૧૬ ભગવાને કરેલું કાલીનાગનું દમન.

Submitted by swaminarayanworld on Thu, 12/11/2015 - 11:13pm

અધ્યાય ૧૬

ભગવાને કરેલું કાલીનાગનું દમન.

શુકદેવજી કહે છે શ્રીકૃષ્ણ ભગવાને યમુનાજીને કાલીનાગથી દૂષિત થયેલી જોઇ, તેને શુદ્ધ કરવાની ઇચ્છાથી તે કાલીનાગને તેમાંથી બહાર કાઢ્યો. ૧

પરીક્ષિત રાજા પૂછે છે- એ યમુનાના અગાધ જળની અંદર ભગવાને નાગને શી રીતે શિક્ષા કરી ? અને તે કાલીનાગ સ્થલચર પ્રાણી છતાં ઘણા યુગ પર્યંત જળમાં શા કારણથી અને કયા પ્રકારથી રહેતો હતો ? તે કહો. ૨  હે મહારાજ ! સ્વતંત્ર એવા શ્રીકૃષ્ણ ગોવાળપણાના ઉદાર ચરિત્રરૂપી અમૃત પીતાં કોણ તૃપ્તિ પામે ? ૩

શુકદેવજી કહે છે યમુનાજીમાં કાલીનાગનો એક ધરો હતો, કે જે ધરાનું પાણી ઝેરરૂપી અગ્નિથી ઊકળતું હતું. અને જે એ ધરા ઉપરથી ઊડતાં પક્ષીઓ પણ પડી જતાં હતાં.૪ એ ધરાને કાંઠે જે કોઇ સ્થાવર જંગમ પ્રાણીઓ હોય તે પવનના કારણે ઊડતાં નાનાં જળનાં બીંદુસ્પર્શથી મરી જતાં હતાં. ૫  દુષ્ટ લોકોનો નિગ્રહ કરવા સારુ જ જેણે અવતાર લીધો છે, એવા શ્રીકૃષ્ણ ભગવાન કાલીનાગને બહુજ ભયંકર ઝેરના બળવાળો જાણીને અને તેણે નદીને દુષ્ટ કરી નાખેલી જોઇને, દૃઢ ભેટ બાંધી, ઊંચા કદંબ ઉપરથી ઝેરી પાણીમાં પડ્યા. ૬ શ્રીકૃષ્ણ ભગવાનના પડવાના વેગથી ક્ષોભ પામેલા સર્પોના ઝેરથી પાણી ઊંચું ચડ્યું, અને મોજાં ઊછળવા લાગ્યાં, આવો એ કાલીનાગનો ધરો જાણે દોડતો હોય એવી રીતે ચારેકોર સો સો ધનુષ સુધી ફેલાઇ ગયો. છતાં અનંત બળવાળા ભગવાનને તો એ સર્વ લીલા માત્ર છે. ૭ ધરામાં વિહાર કરતા અને મદોન્મત્ત ઉત્તમ હાથીના સરખા પરાક્રમવાળા, એ ભગવાનના ભુજદંડથી ઘૂમેલા જળનો શબ્દ સાંભળીને, પોતાના ઘરનો પરાભવ થયો જાણી, અસહનતાથી કાલીનાગ ભગવાનની પાસે આવ્યો. ૮  જોવા યોગ્ય સુકુમાર, મેઘની પેઠે શ્યામસુંદર, શ્રીવત્સને ધરનાર, પીળાં વસ્ત્રવાળા, એવા શ્રીકૃષ્ણ ભગવાનને કાલિયનાગ ક્રોધથી કરડીને પોતાના શરીરથી વીંટાઇ વળ્યો. ૯ ભગવાનના પ્રિયમિત્ર ગોવાળો કે જેમણે ભગવાનને જ પોતાના દેહ, સંબંધી, ધન, સ્ત્રીઓ અને ઇષ્ટ પદાર્થો અર્પણ કરેલાં હતાં, એવા તે ભગવાન નાગના શરીરથી વીંટાએલા અને જેની ચેષ્ટા જોવામાં આવતી ન હતી, એવા ભગવાનને જોઇને બહુ જ પીડા પામ્યા, અને દુઃખ, શોક તથા ભયથી ર્મૂિછત થઇને પૃથ્વી