહી ત્રિવળી, સુંદર બિરાજે વહાલા. ૪
ઉંડી ગોળ અનુપમ નાભી, તેની બે કોરે વહાલા;
બે તીલ છે બહુ રૂપાળા, તે ગમીયા મન મોરે વહાલા. ૫
નાભીથી પણ બે તસુ ઉપર, ત્રણ તીલને ધારૂં વહાલા;
બે તીલ ઉપર એક એક છે, એક વચ્ચે સંભારૂં વહાલા. ૬
વચલા તીલથી બે તસુ ઉંચો, એક તીલ નિરખીને વહાલા;
જમણી કુખમાં બે તીલ મોટા, જોઉં હરખીને વહાલા. ૭
ડાબે પડખે કુખથી ઉપર, મોટા તિલ ચારે વહાલા;
તેની પાસે બીજા નાના, ચાર તીલ એક હારે વહાલા. ૮
રોમતણું રુપાળું શ્રીવત્સ, ચિહ્મ સુંદર સુખદાયી વહાલા;
વિનગુણ હાર હૈયામાં શોભે, સુંદર સુખદાયી વહાલા. ૯
છાતી વચ્ચે એક ચિહ્મ, અર્ધ ચંદ્ર આકારે વહાલા;
પાંચ તસુ પ્હોળું જોઇ પ્રેમાનંદ પ્રાણ વારે વહાલા. ૧૦
પદ - ૪
એ ચિહ્મ વચ્ચે રૂડો લગાર, ડાબી તે કોરે વહાલા;
સુંદર એક તીલ મોટો, મારા ચિતડાને ચોરે વહાલા. ૧
એ તીલથી છે ડાબી કોરે, બે તસુ છેટે વહાલા;
એક તિલને જોતાં સરવે, ભવદુઃખને મેટે વહાલા. ૨
બે તીલથી બે તસુ છેટે, બાડી કોર માંહી વહાલા;
સ્તન ઉપર એક તીલ તેમાં, ચિત્ત ચોંટ્યું જોઇ વહાલા. ૩
બે સ્તનથી ઉપર છે , બે છાપતણાં ચિહ્મ વહાલા;
એ છબી જોવા સારૂં મારૂં, મન છે આધીન વહાલા. ૪
કરિના બે કર સરખી ભુજા, તે દીર્ધ ઉદાર વહાલા;
સંભારતાં તરત તે, ઉતારે ભવપાર વહાલા. ૫
જમણી ભુજાને પાસે છે, માંહે ઉભીતે હારે વહાલા;
જોયા જેવા સુંદર મોટા, તીલ રૂડા ચારે વહાલા. ૬
જમણી ભુજાના મૂળથકી છે, ત્રણ તસુ હેઠે વહાલા;
એક છાપનું ચિહ્મ જોતા, જનમ મરણ મેટે વહાલા. ૭
તે છાપનું ચિહ્મ રૂડું, તેને પડખે બા’રે વહાલા;
નાના તીલ છે ચાર તેને, જાઉં વારે વારે વહાલા. ૮
કુરિયો છે શ્યામ બેઉ કર, કઠણ છું પ્રુચા વહાલા;
બે તીલ છે બહુ રુજા, જમણા પુંચાથી ઉંચા વહાલા. ૯
જમણા હાથની છેલ્લી આંગળિ, તે ઉપર સારો વહાલા;
પ્રેમાનંદ કહે મોટો તીલ એક, લાગે અતિ પ્યારો વહાલા. ૧૦
પદ - ૫
રૂપાળા છો રાજીવલોચન, ધર્મતણા કુમાર વહાલા;
શોભાની છો સીમા મારા, નેણતણા શણગાર વહાલા. ૧
ડાબી ભુજાના મૂળથી હેઠે, ત્રણ તસું છે જો વહાલા;
છાપતણા એક ચિહ્મમાંઇ, નિત્ય મન મારૂં રહેજો વહાલા. ૨