પર ઢળી પડ્યા. ૧૦  ગાયો અને વાછરડાંઓ દુઃખથી ચીસો પાડવા લાગ્યાં, ભય પામી ભગવાનની સામું જોઇ રોતાં હોય તેમ ઊભાં રહ્યાં. ૧૧ એજ સમયે વ્રજમાં અત્યંત ભય સમીપમાં છે, એવું સૂચવનારા ત્રણ પ્રકારના ઉત્પાતો થયા. તેમાં પૃથ્વી ઉપર ભૂકંપ આદિ, આકાશમાં ઉલ્કાપાત આદિ અને પોતાના શરીરમાં ડાબાં અંગો ફરકવાં એ આદિ. ૧૨  ઉત્પાતોને જોઇ, ભયથી ઉદ્વેગ પામેલા અને  ભગવાનના સ્વરૂપને નહીં જાણનારા નંદાદિક ગોવાળો, ગાયો ચારવાને એકલા ગયેલા ભગવાનને જાણી અને તે અપશુકનો ઉપરથી તેમને મરણ પામેલા માની, ભગવાનનાં દર્શનની ઇચ્છાથી બાળક, વૃદ્ધ અને સ્ત્રીઓ સહિત સર્વે ગોવાળો ગોકુળમાંથી બહાર નીકળ્યા. તેના પ્રાણ અને મન ભગવાનમાં જ હતાં. અને સર્વે વ્રજવાસીઓ દુઃખ, શોક તથા ભયથી આતુર અને દીન થઇ ગયાં હતાં. ૧૩-૧૫ ગોવાળોને આ પ્રમાણે ભય પામેલા જોઇ પોતાના નાના ભાઇના પ્રભાવને જાણનારા બળભદ્ર હસવા લાગ્યા, પણ કાંઇ બોલ્યા નહીં. ૧૬ પોતાના પ્યારા શ્રીકૃષ્ણને શોધવા લાગેલા તે ગોવાળો ભગવાનના પગલાંએ સૂચવેલા માર્ગથી યમુનાજીને કાંઠે ગયા. ૧૭ એ ગોવાળો ગાયોના પગલાંની સાથે સાથે કમળ, યવ, અંકુશ, વજ્ર અને ઊર્ધ્વરેખાનાં ચિહ્નવાળાં ભગવાનનાં પગલાંઓને જોતા જોતા ઉતાવળથી ત્યાં પહોંચ્યા.૧૮  ધરાની અંદર ભગવાનને સર્પથી વીંટાએલા અને શરીરની ચેષ્ટા વગરના જોઇ, અને યમુનાના કાંઠે ગોવાળોને મૂઢ થયેલા, અને પશુઓને ભાંભરતાં જોઇ મુંઝાઇ ગયા. ૧૯ ભગવાનમાંજ જેનું મન લાગી રહ્યું હતું એવી અને ભગવાનનાં સ્નેહ, મંદહાસ્ય, કટાક્ષ અને વચનોને સંભારતી તથા ભગવાન સર્પથી લેવાઇ જતાં બહુ જ દુઃખથી તપી ગયેલી ગોપીઓ પોતાના પ્યારા શ્રીકૃષ્ણ વિના ત્રૈલોક્યને ઉજજડ દેખવા લાગી.૨૦  યશોદા પોતાના પુત્રની પાછળ પાણીમાં પડવા લાગ્યાં, તેમને પકડી રાખીને આંસુ વહાવતી અને યશોદાની સમાન જ વ્યથાવાળી અને ભગવાનના મુખ ઉપર દૃષ્ટિ રાખી રહેલી, એવી ગોપીઓ મડદાં જેવી થઇ ગઇ હતી. ૨૧  જેઓના પ્રાણરૂપ કૃષ્ણ જ હતા એવા નંદાદિ ગોવાળોને ધરામાં પડતા જોઇ, શ્રીકૃષ્ણના પ્રભાવને જાણનારા બળદેવજીએ તેઓને રોકી રાખ્યા હતા. ૨૨  પછી પોતા સિવાય બીજી જેમની કોઇ ગતિ નથી અને પોતાને માટે જ દુઃખી થતું એવું સ્ત્રી તથા બાળકો સહિત ગોકુળને જોઇ, મનુષ્ય લીલાનું અનુકરણ કરતા ભગવાન શ્રીકૃષ્ણ બે ઘડીવાર એવી જ સ્થિતિમાં રહીને, તરત સર્પના બંધનમાંથી બહાર નીકળ્યા. ૨૩  ભગવાનનું શરીર વધવા માંડતાં જેના શરીરના સાંધા ત્રુટવા લાગ્યા છે, એવો કાલીનાગે પોતાનો આંટો છોડી નાખીને ક્રોધથી પોતાની ફેણો ઊંચી કરી, કેવળ ભગવાનની સામું જોઇને ફુંફાડા માર્યા કરતો હતો. ૨૪ પ્રત્યેક મોઢાંમાં બબ્બે અણીવાળી જીભથી ગલફાં ચાટ્યા કરતા અને અત્યંત ભયંકર ઝેરરૂપી અગ્નિથી ભરેલી દૃષ્ટિવાળા એ કાલિયનાગની ચારેકોર ક્રીડા કરતા ભગવાન ગરુડની પેઠે ફરવા લાગ્યા, અને લાગ જોયા કરતો એ કાલિયનાગ પણ ભગવાનની ચારેકોર ફરવા લાગ્યો. ૨૫  આ પ્રમાણે ફરવાથી જેની શક્તિ હણાઇ ગઇ છે એવા અને ઊંચી ફેંણોવાળા કાલિયને નમાવી ભગવાન તેની મોટી ફેંણ ઉપર ચઢી ગયા. તે સમયે કાલીનાગના મસ્તકમાં રહેલા રત્નોના સમૂહના સ્પર્શથી જેનાં ચરણારવિંદ બહુ જ ચળકવા માંડ્યાં, એવા ભગવાન નાગનું માથું ચંચળ હતું તોપણ પોતે નૃત્યાદિક સર્વ કળાઓના મુખ્ય જ્ઞાતા હોવાથી તેના ઉપર નૃત્ય કરવા લાગ્યા. ૨૬  કાલીનાગની ફેણ ઉપર નૃત્ય કરતા ભગવાનને જોઇ ભગવાનના સેવક એવા ગાંધર્વો, સિદ્ધ, દેવ, ચારણ અને અપ્સરાઓ પ્રેમ પૂર્વક મૃદંગ, પણવ, વાદ્ય, ગીત, પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિથી સેવા કરવા સમીપે આવ્યા. ૨૭  હે રાજા ! જેનાં એકસો મુખ્ય માથાં હતાં એવો કાલીનાગ પોતાની આયુષ્ય ક્ષીણ થયા છતાં પણ ફર્યા કરતો હતો, તેનું જે જે માથું નમતું ન હતું તેને, ભગવાન પોતાના ચરણનો પ્રહાર કરીને નમાવતા હતા. મોઢાંમાંથી અને નાકમાંથી ભયંકર લોહી ઓકતો એવો નાગ બહુજ કષ્ટ પામ્યો.૨૮  ક્રોધથી લાંબા શ્વાસ લેતો અને આંખથી ઝેર ઓકતો એ નાગનો મદ ઉતારી નાખ્યો. તે સમયે દેવતાઓ દ્વારા પુષ્પથી પૂજાયેલા ભગવાન સાક્ષાત્  પુરાણપુરુષ જેવા, ગોવાળોના જોવામાં આવ્યા. ભગવાનનાં વિચિત્ર તાંડવને લીધે  ફણાઓમાંથી  ઘણું લોહી ઓકતો અને ગાત્રભંગ થયેલો નાગ, શ્રીકૃષ્ણ ભગવાનને સ્થાવર જંગમના ગુરુ એવા સાક્ષાત્ નારાયણ જાણીને મનથી તેમને શરણે ગયો. ૨૯-૩૦ જેના ઉદરમાં સઘળું જગત રહેલું છે. એવા ભગવાનના બહુ જ ભારથી પીડા પામેલો અને ભગવાનના ચરણની પાનીના પ્રહારથી જેનું ફણારૂપી છત્ર ભાંગી પડ્યું છે, એવા કાલીનાગને જોઇને પીડા પામેલી અને જેનાં વસ્ત્ર ભૂષણ અને કેશબંધ શિથિલ થઇ ગયા હતા,  એવી નાગની