ડાબી કુણીથી હેઠો નૌતમ, ઉપરલે ભાગે વહાલા;
તીલ એક જોતાં મારા મનને, રુડો બહુ લાગે વહાલા. ૩
ડાબા હાથના અંગુઠા પાસેની, આંગળિયે વહાલા;
નખને પાસે નાનો તીલ, મનમાં ધારી લીયે વહાલા. ૪
એ આંગળી ને વચલી આંગળી, એ બેઉને મધ્યે વહાલા;
એક તીલ છે અતિ નૌતમ, જોયા જેવો સંધે વહાલા. ૫
ડાબા હાથના પોંચા ઉપર, સુંદર એક તીલ છે વહાલા;
એ માંહી તે મનડું મારૂ, વળગું વિશેકે વહાલા. ૬
બે હાથના નખ નૌતમ, છે રાતા ચડિયાતા વહાલા;
અગ્ર ભાગે તિક્ષણ છે, અતિ રૂડા દેખાતા વહાલા. ૭
બે હાથની હથેલી છે, રાતી સુખધામ વહાલા;
હથેલીમાં રેખા થોડી, થોડી છે જો શ્યામ વહાલા. ૮
બે હથેલીના મૂળ ઉપર, આઠ તસુ જોતા વહાલા;
છાપતણાં બે ચિહ્મો અનુપમ, ચિત્તમાં પરોતાં વહાલા. ૯
કંઠ વચ્ચે તીલ એક અનુપમ, જોતાં દુઃખ જાયે વહાલા;
તેની પાસે નાનો તીલ એક, પ્રેમાનંદ ગાયે વહાલા. ૧૦;
પદ - ૬
રૂપ તમારૂં રસિયાજી, નિરખતાં સુખદાયી વહાલા;
ચિહ્મતણો નહિ પાર વધારે, વાલપ ઉરમાંહી વહાલા. ૧
ડાબા ખભાથી હેઠો, વાંસામાં છે મરમાળો વહાલા;
રોમ સહિત મોટો તીલ રૂડો, જોતાં રૂપાળો વહાલા. ૨
એ તીલથી હેઠો વાંસમાં, એક તીલ છે બીજો વહાલા;
તેને હેઠે જોયા જેવો, એક તીલ છે ત્રીજો વહાલા. ૩
કરોડાની જમણી કોરે, ડોક થકી હેઠે વહાલા;
સુંદર એક તીલ જોયા જેવો, બે તસુ છેટે વહાલા. ૪
જમણી ખરપડી ઉપર નૌતમ, એક તીલ છે નાનો વહાલો;
પ્રીત કરીને રાખું મારા, મનમાંહી છાનો વહાલા. ૫
કરોડાની જમણી કોરે, વાંસમાં સારા વહાલા;
ચાર તીલ છે જોયા જેવા, લાગે બહુ પ્યારા વહાલા. ૬
ડાઢીથી હેઠો એક તીલ છે, અતિશે અનુપ વહાલા;
ડાઢી ઉપર કેશની રેખા, સુંદર સખરુપ વહાલા. ૭
મધુર અધરપર શોભે રૂડી, રોમતણી રેખું વહાલા;
હસતું કમળ સરીખું મુખ, ઓરા આવો દેખું વહાલા. ૮
મુખમાંહે જમણી કોરની, હેઠલી જે ડાઢ વહાલા;
તેમાં શ્યામ સુભગ ચિહ્મ એક, જોઉં રાખી સુખકારી વહાલા. ૯
શ્યામ ચિહ્મ છે જોવા જેવું, જીભમાં સુખકારી વહાલા;
સુંદર વદન કરળપર જાયે, પ્રેમાનંદ વારી વાહાલા. ૧૦
પદ - ૭
હરિજનના જીવન છો મોહન, ભક્તચિન્તામણિ વહાલા;
શી કહું શોભા સુંદર વરજી, અંગોઅંગતણી વહાલા. ૧