પત્નીઓ ભગવાનને શરણે આવી. ૩૧  બહુજ ઉદ્વેગ પામેલી અને પતિના દુઃખથી છુટકારો ઇચ્છતી, એ નાગપત્નીઓ હાથ જોડી પોતાના શરીરથી ધરતી ઉપર દંડવત્પ્રણામ કરીને શરણ આપનારા ભગવાનને શરણે ગઇ ૩૨ નાગ પત્નીઓ સ્તુતિ કરે છે હે મહારાજ ! આપે આ અપરાધીને તેના અપરાધની શિક્ષા કરી તે યોગ્ય જ છે. કારણ કે શત્રુ તથા પુત્રોના ઉપર સમાન દૃષ્ટિ રાખનારા આપનો આ અવતાર, ખળ લોકોને શિક્ષા કરવા માટે છે. અને તમો પણ કર્મના ફળ તરફ જ દૃષ્ટિ રાખીને અપરાધની શિક્ષા કરો છો. ૩૩  આપે અમારા પતિની શિક્ષા કરી તે પણ અમારી ઉપર અનુગ્રહ કર્યો છે. કારણ કે આ અમારા પતિને જે પાપથી સર્પનો અવતાર આવ્યો છે તે પાપ આપના ક્રોધથી દૂર થયું છે, માટે આપના ક્રોધને પણ અમો અનુગ્રહરૂપ માનીએ છીએ.૩૪ પૂર્વે આ નાગે પોતે માનનો ત્યાગ કરીને અને બીજાઓને માન આપીને સર્વ જન ઉપર દયા રાખવા પૂર્વક કયું તપ કર્યું હશે ? અને કયો ધર્મ સારી રીતે પાળ્યો હશે ? કે જેથી સર્વને જીવાડનાર આપ પ્રસન્ન થયા છો. ૩૫  ઉત્તમ સ્ત્રી લક્ષ્મીએ પણ જે આપના ચરણને પામવાની ઇચ્છાથી સર્વ વૈભવનો ત્યાગ કરી તથા ઘણા કાળ સુધી નિયમો પાળી તપ કર્યું હતું, તે આપના ચરણના સ્પર્શનો અધિકાર આ સર્પને મળ્યો, તે શા પુણ્યના પ્રભાવથી મળ્યો ? એ અમે જાણતાં નથી. ૩૬  આપના ચરણારવિંદની રજને સેવનારા પુરુષો સ્વર્ગ, ચક્રવર્તીપણું, બ્રહ્માની પદવી, પાતાળનું રાજય, યોગની સિદ્ધિઓ અથવા મોક્ષને પણ ઇચ્છતા નથી. ૩૭  હે નાથ ! બીજાઓને ન મળે એવી આપની ચરણરજને તમોગુણથી ઉત્પન્ન થયેલો અને ક્રોધને વશ આ નાગ પણ પામ્યો, કે જે ચરણરજથી સંસારચક્રમાં ભટકતો પ્રાણી માત્ર ઇચ્છા કરે તેટલામાં જ જોઇતું સુખપ્રાપ્ત થઇ જાય છે. ૩૮  અંતર્યામી, મહાત્મા, આકાશાદિક પંચમહાભૂતના આશ્રયરૂપ, સર્વના આદિકારણ અને સર્વ કારણોના પણ કારણ આપ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. ૩૯  જ્ઞાન તથા વિજ્ઞાનના ભંડાર, પરબ્રહ્મ, અનંત શક્તિવાળા, સત્વાદિક માયિક ગુણોથી રહિત, ર્નિવિકાર અને પ્રકૃતિને પ્રવર્તાવનાર આપને પ્રણામ કરીએ છીએ.  ૪૦  કાળસ્વરૂપ, કાળશક્તિના આશ્રયરૂપ, નિમેષથી આરંભીને વર્ષ પર્યંતના જે કાળના અવયવો તેના સાક્ષી, વિશ્વરૂપ, વિશ્વના દ્રષ્ટા, વિશ્વના કર્તા, વિશ્વના કારણરૂપ, પંચભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્ત આ સર્વેના પ્રવર્તક, અહંકારને કારણે દેહાદિકમાં અભિમાનવાળા તથા સ્વતંત્રપણાના અભિમાનવાળા જીવોને, પોતાના સ્વરૂપનું સુખ નહિ આપનારા, અનંત, સૂક્ષ્મ, કૂટસ્થ, સર્વજ્ઞ, સાંખ્ય, યોગ એ આદિ અનેક પ્રકારના વાદોની જેમાં સમાપ્તિ થઇ જાયછે. અને વાચ્ય પદાર્થ અને વાચક શબ્દ તેના તો એક શક્તિરૂપ, અર્થાત્ આ શબ્દથી આ પદાર્થ જાણવું આવો સંકેત જેના થકી થાય છે. આવા આપને પ્રણામ કરીએ છીએ. ૪૧-૪૩નેત્રાદિ સર્વે ઇન્દ્રિયોના કારણરૂપ, સર્વજ્ઞપણાથી યુક્ત, વેદો જેના શ્વાસ છે. અર્થાત્ વેદોના આવિર્ભાવના કારણરૂપ, પ્રવૃત્તિ કર્મ તથા નિવૃત્તિ કર્મનું પ્રતિપાદન કરનારા અને ઉપનિષદ્ સંબન્ધી જ્ઞાનના પ્રવર્તક, એવા આપને નમસ્કાર કરીએ છીએ. ૪૪ સર્વે જનોના દુઃખનું આકર્ષણ કરનારા હોવાથી કૃષ્ણ શબ્દથી કહેલા, સર્વે જનોને આનંદ આપનારા હોવાથી રામશબ્દથી કહેલા, શુદ્ધ અંતઃકરણમાં આવિર્ભાવ પામનારા હોવાથી વસુદેવસુત શબ્દથી કહેલા, પ્રકૃષ્ટ ધનથી યુક્ત હોવાથી પ્રદ્યુમ્ન શબ્દથી કહેલા, જ્ઞાની ભક્તોના નિરોધથી રહિત હોવાથી અનિરુદ્ધ શબ્દથી કહેલા, અને એકાંતિકભક્તોના પતિ એવા આપને પ્રણામ કરીએ છીએ.૪૫ પોતાના ભક્તજનોની આગળ કૃપાળુપણું એ આદિક ગુણોને પ્રકટ કરનારા અથવા   મનુષ્યલોકમાં આવીને સત્ય, શૌચાદિગુણોને બતાવનારા, અને દેવ મનુષ્યાદિકને વિષે અવતારો ધારણ કરીને તે તે દેવ મનુષ્યની જાતિના જે સ્વભાવો, તેણે કરીને સમગ્ર ઐશ્વર્યથી યુક્ત સ્વસ્વરૂપને ઢાંકી દેનારા, તથા સત્વગુણની વૃત્તિરૂપ શમદમાદિ ભક્તિનાં સાધનો દ્વારા જાણવા યોગ્ય અને દોષોનો ત્યાગ કરીને ભક્તોના કેવળ ગુણોને જ જોનારા, અને પોતાના ભક્તોની આગળ જ્ઞાન ગોષ્ઠીને કરનારા, તથા પ્રકૃતિના કાર્યથી પર વિહાર કરનારા, અથવા અવ્યાકૃત એવા બ્રહ્મપુરને વિષે વિહાર કરનારા, અને નામરૂપાદિ સર્વે વ્યાકૃતિઓની સિદ્ધિમાં કારણરૂપ ઇન્દ્રિયોને પ્રવર્તાવનારા, ગુણાત્મક વાણીના ઉચ્ચારથી રહિત જેનો સ્વભાવ છે. આવા નારાયણમુનિ જે તમો, તે તમોને અમો પ્રણામ કરીએ છીએ. ૪૬-૪૭  મોક્ષરૂપી પર ગતિને અને બંધનરૂપી અવર ગતિને જાણનારા, તથા પોતાના આશ્રિતોને તો પોતાની ર્મૂતિ પર્યંત સર્વે વસ્તુ આપવામાં મહાઉદાર, એ જ કારણથી સર્વે પુરુષાર્થોના અધિપતિ, સમગ્ર વિશ્વની અંદર