જમણી કોરે કપોળમાં, નાસીકા પાસે વહાલા;
એક મોટો તીલ જોતાં સરવે, દુઃખ મારાં નાશે વહાલા. ૨
એ તીલને પાસે એક નાનો, તીલ તેને જોઇએ વહાલા;
નેત્રતણા ખુણાથી હેઠો, તેમાં ચિત્ત પ્રોઇએ વહાલા. ૩
બે નેત્રની પાંપણ ઉપર, ભ્રકુટીને થડે વહાલા;
તેને હેઠે ઉપર ઝીણી, કરચલીયો પડે વહાલા. ૪
નાસીકા ઉપર છે ઝીણા, ચિહ્મ તે અભિરામ વહાલા;
ડાબા કાનામાં શ્યામ બિન્દુ તે, છબી તણું ધામ વહાલા. ૫
અમળ કમળદળ સમ આંખડી, રૂડી રૂપાળી વહાલા;
કંદર્પની કમાન સરખી, ભ્રકુટી મે ભાળી વહાલા. ૬
ચડીયાતા વિશાળ ભાલમાં, રસાળી તે શોભે વહાલા;
તિલક આકારે ઉભી રેખા, બે જોઇ ચિત્ત લોભે વહાલા. ૭
ભાલમાંહી મનોહર જોતાં, જમણી તે કોરે વહાલા;
કેશથી હેઠું એક અનુપમ, ચિહ્મ તે ચિત્ત ચોરે વહાલા. ૮
કેશર કેરી આડ મનોહર, ભાલ વચ્ચે કીધી વહાલા;
કુમકુમને ચાંદલીયે મારી, બુદ્ધિ હરી લીધી વહાલા. ૯
તાળવા ઉપર એક રૂપાળો, મોટો તિલ જોઇ વહાલા;
પ્રેમાનંદ કહે મારૂં મન ત્યાં, રહ્યું જાઇ મોહી વહાલા. ૧૦
પદ - ૮
શોભાના શણગાર હરી મારા, હૈડાના છો હાર વહાલા;
ધર્મતણા કુમાર મારા, પ્રાણ તણા આધાર વહાલા. ૧
અતિશે રૂપાળા સુંદર, શિખાના છે કેશ વહાલા;
છબીપર બલહારી જાયે, શારદ ને શેષ વહાલા. ૨
શિખાને સમીપે રૂડો, એક તીલ છે આગે વહાલા;
એ છબી નિરખતાં મારાં, સરવે દુઃખ ભાગે વહાલા. ૩
શિખાને પછવાડે જમણી, કોરે તે કહીએ વહાલા;
ત્રણ તીલ છે અતિ રૂડા, સામું જોઇને રહીએ વહાલા. ૪
નખશિખ નિરખી સુંદર સરવે, ચિહ્મ મેં ગાયાં વહાલા;
ચિંતવન કરી નિત્યે મારા, ચિત્તમાં ઠેરાયાં વહાલા. ૫
બાવન છે સરવે ચિહ્મ, ત્રેસઠ તીલ છે જો વહાલા;
રૂપ શીલ ને ગુણે સોતા, અંતરમાં રહેજો વહાલા. ૬
એ વીના ઝીણા તીલ ચિહ્મ છે, અંગમાં અપાર વહાલા;
ગાયાં મેં તો જોઇ મારી, બુદ્ધિને અનુસાર વહાલા. ૭
આવી રીતે મૂરતિને જે, અંતરમાં ધારે વહાલા;
પ્રીત કરીને ચિહ્મ અનુપમ, સરવે સંભારે વહાલા. ૮
તેના ઉરમાં આવી તમે, નાથ કરો વાસ વહાલા;
કામ ક્રોધ ને કાળ માયા, તે સહુ પામે નાશ વહાલા. ૯
એ પદ જે કોઇ શીખે સુણે, પ્રીત કરીને ગાશે વહાલા;
પ્રેમાનંદ કહે તે પર સ્વામી, બહુ રાજી થાશે વહાલા. ૧૦