અંતર્યામીપણે પ્રવેશ કરીને રહેલા, છતાંપણ સમગ્ર વિશ્વથી વિલક્ષણ અને સમગ્ર વિશ્વના દ્રષ્ટા તથા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ એવા આપને અમો પ્રણામ કરીએ છીએ. ૪૮  હે પ્રભુ ! આપ અનાદિભૂત કાળનામની શક્તિને ધારણ કરનારા છો. સંકલ્પ સિવાયની સમગ્ર ક્રિયાઓથી રહિત છો. સત્વગુણ, રજોગુણ, અને તમોગુણ દ્વારા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારા છો. અને સત્વાદિગુણમય જેમના સ્વભાવો છે, એવા જીવોને કૃપા દૃષ્ટિથી દંડ આપીને જાગ્રત કરો છો. અને સફળ છે જગત વ્યાપારરૂપ વ્યવહાર જેનો, એવા આપને અમો પ્રણામ કરીએ છીએ. ૪૯  હે પ્રભુ ! આ ત્રિલોકીમાં સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનાં તમારાં શરીરો છે. અને તમો ત્રણેના શરીરી આત્મા છો. જો કે ત્રણે પ્રકારનાં તમારા શરીરો હોવાથી ત્રણેય અનુગ્રહ કરવા યોગ્ય છે, છતાં પણ સ્થિતિ કર્તા અને અત્યારે સત્પુરુષોના ધર્મનું રક્ષણ કરવા માટે પ્રવર્તેલા એવા તમોને સાત્વિક શરીરોનું રક્ષણ કરવું એ જ પ્રિય છે. છતાં હે પ્રભુ ! અમો દંડ મળ્યાથી પહેલાં તો તામસ શરીરવાળાં હતાં, પણ અત્યારે તમારા દંડને પામીને સાત્વિક થયેલાં છીએ. માટે અમો આપના અનુગ્રહને માટે યોગ્ય છીએ, તેથી આપ અમારા ઉપર અનુગ્રહ કરો. ૫૦  હે મહારાજ ! દયા કરો, હવે આ સર્પના પ્રાણ જાય છે. જે અમો સાધુ પુરુષોએ શોક કરવા યોગ્ય સ્ત્રીઓ છીએ, તે સ્ત્રીઓને આ પતિરૂપ પ્રાણનું દાન આપો. ૫૧ સ્વામીએ એકવાર પોતાની પ્રજાએ કરેલા અપરાધનું સહન કરવું જોઇએ. આવી લોક રીતિ છે, માટે હે શાંત સ્વભાવવાળા ! આ નાગ મૂઢ છે અને તમને જાણતો નથી, તેના ઉપર ક્ષમા કરવી જોઇએ. ૫૨ આપને જે આજ્ઞા કરવાની હોય તે અમોને કરો. અમો આપની દાસીઓ છીએ, અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું. કારણ કે આપની આજ્ઞાને શ્રદ્ધાથી પાળનાર પ્રાણી સર્વ ભયથી મૂકાય છે. ૫૩

શુકદેવજી કહે છે- આ પ્રમાણે નાગ પત્નીઓએ સારી રીતે સ્તુતિ કરેલા ભગવાને, મૂર્છા પામેલા અને ચરણવડે પ્રહાર કરવાને લીધે જેનાં માથાં ભાંગી ગયાં હતાં, એવા નાગને છોડી દીધો.૫૪ ધીરે ધીરે જેનાં ઇંદ્રિયો અને પ્રાણ પાછાં મળ્યાં એવો અને કષ્ટથી શ્વાસ લેતો અને દીન થઇ ગયેલો કાલિનાગ હાથ જોડીને બોલ્યો કે- અમો જન્મથી જ ખળ, તમોગુણી અને લાંબા ક્રોધવાળા છીએ. હે નાથ ! લોકોને જે સ્વભાવથી મિથ્યા આગ્રહ થયો છે તે સ્વભાવ છોડી દેવો એ અશક્ય છે. ૫૫-૫૬ હે પ્રભુ ! સત્વાદિક ગુણો દ્વારા આ વિશ્વને તમોએ જ સર્જેલું છે. જે  વિશ્વની અંદર જુદા જુદા સ્વભાવો, જુદી જુદી દેહની શક્તિઓ, જુદી જુદી ઇન્દ્રિયોની શક્તિઓ, જુદી જુદી ઉત્પત્તિ ક્ષેત્રની શક્તિઓ, કારણ શક્તિઓ અને જુદી જુદી વાસનાઓ તથા આકૃતિઓ રહેલી છે. આ જગતની અંદર જન્મથી જ અમો ક્રોધવાળા સર્પો છીએ, તો આપે જ મોહ પમાડેલા અમો આપની દુઃખે કરીને ન તરી શકાય એવી માયાને શી રીતે છોડી શકીએ? ૫૭-૫૮  સર્વજ્ઞ અને જગદીશ્વર આપ જ માયાનો ત્યાગ કરવામાં કારણ છો, માટે ‘‘મારી જ માયાથી મોહિત થયેલા આલોકો, પ્રાણીઓને ખાઇ જાય છે’’ એમ જાણી અમારા પર કૃપા કરવી યોગ્ય જણાય તો કૃપા કરો. ૫૯

શુકદેવજી કહે છે- ધર્મ રક્ષણરૂપી કાર્યને માટે મનુષ્યરૂપે થયેલા ભગવાન આ પ્રમાણે નાગનું વચન સાંભળી બોલ્યા કે- હે સર્પ ! તારે અહીં રહેવું નહીં. તારા સંબંધીઓને લઇને તું સમુદ્રમાં જા. હવે ગાયો અને મનુષ્યો આ ધરાને ઉપયોગમાં લેશે. મેં આ જે તને શિક્ષા કરી તેનું વર્ણન જે મનુષ્ય સાંભળશે અને સાંજ સવાર કીર્તન કરશે તે માણસને તમારે ભય આપવો નહીં, મારી ક્રીડાના સ્થાનરૂપ આ ધરામાં નાહીને જે માણસ જળથી દેવતાઓનું તર્પણ કરશે, તથા ઉપવાસ કરીને સ્મરણ કરતાં મારું પૂજન કરશે તે સર્વે પાપથી મૂકાશે. અને તું જે ગરૂડના ભયથી રમણકદ્વીપને મૂકીને આ ધરામાં રહ્યો છે તે ગરુડ હવે, તું મારા ચરણના ચિહ્નથી ચિહ્નિત થયો તેથી તને ખાશે નહીં.૬૦-૬૩

શુકદેવજી કહે છે- શ્રીકૃષ્ણ ભગવાન આ અદભૂત કર્મ કરીને કાળીનાગને આજ્ઞા કરતાં તે નાગે પોતાની સ્ત્રીઓની સાથે શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી.૬૪ દિવ્ય વસ્ત્ર, માળાઓ, અમૂલ્ય ભૂષણ, ચંદન અને કમળની માળાથી ભગવાનની પૂજા કરી તથા તેમને પ્રસન્ન કરી રાજી થયેલો કાલી શ્રીકૃષ્ણ ભગવાનની આજ્ઞા લઇ પ્રદક્ષિણા તથા પ્રણામ કરી પોતાના કુટુંબ પરિવાર સાથે સમુદ્રના દ્વીપમાં ગયો. તે દિવસથી લીલા માટે મનુષ્યનારૂપને ધારણ કરનાર ભગવાનના અનુગ્રહથી તે અમૃત સરખા જળવાળી યમુના ઝેર રહિત થઇ. ૬૫-૬૭

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સોળમો અધ્યાય સંપૂર્ણ.